Dream girl

ડ્રીમગર્લઃ

वो पहली दफ़ा सुना रहा है कहानी अपनी,
जो सो गये है उन्हें जगाओ दिये जलाओ !
-फैझल खय्याम

તર્જની આખી રાત સૂઇ જ ન શકી. મન છેક તળિયા, ઊંડાણથી બેચેની અનુભવતુ હતું. એનું સબકોન્સીયસ માઇન્ડ એની સાથે રમત રમી રહ્યું હતું. વિચારો હતા કે અટકવાનું નામ જ નહતા લેતાં. અણગમતી એક ઘટનાએ એની જીંદગી આખી બદલી કાઢી હતી. આત્મવિશ્વાસ, સફળતાની ટોચ પર રમતી એવી એને આ ઘટનાએ સાવ જ ‘ડલ’ – નિષ્ક્રીય બનાવી કાઢેલી, આત્માનું હીર ચૂસી લેતી એવી ઘટના એટલે તર્જનીની મમ્મી – એની સૌથી પ્રિય બહેનપણીનું ‘હાર્ટ એટેક’માં થયેલ આકસ્મિક મૃત્યુ !

તર્જનીની મમ્મી સુચિત્રાબેન એટલે તર્જનીનું સર્વસ્વ. એમની સાથે એ પોતાની દરેકે દરેક વાતા બેધડક રીતે ખુલીને કરતી. અમુક સમયે મૂડ સારો ના હોય તો એમની સાથે ઝગડો પણ કરી લેતી, જો કે પાછળથી અફસોસ થતાં એના ગળે વળગીને માફી પણ માંગી લેતી અને એના ખોળામાં માથુ મૂકીને દિન-દુનિયાથી બેખબર થઈને સૂઇ જતી. મમ્મીનો ખોળો એનું નાનકડું સ્વર્ગ હતું. સુચિત્રાબેનનો ઠ્સ્સો લગભગ સાઈઠની ઉંમર હતી તો પણ જબરદસ્ત. ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને શક્ય એટલું શીખવાને કાયમ તત્પર. ગોળ મટોળ તેજથી ઝગમગતું મોઢું, આર કરેલ અવરગંડીનો કડક ઇસ્ત્રીવાળો સાડલો, માથામાં ડાબી બાજુ એક પતલી સી સફેદ લટ અને કપાળમાં લાલચટ્ટક મોટો ચાંદલો. મધ્યમ અને બેઠી કદકાઠી ધરાવતા સુચિત્રાબેનનો ઠસ્સો જ અલગ. સુચિત્રાબેન તર્જનીના “ડ્રીમગર્લ’ હતાં. તર્જની પણ મોટી થઈને એમના જેવી આત્મવિશ્વાસથી છલોછલ અને પથ્થરમાંથી પાણી કાઢનારી સ્ત્રી બનવા માંગતી હતી. એમને જોઇ જોઇને એકલવ્યની જેમ જ એ ઘણું બધું શીખતી જતી હતી. એવા સુચિત્રાબેન અચાનક જ બે કલાક છાતીમાં દુઃખવાની ફરિયાદ કરતાં કરતાં તો પ્રભુને પ્યારા થઈ ગયા અને તર્જની અવાચક ! ના કશું બોલી શકતી હતી કે ના કોઇ બોલે એ સમજી શકતી હતી. મગજ શૂન્યમનસ્ક થઈ ગયેલું. લોકોની અવરજવર વચ્ચે ચાર -પાંચ દિવસ વીતી ગયા પણ તર્જની હજુ બઘવાયેલી હતી.

એક દિવસ અચાનક એણે મનોમન ગાંઠ વાળીને નક્કી કર્યું કે,’મમ્મી હજી મરી જ નથી. એ મારી સાથે જ છે અને કાયમ રહેશે જ.’ આમ મનને થોડી શાતા વળી અને એણે થોડી રાહત અનુભવી. એણે વિચાર્યુ કે, ‘ અત્યારે આમ ને આમ મનને મનાવવા દે થોડો સમય જશે એટલે બધું થાળે પડી રહેશે. સમય બધી સમસ્યાનો ઉપાય છે.’

અને એણે ‘મમ્મી હજી જીવીત છે અને એની સાથે છે’ના વિચાર સાથે ખુશ રહેવાનો નિર્ણય કર્યો અને સુચિત્રાબેનના મૃત્યુનો અસ્વીકાર કરી દીધો. અસર સારી થતી હતી પણ લાંબાગાળાની સ્થિતી જોતાં આ સ્થિતી ‘શાહમૃગવેડાં’ જેવી હતી. તર્જનીનું અજાગ્રુત અને જાગૃત મગજ કાયમ એકબીજા સાથે ઝગડતું રહેતું, ઘર્ષણ અનુભવતું રહેતું. ‘મ્રુત્યુ અને જીવનની માન્યતાઓ’ તર્જની થાકી જતી હતી.

એક દિવસ સવારે એ સમાચારપત્ર વાંચી રહી હતી ત્યાં એની નજર બેસણાંની જાહેરાતની કોલમ પર પડી અને એની આંખ ચમકી. એની ખાસ બહેનપણી આમન્યાના પપ્પાનું આકસ્મિક અવસાન થયેલું અને એનું બેસણું રવિવારે એના નિવાસસ્થાને રાખેલું હતું. ‘રવિવારે – અને આજે શુક્રવાર છે. હજુ બે દિવસ છે’  આ જ દિવસો ખાસ સાચવી લેવાના હોય છે એ વાત એ પોતાના અનુભવને આધારે શીખેલી હતી. એણે આમન્યાને ફોન લગાવ્યો.

‘બોલ તર્જુ.’ હાય – હલો કંઇ જ નહી, સીધી જ વાત!

‘માન્યા, આઈ એમ સોરી. હું તારી હાલત સમજી શકું છું. તું તારા પિતાની ખૂબ જ નજીક હતી અને આમ અચાનક….તારો આઘાત હું અનુભવી શકું છું. પણ એક વાત ખાસ ધ્યાન રાખજે.’

‘કંઇ..’ સામેથી થોડો ભીનો ભીનો અવાજ સંભળાયો.

‘ જે સ્થિતી આવી ચડી છે એનાથી ભાગીશ નહી. ભગવાનના ન્યાય પર વિશ્વાસ રાખીને ધીમે ધીમે એને સ્વીકારી લેવાનો પ્ર્યત્ન કરજે.’

‘તું આવું બોલે છે બકા ? અત્યારે તો મારાથી પપ્પાનું મ્રુત્યુ સ્વીકારાતું જ નથી. હજુ એ મારી ચોપાસ શ્વસતાં જ અનુભવું છું અને એ મને રાહત આપે છે, સધિયારો આપે છે. થોડો સમય જતાં બધુ એની જાતે થાળે પડશે ત્યારે હું એમનું મોત સ્વીકારી લઈશ. પણ અત્યારે એ શક્ય જ નથી.’

‘બસ આ જ..આ જ વાત મારે તને કહેવી હતી મારી બેના. મનમાં આવી અસ્વીકારની ગાંઠ ના વાળીને બેસી જતી. અત્યારે થોડું અઘરું જરુર લાગશે, ઘાવ તાજો છે ને એટલે. પણ આ ઘડીઓમાં સમયસૂચકતા વાપરીને કામ નહીં લે તો તારા જેવી સંવેદનશીલ વ્યક્તિને આગળ જતાં અઘરું પડી જશે. મારી પણ  આ જ હાલત હતી. મેં ધરાર મમ્મીના મોતનો અસ્વીકાર કરીને કલ્પનામાં એને જીવતી રાખેલી હતી. વખત જતાં એ જ ધારણાં મારા દિલોદિમાગ પર એટલી હાવી થઈ ગઈ કે મારે મમ્મી હવે હયાત નથી એ વાત પર આવતાં, એનો સ્વીકાર કરતાં કરતાં નવ ના તેર થઈ ગયાં ! જે હકીકત છે એ છે ..છે ને છે જ…તું અત્યારે ટેમ્પરરી ધોરણે અસ્વીકાર કરે તો પણ એ હાલત બહુ લાંબી ના ચલાવીશ, કારણ હકીકત અને ધારણાંઓનું ઘર્ષણ ટાળવું  લાંબો સમય જતાં બહુ જ અઘરું બની જાય છે. ધારણા સાથે સ્વીકાર માટે પણ મનના બારણાં ખુલ્લાં જ રાખશે. મેં એ બારણાં ચપોચપ વાસી દીધેલા એટલે મારી માનસિક હાલત બહુ જ ખરાબ થઈ ગયેલી.’

‘ઓહ.આવું થાય ? સારું થયું તેં મને સમય રહેતાં ચેતવી દીધી તર્જુ..એક વાત કહું..તું ફ્રી હોય તો અહીં આવી જા ને.મારે તારી બહુ જરુર છે.’

‘એ તો હું આવવાની જ હતી પાગલ..અને હા…કપડાં બદલીને તૈયાર રહેજે..થોડો બહાર આંટો મારી આવીશું. તું થોડી એ વાતવરણથી અળગી થાય એ પણ બહુ જરુરી છે. એમાં ને એમાં જ રહીશ તો પાગલ થઈ જઈશ. લોકોની ચિંતા ના કરીશ – એ તો બોલ્યાં કરે.’

‘હ્મ્મ્મ….’અને આમન્યાએ ફોન કટ કર્યો.

અનબીટેબલઃ કાયમ લડવાનું શક્ય નથી હોતું, અમુક વાતોનો સ્વીકાર કરવો   હિતાવહ હોય છે.

-sneha patel.

4 comments on “Dream girl

  1. ખુબ સંવેદના સભર અને લાગણીશીલ લેખ…કોઈ અતિપ્રિય વ્યક્તિનું જ્યારે અવસાન થાય છે ત્યારે પહેલા તો મન એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ નથી હોતું…પણ જે સત્ય છે તે છે, તેને જેટલું વહેલું સ્વીકારીએ એટલું જ મન અને શરીર માટે વધારે સારું…હા, આ સદમા માંથી બહાર આવવામાં કોઈ સધિયારો જરૂર આપી શકે, પણ એ થોડા સમય માટે, બાકી તો જાતને સ્વયં જ સંભાળવાની હોય છે…એ જેટલું વહેલા સમજીએ તેટલું વધારે સારું…ઘણી વખત વ્યક્તિ આ ગમ માંથી બહાર આવવા માટે, થોડા હળવા થવા માટે જ્યારે ઘરની બહાર કોઈ બાગ-બગીચામાં કે નદી કે દરીયા કિનારે જાય કે અમુક કલરનાં કપડાં પહેરે કે ભાવતી વસ્તુ ખાય કે કોઈ ગમતાં કામ કરશે કે રોજીંદા કામે લાગી જશે, તો સમાજ વાતો કરશે, કે આ વ્યક્તિના સ્વજન ગુજરી ગયા છે અને આ બહાર આંટા-ફેરા મારે છે, મોજશોખ કરે છે, આને કંઈ લાગણી જેવું નથી લાગતું…પણ આપણે સમાજને કંઈ દિલ ફાડીને લાગણી તો નથી બતાવી શકવાના…(જો કે કદાચ બતાવી શકતાં હોત તો પણ આ સમાજ સાચું ન માને એવું પણ બની શકે…) બાકી આ તો સમાજ છે, બકવાશ તો કરશે, માટે સમાજ જાય ડોફે મારે, વ્યક્તિ સમાજની ચિંતા કરવા બેસશે તો જીંદગી સારી રીતે નહીં જીવી શકે…, સમાજને એનું કામ કરવા દો અને આપણે આપણું કામ કરવાનું…Unbeatable is best…

    Liked by 1 person

Leave a comment