Taki javu

ટકી જવું:

બોમ્બ માફક વસંત ફૂટી તો,
પીડા મને ય ઊગવાની થઈ
.

-રમેશ પારેખ.

‘આ ચોરટા ‘રેન્સમવેરે’ મારો ડેટા તો નથી ચોરી લીધો ને,ચાલ ચેક કરવા દે’

હસતાં હસતાં સુબ્રતો લેપટોપ ખોલવા લાગ્યો અને  ટાઈપ કરતાં કરતાં એના હાથ અચાનક થરથર કાંપવા લાગ્યા. નજર સામે ઇમેઈલ એકાઉન્ટ ખુલ્લું હતું અને એમાં વર્ષોથી  બિઝનેસ કરી રહ્યાં હતાં એ પાર્ટીનો ઇનબોકસમાં ઇમેઇલ આવેલો  હતો. એણે એ ઓપન કર્યો. એ લોકોની અચાનક જ વિચિત્ર શરતો આવેલી જોઇને સુબ્રતોને ખ્યાલ આવી ગયો કે એ પાર્ટીને એમની સાથે ધંધો કરવામાં કોઇ જ રસ નથી. આ શરતો માને તો એનો ધંધો ખાડે જાય એમ હતું.

બે મિનિટ આંખો બંધ કરીને જમણા હાથની પહેલી આંગળી અને અંગૂઠાથી નાકની આજુબાજુ દબાવીને એ વિચારમાં પડી ગયો . અચાનક જ આ લોકોને શું થઈ ગયું ? શું એમને બીજો કોઇ સપ્લાયર મળી ગયો હશે જેની શરતો અમારા કરતાં પણ વધુ આકર્ષક હશે? ના.. ના..એ તો શક્ય જ નથી. એ લોકો તો મીનીમમ માર્જીન પર જ આમનું કામ કરે છે. રીપીટ ઓર્ડરસ ખાસા રહે છે એટલે વાંધો નથી આવતો. છેલ્લાં દસ વર્ષથી એમની સાથે ડીલ થાય છે, ક્યાંય કોઇ જ પ્રોબ્લેમ નથી આવ્યો, તો અચાનક આજે આવું…!

એણૅ મોબાઈલ કાઢીને પાર્ટીનો નંબર જૉડ્યો અને વાત કરી, ઇમેઇલમાં જે નકાર હતો એનાથી દસ ગણી દ્રઢતાથી મોબાઈલમાં નકારનો પડઘો પડ્યો. કારણ ગળે ઉતરે એવા નહતાં પણ પરિસ્થિતી સ્વીકાર્યા વિના છૂટકો પણ નહતો. આ પાર્ટી સાથે કામ કરી કરીને સુબ્રતો ખાસો આગળ આવેલો. એની કેટલીય લોનના હપ્તાં આ કામમાંથી નીક્ળતાં હતાં. પૂરપાટ દોડતી ગાડીમાં અચાનક જ પંચર પડી ગયું હતું. એ પોતાની જાતને અચાનક જ હારી ગયેલો, હતાશ અનુભવવા લાગ્યો. સિગારેટ સળગાવીને ઉપરાઉપરી કશ પર કશ લગાવવા લાગ્યો.

સોનિયા – એની પત્ની ક્યારની સુબ્રતોની બેચેની નિહાળી રહી હતી. એની નજર કોમ્પ્યુટરના સ્ક્રીન પર ગઈ. ઇમેઇલ અકાઉન્ટ ખુલ્લું હતું અને એમાં રહેલ વિગત વાંચીને સોનિયા ખાસી એવી પરિસ્થિતી પામી ગઈ. એ સુબ્રતોની નજીક ગઈ અને એના હાથ પર હાથ મૂકીને બોલી,

‘સુબુ, તને યાદ છે આપણે લેહલદાખના પ્રવાસમાં ગયા ત્યારે કેવી હાલત હતી ?’

‘સોનિયા, પ્લીઝ મને અત્યારે ડીસ્ટર્બ ના કર, હું સખત ટેન્શનમાં છું.ખબર નહીં આ પરિસ્થિતીમાંથી કેવી રીતે બહાર નીકળીશ અને નહીં નીકળી શકું તો..’ આગળના શબ્દો સુબ્રતોના ગળામાં જ ફસાઈ ગયા.

‘આમ સાવ પાણીમાં શું બેસી જાય છે સુબુ…?મેં તને એટલે જ લેહ લદાખ યાદ કરાવ્યું. યાદ કર એ પ્રવાસમાં આપણે બાઈક પર કરેલો અને કેવી કેવી પરિસ્થિતીનો સામનો કરેલો.’

સુબ્રતોની નજર સમક્ષ લેહનો બર્ફીલો રસ્તો તરવરી ઉઠ્યો અને છેક અંદર સુધી એક તીખી થરથરાહટ પ્રસરી ગઈ.

એ અને સોનિયા લગ્ન પછી તરત જ લેહ બાજુ ફરવા ઉપડેલાં. શરુઆતમાં ટ્રેનનો પ્રવાસ કર્યા પછી સાહસના શોખીન બે ય જીવડાંને બાઇક પર રખડવું હતું. મેપ, સાઈટ્સ બધું જોઇ જોઇને એ લોકોએ પેપર પર પરફેક્ટ પ્લાનીંગ કરી લીધેલું પણ જમ્મુ સ્ટેશન પર ઉતર્યા પછી ખ્યાલ આવ્યો કે સાંજના પાંચ વાગ્યા પછી એ લોકો ‘ગુડસ રીલીઝ’ નથી કરતાં અને એમની બાઈક એમને નહીં મળી શકે. એમણે તો હોટલ પટનીટોપમાં બુક કરેલી પણ અચાનક આવી ચડેલું આ વિધ્નનો તો એમને અંદાજ પણ નહતો. થાકેલા હારેલા એમણે સ્ટેશન નજીક જ જે હોટ્લ મળી એમાં રાતવાસો કરી લીધો અને બીજા દિવસે પટનીટોપ જવાનું મુલત્વી રાખીને સીધા શ્રીનગર પહોંચી ગયા. સફર જેટલી રોમાંચક હતી એટલી જ મુશ્કેલીભરી.  અચાનક જ વરસી પડતો વરસાદ, પવન સાથે વાવાઝોડું, ગ્લેશિયર્સ ઓગળવાના લીધે રસ્તામાં થયેલો કાદવ કીચડ, સોનિયાને માથું દુઃખીને તાવ આવવા લાગ્યો, ખાડાટેકરાવાળા રસ્તાના કારણે ૨૦ કીલોમીટરની ગણત્રીનો સમય ખોટો પડી જવો અને એક કલાકના રસ્તાની ગણત્રીની સામે એમણે આઠ આઠ કલાક આપવા પડ્યાં..આ બધી સ્થિતીથી સોનિયા એક વખત અંદરથી હાલી ગયેલી અને સુબ્રતોને કહેલું,’સુબુ, આપણે ક્યાંક ખોટું જોખમ તો નથી ખેડી બેઠાં ને ? બાર દિવસની ગણત્રી માંડેલી ત્યાં આજે અઢાર દિવસ થઈ ગયાં. આપણે આપણાં ઘરે પાછા પહોંચી તો શકીશું ને..?’

‘સોનિયા, હવે આગળવા રસ્તે બાઇકર્સ દેખાય છે જો..એમની સાથે સાથે જ રહીશું જેથી થોડી મદદ મળી રહે. વળી એમ પાણીમાં બેસી જવાથી કંઈ ના થાય. આમ પણ આટલે પહોંચ્યાં પછી આપણી પાસે કોઇ ઓપ્શન પણ નથી. હાર માનીને અહીં જ બેસી રહેવાનું, અટકી જવાનું તો શક્ય જ નથી. પાછા વળવાનો રસ્તો પણ પસાર તો કરવો જ પડશે. ભલે ને એ ધીમે ધીમે કપાશે પણ રસ્તો કપાય તો છે જ ને ! આપણાં પેપર પરના પ્લાન પર આ હવામાન દેવતાએ ઠંડુ પોતું મારી દીધું છે, વાંધો નહીં સહેજ વાતાવરણ બદલાતાં એ પણ સુકાઈ જશે. તું તો એક એથ્લીટ છે. બસ, વિચારી લે કે આ એક એવી ગેમ છે  જેમાં હાર કે જીત નહીં પણ એ પૂરી કરવી એ મહત્વનું છે.’

અને એના શબ્દોથી સોનિયામાં એક અદભુત જોર પ્રવેશી ગયેલું. એ પછી આખો રસ્તો કોઇ જ અડચણ વિના પાર કરીને  ચોથા દિવસે હસતાં રમતાં ઘરે પહોંચી ગયેલાં. આજે પણ એ સાહસ અને રોમાંચની વાત યાદ આવતાં સુબ્રતોના રુંવાડાં ઉભા થઈ ગયા અને તન મન આનંદથી છલકાઈ ગયું. સોનિયા એના મુખના હાવભાવ બરાબર નિહાળી રહેલી ને બોલી,

‘ એ દિવસે તેં મને જે પાઠ ભણાવેલો એ યાદ કર અને તું પણ આ જે પરિસ્થિતી છે એમાં ટકી જવાની મહેનત કર, બસ મારે એટલું જ કહેવું છે.એક ઓર્ડર હાથમાંથી જતા રહેતાં દુનિયા નથી લૂંટાઈ જવાની. થોડો સમય હાથ ખેંચમાં રહેશે, માન્યું – પણ તું આમાં સ્વસ્થતાથી ટકી ગયો તો સફળ થઈ ગયો એમ સમજી લે જે.’

‘હા મારી સોનુ, તારી વાત સાચી છે. તું ચિંતા ન કર – હું ટકી તો જઈશ જ.’

અનબીટેબલઃ રમત પતે નહીં ત્યાં સુધી રમવામાં પણ વીરતા છે.

-સ્નેહા પટેલ

 

my blog – https://akshitarak.wordpress.com/

3 comments on “Taki javu

 1. રમત પતે નહીં ત્યાં સુધી રમવામાં પણ વીરતા છે.
  વાહ ખુબ સુંદર પ્રસ્તુતિ

  Liked by 1 person

 2. ખુબ સરસ લેખ…તમે લેખમાં ખુબ સરસ વાત કરી કે, આ જીવન છે અને તેમાં મુશ્કેલીઓ તો આવે અને જાય એમ થોડી હાર માની લેવાય છે, મુશ્કેલીઓનો દ્રઢતાથી સામનો કરવાનો હોય ‘ને તેમાથી સસ્તો શોધવાનો હોય અને પછી મંજીલે પહોંચવાનુ હોય…”અનબીટેબલ” જોરદાર…
  અહીં અમૃત ‘ઘાયલ’ ની એક ઉત્સાહી ગઝલ મુકુ છું, જે આ લેખને બિલકુલ અનુરૂપ છે તથા આ ગઝલ જીવન જીવવાનું નવું જોમ પુરુ પાડે છે…
  રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
  થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
  નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
  બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
  કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
  દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
  છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
  એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
  મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
  પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
  એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
  હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
  સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ!
  સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
  સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ!
  દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!
  અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
  ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
  દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
  આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
  – અમૃત ‘ઘાયલ’

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s