સંક્ટ સમયની સાંકળઃ
‘તારે રમવું હોય તો રમ.
અમે તો લાગણીઓની
પૂજા કરીએ છીએ !’
-સ્નેહા પટેલ.
‘બળ્યું આ ડિજિટલ ને કેશલેસ પેમેન્ટ..હજુ આજે એક ન્યુઝ વાંચીને સમજીએ ત્યાં તો બીજા અપડેટ આવીને ઊભા જ હોય છે.રોજેરોજ આપણે ન્યુઝ વાંચી વાંચીને ભણવા બેસવાનું ને સમજવા બેસવાનું ! આમ શીખ શીખ કરવા અને બેંકોની લાઈનોમાં જ દિવસો જાય છે તો કામકાજ ક્યારે કરીશું એ જ નથી સમજાતું. કામ કાજ કરીશું તો કેશ હાથમાં આવશે ને ભલા ગર્વનમેન્ટ્ને એ કોણ સમજાવે ..?’
સવાર સવારમાં અર્જુનભાઈનો અકળામણ ભર્યો સ્વર ડ્રોઇંગરુમની દિવાલો સાથે અથડાઈને પડઘાં પાડી રહ્યો હતો.
‘શું છે ? કેમ સવાર સવારમાં બૂમાબૂમ કરી મૂકી છે તમે ?’
રુપાલીબેન ચા-નાસ્તાની ટ્રે લઈને ડ્રોઈંગરુમમાં પ્રવેશતાં બોલ્યાં.
‘કંઈ નહીં, હવે આ નોટબંધી અને એની અસરોથી કંટાળ્યા છીએ. રોજની રુટીન લાઈફ કેટલી ડીસ્ટર્બ થાય છે, અને છોગામાં આ રોજ રોજ નવી નવી અપડેટ્સ ! આજકાલની પ્રજાને તો ઠીક છે ટેવાઈ ગઈ છે અપડેટ રહેવાથી પણ આપણે હવે પાકા ઘડે કાંઠા ચઢાવવાનું કેટલું અઘરું પડે છે એ કોને સમજાવવું?’
‘તમે અકળાયેલા હોવ ત્યારે તમને નાની નાની વાતો ય મોટી મસ પહાડ જેવી વજનદાર લાગે છે. ધીમે ધીમે બધું પરિવર્તન થાય છે તે સારું છે ને. કેશલેસના પગલાંથી લાંબેગાળે કેટલી શાંતિ થઇ જશે એનો વિચાર તો કરો. વળી ૨,૦૦૦ સુધી તો કોઇ કાર્ડ પણ સર્વિસ ચાર્જીસ નહી વસૂલે, પછી તમને શું વાંધો છે?’
‘મને આ ‘અપડેટ’ શબ્દ્થી જ વાંધો છે રુપા. જ્યાં જોઇએ ત્યાં બધાંને અપડેટ રહેવાનો શોખ વળગ્યો છે. અપડેટના ચકકરોમાં આપણાં છોકરાંવ પણ એટલાં બધા અપડેટ થઈ જાય છે કે એમને સામાજીક સંબંધો, નૈતિક મૂલ્યોની કોઇ કદર જ નથી રહી. દરેક જણ પોતાનું વિચારીન જીવ્યાં કરે છે.’
અર્જુનભાઈના વાક્યનું પતવું અને એમના દીકરા પ્રિયાંશનું ઘરમાં પ્રવેશવું.
”શું પપ્પા પાછા ચાલુ થઈ ગયા તમે આજની પેઢીને ભાંડવા, તમારું મનપસંદ કામ બની ગયું છે આ કેમ ? મને એ નથી સમજાતું કે આજની પેઢીએ તમારું શું બગાડ્યું છે તો તમે આટલાં આકરાં થાવ છો.’
‘આજની પેઢીમાં સાચી લાગણી, પરિપકવતા, ધીરજ જેવું કંઈ રહ્યું જ ક્યાં છે ? જ્યારે જોઇએ ત્યારે તડ ને ફડ. કોઇ પણ કામ હોય ફટાફ્ટ નિર્ણયો લઇ લેવાના, ફટાફટ એ નિર્ણયો પરથી હટી જવાનું અને પોતાના નિર્ણય પર ટકી ના શકવાના કારણે વળી પાછું ડીપ્રેશનના ચક્કરોમાં ગર્ત થઈ જવાનું. અમારી ઉંમરે ડીપ્રેશનનો ‘ડી’ પણ ખબર નહતી અને આજકાલ તો ૧૦-૧૨ વર્ષનું ટાબરિયું પણ કોઇ ને કોઇ ફોબિયા, ડીપ્રેશનથી પીડાય છે. બળ્યાં તમારા અપડેટ્સ ને સ્માર્ટનેસના ધતિંગો. સંબંધ બાંધવામાં ઉતાવળી ને નિભાવવામાં સાવ નીરસ. કામ માટે જ સંબંધો ડેવલપ કર્યા કરવાના નકરાં. સાચા અને મજબૂત સંબંધો તો ક્યાં જોવા જ મળે છે..અમારા જમાનાની દોસ્તી- લગ્નજીવન જુઓ. તમે લોકો તો પ્રેમમાં પણ એક સંબંધમાં બંધાઈ નથી શકતાં… !’
‘પપ્પા, તમને તો કાયમ અમારી પેઢીની ખોડખાંપણ જ દેખાય છે, અમારા સારા અને સ્ટ્રોંગ પોઈન્ટ્સ તો દેખાતા જ નથી.’ પ્રિયાંશનો પિત્તો ગયો.
‘શું તમે બાપ દીકરા પાછા ચાલુ થઈ ગયા ? અને તમે પણ શું જ્યારે ને ત્યારે આજની પેઢીને ગાળો દેવા બેસી જાવ છો. આજકાલનો જમાનો કેટલો ફાસ્ટ બની ગયો છે એ તો તમે જાણો જ છો ને ! તમે એની સાથે પગ નથી મિલાવી શકતાં તો પાછળ રહી જાવ છો ને ? તમે તો કેટલા તડકાં જોઇ કાઢેલાં છે ત્યારે આટલી સમજણ ને ધીરજ આવી છે તો આ જુવાનિયાઓ પાસે શું કામ આટલી નાની ઉંમરમાં આટલી મોટી આશાઓ રાખો છો ? એક સાથે કેટલી જગ્યાએ જંગ લડવાની હોય છે એમણે ! તમે તમારી જુવાનીમાં કરેલી ધમાલો , ભૂલો યાદ છે ને ? તો પછી આ પેઢીને ભૂલો કરવાની છૂટ કેમ નહીં ? હોય…ધીમે ધીમે એ લોકો પણ સંબંધોનું મહત્વ સમજશે પણ આપણે મા – બાપ જ ઉઠીને એમને સંબંધો વિશે આમ તાના મારીશું તો આ લોકો તો બધા સંબંધોમાંથી વિશ્વાસ ગુમાવી બેસશે અને જીવનમાં ક્યારેય કોઇ જ સંબંધમાં સ્થિર નહીં થઈ શકે. આપણી મા બાપ તરીકે ધીરજ અને પ્રેમથી એમને સંબંધોનું મહત્વ અને મૂલ્ય સમજાવવાની જવાબદારી છે, આજ્ની પેઢી સ્પીડી છે, નાદાન છે પણ મા બાપનું ય ના સાંભળે એવી તોછડી નથી જ. એ ભલે જેમ ઇચ્છે એમ કરે પણ જ્યારે તકલીફ હોય ત્યારે સૌથી પહેલાં બેધડક મા બાપ પાસે જઈને પોતાની વાત કરે છે અને પ્રામાણિકતાથી એના પર ચાલવાનો પ્રયત્ન પણ કરે છે. આપણાં સંતાનો આપણી પર એમની સંકટ સમયની સાંકળ સમજવાનો વિશ્વાસ મૂકીને દિલ ખોલીને વાત કરી શકે એવું તંદુરસ્ત વાતાવરણ એમને પૂરું પાડવું એ આપણી ફરજ છે. બાકી આમ જ મેણાં ટોણાં માર્યા કરશો તો એ જીવનમાં ક્યારેય કોઇ જ સંબંધમાં જોડાઇ શકવાની હિંમત નહીં કરી શકે. એ નાદાન છે તો , તમે તો તમારી સમજણ બતાવો ભલા!’
‘હા રુપા હું ય ક્યાં નોટોના સ્ટ્રેસમાં મારા લાડકવાયા સાથે…છોડ બધું….પ્રિયુ, સાથે બેસીને ચા પીએ બહુ સમય થઈ ગયો દીકરા, ચાલ તો આજે સાથે બેસીને ચા પીએ.’
‘ઓહ, યુ આર અ ડાર્લિંગ…આઇ લવ યુ મોમ ડેડ.’ અને પ્રિયાંશ એના મમ્મી પપ્પાના ગળે લાગી ગયો.
-Sneha Patel.