માનવજાતિઃ
કોઈ ઈચ્છાનું મને વળગણ ના હો,
એય ઈચ્છા છે , હવે એ પણ ના હો.
સ્વ. ચિનુ મોદી,”ઈર્શાદ”
‘તમારે બૈરાંઓને તો જલસાં જ જલસાં છે.’ અવિનાશ ગાડી ડ્રાઈવ કરતાં કરતાં બોલ્યો.
‘કેમ .અચાનક આ શું થઈ ગયું તને ?’ ડ્રાઈવિંગ સીટની બાજુની સીટમાં બેઠેલ ધાત્રી આસ્ચ્ર્યચક્તિ ચહેરે અવિનાશ સામે જોઇ રહી.
‘આ મહિલા દિન – અનામત – વુમનપાવર-ઇક્વીલીટી – ફેમીનીસ્ટ ના નામે અનેકો નાટક…ઉફ્ફ…હવે કંટાળો આવે છે. મહિલાદિનના આગળના અઠવાડિયાથી વોટસએપ, ટ્વીટર, ઇમેઇલ, ફેસબુક…જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ મહાન અને પુરુષો અધમ – નીચલી કક્ષાના જાનવર એવા જ મેસેજીસ મળ્યાં કરે છે. પરણ્યાં બાદ સ્ત્રી એનું ઘર છોડે છે અમે પુરુષ પણ એમને અમારા ઘરમાં સ્નમાન સાથે મોભાદાર સ્થાન આપીએ જ છીએ ને. સ્ત્રીઓ સંતાનને જન્મ આપે છે તો મહાન પણ એ સંતાનને પાળી પોસીને સારું ભણતર અપાવવા અમે રાત દિવસ મજૂરી કરીને પૈસા કમાઈએ એનું કંઈ જ મૂલ્ય નહીં . સંસાર બે ય જણ સાથે મળીને ચલાવીએ છીએ તો અમારા માટે પણ એક દિવસ હોવો જ જોઇએ કે નહીં – પુરુષ દિવસ – વર્લ્ડ મેન ડે..પણ ના…અમારા હિસ્સામાં તો એ પણ નહીં. આમ જોવા જાવ તો ઇક્વીલીટીના નામે તમને સ્ત્રીઓને કેટકેટલી વિશેષ સવલતો મળે છે અને અમે તો હરાયાં ઢોર જ..તમારી પાસે તો જન્મથી જ ભગવાને આપેલ રુપની મબલખ સંપતિ હોય છે જ્યારે અમારે તો ડગલે ને પગલે અમારી સ્માર્ટનેસ, ક્વીકનેસ સાબિત કરી કરીને જીવવાનું હોય છે. કાયદાઓ જોઇએ તો પણ મોસ્ટલી તમારા હકમાં. ઘણી વખત તો પુરુષ તરીકે જન્મીને જાણે શું ભયાનક ગુનો કરી નાંખ્યો હોય એવું જ અનુભવાય છે.’ ?
‘અરે યાર, એવું બધું તો ચાલ્યાં કરે. મેં કદી તારી પાસે સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવ્યો છે બોલ ?’
‘ના એવું નથી. તું તો બહુ જ સમતોલિત સ્ત્રી છું. પણ આ દુનિયા…’
‘જો અવિ, આપણે એવી લોકાલિટીમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રીઓ એમના અધિકારો માંગવા કરતાં એને લાયક બનવાનું વધારે પસંદ કરે છે અને પુરુષો સ્ત્રીઓની શારીરીક નાજુકાઇ પણ મજબૂત મનોબળની ખુલીને તારીફ કરીને એનું સન્માન કરી શકે છે. પણ આપણાં જેવા સમજુ લોકોની ટકાવારી કેટલી? આખી દુનિયા એવી નથી. આજે પણ દુનિયાના અનેક સ્થળોએ સ્ત્રીને એક સાધન તરીકે જ જોવાય છે અથવા તો એમ કહે ને કે વપરાય છે ! વળી ત્યાં હજુ એટલી ક્રાંતિ, શિક્ષણ કે લોકોમાં સમજણ, ઉદારતા જેવા ગુણ નથી પ્રસર્યા. ત્યાં હજી સ્ત્રીઓ પર અત્યાચારો થાય છે આ દિવસ એવા લોકોને સપોર્ટ કરવામાં, એમનામાં વૈચારીક જાગ્રુતિ લાવવા જ ઊજવાય છે. વળી જે કાયદાકાનૂનની વાતો તું કરે છે એ કાયદાઓની તો દુનિયાના અમુક છેવાડાની સ્ત્રીઓને જાણકારી સુધ્ધાં નથી હોતી. એકચ્યુઅલી આવા દિવસો ઉજવવા હોય તો આપણે લોકોએ આ બધી માહિતી એ છેવાડાંના લોકો સુધી પહોંચાડીને જાગ્રુતિ લાવવાનું કામ કરવું જોઇએ. આમ મેસેજીસ ફેરવ્યાં કરવાથી એ લોકોનું કશું ભલું નથી થવાનું. બાકી જ્યાં ખુદ ભગવાને સ્ત્રી પુરુષને અલગ અલગ બનાવીને આ ધરતી પર મોકલ્યાં છે તો એની ઇક્વીલીટીની વાતો કરીને આપણે જાણે – અજાણે એનું અપમાન કરીએ છીએ. હું તો માનું છું કે સ્ત્રી કે પુરુષ એક જાતિ કરતાં પહેલાં એક માનવ-મનુષ્ય છે અને દરેકે દરેક માનવ એક બીજાથી અલગ હોય છે. વળી એને અલગ રહેવાનો – પોતાની અલગ આદતો વિક્સાવવાનો – પોતાની રીતે જીવવાનો પૂરો હક છે, એના માટે તમારી મંજૂરી લેવા કે વાત વિચારણા કરવા આવવું સહેજ પણ જરુરી નથી. સ્ત્રી -પુરુષ બે જણ અલગ છે એટલે જ બંનેને એક બીજાનું આકર્ષણ છે એ વાત સો ટચના સોના જેવી. એથી સ્ત્રીઓએ પુરુષ જેવા કે પુરુષોએ સ્ત્રીસમોવડા થવા જેવા ઉતાવળિયા-આંધળૂકીયા પગલાં ભરીને પોતાની મૂર્ખામી સાબિત કરવાનું રહેવાં જ દેવું જોઇએ. મોટાભાગના લોકો આ મુદ્દાને ટાઇમપાસનો મુદ્દો બનાવીને ચર્ચાઓ કરીને પોતાનું નામ આગળ લાવવામાં જ રસ લે છે પણ જ્યાં ખરેખર અત્યાચારો થાય છે એવી એક સ્ત્રીને પણ એ જેને લાયક છે એવા હક અપાવી શકે, એને સ્વતંત્ર બનીને જીવતાં શીખવી શકે તો એ સાચી વ્યક્તિ કહેવાય અને આદર્શ જીવન જીવ્યું કહેવાય.’
‘હા ધારુ, તું સાચું કહે છે. તારી વાતોથી અમારો ઓફિસનો પટાવાળો યાદ આવી ગયો એ પણ વારંવાર એની ઘરવાળીને મારપીટ કરતો જ હોય છે. ચાલ તારી વાત પરથી હું શીખ લઉં છું અને એને સમજાવવાની કોશિશ કરીશ અને એની પત્નીને સન્માનજનક જીવન જીવવાને લાયક બનાવીશ. આ તને મારું વચન છે ડીઅર.’
‘ઓહ, યુ આર સચ અ ડાર્લિંગ. ચાલ હવે સામે કીટલીવાળે દેખાય છે ત્યાંથી બે ચા લઈ આવ. માથુ બહુ દુઃખે છે.’ ધાત્રીએ અવિનાશને ઓર્ડર કરવાની એક્ટીંગ કરતાં કહ્યું અને બે ય જણ ખડખડાટ હસી પડ્યાં.
બહાર આકાશમાં સૂરજ પણ આ યુગલની સમજદારી પર વારી ગયો અને હૂંફાળું હસી પડ્યો.
અનબીટેબલઃ સ્ત્રી કે પુરુષ બનવું એ આપણાં હાથમાં નથી હોતું પણ એક સારા માનવ બનવું એ ચોકકસ આપણાં હાથમાં છે.