Hash..


હાશ….

જીભના શેઢે ટહુકી ઊઠ્યા કોયલ મોર બપૈયા તેતર,

દલડે દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર !

-મુકેશ દવે (અમરેલી)

લગભગ આઠ વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં  મોભાદાર સ્થાને નોકરી કરનાર  કીર્તનને કંપનીના કામકાજ માટે વારંવાર ચાઈના, યુ.એસ.એ જવાનું થતું. હવે તો એની પત્ની કથા અને દીકરો આઠ-દસ વર્ષનો દીકરો રાગ પણ એની એ ગોઠવણમાં ગોઠવાઈ જવા લાગ્યાં હતાં. આજે  ડીસેમ્બર મહિનાની દસમી તારીખ હતી. કથાએ મોબાઈલમાં કીર્તનને એરપોર્ટ પર લેવા જવાના સમયનું રીમાઈન્ડર મૂકી રાખેલું. કીર્તન આવવાનો હોય એટલે એને મન તહેવાર જેવી જ લાગણી પનપતી હોય. એનું તન અને મન સુધ્ધાં એના આવકારમાં નર્તન કરતાં હોય, ઊલ્લાસથી ભરપૂર હોય. સવારના પાંચ વાગ્યા અને કથાના મોબાઇલનું રીમાઇંડર વાગ્યું. કથા ફટાફટ ઉઠી નિત્યક્રમ પતાવીને તૈયાર થઈને ગાડી લઈને એરપોર્ટ તરફ જવા નીકળી. કીર્તને એને આમ એઅરપોર્ટ પર આવવા માટે ના પાડે. કહે કે,’ હવે તો સરસ મજાની ટેક્ષીની સુવિધા છે હું જાતે આવી જઈશ.’ પણ કથા જેનું નામ. વળતો જવાબ આપે,’તને એરપોર્ટ પર લેવા આવું તો એટલી વહેલી તને મળી શકું , તને જોઇ શકું ને!’ અને કીર્તન એની આવી વાત પર હસી પડતો. બોલતો તો કશું નહી પણ અંદરથી પોતાની લેવાતી સંભાળ, લાગણી માટે મનોમન આનંદ પણ અનુભવતો. વાત નાની શી હતી પણ એનો મર્મ બહુ જ મહત્વનો અને રાજીપાવાળો હતો. કથા એરપોર્ટ પર પહોંચીને ગાડી પાર્ક કરવાનું વિચારતી હતી ત્યાં જ કીર્તન એની બાજુમાં આવીને ઉભો રહી ગયો અને કથા એકદમ જ ચોંકી ગઈ. બે સેકંડ પછી આજુબાજુનું ભાન ભૂલીને કીર્તનને એક મીઠું ‘હગ’ કરી લીધું. સામાન ગોઠવીને બંને જણ ગાડીમાં બેઠાં. કીર્તને સ્ટીઅરીંગ સંભાળી લીધું.

‘કેવી રહી ટ્રીપ?’

‘બહુ જ સરસ રહી. જોકે ચાઈના જઈએ એટલે થોડો ભાષાકીય પ્રોબ્લેમ થાય છે. સામાન્ય વાતચીતમાં વાંધો નથી આવતો પણ મારે ટેકનીકલ ડીસ્કશન કરવા હોય ત્યારે એક ઇન્ટરપ્રીટરની જરુર પડે છે. વળી ત્યાં કોઇને અંગ્રેજી પણ બરાબર ના આવડે એટલે લોકલ માર્કેટમાં પણ બહુ તકલીફ થાય છે. ‘

‘હા કીર્તન, હમણાં જ ‘વિશ્વ માતૃભાષાદિન’ ગયો ત્યારે મેં તને યાદ કરેલો. આપણી સોસાયટીમાં એ દિવસે માતૃભાષાનું ગૌરવ વધારે એવા અનેક પ્રોગ્રામો થયેલા. આપણા દીકરાએ પણ નાટકમાં ભાગ લીધેલો અને નરસિંહ મહેતાનું પાત્ર ભજવેલું. સોસાયટીના લોકોએ એની બહુ જ પ્રસંશા કરી કે.’અંગ્રેજી મીડીઅમમાં ભણતો છોકરો અને ગુજરાતી સાહિત્ય માટે આવી પ્રીતિ. બહુ કહેવાય. ‘

‘લોકો પણ ગજબ છે. અંગ્રેજી મીડીઅમમાં ભણવું એની જરુરિયાત છે જ્યારે ગુજરાતી ભાષા એનો પ્રેમ છે એવું કેમ સમજતા નથી? આપણે ત્યાં તો લોકો ફટ દઈને દરેક વાતને મનફાવે એવા સંબંધોથી જોડી દે છે. ગુજરાતીભાષા ‘મા’ અને અંગ્રેજીભાષા એટલે આપણી ‘માસી’. એવું શું કામ? અંગ્રેજી આજના જમાનામાં ફકત આપણી જરુરિયાતની ભાષા છે એટલે આપણે એ શીખવી જ રહી. મારો જ અનુભવ લે ને..ચાઇનાના લોકો બરાબર અંગ્રેજી સમજતાં હોત તો મારું અને એમનું કામ કેટલું સરળ થઈ ગયું હોત ! આ તો અમારે વાતચીત કરવા એક દુભાષિયાની જરુર પડે અને અમુક વખતે કંપનીની સીક્રેટ વાતો તો એની સામે બોલાય પણ નહીં એટલે પેલો ચીનો મને મેસેજમાં લખીને મોકલે પછી હું એનું ઓનલાઈન અંગ્રેજીમાં રુપાંતરણ કરું અને છેવટે એક બે લીટીનો મર્મ સમજતાં મને કલાક જેટલો સમય લાગી જાય. કંટાળી જવાય.’ અને કીર્તનના મોઢા પર આટલું બોલતાં બોલતાં રીતસરનો કંટાળાનો ભાવ તરવરવા લાગ્યો.

‘હા, કીર્તન. તું સાચું કહે છે. આજકાલ અંગેજીના બહોળા વપરાશને  કારને એની જરુરિયાત નકારી શકાય એમ નથી, પણ એનાથી આપણી માતૃભાષાનો પ્રેમ મરી જાય એવું તો સહેજ પણ નથી હોતું. આજકાલ કેટલાં બધા ગુજરાતી પિકચર આવે છે અને આપણે બધાં ફકત એ ગુજરાતી હોવાના કારણે જ એ જોવા જઈએ છીએને…ગુજરાતી ભાષા પરત્વેનો આપણો પ્રેમ તો નસનસમાં દોડે છે એને તરછોડીએ છીએ એવું વિચારી પણ કેમ શકાય?’

‘સાચી વાત છે કથા. જે આપણી અંદર હોય એ ક્યારેય મરતું નથી. હા, સંજોગોવશાત ક્યારેક એ સૂકાઇ ગયેલું લાગે પણ ફરીથી પ્રેમનો હૂંફાળો સ્પર્શ પામતાં એ લીલોછમ છોડ બનીને ચોકકસ ખીલી જ જાય છે.લોકોને આજકાલ મેસેજ, ચેટીંગમાં વાતો કરવા એક વિષય જોઇએ એનાથી વધુ આ બધી ચિંતાઓનું કંઇ મહત્વ નથી. હું ચાઇનામાં અગડંબગડં ચીની, અંગ્રેજી બોલી બોલીને કંટાળ્યો હતો પણ અત્યારે તારી સાથે ગુજરાતીમાં વાતો કરીને ફકત આપણાં ઘરમાં જ અનુભવી શકાય એવી એક હાશ, નિરાંત અનુભવાય છે. જ્યાં સુધી આ ‘હાશ’ જીવંત છે ત્યાં સુધી માતૃભાષાને કોઇ ખતરો નથી. ખરેખર તો આપણે ખોટા રાગડાં તાણવાનું છોડીને ચિંતામાંથી ચિંતન તરફનો પ્રવાસ કરવાની જરુર છે. આપણાં સંતાનોને સમયે સમયે આપણી ભાષાનું ગૌરવ, આપણાં મૂલ્યો સમજાવતા રહેવાની જરુર છે.બહારથી એ ક્યારે ને શું શીખશે એની તો આપણને ખબર નથી પણ ઘરમાં એ શું શીખી શકે એની તો આપણને ખબર હોવી  જ જોઇએ અને એને એ શીખવવા આપણે પણ સતત શીખતા રહેવું પડે જેથી એના બાળમાનસમાં આપણે આપણા પૂર્વાગ્રહોયુકત વિચારસરણીનું  સિંચન ના કરી દઇએ.’

અને કીર્તન અને કથાના હાશકારાનું સ્થળ, એમનું ઘર આવી પહોંચ્યું અને કીર્તને ગાડી પાર્ક કરીને આળસ મરડી.

અનબીટેબલઃ હોવું અને થવું એમાં બહુ ફરક છે.

સ્નેહા પટેલ.