બદલાવઃ
મને ક્યાં એટલી ફુરસદ કે હું ચિંતા કરું એની,
સમય રોકાય તો રોકાય, ના રોકાય તો વીતે !
-અમૃત ઘાયલ.
રેખા, મીના, સુચિત્રા,સપના, સરલા વગેરે આજે કવિતાના ઘરે ભેગા થયેલાં, કીટી પાર્ટી હતી. ચા નાસ્તો પછી વાતો ધીમે ધીમે એનો અસ્સલ રંગ પકડવા લાગી. સ્ત્રીઓનો ફેવરીટ સબજેક્ટ પણ નવાઈજનક રીતે સ્ત્રીઓ જ હોય છે ! આજે પણ એમ જ હતું. વાત હતી રેખાની. રેખાને સવા મહિનાનો પુત્ર હતો અને એ એના પીયરથી સાસરે બે દિવસ રોકાવા આવેલી. એના મોઢા પર થોડો ત્રાસનો ભાવ હતો.
‘શું થયું રેખા, કેમ અકળાયેલી છે?’ કવિતાએ પૂછી જ લીધું.
‘હા, સાચું કહ્યું કવિતા, અકળામણ તો છે જ. સાતમા મહિના પછી મારો ખોળો ભરાયો અને હું મારા મમ્મીના ઘરે જતી રહેલી. એ દિવસથી માંડીને મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભીએ મારું અને મારા દીકરાના જન્મ પછી એનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખેલું. પણ સાત, આઠ, નવ એ ત્રણ મહિના પ્રેગનન્સીના અને ફેનિલના જન્મ પછીના બીજા ત્રણ મહિના મારા કાને એક જ વાક્ય વારંવાર અથડાતું હતું,’ આમ ના કરાય, તેમ ના કરાય, ફેનિલને સામાન્ય છીંક આવે કે નોર્મલ રડે તો પણ ઘરમાં બધાના જીવ ઉંચાનીચા થઈ જાય કે, ‘ આ છોકરાને શું થઈ ગયું ? નક્કી કોઇની નજર લાગી ગઈ હશે. આને કંઇ વધુ થશે તો આપણે રેખાની સાસરીવાળાને શું મોઢું બતાવીશું ? એ લોકો તો આપણને જ ટોણાં મારશે કે છોકરાનું આટલું ય ધ્યાન ના રાખી શક્યાં ? ના કરે નારાયણ ને કંઇક આડું અવળું થઈ જાય તો કદાચ બીજી વખત દીકરીને અને પૌત્રને પીયર આવવા પણ ના દે. જાણે મારા મમ્મી પપ્પા એમના દોહિત્રના નાના નાની નહીં પણ દુશ્મન હોય. વળી મારી ડીલીવરીના સમયે પણ એ લોકોના મોઢે એક જ વાક્ય,’આપણે તો નાની નાની વાતનું ધ્યાન રાખવાનું, રેખાને નાની અમથી તકલીફ થાય તો પણ ડોકટરને ત્યાં દોડવાનું, કોઇની રાહ નહીં જોવાની કે પૈસાની સહેજ પણ ફીકર નહીં કરવાની. રખેને કંઇ ઉંચનીચ થાય તો એની સાસરીવાળા આપણને મૂરખ જ ગણે ને..’ બોલો, ઉંચનીચ થાય તો દીકરીના જીવ અને દોહિત્રની તબિયતની વાત ગઈ તેલ પીવા પણ સાસરીવાળા – સમાજ શું કહેશે એની ચિંતા વધુ !’
‘હા યાર, મારી સ્વીટીની ડીલીવરી વખતે મારી પણ આ જ હાલત હતી અને હું પણ આમ જ અકળાઈ જતી.’ સપનાએ અને પછી ધીમે ધીમે બધાએ રેખાની હા માં હા મીલાવી.
‘મારો તો એક બીજો અનુભવ પણ ત્રાસદાયક છે.’ મીના બોલી.
‘કયો ? બોલ.’ બધી સખીઓ એકસૂરમાં બોલી ઉઠી.
‘હું મારી પહેલી ડીલીવરી પછી ત્રણ મહિને મારા સાસરે પાછી ફરેલી.રાહુલ નાનો હતો ત્યારે ખૂબ જ તોફાની – હાયપર એક્ટીવ. આખો દિવસ એને રમવા જોઇએ પણ ઊંઘના નામે ઝીરો. ડોકટરોનું હેવું હતું કે આજકાલના છોકરાંવ બહુ સ્માર્ટ હોય એટલે મોટાભાગના બાળક ‘હાયપર એકટીવ’ જ હોય છે.. મૂઆ એમની સ્માર્ટનેસમાં આપણે અડધા થઈ જઈએ. આખો દિવસ કામન ઢસરડાં અને રાત પડે ત્યારે આ ભાઇને રમવાનું સૂઝે. રાતે બે વાગે એટલે અચૂક ભાઈની આંખ ખૂલી જ જાય અને કાં તો એને હીંચકા ખાવા હોય કાં તો એની સાથે વાતો કરો. જો આમ ના થયું તો પતી ગયું…ભેંકાટી ભેંકાટીને આખું ઘર માથે લે. હવે અમારો બેડરુમ પહેલાં માળે અને મમ્મી પપ્પા નીચે. રાહુલ જાગે એટલે ઘણી વખત હું એને સંભાળી લઉં ને ઘણી વખત એના ડેડી – માનવ. આ વાતની ખબર મારા સાસુમાને પડે એટલે એમની કચકચ ચાલુ થઈ જાય,’ તારે રાતે રાહુલ હેરાન કરે તો નીચે આવી જવાનું , માનવને નહીં ઉઠાડવાનો. એને આખો દિવસ ઓફિસનું કામ હોય ને એ આમ ઉજાગરા કરે તો તબિયત બગડે..વગેરે વગેરે..’ પોતાના દીકરાની તબિયતની ચિંતા પણ ૯ મહિના પેટમાં રાખીને ડિલીવરી કરીને છોકરું જણીને આવેલી હું આખા દિવસના કામન ઢસરડાં પછી પણ સરખી ઉંઘ ના પામું તો મારી તબિયતનું કશું નહીં. બોલો. વળી હું માનવન ઉઠાડું નહીં પણ એ જાતે જ રાહુલ માટે જાગવાનું પસંદ કરે તો પણ ઠપકો મારે સાંભળવાનો. માનવ બહુ સમજુ જો કે…એ કહે તારે મમ્મીનું બહુ નહીં સાંભળવાનું એ તો બોલ્યાં કરે, તારે એમ અડધી ઉંઘમાં છોકરાંને લઈને દાદરા ઉતરવાની કોઇ જરુર નથી, હું એનો બાપ બેઠો છું ને. રોજ રોજ એમ આખો દિવસ આંખ આડા કાન કેમના થાય? પણ ઘરની શાંતિ માટે મનોમન અકળાઇને રહી જવા સિવાય કોઇ બીજો ચારો પણ ક્યાં હોય છે આપણી પાસે ? ‘
‘હા, એક્ઝેટ આવો અનુભવ તો મને પણ છે. પ્રુરુષો સ્ત્રીને સ્ત્રીઓ કરતાં વધુ સપોર્ટીવ હોય છે. જ્યારે સ્ત્રી સ્ત્રી થઈને પણ સ્ત્રીને સપોર્ટ કરવામાં કાચી પડે છે.મારા નાની, મારા મમ્મી અને હવે હું..લગભગ દાયકાઓથી આ અનુભવો એના એજ રહયાં છે. જમાનો સુપરસ્પીડમાં આગળ વધી રહ્યો છે, બધું બહુ જ જલ્દીથી બદલાઇ રહ્યું છે. નથી બદલાઇ તો આ પ્રથાઓ, આ વાહિયાત વાતો.’ સુચિત્રા બોલી ઉઠી.
‘ચાલો, આપણે આપણાં તરફથી બદ્લાવ લાવવાની શરુઆત કરીએ. આપણે બધી સખીઓ આજે સોગંધ લઈએ કે આપણે દીકરી અને વહુઓ સાથે આવો અન્યાય નહીં કરીએ. આજે જે વાતો થઈ એવી વાતોનું પુનરાવર્તન કમ સે કમ આપણાં ઘરોમાં તો નહીં જ થાય.’ સરલા બોલી અને બધી સખીઓના મોઢા પર એક આછા સ્મિતની રેખા ફૂટી નીકળી. બધાંના વદન પર આ નિર્ણયથી સંતોષના વાદળ છવાઈ ગયાં.
-sneha patel.