Fark


ફર્કઃ

अभी तो पहले परों का क़र्ज़ है मुझ पर,
झिझक रहा हूँ नये पर निकालता हुआ मैं !
-शाहिद झाकी.

જોગી અને રીધમ બે લંગોટીયા મિત્રો. નાનપણથી જ બે ય ના બધા શોખ, સમજશક્તિ, કદ કાઠી પણ એક સરખાં. ઘણી વખત લોકો એમને જોડીયા ભાઈ સમજી લેવાની ભૂલ કરી બેસતાં.

સમય પતંગિયાની પાંખે બેસીને પસાર થઈ ગયો અને જોતજોતામાં તો બે ય કિશોર મિત્રો જુવાનજોધ થઈ ગયાં. સારા પાત્રો જોઇને ઘરવાળાંએ બે ય ને પરણાવી દીધા. બંને મિત્રો એક જ કંપનીમાં સારી જગ્યા પર જોબ કરતા હતાં. સમય વીતતો ગયો અને લગભગ બે વર્ષમાં તો  જોગી એના કામમાં રીધમથી ખૂબ આગળ વધી ગયો અને રીધમ જે પદ પર હતો એ પદ પણ માંડ માંડ સાચવીને રાખવાના પ્રયાસમાં સતત સંઘર્ષરત હતો. આખી ઓફિસ આ બે ય મિત્રોની દોસ્તી વિશે જાણતી હતી. વળી જોગીને ચાંપલૂસી કે એવી કોઇ જ ખોટી ટેવ નહતી. એ જે પદ પર હતો તે પદ પર વીંટીંના હીરાની માફક સોહતો હતો તો સામે પક્ષે રીધમમાં કોઇ એવી ખોટ નહતી કે એણે જોબ સાચવી રાખવા આવા મરણિયાં પ્રયાસો કરવા પડે, એ પણ જોગીની જેમ ભરપૂર મહેનતુ અને સ્માર્ટ હતો. બે ય મિત્રો લગભગ સરખી આવડતવાળા એમ છતાં બે વચ્ચે આવો ભેદ કેમ ? રીધમને પોતાને પણ આ પ્રશ્ન બહુ મૂંઝવતો. દોસ્તની પ્રગતિથી ઇર્ષ્યા તો સહેજ પણ નહતી થતી પણ પોતાને પોતાની લાયકાત જેટલું કેમ નહતું મળતું ? કયાં કાચુ કપાતું હતું એ નહતું સમજાતું !

એક દિવસ કેન્ટીનમાં બે ય મિત્રો કોફી પીવા માટે ભેગાં થઈ ગયાં અને રીધમથી ના રહેવાતા આખરે એણે જોગીને પૂછી જ લીધું.

‘જોગી, હું ક્યાં કાચો પડું છું કે નોકરીમાં મારી પ્રગતિ જ નથી થતી. તું આજે ખૂબ જ સફળ અને ઝળહળતું વ્યક્તિત્વ છું, બધા તારાથી કાયમ અંજાયેલા જ રહે છે. તું એવું તું શું ખાય છે એ સમજાવ મને.’

અને જોગી મોટેથી હસી પડ્યો.

‘અરે પાગલ,હું પણ તારી જેમ દાળ, ભાત રોટલી ને શાક જ ખાઉં છું. નોનવેજ તો ક્યારનું છોડી દીધું છે. આપણી વચ્ચે જે તફાવત છે એનું સ્પષ્ટ કારણ હું જાણું છું દોસ્ત અને તને કહેવાનો જ હતો.’

‘અરે એવું ? તો જલ્દી બોલ…શું છે એ કારણ?’

‘જો મારું વીકએન્ડ ખૂબ જ રસપ્રદ હોય છે. સામાન્ય રીતે હું ને મારું ફેમિલી જુદી જુદી પ્રવૃતિઓમાં રત રહીએ છીએ. ઘણી વખત હસતાં રમતાં મિત્રો સાથે દૂર દૂર ફરવાં ઉપડી જઈએ – એમનાં ઘરે જઈએ – એમને ઘરે બોલાવીએ, ઘરનાં નાના મોટાં કામ પતાવું છુ, ક્યારેક કોઇ ફિલ્મ , ક્યારેક સામાજીક કાર્યક્રમ, કોઇ વખત નજીકના ગામડાંઓમાં પિકનિક જઈ આવીએ..ભવિષ્યમાં કદાચ એવી જગ્યાએ એકાદ નાનકડું ફાર્મહાઉસ પણ લઈ લઈશું-  કુદરતની એકદમ નજીક રહેવાનો લ્હાવો માણીશું. અત્યારે તો મારા ઘરના પાછળના વાડામાં મેં એક નાનકડું ગાર્ડન બનાવ્યું છે એમાં દર અઠવાડીએ સાફ સફાઈ, નવા પ્લાંટ્સ નાંખવા, જૂના ટ્રીમ કરવા, ખાતર – પાણી-સાફસફાઈનું ધ્યાન રાખવું, કોઇ વાર મ્યુજિયમ જોવા જઈએ તો ઘણી વખત સનસેટ – સનરાઈઝ્ના પ્રોગ્રામ – એમાં વળી ઘણી વખત ફોટોગ્રાફી પણ કરીએ. આમ મારો રજાનો દિવસ સ્ફુર્તિ ને તાજગીથી ભરપૂર હોય છે જેમાંથી મને માનસિક આહાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે, માનસિક ઉર્જા પ્રાપ્ત થાય છે, મારી વિચારસરણી પણ વ્યાપક બને છે જે અંતે મારી ઉપર વિટામીનની ગોળીઓ જેવી અસર કરે છે. જ્યારે તું.. તું રજાના દિવસે મોડો મોડો ઉઠે છે – જાણે પથારી ઉપર ઉપકાર કરતો હોય એમ. એ પછી ટીવી ખોલીને બેસી જાય છે ને મનમાં વિચારે છે કે રજાના દિવસે બીજું કરવાનું પણ શું…પણ તું એ નથી સમજતો કે રજાના દિવસે જ તને એક તાજગીપૂર્ણ દિવસ જીવવાનો ચાંસ મળે છે જેમાંથી આખા અઠવાડીઆના કામ કરવા માટે તું સ્ફૂર્તિ – તાકાત મેળવી શકે છે. વળી તારો ખાસ મિત્ર રોહન અને પાયલ…એ પણ નિઃસંતાન અને કંટાળા, નેગેટીવીટીઝ્થી ભરેલું. મોટાભાગના રવિવારની સાંજ તું અને તારી પત્ની એમને મળવામાં ગુજારો છો પછી શું થાય ? તારો વીકએન્ડ નિરાશાજનક – કંટાળાથી ભરેલો જ રહે છે. પાયલ ભાભી પણ અમુક સમયે તારી આ દિનચર્યાથી કંટાળી જાય છે.તમારે દેખીતા લડાઈ ઝગડાં નથી થતાં પણ એમના મગજમાં કાયમ તારા વિરુધ્ધ એક રોષ ભરાયેલ રહે છે.’

‘અરે, પાયલે તો મને કોઇ દિવસ આવું કશું કીધું જ નહીં.’

‘એમણે મને સીધે સીધું તો ક્યારેય નથી કીધું પણ મને એમના ભાવ સમજતાં બહુ સારી રીતે આવડે છે. તું હવે તારી આ દિનચર્યા સુધાર તો તારું વિચારતંત્ર પણ વધુ સ્વસ્થ થશે. બાકી આમ જોવા જઈએ તો તારી ને મારી આવડતમાં કોઇ જ ફરક નથી દોસ્ત. પણ તું બીયરના કેન જેવું ને હું વીટામીનની ગોળી જેવું જીવન જીવું છું બસ.’

‘ઓહ આટલી સીધી પણ મહત્વની વાત મને હજુ સુધી કેમ ના સમજાઈ ? થેંક્યુ વેરી મચ દોસ્ત.’ અને રીધમ જોગીના ગળે લાગી ગયો.

અનબીટેબલઃ માનસિક આહાર શારીરિક આહાર જેટલો જ અગત્યનો હોય છે.

 

Sneha patel.

IMG_20170412_102822

Badlaav


IMG_20170405_192935

બદલાવઃ

મને ક્યાં એટલી ફુરસદ કે હું ચિંતા કરું એની,

સમય રોકાય તો રોકાય, ના રોકાય તો વીતે !

-અમૃત ઘાયલ.

રેખા, મીના, સુચિત્રા,સપના, સરલા વગેરે આજે  કવિતાના ઘરે ભેગા થયેલાં, કીટી પાર્ટી હતી. ચા નાસ્તો પછી વાતો ધીમે ધીમે એનો અસ્સલ રંગ પકડવા લાગી. સ્ત્રીઓનો ફેવરીટ સબજેક્ટ પણ નવાઈજનક રીતે સ્ત્રીઓ જ હોય છે ! આજે પણ એમ જ હતું. વાત હતી રેખાની. રેખાને સવા મહિનાનો પુત્ર હતો અને એ  એના પીયરથી સાસરે બે દિવસ રોકાવા આવેલી. એના મોઢા પર થોડો ત્રાસનો ભાવ હતો.

‘શું થયું રેખા, કેમ અકળાયેલી છે?’ કવિતાએ પૂછી જ લીધું.

‘હા, સાચું કહ્યું કવિતા, અકળામણ તો છે જ. સાતમા મહિના પછી મારો ખોળો ભરાયો અને હું મારા મમ્મીના ઘરે જતી રહેલી. એ દિવસથી માંડીને મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભીએ મારું અને મારા દીકરાના જન્મ પછી એનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખેલું. પણ સાત, આઠ, નવ એ ત્રણ મહિના પ્રેગનન્સીના અને ફેનિલના જન્મ પછીના બીજા ત્રણ મહિના મારા કાને એક જ વાક્ય વારંવાર અથડાતું હતું,’ આમ ના કરાય, તેમ ના કરાય, ફેનિલને સામાન્ય છીંક આવે કે નોર્મલ રડે તો પણ ઘરમાં બધાના જીવ ઉંચાનીચા થઈ જાય કે, ‘ આ છોકરાને શું થઈ ગયું ? નક્કી કોઇની નજર લાગી ગઈ હશે. આને કંઇ વધુ થશે તો આપણે રેખાની સાસરીવાળાને શું મોઢું બતાવીશું ? એ લોકો તો આપણને જ ટોણાં મારશે કે છોકરાનું આટલું ય ધ્યાન ના રાખી શક્યાં ? ના કરે નારાયણ ને કંઇક આડું અવળું થઈ જાય તો કદાચ બીજી વખત દીકરીને અને પૌત્રને પીયર આવવા પણ ના દે. જાણે મારા મમ્મી પપ્પા  એમના દોહિત્રના નાના નાની નહીં પણ દુશ્મન હોય. વળી મારી ડીલીવરીના સમયે પણ એ લોકોના મોઢે એક જ વાક્ય,’આપણે તો નાની નાની વાતનું ધ્યાન રાખવાનું, રેખાને નાની અમથી તકલીફ થાય તો પણ ડોકટરને ત્યાં દોડવાનું, કોઇની રાહ નહીં જોવાની કે પૈસાની સહેજ પણ ફીકર નહીં કરવાની. રખેને કંઇ ઉંચનીચ થાય તો એની સાસરીવાળા આપણને મૂરખ જ ગણે ને..’ બોલો, ઉંચનીચ થાય તો દીકરીના જીવ અને દોહિત્રની તબિયતની વાત ગઈ તેલ પીવા પણ સાસરીવાળા – સમાજ શું કહેશે એની ચિંતા વધુ !’

‘હા યાર, મારી સ્વીટીની ડીલીવરી વખતે મારી પણ આ જ હાલત હતી અને હું પણ આમ જ અકળાઈ જતી.’ સપનાએ અને પછી ધીમે ધીમે બધાએ રેખાની હા માં હા મીલાવી.

‘મારો તો એક બીજો અનુભવ પણ  ત્રાસદાયક છે.’ મીના બોલી.

‘કયો ? બોલ.’ બધી સખીઓ એકસૂરમાં બોલી ઉઠી.

‘હું મારી પહેલી ડીલીવરી પછી ત્રણ મહિને મારા સાસરે પાછી ફરેલી.રાહુલ નાનો હતો ત્યારે ખૂબ જ તોફાની – હાયપર એક્ટીવ. આખો દિવસ એને રમવા જોઇએ પણ ઊંઘના નામે ઝીરો. ડોકટરોનું હેવું હતું કે આજકાલના છોકરાંવ બહુ સ્માર્ટ હોય એટલે મોટાભાગના બાળક ‘હાયપર એકટીવ’ જ હોય છે.. મૂઆ એમની સ્માર્ટનેસમાં આપણે અડધા થઈ જઈએ. આખો દિવસ કામન ઢસરડાં અને રાત પડે ત્યારે આ ભાઇને રમવાનું સૂઝે. રાતે બે વાગે એટલે અચૂક ભાઈની આંખ ખૂલી જ જાય અને કાં તો એને હીંચકા ખાવા હોય કાં તો એની સાથે વાતો કરો. જો આમ ના થયું તો પતી ગયું…ભેંકાટી ભેંકાટીને આખું ઘર માથે લે. હવે અમારો બેડરુમ પહેલાં માળે અને મમ્મી પપ્પા નીચે. રાહુલ જાગે એટલે ઘણી વખત હું એને સંભાળી લઉં ને ઘણી વખત એના ડેડી – માનવ. આ વાતની ખબર મારા સાસુમાને પડે એટલે એમની કચકચ ચાલુ થઈ જાય,’ તારે રાતે રાહુલ હેરાન કરે તો નીચે આવી જવાનું , માનવને નહીં ઉઠાડવાનો. એને આખો દિવસ ઓફિસનું કામ હોય ને એ આમ ઉજાગરા કરે તો તબિયત બગડે..વગેરે વગેરે..’ પોતાના દીકરાની તબિયતની ચિંતા પણ ૯ મહિના પેટમાં રાખીને ડિલીવરી કરીને છોકરું જણીને આવેલી હું આખા દિવસના કામન ઢસરડાં પછી પણ સરખી ઉંઘ ના પામું તો મારી તબિયતનું કશું નહીં. બોલો. વળી હું માનવન ઉઠાડું નહીં પણ એ જાતે જ રાહુલ માટે જાગવાનું પસંદ કરે તો પણ ઠપકો મારે સાંભળવાનો. માનવ બહુ સમજુ જો  કે…એ કહે તારે મમ્મીનું બહુ નહીં સાંભળવાનું એ તો બોલ્યાં કરે, તારે એમ અડધી ઉંઘમાં છોકરાંને લઈને દાદરા ઉતરવાની કોઇ જરુર નથી, હું એનો બાપ બેઠો છું ને. રોજ રોજ એમ આખો દિવસ આંખ આડા કાન કેમના થાય? પણ ઘરની શાંતિ માટે મનોમન અકળાઇને રહી જવા સિવાય કોઇ બીજો ચારો પણ ક્યાં હોય છે આપણી પાસે ? ‘

‘હા, એક્ઝેટ આવો અનુભવ તો મને પણ છે. પ્રુરુષો સ્ત્રીને સ્ત્રીઓ કરતાં વધુ સપોર્ટીવ હોય છે. જ્યારે સ્ત્રી સ્ત્રી થઈને પણ સ્ત્રીને સપોર્ટ કરવામાં કાચી પડે છે.મારા નાની, મારા મમ્મી અને હવે હું..લગભગ દાયકાઓથી આ અનુભવો એના એજ રહયાં છે. જમાનો સુપરસ્પીડમાં આગળ વધી રહ્યો છે, બધું બહુ જ જલ્દીથી બદલાઇ રહ્યું છે. નથી બદલાઇ તો આ પ્રથાઓ, આ વાહિયાત વાતો.’ સુચિત્રા બોલી ઉઠી.

‘ચાલો, આપણે આપણાં તરફથી બદ્લાવ લાવવાની શરુઆત કરીએ. આપણે બધી સખીઓ આજે સોગંધ લઈએ કે આપણે દીકરી અને વહુઓ સાથે આવો અન્યાય નહીં કરીએ. આજે જે વાતો થઈ એવી વાતોનું પુનરાવર્તન કમ સે કમ આપણાં ઘરોમાં તો નહીં જ થાય.’ સરલા બોલી અને બધી સખીઓના મોઢા પર એક આછા સ્મિતની રેખા ફૂટી નીકળી. બધાંના વદન પર આ નિર્ણયથી સંતોષના વાદળ છવાઈ ગયાં.

-sneha patel.

Poem recitation


અમેરિકા સ્થિત સખી સપના વિજાપુરાના પુસ્તક’સમી સાંજનાસ સપનાં’ પુસ્તકના લોકાર્પણ વખતે કરેલું કાવ્ય પઠન
 

​ https://youtu.be/8mZK1V-qn3Q