Moj sokh ni bhukh

​મોજશોખની ભૂખ:

નેટ, સોશિયલ સાઈટ્સ, એપ્લીકેશન્સ

વાહ…

દુનિયા આખી ય એક જ છત નીચે,

કેટલી નાની !

છતની નીચે

દરેક સભ્ય પોતાના

અલાયદા ડિવાઇસીસ સાથે બીઝી

કોઇ અલગ જ દુનિયામાં..

ઓહ,

એક છત નીચેની દુનિયા કેટલી વિશાળ !

-સ્નેહા પટેલ.

સરવાણી જોગીંગ કરીને આવી અને થોડી વાર બેસીને પાછી પોતાના રુમમાં ભરાઈ ગઈ. રેખાબેન રોનેજની આદત પ્રમાણે લીંબુના શરબતનો ગ્લાસ લઈને સરવાણીના રુમમાં ગયા.

‘સરુ બેટા, ચાલ આ જ્યુસ પી લે.’

‘ઓફ્ફોહ મમ્મી, આટલા ‘ક્રન્ચીસ’ મારી લેવા દે ને પછી જ્યુસ લઉં છું.’

‘અરે છોકરી તું પાગલ થઈ ગઈ છું કે ? હમણાં જ જોગીંગ પરથી આવી અને તરત જ આ ‘ક્રન્ચીસ’! બે કસરત વચ્ચે થોડો સમયગાળો તો રાખ દીકરા.’

‘મમ્મી…’ હજુ તો સરવાણી આગળ કંઈ બોલે ત્યાં તો એના ફોનમાં  મેસેજ નોટીફીકેશન આવ્યું અને એણે મોબાઈલ હાથમાં લઈને જોયું તો એના બોસે એને ઓફિસ આવતાં પહેલાં એક જરુરી પ્રેઝનટૅશન બનાવવાનો મેસેજ આપેલો. સરુ ઉભી થઈને લેપટોપનું સ્ટાર્ટનું બટન દબાવીને આવી અને પાછી પાંચ ક્રન્ચીસ લગાવીને શરબતનો ગ્લાસ હાથમાં લીધો. ત્યાં તો એની એક ફ્રેંડનો ફોન આવી ગયો અને એ ફોન પર વાત કરતા કરતાં શરબતના ઘૂંટડા ભરવા લાગી. 

‘પહેલાં શાંતિથી લીંબુ શરબત પી લે, થોડો નાસ્તો કર પછી આ  મોબાઈલ ને લેપટોપ ને બધું હાથમાં લે સરુ.’રેખાબેન એની દીકરીની વણથંભી ગતિવિધીઓથી કંટાળી ગયા. એમને બે મીનીટ એક છોકરાં સાથે એના લગ્ન માટે વાત કરવી હતી પણ એમની દીકરી હાથમાં જ નહતી આવતી.

‘મમ્મી, એક પછી એક કામ કરવા બેસું તો પતી ગયું, હું આખો દિવસ ઘરમાં જ બેસી રહું.એક કામ કરો ને ,જરા બાથરુમમાં ગીઝર ચાલુ કરી દો ને મારું પાણી નીકળતું થાય’ અને તરત જ કાનમાં મોબાઈલના ઇયરપ્લગ ભરાવીને એ પોતાના કપડાં ઇસ્ત્રી કરવા લાગી. ઇસ્ત્રી કરીને એ પાછી થોડાં ક્રનચીસ મારવા બેઠી, એ જોઇને રેખાબેન અકળાઈ જ ગયાં.

‘અલી પાગલ છોકરી, આ કેટલી વખત એકની એક એકસરસાઈઝ કરે છે?’

‘મમ્મી, એમાં એવું છે ને કે મારું થોડું થોડું ‘ટમી’ દેખાય છે. ક્રનચીસથી એ ઓછું થશે. મારા આ ટમીના કારણે મને ફીટીંગવાળા કપડાં પહેરવામાં શરમ આવે છે.’

‘બેટા, તારું ટમી નીકળવાના કારણ તારી અસ્ત વયસ્ત જીવનશૈલી છે. અત્યારે આટલી કસરત કરે છે અને પછી આખો દિવસ પીત્ઝા, બરગર,ચીપ્સ, રોજ રોજ બહારના નાસ્તા,મોબાઈલ,  લેપટોપ..પછી શું થાય? વળી આ રીતે ઓંનલાઈન વીડીઓસ જોઇ જોઇને જાતે જાતે એકધારી કોઇ પણ કસરત કરીશ તો એ તને મદદરુપ થવાને બદલે તને હાનિકારક નીવડશે બેટાં. તારે પહેલાં કોઇ જાણકાર પાસે થોડું ગાઈડન્સ લેવું જોઇએ પણ તમને આજની પેઢીને દરેક વાતમાં ઉતાવળની ટેવ પડી ગઈ છે. એમાં વળી આજની  સુપરસ્માર્ટ ટેકનોલોજી તમને ભરપૂર મદદ કરે છે. દરેક જણ આ ટેકનોલોજીનો સહારો લઈને બીજા બધાથી સ્માર્ટ બની બનીને સૌથી આગળ વધી જવાની નિરર્થક દોડમાં વ્યસત છે. આ આંગળીના ટેરવે ફરી જતી ટેકનોલોજી-ડિવાઇસીસની દુનિયા અજગરની જેમ આપણા ગળે ક્યારે ભરડો લઈ લે છે એની ખબર તો આપણે ડીપ્રેશન અને સ્ટ્રેસના ચકકરોમાં ગળાડૂબ ફસાઈ જઈએ ત્યારે જ ભાન પડે છે. બધાને બધું જ જલ્દી જલ્દી મેળવી લેવું છે. સાઈકલ છે તો બાઈક જોઇએ છે,બાઈક મળી ગઈ તો કાર જોઇએ, એ મળી ગઈ તો હવે મોટી કાર જોઇએ..એ પતે એટલે એલઈડી ટીવી પછી સ્માર્ટ ટીવી.પછી સ્માર્ટ વોચ..મોબાઈલ્…ઉફ્ફ..માણસ ડીવાઈસીસનો ગુલામ બની ગયો છે જાણે ! વધુ..એનાથી વધુ..વધુ થી ય વધુ…બધી લકઝરી આંગળીના વેઢે દસ ગણીએ ત્યાં સુધીમાં તો મળી જ જવીજોઇએ ને માણસ એના માટે ગાંડાની જેમ મજૂરી કે પછી કોઇ પણ ઉપાયો અપનાવે છે, પોતાની માનસિક, શારિરીક તબિયતની કોઇ  જ ચિંતા નથી. આજે ને અબઘડી જ જીવી લેવું છે. કેરીઅરની લાલચમાં તમે લોકો લગ્ન સુધ્ધાં પાછળ ને પાછળ ઠેલે રાખો છો. એક દિવસ એવો આવશે કે કોઇ લગ્ન જ નહીં કરે, એની બધી જ ઇમોશનલ, ફીઝીકલ જરુરિયાતો પૂરી કરવા માટે એવા રોબોટની શોધ થઈ જશે અને માનવી એની આખી જીંદગી એ મશીન સાથે જ વીતાવીને ખુશ થવાનો પ્રયત્ન કરશે. જરુર પડશે તો એ રોબોટ થકી બચ્ચાંઓ પેદા કરવાની ટેકનોલોજી ય શોધાશે. આ બધી માયાજાળનો અંત ક્યાં અને કેમનો આવશે શી ખબર? પણ એક વાત છે,બધું મળશે તો ય માનવીને કંઈક ખૂટે છે ..ખૂટે છે નો અહેસાસ સતત સતાવતો રહેશે, કારણ એ એનો સંતોષ જ ગુમાવી બેઠો છે. એને કોઇ પણ ઉપલબ્ધિ પૂર્ણ નહીં લાગે અને એ કાયમ દોડ્યાં જ કરશે..દોડ્યાં જ કરશે. બેટા, સમય છે ને ચેતી જાઓ…સંતોષની મહામૂડી આમ વેડફાઈ જશે તો આગળ જતાં બહુ પસ્તાશો. કોઇ જ વસ્તુ તમને સાચી ખુશી નહીં આપી શકે.’

‘હા મમ્મી, મને પણ ઘણી વખત એમ જ લાગે છે કે હું આખો દિવસ બસ આમ થી તેમ ને તેમથી આમ ઝૂલ્યાં જ કરું છું, દોડયાં જ કરું છું અને તો ય પરિણામ પારાવાર હતાશા, એની પાછળ આવા બધા કારણો કારણભૂત છે એની ખબર નહતી પડતી. થેંક્સ માય સ્વીટ મમ્મી.મને મારી ખુશીનો સાચો રસ્તો મળી ગયો. તમે વચ્ચે કોઇ છોકરાં માટે વાત કરતાં હતાં ને..શું હતી એ વાત?’

અને રેખાબેનના ચહેરા પર સંતોષની રેખા અંકાઈ ગઈ.

આનબીટેબલઃ મોજશોખની અનંત ભૂખમાં સતત બદલાતી રહેતી ટેકનોલોજીના ચકકરોમાં ફસાઈને  માનવી પોતાની આઝાદી ગુમાવી બેસે છે.

સ્નેહા પટેલ.

2 comments on “Moj sokh ni bhukh

  1. લેટેસ્ટ ટોપીક અને સમાજ માટે ચેતવણી રુપ મેસેજ…લેખની શરૂઆતમાં તમારી જે રચના છે તે ખુબ જ સરસ અને થોડામાં ઘણું બધું કહી જાય છે…તમે ખુબ સરસ વાત કરી લેખમાં કે આજનો માનવી ટેકનોલોજીનો વ્યસની બનતો જાય છે, જે તન-મન, સમાજ, પરીવાર, સંબંધો વગેરે માટે નુકસાનકારક છે…આજે એવું લાગે છે કે જાણે મનુષ્ય ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતો પણ ટેકનોલોજી મનુષ્યનો ઉપયોગ કરે છે…એક સમય એવો આવશે કે મશીનને માણસ નહીં, પણ માણસને મશીન ચલાવતું હશે, એટલે કે માણસ ઉપર મશીનનો કંટ્રોલ હશે…આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે તેની ના નહી, પણ તેનો ઉપયોગ જરૂર પુરતો, યોગ્ય રીતે અને લીમીટમાં કરો તે સમજણ હોવી જરૂરી છે, જેમ ટેકનોલોજીનાં ફાયદા છે તેમ ગેરફાયદા પણ રહેલા છે, તે સમજવાની જરૂર છે…વધુ પડતા ટેકનોલોજીના ઉપયોગથી માણસ આજે માણસથી અને પ્રકૃતિથી વિમુખ થતો જાય છે માટે આજે માણસ એકલો પડી ગયો છે અને પછી એ જ એકાંત માણસને ગાંડો પણ બનાવી મુકે છે…દરેક બાબતનો અતિરેક એ નુકસાન કર્તા છે તેનું ભાન હોવું જોઈએ…આજે માણસનું જીવન ટેકનોલોજીના લીધે ઝડપી બની ગયું છે અને માણસ દુનિયામાંથી ઉકલી પણ ઝડપી જાય છે…આ સ્માર્ટ ગેજેટ્સ આવતાં લોકો સ્માર્ટ નહીં પણ ઓવરસ્માર્ટ બનતાં જાય છે, આમ તો આને ઓવરસ્માર્ટ નહીં પણ ડફોળ જ કહેવાય…કારણ કે, જે વ્યક્તિને પ્રમાણભાન ની ન ખબર પડે તેને ડફોળ જ કહેવાય ને…આની ખરાબ અસર તેમના જીવન, કારકિર્દી, પરિવાર, સંબંધો અને સમાજ ઉપર પડતી હોય છે…આગળ જતાં જો આજ હાલ રહ્યા તો પરિસ્થિતિ વધુ કપરી બનશે તથા લોકો બેદરકાર, લાગણીહીન અને રોબોટિક બની જશે…આમ વધુ પડતો ટેકનોલોજીનો ઉપયોગ માણસને પ્રગતિ નહીં પણ પતન ના માર્ગે લઈ જાશે…કદાચ આ જ ટેકનોલોજી આગળ જતા માણસને ભરખી પણ જાય તો નવાઈ નહીં…એક ઉમદા, સામાજીક સંદેશ આપતો અને સરસ લેખ…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s