એડમીશન
વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં
– ‘ઘાયલ’
રીવાનના દસ દસ વર્ષથી જોવાયેલા સપના હવે પૂરાં થવાની તૈયારીમાં હતાં. નાનપણથી એને એંજીનીયર બનવું હતું. કોઇ પણ એને પૂછે કે”બેટા મોટો થઈને શું બનીશ ?’ એટલે રીવાનનો જવાબ તૈયાર જ હોય..એની ગોળ લખોટી જેવી આંખો મોટી કરીને ,થોડી ચમકાવીને એ તરત જ કહે, “એંજીનીયર.” એ સમયે ‘એંજીનીયર’ની વ્યાખ્યા અલગ હતી અને એ જેમ જેમ આગળ ભણતો ગયો ત્યારે એને એન્જીનીયરની અલગ વ્યાખ્યા જ જાણવા – શીખવા મળી. એંજીનીયરના પ્રકારો વિશે જાણવા મળ્યું. એની પાછળ આપવો પડતો સમયનો, પૈસાનો. મહેનતનો ભોગ એટલે શું? એનું મહત્વ સમજાતું ગયું. મંઝિલ અઘરી હતી પણ રીવાનને તો યેન કેન પ્રકારેણ એંજીનીયર જ બનવું જ હતું. આ વર્ષે એણે બારમાની પરીક્ષા આપી અને એમાં એ એની મહેનતના જોરે એણે ઇચ્છેલા માર્કસ લઈ આવ્યો હતો. હવે રાહ જોવાતી હતી પ્રતિષ્ઠિત ગણાતી આઈઆઈટીમાં પ્રવેશ માટેની અને અલગ અલગ ખાનગી કોલેજોમાં આપેલી એન્ટરન્સ એક્ઝામના પરિણામની.
આમ તો એણે નેટ પર બધી જ જોઇતી ઇન્ફોર્મેશન મેળવી જ લીધી હતી, પણ આજે એ એના પપ્પા સાથે એના શહેરમાં આવેલી અને પાંચમા નંબરની ગણાતી સુધાનગર આઈઆઈટીમાં ‘કેમ્પસ ટુર’ માટે જવાનો હતો. સવારના ૯ વાગ્યાથી કાઉંસેલિંંગ ચાલુ થઈને સાંજના ૬ વાગ્યા સુધીનો પ્રોગ્રામ હતો. સ્કુલનો છોકરો આજે આઈઆઈટીના પગથિયા ચડી રહ્યો હતો, ભવિષ્યના મોટા મોટા સપનાંથી આંખો અંજાયેલી હતી. આઠ વાગ્યામાં જ એ તૈયાર થઈને બેસી ગયેલો. મમ્મી થોડો નાસ્તો બનાવી રહી હતી અને પપ્પા બાથરુમમાં દાઢી કરી રહ્યાં હતાં.
‘આ લોકો હવે જલ્દીથી ફ્રી થાય તો સારું.’ મનોમન વિચારતો રીવાન સોફા પર બેસીને ટીવી જોઇ રહ્યો હતો. ટીવી તો કહેવા માત્રનું જ જોતો હતો બાકી મનમાં ચાલતી બેચેની એના પગની સતત હલચલ પરથી સ્પષ્ટ દેખાઇ આવતી હતી. આખરે બધા રેડી થઈને ગાડીમાં નીકળ્યા અને ૯ અને ૧૦ મીનીટે એ લોકો સુધાનગરના કેમ્પસને ‘ટચ’ થઈ ગયા હતાં. રીવાનની મમ્મી તો ૪૦૦ એકરનું કેંપસ જોઇને જ આભી થઈ ગઈ. કોલેજના બિલ્ડીંગ સુધી પહોંચવા માટે ગાડીમાં પણ એમને બીજી પાંચ મીનીટ લાગી. ચોતરફ હરિયાળી, ઠંડો વાયરો અને શાંત વાતાવરણ..કોલેજ તો વળી એનાથી પણ સુંદર.અદ્યતન ચોપડીઓથી સજ્જ વાતાનુકુલિત લાયબ્રેરી – જ્યાં અમુક છોકરાંઓ સોફામાં બેસીને પોતાના લેપટોપ પર જે રીતે સર્ફિંગ કરી રહ્યાં હતા એના પરથી ત્યાં વાઈફાઈની સુવિધા સ્પષ્ટપણે જણાઇ આવતી હતી. લગભગ ચાર પાર્ટીશનમાં વહેંચાયેલી આ લાયબ્રેરીમાં આશરે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ વાંચી રહ્યાં હતાં પણ ત્યાં ટાંકણી પડે તો પણ સંભળાય એવી નીરવ શાંતિ જળવાયેલી હતી. લેબ પણ લેટેસ્ટ હતી.એક બાજુ આધુનિક સાધનોવાળું જીમ હતું. બીજી બાજુ હોસ્ટેલના બિલ્ડીંગ્સ ને બાજુમાં સ્પોર્ટસના ગ્રાઉંડ, સ્વીમિંગ પુલ અને છેલ્લે સરસ મજાની ટેબલ ખુરશી અને બધી જ જાતના અને સ્વચ્છ ખાવાપીવાની સુવિધાવાળી કેન્ટીન.
‘ આ લોકો ભણવા આવશે કે અહીં મજા કરવા ? આવી કોલેજો તો મેં ખાલી પિકચરોમાં જ જોઇ છે. શું આપણો રીવાન અહીંયા ભણશે ?’
રીવાનની મમ્મીની આંખો અચરજથી અંજાઈ ગઈ હતી.
‘રીવાનને અહીં એડમીશન મળી જાય તો સારું, આપણે હોસ્ટેલનો ખર્ચો બચી જશે. વળી આ ઇંસ્ટીટ્યુટનું પ્લેસમેંટ પણ સારું છે, હા શરદનગરની આઈઆઈટી જેટલું નહીં. શરદનગરની તો વાત જ અલગ. ત્યાંથી નીકળેલ છોકરું કંઈક અલગ જ હોય. કોલેજના છેલ્લાં વર્ષોમાં તો એને સારામાંની કંપનીઓના પ્લેસમેંટ માટેના લેટર્સ આવતાં થઈ જાય છે. વળી એનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ફેકલ્ટી પણ અદભુત જ્ઞાની, અનુભવી.’ રીવાનના પપ્પાની આંખોમાં રીવાન કરતાં પણ વધારે ચમક હતી. કેમ્પસનો આંટો મારતા મારતા લગભગ બે અઢી કલાક થઈ ગયા હતાં અને હવે કોલેજવાળા ચા નાસ્તો કરાવી રહ્યાં હતાં. ચા પી ને બધા પ્રોફેસર્સ અને પેરેન્ટસ – સ્ટુડંટ્સ મીટીંગ માટે એક મોટા વાતાનુકૂલિત રુમમાં ભેગા થયાં.
દરેક વિધ્યાર્થી અને માતા પિતા પોતપોતની મૂંઝવણો દૂર કરી રહ્યાં હતાં જેનો જે -તે સ્ટ્રીમના પ્રોફેસર સંતોષકારક જવાબ આપી રહ્યાં હતાં ત્યાં રીવાનના પપ્પાંને શું સૂઝ્યું તો એમણે ઉભા થઈને એક પ્રશ્ન પૂછ્યો,
‘તમે કોલેજના કેમ્પસ અને સુવિધાઓ માટે આટલા પૈસા ખર્ચો છો તો ફેકલ્ટી માટે એટલું ધ્યાન કેમ નથી આપતાં ? તમે શારદાનગરની ફેકલ્ટી જુઓ..એકથી એક ચડિયાતા , અનુભવી પ્રોફેસર્સ છે. એ લોકોને લાખોમાં પગાર ચૂકવાય છે અને તમે લોકો નવા નવા પ્રોફેસર્સની ભરતી કરો છો – જેમને ઓછો પગાર ચૂકવવો પડે. વિધ્યાર્થીઓ પાસેથી આટઆટલી ફી લઈને તમે નાંખો છો ક્યાં આખરે ? તમારી કોલેજ શારદાનગરની આઈઆઈટી જેવી ક્યારે થશે ?’
ને આખો રુમ સ્તબ્ધ ! આ માણસ શું બોલી રહેલો એનું એને ભાન બાન હતું કે નહીં ?
‘જુઓ મિસ્ટર એમાં એવું છે કે અમારી ઇન્સ્ટીટ્યુટ શારદાનગરથી નવી છે, અમારા અનેક પ્રોફેસર્સ ઘરડાં થઈ ગયેલા એટલે રીટાયર્ડ કરવા પડ્યાં કારણ એ લોકો અત્યારના સમયની દોડ સાથે કદમ નહતા મિલાવી શકતાં પણ એનો અર્થ એમ નહીં કે અમે ઓછી કાબેલિયતવાળા પ્રોફેસર્સની ભરતી કરી છે. પણ તમે અમારી કોલેજનો છેલ્લાં વર્ષોનો ગ્રોથ જોશો તો ખ્યાલ આવશે કે અમારે ત્યાં પણ માસ્ટર્સ કરનારા અને પી.એચ.ડી કરનારા લોકોની સંખ્યા વધી રહી છે, પ્લેસમેંટ્સના પેકેજીસ પણ સારા થતાં જાય છે. વળી અમારું કેમ્પસ અમે આ વર્ષે જ નવું બનાવ્યું છે જેમાં લઘભગ કરોડો રુપિયા ખર્ચાયા છે. ગર્વનમેંટે અમારી કાબેલિયત જોઇને ૯૯ વર્ષ માટે એક રુપિયાના લીઝ પર આખી ચારસો એકરની જમીન આપી છે.’
‘આ બધી નરી બનાવટો જ હોય છે તમારી. બાકી સરખી રીતે મહેનત કરો અને સાચે જ વિદ્યાર્થીઓના ભાવિની, દેશના ભાવિની ચિંતા હોય તો ફેકલ્ટીસ માટે પણ પ્રયત્ન કરો જ.’
હવે રીવાનના પપ્પા હદ વટાવી રહ્યાં હતાં. સમય અને સ્થળનું ભાન ભૂલી રહ્યાં હતાં. રીવાને એમનો હાથ દબાવીને એમને બેસી જવા દબાણ કર્યું પણ એ જીદી માણસ ઉભો જ રહ્યો.
‘મિસ્ટર, તમે શારદાનગર આઈઆઈટીના આટલાં જ ચાહક છો તો તમારા દીકરાને એમાં જ ભણવા મૂકી દો. આમ પણ એ ઇન્ડીઆની નંબર વન ઇન્સ્ટીટ્યુટ છે.’
‘તકલીફ જ એ છે ને..મારા દીકરાનો ઓલ ઇન્ડીઆના સ્ટુડન્ટ્સની પરીક્ષામાં કેટલામો ક્રમાંક આવશે એ નક્કી નહીં ને ? એ કોલેજમાં મારા દીકરાનો એક થી હજારમાં રેન્ક આવે તો જ એડમીશન મળે જે ખૂબ જ અઘરું છે. અમારી ધારણા મુજ્બ એનો રેન્ક સાતથી આઠ હજાર સુધીમાં આવશે. અમે ફોર્મ તો ભરીશું જ બધી કોલેજના, પણ ત્યાં ચાન્સીસ ઓછા છે.’
‘મહોદય, તમને ખબર છે શારદાનગરનો રેન્ક..?’ મીકેનિકલ એન્જીનીયરને ફેકલ્ટીના સ્માર્ટ, હેંડસમ યુવા પોર્ફેસરે પૂછ્યું
‘ઓફકોર્સ, નંબર વન છે ઇન્ડીઆમાં, દેશ વિદેશથી વિધ્યાર્થીઓ ત્યાં ભણવા આવે છે. દરેક એંજીનીયરનું એક સ્વપન હોય ત્યાં ભણવાનું.’
‘અને અમારી કોલેજનો રેન્ક નવમો છે એ ખ્યાલ છે ને?’ આ વખતે કોમ્પ્યુટર એંજીનીરીયગના પ્રોઢ પ્રોફેસર બોલ્યાં.
‘હાસ્તો, અને એ પણ ખબર છે કે તમારે ત્યાં એડમીશન માટેનું ‘કટઓફ’ છ થી આઠ હજારનું હોય છે. એથી મને લાગે છે કે મારા દીકરાને અહીં તો એડમીશન મળી જ જશે.’
‘તો મહાશય, તમે તમારા દીકરાને એક થી હજાર સુધીના રેંકમાં આવવા માટે તૈયાર કેમ ના કર્યો ?’ હેન્ડસમ પ્રોફેસર સહેજ હસીને બોલ્યાં.
‘કારણ કે…કારણ કે….એટલા નંબર સુધી પહોંચવાની મારી રીવાનની તાકાત નહતી…એણે પ્રયત્ન તો પૂરા કર્યા જ છે પણ….’
અને રીવાનના પપ્પા થોડાં થોથવાઈ ગયાં. પોતાની ભૂલ એમને સમજાઈ ગઈ અને ચૂપચાપ બેસી ગયાં. કાઉન્સેલિંગની પ્રક્રિયા આગળ ચાલી.
અનબીટેબલઃ માનવીએ પોતાની લાયકાત જેટલું જ માંગવું જોઇએ અને પોતાની લાયકાત જેટલું મેળવવાની કોશિશ પણ સતત કર્યા કરવી જોઇએ.