ફર્કઃ
अभी तो पहले परों का क़र्ज़ है मुझ पर,
झिझक रहा हूँ नये पर निकालता हुआ मैं !
-शाहिद झाकी.
જોગી અને રીધમ બે લંગોટીયા મિત્રો. નાનપણથી જ બે ય ના બધા શોખ, સમજશક્તિ, કદ કાઠી પણ એક સરખાં. ઘણી વખત લોકો એમને જોડીયા ભાઈ સમજી લેવાની ભૂલ કરી બેસતાં.
સમય પતંગિયાની પાંખે બેસીને પસાર થઈ ગયો અને જોતજોતામાં તો બે ય કિશોર મિત્રો જુવાનજોધ થઈ ગયાં. સારા પાત્રો જોઇને ઘરવાળાંએ બે ય ને પરણાવી દીધા. બંને મિત્રો એક જ કંપનીમાં સારી જગ્યા પર જોબ કરતા હતાં. સમય વીતતો ગયો અને લગભગ બે વર્ષમાં તો જોગી એના કામમાં રીધમથી ખૂબ આગળ વધી ગયો અને રીધમ જે પદ પર હતો એ પદ પણ માંડ માંડ સાચવીને રાખવાના પ્રયાસમાં સતત સંઘર્ષરત હતો. આખી ઓફિસ આ બે ય મિત્રોની દોસ્તી વિશે જાણતી હતી. વળી જોગીને ચાંપલૂસી કે એવી કોઇ જ ખોટી ટેવ નહતી. એ જે પદ પર હતો તે પદ પર વીંટીંના હીરાની માફક સોહતો હતો તો સામે પક્ષે રીધમમાં કોઇ એવી ખોટ નહતી કે એણે જોબ સાચવી રાખવા આવા મરણિયાં પ્રયાસો કરવા પડે, એ પણ જોગીની જેમ ભરપૂર મહેનતુ અને સ્માર્ટ હતો. બે ય મિત્રો લગભગ સરખી આવડતવાળા એમ છતાં બે વચ્ચે આવો ભેદ કેમ ? રીધમને પોતાને પણ આ પ્રશ્ન બહુ મૂંઝવતો. દોસ્તની પ્રગતિથી ઇર્ષ્યા તો સહેજ પણ નહતી થતી પણ પોતાને પોતાની લાયકાત જેટલું કેમ નહતું મળતું ? કયાં કાચુ કપાતું હતું એ નહતું સમજાતું !
એક દિવસ કેન્ટીનમાં બે ય મિત્રો કોફી પીવા માટે ભેગાં થઈ ગયાં અને રીધમથી ના રહેવાતા આખરે એણે જોગીને પૂછી જ લીધું.
‘જોગી, હું ક્યાં કાચો પડું છું કે નોકરીમાં મારી પ્રગતિ જ નથી થતી. તું આજે ખૂબ જ સફળ અને ઝળહળતું વ્યક્તિત્વ છું, બધા તારાથી કાયમ અંજાયેલા જ રહે છે. તું એવું તું શું ખાય છે એ સમજાવ મને.’
અને જોગી મોટેથી હસી પડ્યો.
‘અરે પાગલ,હું પણ તારી જેમ દાળ, ભાત રોટલી ને શાક જ ખાઉં છું. નોનવેજ તો ક્યારનું છોડી દીધું છે. આપણી વચ્ચે જે તફાવત છે એનું સ્પષ્ટ કારણ હું જાણું છું દોસ્ત અને તને કહેવાનો જ હતો.’
‘અરે એવું ? તો જલ્દી બોલ…શું છે એ કારણ?’
‘જો મારું વીકએન્ડ ખૂબ જ રસપ્રદ હોય છે. સામાન્ય રીતે હું ને મારું ફેમિલી જુદી જુદી પ્રવૃતિઓમાં રત રહીએ છીએ. ઘણી વખત હસતાં રમતાં મિત્રો સાથે દૂર દૂર ફરવાં ઉપડી જઈએ – એમનાં ઘરે જઈએ – એમને ઘરે બોલાવીએ, ઘરનાં નાના મોટાં કામ પતાવું છુ, ક્યારેક કોઇ ફિલ્મ , ક્યારેક સામાજીક કાર્યક્રમ, કોઇ વખત નજીકના ગામડાંઓમાં પિકનિક જઈ આવીએ..ભવિષ્યમાં કદાચ એવી જગ્યાએ એકાદ નાનકડું ફાર્મહાઉસ પણ લઈ લઈશું- કુદરતની એકદમ નજીક રહેવાનો લ્હાવો માણીશું. અત્યારે તો મારા ઘરના પાછળના વાડામાં મેં એક નાનકડું ગાર્ડન બનાવ્યું છે એમાં દર અઠવાડીએ સાફ સફાઈ, નવા પ્લાંટ્સ નાંખવા, જૂના ટ્રીમ કરવા, ખાતર – પાણી-સાફસફાઈનું ધ્યાન રાખવું, કોઇ વાર મ્યુજિયમ જોવા જઈએ તો ઘણી વખત સનસેટ – સનરાઈઝ્ના પ્રોગ્રામ – એમાં વળી ઘણી વખત ફોટોગ્રાફી પણ કરીએ. આમ મારો રજાનો દિવસ સ્ફુર્તિ ને તાજગીથી ભરપૂર હોય છે જેમાંથી મને માનસિક આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે, માનસિક ઉર્જા પ્રાપ્ત થાય છે, મારી વિચારસરણી પણ વ્યાપક બને છે જે અંતે મારી ઉપર વિટામીનની ગોળીઓ જેવી અસર કરે છે. જ્યારે તું.. તું રજાના દિવસે મોડો મોડો ઉઠે છે – જાણે પથારી ઉપર ઉપકાર કરતો હોય એમ. એ પછી ટીવી ખોલીને બેસી જાય છે ને મનમાં વિચારે છે કે રજાના દિવસે બીજું કરવાનું પણ શું…પણ તું એ નથી સમજતો કે રજાના દિવસે જ તને એક તાજગીપૂર્ણ દિવસ જીવવાનો ચાંસ મળે છે જેમાંથી આખા અઠવાડીઆના કામ કરવા માટે તું સ્ફૂર્તિ – તાકાત મેળવી શકે છે. વળી તારો ખાસ મિત્ર રોહન અને પાયલ…એ પણ નિઃસંતાન અને કંટાળા, નેગેટીવીટીઝ્થી ભરેલું. મોટાભાગના રવિવારની સાંજ તું અને તારી પત્ની એમને મળવામાં ગુજારો છો પછી શું થાય ? તારો વીકએન્ડ નિરાશાજનક – કંટાળાથી ભરેલો જ રહે છે. પાયલ ભાભી પણ અમુક સમયે તારી આ દિનચર્યાથી કંટાળી જાય છે.તમારે દેખીતા લડાઈ ઝગડાં નથી થતાં પણ એમના મગજમાં કાયમ તારા વિરુધ્ધ એક રોષ ભરાયેલ રહે છે.’
‘અરે, પાયલે તો મને કોઇ દિવસ આવું કશું કીધું જ નહીં.’
‘એમણે મને સીધે સીધું તો ક્યારેય નથી કીધું પણ મને એમના ભાવ સમજતાં બહુ સારી રીતે આવડે છે. તું હવે તારી આ દિનચર્યા સુધાર તો તારું વિચારતંત્ર પણ વધુ સ્વસ્થ થશે. બાકી આમ જોવા જઈએ તો તારી ને મારી આવડતમાં કોઇ જ ફરક નથી દોસ્ત. પણ તું બીયરના કેન જેવું ને હું વીટામીનની ગોળી જેવું જીવન જીવું છું બસ.’
‘ઓહ આટલી સીધી પણ મહત્વની વાત મને હજુ સુધી કેમ ના સમજાઈ ? થેંક્યુ વેરી મચ દોસ્ત.’ અને રીધમ જોગીના ગળે લાગી ગયો.
અનબીટેબલઃ માનસિક આહાર શારીરિક આહાર જેટલો જ અગત્યનો હોય છે.
Sneha patel.