બહુ સારી ફોટોગ્રાફર નથી, કદાચ આ વિડીઓ મોબાઈલ આડો રાખીને લીઘો હોત તો વધુ સારું રહેત, પણ યાદગીરીની મહેંક તો સરખી જ.
લખીને અભિવ્યક્ત થવું એ આજથી લગભગ આઠ -દસ વર્ષ પહેલાં મારામાં પ્રવેશી ગયેલી દૈવી શક્તિ જેવી અદભુત ઘટના છે. મેં ક્યારેય સભાનપણે એ પથ પર ચાલવાનો યત્ન નથી કર્યો કે નથી મારા ફેમિલીમાં કોઇ જ જાતનું સાહિત્યનું વાતાવરણ! સાચુ શું ને ખોટું શું એની સમજ આવે એ પહેલાં તો આ જાદુઈ નેટદુનિયાએ બ્લોગ,ફેસબુક પર મને વાહ વાહ મેળવતી કરી દીધી હતી. જો કે હું ક્યારેય આ વાહવાહીની દુનિયાથી છકી નથી જતી. બે ઘડી આ બધું આનંદ આપે અને પછીની પળોમાં હું એનાથી દૂર થઈ શકુ છું. લખાણમાં તીવ્ર આલોચનાનો સામનો હજી સુધી નથી થયો પણ જીવનના જીવાયેલ અનુભવો પરથી એટલું વિચારી શકુ છું કે એ પણ આમ જ પચાવી શકીશ.વિચારેલું બધુ સાચુ નથી પડતું પણ મારો પ્રયત્ન તો દરેક વાતને એક પોઝિટીવ એન્ડ આપવાનો રહે છે એ તો તમે લોકો મારી કોલમ, લેખો વાંચીને સમજી જ ચૂક્યાં છો.
જોકે આજે વાત કરવાની છે મારા કવિતાના વિશ્વ – મારા પુસ્તક અક્ષિતારકની યાત્રાની.
આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મેં મારા જીવનનો એક યાદગાર અનુભવ મેળવ્યો અને એ હતો ડીડી ગિરનારના ‘કવિ કહે છે’ કાર્યક્રમમાં કાવ્ય પઠન કરવાનો. પ્રથમ વખત કવિતા પઠન અને એ પણ સામે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી તુષાર શુકલના સંચાલન હેઠળ! જોકે સાથે કવિ મિત્રો બધા જાણીતા હતાં એટલે આમ મજાનો પ્રસંગ હતો. અત્યાર સુધી મેં મારી કોઇ જ કવિતા ક્યારેય કોઇ જાણકારને બતાવી નહતી. બસ મને જે ઠીક લાગી એ જ પસંદ કરેલી. કોન્ફીડન્સ બધો બહાર બહારથી છલકતો હતો અંદરખાને કોઇ ગભરુ વૃતિ કામ કરતી હતી. ધડકનની તેજ ગતિ એની સાક્ષી હતી. પ્રોગ્રામ સારો જ રહ્યો પણ એ કાર્યક્રમ દરમિયાન એક અલગ ઘટના બની.
તુષારભાઈએ એમના સંચાલનમાં જે રીતે મારા જેવી નવી નિશાળિયણની કવિતાને વધાવી એ જોઇને એક જ પળમાં દિમાગમાં સ્પાર્ક થયો કે, ‘ક્યાં આ કવિ કે જે મારી કલમમાંથી આપોઆપ સરી પડેલી કવિતા (જે સાચા અર્થમાં કવિતા છે એ પણ બહુ બધા જાણકાર મિત્રોએ વખાણી ત્યારે ખબર પડી હતી ) વિશે, મારા ત્રણ લાઈનના કાવ્ય,
‘નદી જેવું બિન્દાસ વહુ છું,
હા એટલું ખરું કે
વળાંકોને અનુરુપ થઈ જાઉં છું’
આના વિશે ઊંડાણથી ચર્ચા કરી અને ક્યાં હું? સરખામણી નહીં- મને સરખામણીથી સખત નફરત છે. પણ આ એક જાતની આત્મપરીક્ષણની ઘડી આપોઆપ આવી ચડેલી ને મેં એની પર યોગ્ય મથામણ કરવાની મહેનત કરી. એમણે જે સહજતાથી બે જ સેકંડમાં મારી કવિતાનું મર્મસ્થાન પકડીને અફલાતૂન રીતે વર્ણવ્યું એનાથી હું બે ઘડી ચૂપ થઈ ગઈ કે મારું લખેલું હતું પણ એની પાછ્ળ આટલી ઉંડી વિચારશક્તિ કદાચ મારી પણ નહતી. એ પછી મેં કવિતા વિશે વાંચવાનું ચાલુ કર્યું. કવિતા એટલે પાઠ્યપુસ્તકની દુનિયાના કાવ્યથી વધીને કોઇ જ જ્ઞાન નહીં. ઉપરની કવિતાની આ પંકતિમાં કવિ શું કહેવા માંગે છે. આ પંક્તિઓનો અર્થ સમજાવો, આ પંક્તિ પૂર્ણ કરો’થી વિશેષ કશું જ નહીં.’ એ પછી નેટ ફંફોસતા ખ્યાલ આવ્યો કે હું જે લખું એ ગઝલ તો ના જ કહેવાય પણ ‘છંદમાં ના લખીએ એ અછાંદસ ‘ એ પ્રકાર પણ નહીં. હા અમુક તીવ્ર સંવેદનો કલમમાંથી સરી પડે અને એમાં અમુક પ્રકારનું કાવ્યતત્વ હોય એટલે લોકોના હ્રદયને સ્પર્શી જાય પણ એ ખરી કવિતા ના જ કહેવાય. જીવનમાં જ્યાં છીએ એનાથી એક કદમ આગળ વધતાં શીખવું એ મારો સ્વભાવ કાં તો એક શોખ પણ કહી શકો. બસ એ ઘડી પછી મેં મહેનત કરીને છંદ શીખવાનો યત્ન ચાલુ કર્યો. શરુઆતમાં ગાલગાના ચકકરોમાં જબરદસ્ત ફસાઈ, લંડન રહેતાં દિલીપભાઈ બિચારા કલાક કલાક ફોન કરીને મને સમજાવે પણ આપણે ઠેરના ઠેર. ક્યાંક અટવાઇ જ્વાય પછી એમાંથી નીક્ળતા મને પહેલેથી વાર લાગે છે. આ મારી એક નબળાઈ છે. જોકે એમાંથી નીકળી ગઈ અને લગભગ બે વર્ષના ગાળામાં મેં ૫૦ એક ગઝલ ભેગી કરી લીધી. એ પછી બ્લોગ,નોટબુક , ફેસબુક બધેથી મારું લખાણ શોધવાનું ચાલુ કર્યુ અને એમાંથી કવિતા જેવું લાગે એ ભેગું કર્યું. છેલ્લે વારો આવ્યો પુસ્તક પબ્લીશ કરવાનો. એમાં પણ જાતે પ્રકાશિત કરીને જાતે વેચવાનો અને સફળ થવાનો સુંદર અનુભવ મેળવ્યો. મારા વાંચકોએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે અને એમના પ્રેમે મારી લેખનશક્તિને કાયમ સુંદર સપોર્ટ આપ્યો છે.
આ બધી વાત ઉપરાંત આજે એક બીજી વાત કરવાની કે આજથી ૭-૮ વર્ષ પહેલાં હું સાચે જ બિન્દાસ હતી પણ એ બિન્દાસપણામાં થોડી નાસમજી, થોડું અજ્ઞાન અને થોડી લાપરવાહી હતી. એ પછી છંદ શીખવા તરફ વળી ને સમજણમાં પણ અનેક વળાંકો આવ્યા. ‘ગુજરાતી સાહિત્યએ મને શું હેલ્પ કરી છે, જે છે એ મેં મારી રીતે, મારી આવડતથી ડેવલપ કર્યું છે. હા, આભાર માનવો હોય તો ભગવાનનો માની શકું પણ સાહિત્યકારોનો નહીં. કારણ મેં કદી કોઇને કંઇ જ પૂછ્યું નથી અને કદી કોઇની મદદ લીધી નથી’ જેવી ભાવના તુષારભાઈ જેવા કવિએ સાવ નવી સવી કવિને આટલો આદર આપ્યો એ ઉપરાંત ગુજરાતી લખાણના કારણે જ દેશવિદેશ દરેક જગ્યાએ અનેક સાહિત્યકારોએ મને સાથ આપ્યો, જેમાં દિલીપ ગજજરે મને સતત આગળ વધવામાં મદદ કરી, મોટા ગજાના કવિ શ્રી અદમભાઈએ કોઇ જ આનાકાની કે કોઇ જ વાત કર્યા વિના ૭ દિવસમાં આખા પુસ્તકના સારરુપી પ્રસ્તાવના લખી આપી, લતા હિરાણી દીદી- નીલેશ પટેલજી એ પણ સરળતાથી પ્રસ્તાવના લખી આપી. ગુજરાતી અને ઉર્દુભાષામાં કવિતા લખતાં કવિ શ્રી હર્ષ બ્રહભટ્ટજી એ મારા પુસ્તકનું વિમોચન કર્યુ અને ઉષાબેને મારા પુસ્તક વિશે સુંદર વિવેચન. આ કોઇ જ મને જાણતાં નહતાં એ લોકોએ મને મદદ કરી તો ફકત શબ્દની સાધનારુપે, ગુજરાતી ભાષાના ઊગતા સર્જકને પ્રોત્સાહન આપવા માટે જ! આ સિવાય ઘણાં બધા ભાવક મિત્રોનો પણ આ પુસ્તક પાછળ પરોક્ષ રીતે ફાળો છે અને આ બધું મારા પુસ્તકને ફકત ગુજરાતી ભાષાના જીવની જેમ રખોપાં કરતાં આદરણીય લોકો તરફથી. કોઇ જ કચ કચ નહીં કે કોઇ જ ઇગો નહીં. આ બધા મને નિસ્વાર્થપણે મદદ કરીને મારું પુસ્તક જોઇને મારા કરતાં ય વધુ ખુશ થયાં છે. તો આ છે ગુજરાતી સાહિત્યનો મારા વિકાસમાં ખરો ફાળો. એ કોઇ જીવંત વ્યક્તિ નથી પણ એનો પ્રભાવ આવો જીવંત ને પ્રેરણાદાયી છે. એ ઘડીથી હું પણ મારી ગુજરાતી ભાષાને સમજણ સાથે વધુ ચાહતી થઇ ગઈ.
આ છે મારું ‘વળાંકોને અનુરુપ થઈ જાઉં છું.’ આજે મારી જે સમજણ, વર્તન છે એ કાયમ સાચું ને યથાવત જ રહેશે એવી ભાવનાને મારું બિન્દાસપણું ઠોકર મારીને ફગાવી દે છે, દુનિયા શું કહેશે ની ચિંતા ક્યારેય નહિ , માંહ્યલો કહે એ જ સાચું ! આ વળાંક અંદરના ઇગોને સતત કંટ્રોલમાં રાખે છે, પરિવર્તનશીલ રાખે છે. મને આવા વિકાસના પથ પર લઈ જતાં વળાંકો બહુ જ્ પ્રિય છે. હા, વળાંકની પસંદગી બહુ સાચવીને કરુ છું કારણ કે બધા વળાંક પર વળવા જેવું નથી હોતુ. એ સાથે હું આવા મહાનુભાવો પાસેથી એ પણ શીખું છું કે મારી પણ એ નૈતિક ફરજ બને છે કે મને જેમ આ લોકો તરફથી મદદ મળી છે એ જ રીતે નવા નવા સ્પાર્ક ધરાવતા સર્જકોને મારે પણ એ વી જ મદદ પૂરી પાડવી રહી.
તો મિત્રો આ છે મારું એકલવ્યપણું ને આ બધા છે મારા ગુરુ!
લગભગ એક વર્ષ થઈ ગયું પણ હું ‘અક્ષિતારક’ થોડી આળસ, થોડી બેજવાબદારી, થોડી વ્યસ્તતા હેઠળ તુષારભાઈ સુધી પહોંચાડી નહતી શકી પણ કાલે તો આ કામ કરવાનું જ છે વિચારીને એમનો સમય લઈને એમને મળી અને મારા જીવનની એક સુંદર ઘડીનું નિર્માણ થઈ ગયું. હું સમય કરતાં થોડી મોડી પહોંચીને તુષારભાઈ એમના નિત્યક્રમ હેઠળ એકસરસાઈઝ કરવા નીકળી ગયેલાં. જોકે એક જ બિલ્ડીંગ હતું એટલે એમને સંદેશો મળી ગયો અને તેઓ પાંચ મીનીટમાં તો આવી પહોંચ્યાં. એ સમયે એમનું ગ્રે ટી શર્ટ પરસેવાથી રેબઝેબ હતું અને સામે પક્ષે હું સ્વેટર પહેરીને બેઠેલી હતી એ જોઇને બે મીનીટ માટે મને હસવું આવી ગયું અને તુષારભાઈની સ્વાસ્થ્ય માટેની આટલી કાળજી જોઇને બહુ જ મજા! અડધો કલાકની એ મીટીંગમાં ફરીથી એ જ ‘ડાઉન ટુ અર્થ’ સર્જકની પ્રતિતી થઈ. સહેજ પણ આડંબર નહી, એકદમ સરળ અને સહજ વ્યક્તિત્વના માલિક એવા તુષારભાઈની ડ્રેસિંગ સેન્સ જોરદાર. એક વખત મેં એમને કહેલું પણ ખરું કે,’ સર, તમને જોઇને મને નરેન્દ્ર મોદીની યાદ આવે છે.’
આ મુલાકાતની એક સુંદર મેમરી બની રહે એટલે મેં એમને મારા પુસ્તકને શુભેચ્છા આપતો નાનકડો વીડીઓ ઉતારવાની એમની પરમીશન માંગી જે એમણે એક પણ પળના વિલંબ વિના સ્વીકારી લીધી. આ વીડીઓ આપની સાથે પણ શેર કરુ છું મિત્રો.
આ ઉપરાંત મને એમના તરફથી એમના પુસ્તક ‘તારી હથેલીને’ ની સરપ્રાઈઝ ગિફટ પણ મળી ને આપણે તો રાજીના રેડ !
સ્નેહા પટેલ.