અશક્યઃ
जि़ंदगी ग़र है तवाज्ज़ून का हुनर तो,
तंग रस्सियों पे चलना शीख लेंगे।
-भार्गव ठाकर.
એમ.એન.સીની સફેદ ઝગ ક્યુબની પાછળ બ્રાઉન શર્ટ અને મરુન આડી લાઈનિંગવાળી સિલ્કની ટાઈમાં શોભતા ક્લીન્શેવ્ડ – સ્માર્ટ ચહેરાના માલિક સુનીલ ગુપ્તાને જોઇને કાચના પાર્ટીશનની બીજી તરફથી એક મોટો હાયકારો પડઘાયો. એ હાયકારો હતો ક્લેરીકલ વિભાગના રોશન તનેજાનો ! રોશન તનેજા – સંજોગોનો મારેલો – હારેલો વ્યક્તિ જે આ કંપનીમાં ક્રેડિટ કાર્ડના ડિપાર્ટમેન્ટમાં સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતો હતો. એના પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યાં હોવાથી નાની બેન અને ભાઈના ઉછેરની જીમ્મેદારી એના ખભે આવી ચડતા બારમા ધોરણ પછી ભણવાનું છોડી દેવું પડેલું. ભણવામાં અતિતેજસ્વી એવા રોશનના મનમાં નાનપણથી જ માસ્ટર ડિગ્રી મેળવીને સરસ મજાની પાંચ આંકડાની નોકરી કરવાની મહેચ્છા હતી. પણ પિતાજીના અવસાન પછી મન મસોસીને પોતાની ઇચ્છા ઉપર પૂર્ણવિરામ મૂકી દીધેલું. સમય એનું કામ કરતો ગયો અને આજે રોશન ભાઈ અને બહેનને પરણાવીને પોતે પણ પરણીને લાઈફમાં સેટલ થઈ ગયેલો હતો. બધું બરાબર હતું પણ ઓછા ભણતરના કારણે પોતે જેને લાયક હતો એ પગારનો આંકડો એ નહતો મેળવી શકતો અને પોતે જે લાઈફ વિચારી હતી એવી લાઈફ એ જીવી નહતો શક્તો એનો અફસોસ એના હ્ર્દયમાં ભારોભાર પ્રજવ્વળતો રહેતો. એમાંય આજકાલના નવા આવેલ સુનીલગુપ્તાની આધુનિક કેબિન, ઠસ્સો અને પગાર જોઇને એ નિસાસો પાછો સળગી ઉઠતો. રોશનના ચહેરા પર આવતાં – જતાં ભાવોની એની બાજુમાં બેઠેલો એનો પરમ મિત્ર અનુરાગ ખૂબ જ ઝીણવટથી નોંધ લઈ રહ્યો હતો. એણે હળવેથી રોશનના પગ પર પોતાનો હાથ મૂક્યો અને બોલ્યો,
‘જસ્ટ રીલેક્શ દોસ્ત.’
‘શું ધૂળ રીલેક્શ થાઉં અનુ ? હું થોડું વધારે ભણેલો હોત તો આજે સુનીલની જગ્યાએ એ ભવ્ય કેબિનમાં હું હોત…પણ અફસોસ..’
‘તું કાયમ આવી રીતે અફસોસ જ કેમ કરે છે?’
‘મતલબ ?’
‘મારો કહેવાનો મતલબ એ છે કે અફસોસ કરીને બેસી રહેવાના બદલે તું તને જોઇતી મંઝિલ તરફ આગળ કેમ નથી વધતો ?’
‘એ ક્યાંથી શક્ય બને ? હવે તો ફુલ ટાઇમની નોકરી, બૈરા છોકરાંની જવાબદારી…’
‘જો એક વાત સ્પષ્ટ છે, તારે જે પ્રકારની નોકરી જોઇએ છે એ પ્રકારની નોકરી માટે તારી શૈક્ષણિક લાયકાત ઓછી છે. તારે એ કમી તો પૂરી કરવી જ પડશે.’
‘અરે યાર, હું પચીસ વર્ષનો થઈ ગયો છું, મહિના પછી મારા ઘરમાં મારા બીજા સંતાનનો જન્મ થવાનો છે. જે કમાઉ છું એમાંથી માંડ માંડ ઘર ચાલે છે. આ બધા માટે મારે મારી આ નોકરી કોઇ પણ હિસાબે સાચવી રાખવાની છે. ભણવા બેસું તો નોકરી ખોઇ બેસું, માટે તારી આ સલાહ મારા કોઇ જ કામની નથી. આ સફળ થવાની કોઇ જ શક્યતા નથી.’
‘ઓહ, મતલબ તેં તારા મનમાં ઠસાવી જ લીધું છે કે તું આનાથી વધારે કશું જ નહીં કરી શકે…તો કોઇ વાંધો નહીં.તું અહીં જ આ કેબિનમાં ક્લાર્કગીરી કરીને જીવ્યા કર. પણ એક કામ કર. તું ફરીથી કોલેજમાં જવું છે એવું દ્રઢપણે વિચારવા લાગ. એ પછી એ વિષય પર જે પણ વિચારો આવે એ મનમાં આવવા દે અને તું આગળ ભણી પણ શકે અને નોકરી કરીને તારા કુટુંબને પાલી-પોષી પણ શકે એ માટે શું કરી શકાય એ દિશામાં પણ વિચાર અને બે અઠવાડીયા પછી મને મળ. ‘
બે અઠવાડીયા પછી લંચટાઈમમાં રોશન અનુરાગની સાથે કેન્ટીનમાં બેઠો હતો.
‘અનુ, મેં તારી વાત પર બહુ જ વિચાર્યું. લાગલગાટ બે અઠવાડીઆથી વિચારતાં હવે મને લાગે છે કે મારે મારી ક્વોલીફીકેશન વધારવી જ જોઇએ. ક્વોલીફીકેશન વધારવા માટે હું રાત્રે રાત્રે બે કલાક ઘરે બેસીને ઓનલાઇન કોર્સ પણ કરી શકું છું. આ વિશે મેં મારી પત્ની આરતીને વાત કરતાં એ પણ બહુ ખુશ થઈ ગઈ અને અમે બે જણે સાથે બેસીને મારા કામના કલાકોની ગોઠવણ કરી દીધી. આખું ય ટાઈમટેબલ બની ગયું છે જો આ.’
આમ કહીને એણે ખીસામાંથી પોતાની ટચુકડી ડાયરી કાઢીને અનુરાગને બતાવી અને આગળ બોલ્યો,
‘આ ટાઇમટેબલ મુજબ ચાલીશ તો વર્ષ પછી કદાચ મારે પરીક્ષાની વધુ તૈયારી માટે એક બે અઠવાડીઆની રજા લેવી પડશે જે વિશે બોસ સાથે વાત કરતાં એ પણ ખુશ થઈ ગયા અને મારો વિકાસ થતો હોય તો આવી રજા માટે કંપની પગાર નહીં કાપે, પૂરેપૂરા પૈસા આપશે અને જરુર હશે તો વગર વ્યાજની લોન પણ આપશે.. જેવી વાત કરી. લાઇફમાં હવે બધું સરળ, આનંદદાયી લાગે છે. મારા આત્મવિશ્વાસનું લેવલ પણ ઘણું વધી ગયું છે. આ બધા માટે મારા મગજમાં તેં જે વિચારબીજ રોપ્યું હતું એ બદલ તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’ કહીને એણે અનુરાગના બે હાથ પકડી લીધા, આંખમાં ખુશીના ઝળઝળિયાં આવી ગયા. અનુરાગે ધીમેથી એની પાંપણ પરથી મોતી હાથમાં લઈ લીધું ને બોલ્યો,
‘ જે કર્યું એ તેં અને તારી દ્રઢવિચારસરણીવાળી શૈલીએ કર્યું છે. હું તો માત્ર આંગળી ચીંધનારો. તારી હકારાત્મક વિચારશૈલી, તારા પોતાના આત્મવિશ્વાસે જ તારામાં વિચારોની આ બુલંદી જગાવી છે. બસ તો હવે પળનો ય વિલંબ કર્યા વિના ફતેહ કરો, વિજય આગળ જ છે દોસ્ત.’ ને બે મિત્રો ગળે વળગી પડયાં.
અનબીટેબલઃ અશકયતાનો વિચાર તમારા કામને ખરેખર ‘અશક્ય’ બનાવી મૂકે છે.