Self confidence

​આત્મવિશ્વાસઃ

मुझको ख्वाबोंसे जंग लडनी है,

मेरे बिस्तर पे रोशनी रख दो !

– कमर धारवी.

‘તૃપ્તિ, આમ નિરાશ ના થા, આજ નહીં તો કાલે આપણી પાસે પણ જરુર પૂરતો પૈસો હશે, આપણું પોતાનું કહી શકાય એવું મકાન હશે, આપણા સંતાનોને આપણે યોગ્ય અને સંતોષકારક ભણતર ભણાવી શકીએ એવી શક્તિ પણ હશે. આ તો આપણો સમય થોડો ખરાબ ચાલે છે.’

‘હા, નીરજ. હું પણ મારા ભગવાન પાસે રોજ એ જ પ્રાર્થના કરું છું કે આ આર્થિક કટોકટીના આફતના વાદળો આપણાં પરિવાર પરથી જલ્દી હટી જાય. જો કે આપણી હાલત માટે મને કોઇ ફરિયાદ નથી જ, હું તો અમથી ય સંતોષી જીવ, જે આવે એનાથી ચલાવી લેવાનું તો પહેલેથી શીખેલી જ છું, પડ્યું પાનું નિભાવ્યે જ છૂટકો..’

ને એના ‘ છૂટકો..’ શબ્દમાં છુપાયેલ લાચારીની ભાવના નીરજને હચમચાવી ગઈ. ‘સંતોષ’ની સાથે આ ‘છૂટકો’ શબ્દનો પ્રાસ સહેજ પણ નહતો બેસતો. સહજીવનને લગભગ બે દાયકા વીતી ગયેલા હતા અને હજુ પણ એ પોતાની પત્નીની જરુરિયાતો પૂર્ણ કરવાને અસમર્થ હતો. ખાવા પીવા જેવો નજીવો ખર્ચો કરી શકે એટલી કમાણી હતી , અમુક મહિના તો એમાં ય ઉપવાસ થઈ જતા હતાં. વળી મહેનત કરવામાં એ કોઇ જ પ્રકારની પાછી પાની નહતો કરતો, કચાશ નહતો રાખતો પણ હાય રે નસીબ…! સાથ જ નહતું આપતું , અને એ જૈસે થે હાલતમાં જ જીવે રાખતો હતો.

બેડરુમમાં જઈને પલંગ પર પગ લંબાવીને કપાળે હાથ દઈને આંખો બંધ કરી દીધી. એની સાથે કાયમ આવું જ કેમ..અને મોઢામાંથી ફળફળતો એક નિસાસો સરી પડ્યો. એનો જમણો હાથ પલંગની ચાદરમાં બેધ્યાનપણે જ ગોળ ગોળ ફરતો હતો, કદાચ એના મનમાં ચાલતા વિચારોની સાબિતી આપતો હતો. ત્યાં જ એના હાથ સાથે એની દિકરી પારિજાતની નોટબુક અથડાઈ. નોટબુક હાથમાં લઈને અકારણ જ એના પાના ફેરવવા લાગ્યો. નોટબુકની વચ્ચે પેન હતી, કદાચ પારિ ભણતાં ભણતાં ઊભી થઈને ગઈ હશે. પેન હાથમાં લઈને નોટબુકના છેલ્લાં પાને એ ચકરડાં ભમરડાં ચીતરવા લાગ્યો. અચાનક જ એના મનમાં એના કોલેજના પાંંચ મિત્રો યાદ આવી ગયાં. નીરજે એ બધાનાં નામ લખ્યાં અને એમના વિશે વિચાર્યું તો એ બધા આજે  ‘વેલસેટલ્ડ’ હતાં. એવું તો એ લોકોમાં શું હતું કે જે એનામાં નહતું. ઉલ્ટાનું કોલેજકાળમાં તો આ બધા એનાથી પ્રભાવિત હતાં. એનું જનરલ નોલેજ, શારિરીક – માનસિક તાકાત બધું આ લોકો કરતાં ક્યાંય આગળ હતું. આ બધા જ મિત્રો એના વિધાનને બ્રહમવાક્ય માનીને અમલ કરતાં તો એ લોકો શિખર પર અને પોતે હજુ તળેટીમાં જ કેમ હતો ? અને એ અચાનક જ એને ખ્યાલ આવ્યો કે આ લોકોમાં એક ગુણ એવો હતો જેની એનામાં તદ્દન ગેરહાજરી હતી અને  એ હતો પહેલ કરવાનો ગુણ. એણે પોતાના સહારા માટે કાયમ એક છ્ડી તૈયાર રાખેલી હતી, કોઇ પણ નવું કામ સફળતાપૂર્વક પાર પાડી શકવાનો એનામાં આત્મવિશ્વાસ કે શ્રધ્ધા જ નહતી, જે જીવન એ પોતે જીવી રહ્યો છે, પોતાના કુટુંબને જીવાડી રહ્યો છે એનાથી વધુ આગળ જવાના, જીવવાના સપનાં જ એની આંખો જોવા તૈયાર નહતી.આ એક જ વાતથી એ પોતાના જીવનમાં કદાચ આટલો પાછળ – જે જગ્યાએથી ચાલુ કર્યુ  એ જ જગ્યાએ હજુ યથાવત ઉભો હતો. જો કે સચ્ચાઈ સ્વીકારતાં એને થોડી – થોડી નહીં પણ બહુ બધી તકલીફ પડી પણ હકીકત આખરે હકીકત હતી અને આ આઈનો એને બીજા કોઇએ નહીં પણ એની ખુદની જાતે જ બતાવ્યો હતો એટલે એની નિયત સામે કોઇ શંકા કરવાનું કોઇ કારણ જ નહતું. પોતાની જાતમાં રહેલ વિશ્વાસનો અભાવ આજે એની જાત પર હાવી થઈ ગયો હતો. જ્યારે પોતાને જ પોતાની જાતમાં શ્રધ્ધા ના હોય તો દુનિયાના લોકોને તો ક્યાંથી હોય ? 

એ દિવસથી એણે પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે પોતાની ઓફિસમાં બોસને જઈને પોતાનો પગાર ડબલ કરવાનું કહ્યું. બે મીનીટ તો એના બોસ એની સામે આંખો ફાડીને નિહાળી રહ્યાં. એ પણ અંદરખાને જાણતાં હતાં કે છેલ્લાં દસ દસ વર્ષથી એમણે નીરજને એક જ રકમ પર ટકાવી રાખ્યો છે એ ખોટી વાત છે. નીરજની યોગ્યતા સાચે જ એનાથી ક્યાંય વધારે છે પણ જ્યાં સુધી નીરજ મોઢું ખોલે નહીં ત્યાં સુધી પોતાને  દોઢડહાપણ કરવાની કોઇ જરુર ક્યાં હતી ? એમને વિશ્વાસ જ નહતો બેસતો કે આ ચૂપચાપ મોઢું બંધ કરીને એમના આદેશોને માથે ચઢાવીને ગધ્ધા વૈતરું કરનાર નીરજ છે.

‘નીરજ, એક સામટી ડબલ રકમની માંગણી…થૉડું વધારે  નથી થઈ જતું…?’

‘ના સર, આપને યોગ્ય લાગે તો ઠીક નહીંતો હું નોકરી છોડી રહ્યો છું. ‘

‘અરે, ના ના મારો કહેવાનો મતલબ એમ છે કે ધીમે ધીમે આપણે તમારો પગાર વધારીએ તો..?’

‘ના સર, ધીમે ધીમે નહીં. મને પૂરતો વિશ્વાસ છે કે હું આજે જે રકમ પર કામ કરું છું એનાથી ડબલ રકમના પગારને યોગ્ય છું જ. બાકી આપની મરજી.’

‘ઓકે. એવું રાખીએ.’ કોઇ જ ચારો ના રહેતા નીરજના બોસે સઘળાં હથિયાર હેઠાં મૂકી દીધા. એમને નીરજ જેવો સ્માર્ટ, અનુભવી અને તનતોડ મજૂરી કરનારો માણસ ગુમાવવો પોસાય એમ નહતું.

અને નીરજના મોઢા પર પહેલી જીતનું મીઠું સ્મિત ફરકી ગયું.

અનબીટેબલઃ શ્રધ્ધાનું થર્મોસ્ટેટ સતત આગળની બાજુ જ સેટ કરવું જોઇએ.

સ્નેહા પટેલ.

One comment on “Self confidence

  1. ખુબ સરસ વિષય અને લોકોને પ્રેરણા આપતો લેખ…તમે લેખમાં ખુબ સરસ વાત કહી કે ” જ્યારે પોતાને જ પોતાની જાતમાં શ્રધ્ધા ના હોય તો દુનિયાના લોકોને તો ક્યાંથી હોય ? “…અમુક લોકો સ્માર્ટ, અનુભવી અને તનતોડ મહેનત કરનારા માણસ હોય તેમ છતાં તેઓ જીવનમાં સફળતા અને જે ફેસેલીટી ને લાયક કે હકદાર છે તે મેળવી કે ભોગવી શકતા નથી…કારણ કે આવા લોકોમાં આત્મવિશ્વાસ અને પહેલ કરવાનો અભાવ હોય છે…કહેવાય છે કે આત્મવિશ્વાસ થી તો દુનિયા જીતી શકાય છે, હા પણ “આત્મવિશ્વાસ” (Self-confidence) અને “વધુ પડતો આત્મવિશ્વાસ” (Over-confidence) એ બંને વચ્ચેના ફરક ની ખબર પડવી જોઈએ…વ્યક્તિ જો આત્મવિશ્વાસથી ભરપુર હોય તો અશક્ય લાગતું કામ પણ શક્ય બનાવી શકે છે અને જીવનમાં સફળતા મેળવી શકે છે…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s