ભીખીની નણંદઃ
ધીમો તો ધીમો આ શ્વાસ ચાલે છે,
ત્યાં સુધી આ પ્રવાસ ચાલે છે.
-હર્ષદ ચંદારાણા.
‘બેન, આ મારી નણંદ છે, જુઓને આજે એના સાસરેથી પાછી ફરી છે. એના વર સાથે એને છાશવારે ઝગડો થાય છે અને એ આમ પાછી આવી જાય છે. હળીમળીને, શાંતિથી એના સાસરે કેમ રહેવું એ વિશે મેં એને કેટલી વાર સમજાવી પણ એની ખોપડીમાં કશું જ ઉતરતું નથી. એક તો એ મારા સાટામાં પરણાવાયેલી છે એટલે મારી નણંદ એ મારી ભાભી, મારા ભાઈની જિન્દગી ખરાબ કરવા બેઠી છે આ.. શું કરું આનું સમજાતું નથી ?’
આશાની કામવાળી ભીખી કામ કરતી જાય અને એની સાથે આવેલી એની નણંદ વિશે આશાને જાણકારી આપતી જાય.
‘કેમ શું થયું અલી તારી સાસરીમાં ?’ આશાએ ભીખીની રુપાળી નણંદને કોમળ અવાજમાં પૂછ્યું.
‘બેન, મારો ધણી આખો દિવસ દારુ પીને એના ભાઇબંધોની સાથે પત્તા રમી ખાય અને રાતે મારું નકરું શરીર ચૂંથી ખાય છે. મને તો જાણે છોકરાં પેદા કરવાનું મશીન બનાવી દીધી છે. ત્રણ છોકરી ને એક છોકરો એમ ચાર છોકરાં તો છે ને બીજા છોકરાંની લાલચે આ પાંચમું પેટમાં…કમાવા-બમાવાનું તો કંઇ નહીં ને હું લોકોના ઘરના કપડાં – વાસણ કરીને જે થોડાં ઘણાં પૈસા કમાઉં એ પણ એ રાતે ઝૂંટવીને લઈ જાય અને બાજારું ઓરતો પર ઉડાવી મારે છે જ્યારે જાતકમાણી પછી પણ મારે તો ખાવાના સાંસા જ ને…ઘરમાં સાસુ સસરા પણ એમના દીકરાને કશું સમજાવતાં નથી, મરદ માણસ તો આવા જ હોય અસ્ત્રીની જાતે સમજીને રહેતાં શીખવું પડે એવું જ સમજાવે રાખે. આખો દિવસ ઓર્ડરો છોડયાં કરવાના અને લોકો સાથે ગાળાગાળી, માર ધાડ કરવાની બસ. હવે હું બેજીવી છું, એની મારધાડમાં ક્યાંક એકાદ અડબોટ કે લાત મારા પેટ પર વાગી જાય તો મારે રોવાનો દા’ડો ના આવે બુન ?’
‘અરે ભીખી, આ સાચું કહે છે?’
‘ના રે આ તો સાવ ખોટ્ટાડી છે.મારો ભાઈ લોકોની ગાડીઓ સાફ કરે છે ને એક બિલ્ડીંગમાં સિક્યોરીટીની નોકરી ય કરે છે. રુપાળા પૈસા ય કમાય છે.’
‘ખોટ્ટાડી શું બેન… છેલ્લાં બે દિવસથી મને લોહી પડે છે તો ય મારો વર ડોકટરબુન પાસે લઈ જવાની તસ્દી નથી લેતો. આ તો વર્ષોથી ચાલી આવ્યું છે. આ જુઓ એણે મને બે દા’ડા પહેલાં કેવી મારેલી ? ‘
કહીને એણે પોતાની ઓઢણી થૉડી આઘી કરીને આશાને એની પીઠ પરના લાલચોળ સોળ બતાવ્યાં.
‘ઓહ…’ આશાના દિલમાં અરેરાટી વ્યાપી ગઈ ને બોલી,
‘પણ આ વાત તો ખોટી છે ને.’
‘શું તમે ય બુન ? આ દાધારંગી ય ઓછી નથી, ખોટ્ટાડી છે અને તમે ય એની વાતમાં આવી ગયાં ?મને એમ કે તમે મારી નણંદને બે સમજાવટના બોલ કહેશો એના બદલે તમે તો એનો પક્ષ લઈને બેઠાં. હેંડ મારી બુન, આ વાસણ લુછીને પેલા રમાબેનને ત્યાં આવજે હું ત્યાં જ કચરાં પોતા કરતી થાઉં છું.’
કહીને ભીખી ચોકડીમાંથી ઉભી થઈને ઘરની બહાર નીકળી ગઈ.
બીજા દિવસે સવારે ભીખી એકલી જ કામે આવી એ જોઇને આશાને નવાઈ લાગી.
‘અલી તારી નણંદ ક્યાં ?’
‘એને તો મારો ભાઈ આવીને લઈ ગયો કાલે જ..કે હાલ તારા વિના ગમતું નથી..’
‘ને એ જતી પણ રહી ?’
‘હસ્તો…જેવો મારો ભાઈ આવ્યો એટલે એ રાહ જોઇને જ ઉભી હતી ..એનો સામાન પેક કરીને હાલતી પકડી.’ બોલીને ભીખી કામે વળગી.
આશા એના ડોઇંગરુમમાં ટીવી ચાલુ કરીને બેઠી. આશાની પંદર વર્ષની દીકરી શ્રધ્ધા ત્યાં જ બેઠી હતી. એ આ બધું સાંભળી રહેલી ને બોલી,
‘મમ્મા, આ લોકોની જાત આવી જંગલી કેમ હોય ? દરેક ઘરમાં માર-કાપ ને દારુ પત્તાની જ વાતો …આ કામવાળી આટલી રુપાળી ને બોલવામાં પણ કેવી સરળ છે ! એના વરને એની કોઇ જ કદર નહીં હોય ? વળી બેજીવી પર આમ હાથ ઉપાડવો, ડોકટર પાસે વ્યવસ્થિત ચેકીંગ પણ ના કરાવવું…ઉફ્ફ.. આ પ્રજામાં હ્દય જેવું કંઇ હશે જ નહીં કે ? સાવ સંવેદનહીન લોકો ! વળી કાલે તો માર કાપ ને છુટાછેડાં સુધીની વાતો થઈ ગયેલી તો આજે એની નણંદ કેમની પાછી જતી રહી ? બોલીને કેવા સાવ જ ફરી જાય છે આ લોકો તો..કોઇ શરમ જ નહીં ?’
‘દીકરા, શરમ એ સંવેદનશીલ લોકોનું ઘરેણું. આ લોકો ગરીબ છે ને એટલે એમણે સંવેદનહીન જ રહેવું પડે. એ લોકો એમની તકલીફોને મૂળથી સમજવા બેસશે, એનું સોલ્યુશન શોધવા બેસશે તો એ લોકો દુઃખી થઈ જશે. જીવવા માટે એમણે એમની આસપાસ જાડી ચામડી ઉગાડવી જ પડે. વળી એની નણંદ પર પણ બહુ વિશ્વાસ ના કરાય કે એ સાચું જ બોલતી હશે. એ લોકો એવું માને છે કે દરેક મનુષ્ય એના કર્મોની સજા ભોગવે છે.એમની માતા જેમ જીવાડે એમ જ અમે જીવીએ છીએ. બાકી એમના પાંચ – છ સંતાનો ધરાવતા વિશાળ પરિવાર પ્રત્યે સંવેદનશીલ થઈ જશે તો એમની સારસંભાળ લેવાનો એમને સમય કે પૈસા ક્યાંથી મળશે? વળી એ નહીં મળે તો એ લોકો વધુ જંગલી થઈ જશે અને વધારે ખૂનામરકી કરશે. એના કરતાં સારું જ છે કે એ લોકો સંવેદના વગર, આંધળા – બહેરાંની માફક જીવે છે, ઉલ્લુના પટ્ઠાની માફક કશું ય જોયાં વિના ચાલ્યાં કરે છે. આપણે એમનાં બોલવા પર વધુ વિચારીએ તો આપણે ગાંડાં થઈ જઈએ પણ એ લોકોને કોઇ જ ફરક ના પડે એટલે બની શકે તો એમની વાતોમાં બહુ વચ્ચે પડવાનું જ નહીં. આપણે ત્યાં કામ કરે એટલી બે ઘડી એમની હા માં હા કરી લેવાની..એ લોકોની આજની હા કાલે ના થઈને ઉભી રહે તો નવાઈ નહીં. એટલે આપણે એમની વાતો બહુ દિલ પર લેવાની નહીં. હા, કોઇ વખત આમાં સાચો કેસ હોય ને આપણે કશું ના કરી શકીએ ત્યારે અફસોસ થઈ જાય પણ એ આપણાં હાથની વાત નથી. આ જાતમાં કોની પર વિશ્વાસ મૂકવો ને કોની પર નહીં એ જ ના સમજાય એની પાછળ આપણો મૂલ્યવાન સમય અને સંવેદનો વેડફવાના ના પોસાય. તું ય આ બધે પંચાત છોડ અને ભણવા બેસ. બે દિવસ પછી તારે ફ્રાઈડે ટૅસ્ટ છે. ચાલ.’
‘હા મમ્મી, સમજી ગઈ. ‘
અનબીટેબલઃ જે માનવીમાં સંવેદના નથી એમની વાતો પર વિશ્વાસ કરવો હિતાવહ નથી.
સ્નેહા પટેલ