Aalsu


 

આળસુ:
बिछड़ने वालों ने आपस में दोस्ती कर ली,
ये पहली बार मुहब्बत में कुछ नया हुवा है!
-શાહિદ નવાઝ.
રાતનો એક વાગવા આવ્યો હતો પણ મિતાલીની આંખોમાં હજુ સુધી નિંંદ્રાદેવીની કૃપા ઉતરે એવા કોઇ એંધાણ નહતા દેખાતા. કંટાળીને મિતાલીએ ફેસબુક ચાલુ કર્યુ અને એને મીનાક્ષી મળી ગઈ. મીનાક્ષી, એની સ્કુલ સમયની બહેનપણી હતી અને મેરેજ કરીને અમેરિકા જઈને વસી ગયેલી. મિતાલીને તો મજા પડી ગઈ. આમ પણ દસ કલાકની નોકરીની લ્હાયમાં એની સોશિયલ લાઈફનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મજબૂરીમાં હાજરી પૂરાવવા પડે એવા પ્રસંગોમાં નાછૂટકે જઈ આવતી બાકી તો આખા દિવસના ગધ્ધાવૈતરું પછી થાકીને લોથપોથ થઈ જાય ત્યારે એને પથારી જ દેખાતી. થાકના પ્રભાવ હેઠળ એને રોજ અગિયાર વાગ્યામાં તો પથારીમાં પડે એવી જ ઉંઘ આવી જતી હતી પણ આજે ખબર નહીં શું થયેલું..મગજ ગોટાળે ચડેલું અને ઉંઘ વેરી! મેસેંજર ખોલીને એ મીનાક્ષી સાથે ચેટીંગ કરવા લાગી.
‘હાય મીનુ, હાઉ આર યુ?’
‘ હું તો મજા મજામાં તું બોલ…પહેલાં એ કહે કે હજુ જાગે છે કેમ ? તમારે ઇન્ડિયામાં તો અત્યારે મારા ખ્યાલથી રાતનો એકાદ વાગ્યો હશે ને ?’
‘હા, આમ તો હું સૂઇ જ ગઈ હોઉં આ સમયે, પણ આજે નથી સૂઇ શકી. છોડને એ બધું, તું ત્યાંના સમાચાર આપ. છોકરાંઓ ને જીજાજી કેમ છે? તારી જોબ કેવી ચાલે?’
‘અરે, બધું સરસ સરસ છે ડીઅર, છોકરાંઓ હવે મોટા થઈ ગયા અને યુનિવર્સિટીમાં બીજી સીટીમાં ભણવા જતાં રહ્યાં છે તો અમે હુતો હુતી એકલાં. એમાં ય મારા હુતાને રાતની શિફ્ટ અને આ હુતીને સવારની..તો અમારું ફેમિલી તીતર બીતર.. પણ ઇટ્સ અ પાર્ટ ઓફ લાઇફ. એવરીબડી એન્જોય ધેયર લાઈફ. વીકએન્ડમાં અમે હુતો હુતી કમાયેલા પૈસા દિલ ખોલીને શોપિંગ કરવામાં વાપરીએ, રખડીએ. છોકરાંઓને મળવા જઈએ. તું બોલ, તારા બચ્ચાંઓ શું કરે છે ? તારી ને જીજુની તબિયત કેમ છે?’
‘મારા બચ્ચાંઓ – એક દીકરો કોલેજ્માં ને મોટી દીકરી પોસ્ટગેજ્યુએટ માટે બહારગામ. તારા જીજુની એ જ માર્કેટીંગની જોબ – મહિનાના વીસ દિવસ બહારગામ અને દસ દિવસ અહીં. એમાંય અડધો સમય દોસ્તારો સાથે વીતે…એ માંડ પાંચ દિવસ નવરો પડે ને હું મારા ઓફિસના કામમાં બીઝી હોઉં…બધું અગડ્મબગડમ…પણ ચાલે રાખે, સંસાર છે.’
‘હોય રે, આ સમય જ એવો છે ડીઅર, બધા દોડે છે. અટકી જાય તો એની સાથે એમની ફેમિલીનો ગ્રોથ પણ અટકી જાય..આજના જમાનામાં કોઇને શાંતિ મળતી નથી શોધી લેવી પડે છે. ‘
‘સાચું કહ્યું મીનુ, મેં પણ એટલે જ એક રસોઈયણ બાઈ રાખી લીધી. ઓફિસેથી થાકી પાકી આવું ત્યારે રસોઇ કરવાના હોશ કોશ હોતા જ નથી અને ઘરમાં કોઇ મદદ કરનારું પણ નહીં. ઘણી વખત એમ થાય કે આપણે કેવા આળસુ થઈ ગયા છીએ કે રસોઇ કરવા માટે પણ માણસ રાખવાના ?’
‘અરે, તમારે ત્યાં ફ્રેશ ખાવાનું મળે છે એમ કહે ને ..બાકી અહીં તો આખા અઠવાડીઆની રસોઇ કરીને ફ્રીજમાં મૂકી દઈએ છીએ, રોજ ફ્રીજરમાંથી કાઢી ને ઓવનમાં મૂકીને ખાઈ લેવાનું. અમારે અહીં રસોઇઆ કે કામવાળા નથી મળતા નહીં તો હું પણ એ રખાવી લેત.’ મીનાક્ષી બોલી.
‘અમારે અહીં મળે છે તો એમના નખરાં હજાર. એમ કામવાળા રાખવા સહેલા નથી.’
‘સારું ને મીતુ, એ બહાને તમે લોકો ઘરે બેઠાં મેનેજમેન્ટના પાઠ શીખી જાઓ …’ને મીનાક્ષીએ ખડખડાટ હાસ્ય રેલાવતું સ્માઈલી મૂક્યું.
‘હા, એ તો ઠીક પણ બધા કામ માટે માણસો રાખવાના અને પછી આપણે જીમના ય ખર્ચા કરવાના…એના કરતાં ઘરના કામમાં જ જે એકસરસાઈઝ થાય એ સારીનહીં..પૈસા પણ બચે અને શરીર પણ સારું રહે..’
‘શું મીતુ તું પણ..આજનો જમાનો ટાઈમ મેનેજમેન્ટનો છે.તમારે દોડવું હોય તો સમયને મેનેજ કરતાં શીખવું જ પડે. ઘરના કામ તો આખો દિવસ ચાલે અને હવે પહેલાં જેવો સમય નથી રહ્યો કે આપણે ઘર માટે ઓલ ટાઈમ અવેઇલેબલ રહી શકીએ. હવે આપણે સમય સાથે તાલ મેળવવાનો હોય છે. તું આળસુ થોડી છે? તારે સમય સાચવવાનો હોય છે એટલે તારે પણ માણસોની હેલ્પની જરુર પડે એમાં કંઇ જ ખોટું નથી. વળી આ બધાને પહોંચી વળવા તારું સ્વાસ્થ્ય પણ સાચવવાનું હોય તો જીમ પણ કરવું જ પડે. તારે તો ગર્વ લેવો જોઇએ કે તું જીમમાં જઈને એક સરખી એક્સરસાઈઝ કરવા જેટલાં પૈસા કમાઈ શકે છે, એવો સમય પણ મેનેજ કરી શકે છે. આજની આધુનિકા કપડાં ધોવા ને વાસણ માંજવા રહે તો એમની ઓફિસનો સમય ચૂકી જાય ને નોકરીને ‘બાય બાય ટાટા’ કહેવાનો સમય આવી જાય. એ બધા શારીરિક કામકાજ તો કોઇ પણ માનવી કરી શકે પણ તું આટલી સારી નોકરી કરીને, માનસિક કામ કરીને પૈસા કમાય છે ને તારી જાત પાછળ થોડાં વાપરે છે તો ખોટું શું ? આટલાં કામ કરતી નારીને કોઇ આળસુ તો શું કહે ? ને કહે તો કહે એમની ચિંતા નહીં કરવાની? કોઇ તું થાકી હોઇશ તો ચા નો એક કપ ધરવા ય નથી આવવાનું ? ઘરના કામ કરીને બપોર આખી નવરાં પડે એટલે આવી ચૌદસીયણ પ્રજાતિ બીજાના સુખ જોઇ શકે નહીં અને એમને નીચા કેમ બતાવવા એની વેતરણમાં જ રચ્યાં પચ્યાં હોય છે. તું અફોર્ડ કરી શકતી હોય અને સારો માણસ મળતો હોય તો એમને થોડાં પૈસા આપીને કામ કરાવી લેવામાં કશું જ ખોટું નથી. તારા મનમાં એક ‘આળસુ’ નામનો અપરાધભાવ તરવરે છે એને શાંત કર અને આ વ્યવસ્થામાં કંઈ જ ખોટું નથી એમ જાતને સમજાવ બેના..તું પણ આખરે માણસ છે, મશીન નહીં. ઘરના કામ કરવામાં ઓફિસના કામમાં ઢંગધડા ન આવે ને ઓફિસ સંભાળે તો ઘર અસ્તમ વ્યસ્તમ..આપણે માનવી છીએ – બાહુબલી નહી.’ અને બાહુબલીની જોક માટે દસ બાર સ્માઈલી સ્કીન પર રમતાં મૂકી દીધા.
અને અચાનક મીતાલીને પોતાને અત્યાર સુધી ઊંઘ ના આવવાનું કારણ ખ્યાલ આવી ગયું. જ્યારથી રસોઇવાળી બેનને એણે કામ પર રાખી હતી ત્યારથી એના મગજમાં પોતાના છોકરાંઓને , ઘરનાંને પોતાના હાથે રાંધીને જમાડી ના શકવાનો અસંતોષ સતત એના મનમાં એક અપરાધભાવની લાગણી પેદા કરતું હતું, એને સતત હેરાન કરતું હતું, પણ મીનાક્ષી સાથે જે ચેટીંગ થઈ તેના પરથી એના ઘરની જે સ્થિતી છે એમાં આ જ હાલત બેસ્ટ છે એ વાત એ સ્વીકારી શકી, અને મનની અંદર સતત ચકરાવો લેતાં વમળ શાંત થયા અને એને એકાએક ઉંઘની ઘેરી અસરનો આભાસ થવા લાગ્યો. મીનાક્ષીને બાય બાય કહીને ફોન બંધ કર્યો અને બીજી જ મીનીટે એ નીંદ્રાદેવીના પારણે ઝૂલવા લાગી.
અનબીટેબલઃ માનવીમાં ક્ષમતા જેટલી જ સમજણ અક્ષમતાઓની પણ હોવી જોઇએ.
-સ્નેહા પટેલ