Sachu Shu me khotu shu !

​સાચું શું ને ખોટું શું !
कोइ नहीं जो पता दे दिलो की हालत का,

कि सारे शहर के अखबार है खबर के बगैर !

-सलीम अहमद !

ડિસેમ્બર તો ક્યારનો ચાલુ થઈ ગયેલો હતો પણ આ વખતે શિયાળા જેવું વાતાવરણ જામતું જ નહતું. આખો દિવસ ગરમી અને મોડી રાતે ઠંડી. આમ બેવડી ઋતુમાં લોકોની તબિયતની વાટ લાગી ગઈ હતી અને શિયાળો હતો કે રિસાઈને બેઠેલો તો પૂરી રીતે બેસવાનું નામ જ નહતો લેતો. 

આજે સવારે છ વાગે ઉઠીને ગેલેરીમાં જતાં જ પૂર્ણાને અલગ જ અનુભૂતિ થઈ. બે હાથની હથેળી ગેલેરીની પાળ પર ટેકવીને , પોતાનું નાજુક વદન થોડુંક ઉંચુ કરીને સૂર્ય સામે ધરીને આંખો બંધ કરી લીધી, કરી લીધી એના કરતાં આપોઆપ આંખો ખુશીમાં બંધ થઈ ગઈ એમ કહેવું વધુ  યોગ્ય લાગે જો કે ! પૂર્ણાના ગોરા ચહેરા પર રશ્મિ કિરણો અટકચાળા કરીને રમવા લાગ્યાં અને ગુલાબી ઠંડીમાં એ કિરણો પોતાની દીકરી પરીના મુલાયમ હાથ ફરતો હોય એવી ખુશી આપવા લાગ્યાં. ‘હા, હવે શિયાળો યોગ્ય રીતે બેસી ગયો લાગે છે.’ ને એ મનોમન ખુશ થઈ ગઈ. શિયાળો એટલે એની પ્રિય ઋતુ ! રોજ  કરતાં આજે ચા માં આદુ -ફુદીનો વધારે નાંખ્યા અને ચા બનાવીને સમીરને  બૂમ પાડી. થોડી વારમાં એ સુખી જોડું ડાઇનીંગ ટેબલ પર બેસીને ગરમાગરમ ચા ની ચુસ્કી સાથે સંવાદ કરીને હૂંફાળા દાંપત્યજીવનની મજા માણી રહ્યું હતું.

‘સમીર, આ કર્ણનો કેસ જરા વધારે લાંબો નથી ખેંચાતો ?’

કર્ણ સમીરનો ખાસ મિત્ર !

‘હા પૂર્ણા, પણ અમુક વાતો જ એવી હોય છે કે એને આપણે થોડો સમય આપ્યે જ છૂટકો. સમય ધીમે ધીમે ઘાવ પર મરહમ લગાવે અને વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર સંજોગોને આધીન થાય છે. એમાં આપણે કશું ના કરી શકીએ.’

‘ દુર્ગાને આજે ઘર છોડીને ગયે લગભગ આઠ મહિના જેટલું ના થઈ ગયું. લગભગ ગયા એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે એ ઘર છોડીને જતી રહેલી. યાદ છે આપણે એ વખતે આબુ ગયેલાં હતાં ને આ બનાવ બન્યો હતો.’

‘હા, લગભગ એટલો જ સમયગાળો.’

‘આટલા સમયથી તમે બધા મિત્રો કર્ણભાઈને સમજાવો છો ક હવે દુર્ગાને સમજાવવાના પ્રયત્નો છોડી દો અને એની પાછળ જે સંસારમાં છોકરાંઓ મૂકીને ગઈ છે એમની પ્રત્યે ધ્યાન આપો. પણ કર્ણભાઈ છે કે કશું સમજવાનો પ્રયત્ન જ નથી કરતાં. વારંવાર એ દુર્ગાને ફોન કરી કરીને પોતે બદલાઈ ગયાં છે, હવેથી ઘરમાં દુર્ગા જે કહેશે એમ જ થશે જેવો રાગ આલાપ્યાં કરે છે. વળી એના માતૃપક્ષના સભ્યો પણ એમની જાણે કોઇ જ જવાબદારી ના હોય એમ બેફિકરાઈથી જીવે છે. પહેલાં મને એમ કે દુર્ગાની વાત સાંભળ્યાં સિવાય આવા કેસમાં આપણે કોઇ જ જાતનું જજમેન્ટ ના લઈ શકીએ. પણ હવે આટલા વખતના અનુભવ પછી તો વાત એકદમ દીવા જેવી ચોખ્ખી નિહાળી શકાય છે કે દુર્ગાને આ સંસારની જવાબદારી એક તકલીફ જેવી લાગતી હતી અને ભગવાનની સેવાના નામે આ બધામાંથી ભાગી જ છૂટવું હતું.’

‘હા પૂર્ણા, કર્ણએ નોનવેજ-શરાબ બધું છોડી દીધું છે તો હવે દુર્ગા એને સિગરેટ છોડવાની વાત કરે છે. એ એનાથી એકદમ છોડાય એમ નથી નહીંતો કર્ણ એ પણ કરવા તૈયાર છે. વળી કર્ણ જેવો સમજદાર પુરુષ તો બહુ નસીબવાળી સ્ત્રીઓને જ મળે. સમજુ, કેરીંગ અને ખાસ્સું કમાતો ધમાતો માણસ છે. એનાથી રિસાવાનું કે એની વિરુધ્ધ કોઇ જ ફરિયાદ કરવાનું કારણ શોધ્યું ય ના જડે. પણ દુર્ગાભાભી…કર્ણ પાગલની જેમ દર અઠવાડીએ એને મનાવવા એના આશ્રમ  ઉપર જાય છે તો ભાભી વધુ ને વધુ નફ્ફટ થતાં જાય છે. આ જેટલું નમતું જોખે છે એટલું પેલાં વધુ દબાવે છે.એના ફોન ઉપાડવાના ય બંધ કરી દીધાં છે ને જરુર હોય ત્યારે ફોન કરીને પૈસા મંગાવે, કપડાં મંગાવે…કર્ણ બિચારો નોકરી ધંધો છોડીને એ બધું આપવા ય જાય છે.’

‘એ જ તો હું કહું છું સમીર, કે હવે જરા વધુ પડતું નથી થઈ રહ્યું. દુર્ગાને પાછું ના જ આવવું હોય તો કર્ણભાઈએ કાયદાકીય પગલાં ના ભરવા જોઇએ.’

‘ભરવાં જ જોઇએ.’

‘લો,તમે મારી વાત સાથે સંમત તો થાઓ છો પણ કર્ણભાઈને સમજાવવાની વાત આવે ત્યારે ચૂપચાપ એમની દરેક કાર્યવાહીમાં સાથ આપો છો, એમની હા માં હા મિલાવો છો. એમને સમજાવતાં કેમ નથી કે, ; એ જે કરી રહ્યાં છે એ ખોટું કરી રહ્યાં છે. હવે બસ – બહુ થયું. એ બાજુનો રસ્તો છોડીને એમના સંતાનો પર ધ્યાન આપે, બે ય છોકરાં બિચારાં કેવા લેવાઈ ગયાં છે મા વિના…’

‘દુર્ગા, હું ય જાણું છું કે કર્ણ હવે ખોટાં વલખાં મારી રહ્યો છે. પણ એની હાલત એવી છે કે એ કોઇના સમજાવ્યે નહીં સમજે. મેં અગાઉ પણ કહું કે એને એના જીવનની આટલી મોટી દુર્ઘટનાને સ્વીકારવા માટે થોડો સમય આપવો જ પડશે. અંદરખાને એ પણ જાણે છે કે એ જે કરી રહ્યો છે એ ખોટું અથવા તો સાવ જ  બેમતલબ વર્તન છે. એક મિત્ર તરીકે મારી ફરજ છે કે આવા સમયે એ તૂટી ના પડે બસ. એ પોતાની જાતને સંભાળી શકવા માટે સજ્જ થાય ત્યાં સુધી મારે એની હા માં હા અને ના માં ના કર્યા સિવાય કોઇ છૂટકો જ નથી ડીઅર. બધા એને સમજાવ સમજાવ કરે છે એનાથી એ ઓર થાકી જાય છે. એણે લોકોની સાથે પોતાના વિચાર શેયર કરવાનું જ છોડી દીધું છે. હું ચૂપચાપ એની વાત સાંભળું છું એટ્લે એ મારી પાસે બધું બોલીને દિલ હલ્કું કરી શકે છે. આવા સમયમાં એને માત્ર એટલી જ જરુર છે, મારે બહુજ સાવચેતીથી વર્તન કરવાનું છે. સમય આવે અને જ્યારે એ મને પૂછશે કે,’સમીરભાઈ, હવે શું લાગે છે ? શું કરવું જોઇએ ?’ ત્યારે મારી પાસે મારો જવાબ તૈયાર જ હશે,’ કે કર્ણ ભાઈ ,આ પાર નથી થવાતું તોહવે પેલે પાર થઈ જાઓ.’પણ એ બધું ત્યારે કે જ્યારે આ ઝાટકામાંથી બહાર નીકળે અને પેલે પાર જઈને તરવા માટે સક્ષમ બને.એના ઉપર એના કુટુંબની જવાબદારીનો બોજ છે, એ અધરસ્તે ડૂબી જાય એ તો કોઇ રીતે ના પોસાય. સવાલ માત્ર કર્ણ અત્યારે સ્ટેબલ થાય એનો જ છે. સાચું શું ને ખોટું શું ? એનો નહીં. ‘

અને પૂર્ણા પોતાના પ્રેમાળ પતિની સમજદારી ઉપર વારી ગઈ. તાજા જ ઝીલેલાં રશ્મિકિરણોની હૂંફ એના નયન વાટે સમીરના વદન પર ફેલાવા લાગી.

અનબીટેબલઃ મિત્રની ઝીણીઝીણી લાગણીનું જતન કરીને રખોપા કરવા એ જ સાચી મિત્રતા !

– સ્નેહા પટેલ

One comment on “Sachu Shu me khotu shu !

  1. ખુબ સરસ લેખ…કોઈપણ સંબંધ હોય તેને પરાણે ન નિભાવાય…એક કહેવત છે કે “જહા ચાહ વહા રાહ” એ ન્યાયે જ્યાં પરસ્પર પ્રેમ-લાગણી-સમજણ-સાથ હોય ત્યાંજ સંબંધ વિકસે કે ટકે, બાકી કોઈ વ્યક્તિ સંબંધ રાખવા ન માંગતી હોય તો તે સંબંધમાંથી મુક્ત થઈ જવામાં જ સમજદારી છે, કારણ કે કોઈપણ સ્ત્રી જ્યારે પોતાના સંતાનો પ્રત્યેની મમતા છોડી શકતી હોય ત્યારે પતિએ સમજી લેવું જોઈએ કે જે સ્ત્રીને પોતાના સંતાનોનું મમત્વ ન રહ્યું હોય તે હવે મારી શું થશે ?! …સંબંધમાં “બંધન” ન હોવું જોઈએ …”પરાણે પ્રીત ન થાય” એ વાત યાદ રાખવી…કારણ કે સામેવાળી વ્યક્તિને તમારામાં પ્રેમભાવ કે રસ ન હોય તો એને કહી દેવાય કે “તું તારા રસ્તે, હું મારા રસ્તે”, અહીં અહંમ ની વાત નથી, સ્વમાન પણ વહાલુ હોવું જોઈએ…બીજું કે એક સાચો મિત્ર પોતાના મિત્રને યોગ્ય સલાહ આપીને, યોગ્ય રાહ ચીંધીને તેને મુસીબતમાંથી બહાર કાઢી શકે છે, પણ ક્યારે, તો કે જ્યારે તે મિત્ર સમજવા તૈયાર હોય ત્યારે…બાકી ઘણી વખત એવું બને કે મિત્રની યોગ્ય સલાહને બીજો મિત્ર અવગણે કે ન સમજી શકે, તેને એમ થતું હોય કે મને હજુ થોડાં પ્રયત્ન કરી લેવા દે, કદાચ તે પોતાના સાથીને મનાવી લે અને સંસારરૂપી ગાડી ફરી પાટે ચડી જાય…પરંતુ જ્યારે તેના દરેક અથાગ પ્રયત્ન નિષ્ફળ જાય ત્યારે તેને સમજાય કે મારો મિત્ર કહે છે તે વાત બરાબર છે, એટલે મિત્રને પોતાની રીતે લડવા કે મથવા માટે સમય પણ આપવો જોઈએ…એજ સાચો મિત્ર કહેવાય કે જે પોતાના મિત્રની મનોસ્થિતિ ને સમજી શકે…નહીં કે પોતાનો કક્કો જ ખરો કરાવવો…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s