ખચકોઃ
वो पहली दफ़ा सुना रहा है कहानी
जो सो गये है उन्हें जगाओ दिये जलाओ !
-फैझल खयाम.
સલૂણી સંધ્યા એના હલ્કા ગુલાબી રંગ આભમાં વિખેરી રહી હતી, પક્ષીઓ એમના ઘર તરફ સમૂહમાં ઉડી રહ્યાં હતાં. ગુલાબી -કેસરીયાળી ઝાંયમાં ઉડતાં પંખીઓની છાયા, ડૂબતો સૂર્ય, પવનની હલકી સી થરથરાહટ પર ઘટાદાર વૃક્ષોના પર્ણનું લયાત્મક નર્તન, વાતાવરણ બેહદ ખુશનુમા હતું. રસ્તાને અડીને આવેલ દસમાળીયા ફ્લેટના આઠમા માળના ડોઇંગરુમમાંથી એક ઘેરો સત્તર – અઢાર વર્ષીય અવાજ રેલાયો.
‘મમ્મી, તમે જરા ધ્યાનથી જુઓ જરા, આ મેમરીકાર્ડ છે એમાં છેવાડે એક ખચકો આપેલો છે, દેખાય છે?’ સ્વર્ણિમ બોલ્યો.
મૃણાલે બેતાળાના ચશ્મા પહેરીને ધ્યાનથી જોયું,
‘હા બેટા, તું કહે છે એવું દેખાય તો છે.’
‘તો મમ્મી, એ ખચકો એમ જ નથી આપ્યો. એની પાછળ એ ખચકામાં તમારો અંગૂઠાનો નખ ભરાવીને ફોનમાંથી બહાર કાઢી શકો એ કારણ છે. તમે જોશો તો અદ્દલ તમારા નખ જેવી સાઈઝ્નું જ એ હશે.’
‘હ્મ્મ્મ…’
‘આની પહેલાં પણ ફોનના કે લેપટોપના ચાર્જર ભરાવતી વખતે સહેજ ધ્યાન રાખો તો એ વાયર વારંવાર ઉધો ચત્તો કરીને ચેક ના કરવું પડે કે આ સાચો કે ખોટો નાંખ્યો. પણ તમે છો કે ના…કંઇ જ વિચારવાનું નહીં. ધડામ દઈને મન ફાવે એમ વાયરો ભરાવવાના ને પછી કાઢીને પાછા ભરાવવાના. વળી કાઢતી વખતે પણ ધ્યાન નથી રાખતા ને હોય એટલું જોર લગાવીને બધા વાયર હચમચાવી કાઢો છો. એમાં ને એમાં કેટલામ ચાર્જરના વાયરો શહીદ થઈ ગયા ! મમ્મી, સમજો..દરેક ડીવાઇસમાં દરેક વસ્તુનું એક મહત્વ હોય છે. તમે પરિસ્થિતીને અનુસાર અપડેટ થતા રહો છો એ સારી વાત છે પણ આ બધું બેઝીક્સ નહી સમજો ત્યાં સુધી તકલીફો પડશે જ. માટે સહેજ સજાગ રહીને દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરવાનું રાખો, થોડું સજાગ રહેવાનું રાખો, વસ્તુનો વપરાશ શું છે એની પાછળ થોડું વિચારો તો મને લાગે છે તમારે મને કોઇ જ બાબતે પૂછવા નહીં આવવું પડે, તમે ઇનફ સ્માર્ટ છો. જાતે જ સમજી શકશો.’
‘હા બેટા, તારી વાત સાચી છે. તને પ્રશ્ન પૂછતાં પહેલાં હું આ બધી વાતો ચકાસી લઈશ ને નહીં ફાવે તો જ તને પૂછીશ. થેંક્સ મને સમજાવવા બદલ.’ અને મૃણાલે એક વ્હાલભરી નજર એના લાડકવાયા પર નાંખી.
પાંચ દિવસ પછી એ જ ફ્લેટના બેડરુમમાં ત્રણ વિવિધ અવાજ રેલાતા હતાં. મા દીકરાની સાથે એક પૌરુષી અવાજ પણ જોડાયો હતો.
‘સ્વર્ણુ, તારી આ બાઈક લેવાની જીદ ખોટી છે બેટા, અત્યારે તું આ સેકન્ડ હેન્ડ સ્કુટરથી ચલાવી લે, બે વર્ષ પછી આપણે તારા માટે એક નવું નક્કોર બાઈક તને જે પણ જ જોઈએ એ
ખરીદી લઈશું.’
‘શું પપ્પા તમે પણ? હું જ્યારે પણ જે વસ્તુ માંગુ ત્યારે તમે મને ના જ પાડો છો અને પછી પછી કરીને મને ટટળાવી ટટળાવીને એ વસ્તુ અપાવો છો. તમને ખબર છે આમ વર્ષો સુધી મને મારી પ્રિય વસ્તુ માટે રાહ જોવડાવો છો અને પછી જ્યારે એ વસ્તુ માટેની ઇચ્છા જ મરી પરવારે છે ત્યારે તમે એ વસ્તુ અપાવો છો ને તો મને એ વસ્તુ મેળવીને કોઇ ખાસ ખુશી જ નથી થતી.અંદરથી બધું સાવ કરમાઈ ગયેલું જ લાગે છે. શું કરવાનું આવી બોરીંગ જીંદગી જીવીને? હવે આ ‘પછી પછી’ સાંભળીને હું કંટાળી ગયો છું, બસ – બહુ થયું. ઇનફ ..’
અતુલ – સ્વર્ણિમના પપ્પાના વદન પર ઘોર નિરાશાના વાદળ છવાઈ ગયા અને એ રુમ છોડીને બહાર જતાં રહ્યાં.
‘સ્વર્ણિમ, આ રીતે વાત થાય પપ્પા સાથે?’ મૃણાલના અવાજમાં ગુસ્સા કરતાં પોતાની પરવરીશ પરત્વેની નિરાશા વધુ છલકાતી હતી જે એણે બે પળમાં સંભાળી લીધી ને આગળ બોલી,
‘ બેટા, તેં મેમરીકાર્ડના ખચકાંનો મતલબ મને સમજાવ્યો હતો યાદ છે? ‘
‘હા મમ્મી, પણ આજે એ વાતને અહીંઆ શું લેવાદેવા?’
‘બહુ બધી. તેં એ વખતે મને એક બહુ સરસ વાત શીખવી હતી કે,’મમ્મી, દરેક ડીવાઇસમાં દરેક વસ્તુનું એક આગવું મહત્વ હોય છે, જેના પ્રત્યે થોડાં સજાગ રહેતાં તમે એનું મહત્વ સમજી અને વાપરી શકો છો.’
‘હા..તો એમાં ખોટું શું કહ્યું મેં?’
‘સાચું જ કહેલું બેટા, એટલે જ તને એ વાત યાદ કરાવી. એ આખી વાત હવે ફરી યાદ કર તો જરા અને એ જ સમજણ આ ઘટનામાં લગાવ તો. આપણી ટૂંકી આવકની અનેક મર્યાદા એ તારી પૂરપાટ દોડતી ગાડીમાં ખચકાં છે. પપ્પાની દરેક ‘પછી પછી’ પાછળ પણ આવા અનેક કારણો હોય છે. એમને પણ તારા માટે ખૂબ જ પ્રેમ છે એ તો તું સ્વીકારે જ છે ને..પૈસા નથી એમ ખુલીને કહી નથી શકતા, સ્વમાન ઘવાય છે ને વિચારે છે કે,’પોતાના સંતાનોની ખુશી પૂરી કરવામાં એમની લાયકાત અને પૈસા ક્માવાની તાકાત ઓછી પડે છે.’ મનોમન સોસવાય છે. એમ છતાં મનમાં ને મનમાં જાતને સધિયારો આપે છે કે ખર્ચા પર કાપ મૂકીને થોડી બચત કરીને પોતાના લાડકાના શોખ પૂરા કરવા માટેના પૈસા ભેગાં કરી જ લેશે. હવે સમજાય છે તને એમની ‘પછી’ શબ્દ પાછળની મજબૂરીઓ?’
‘ઓહ, મમ્મી હું તમને જે વાત શીખવતો હતો એ હું પોતે જ ના શીખી શક્યો એનો અફસોસ થાય છે. હું પપ્પાને ‘સોરી’ કહીને આવું છું.’
-સ્નેહા પટેલ