phoolchhab newspaper > navrash ni pal column > 22-09-2016
ચોઇઝ ઇઝ યોર્સ !
છોડ વાતો સ્વર્ગની કે નર્કની,
એ બધું છે આપણા સંસારમાં.
-ખલીલ ધનતેજવી.
આરુષિના કપાળ પર પરસેવાની બૂંદ હીરાની જેમ ચમકી રહેલી. એની નીચે એનો ગોરો ગુલાબી રતાશ ધરાવતો ચહેરો ઓસમાં નહાતું કમળ સમ જ દીસતું હતું. રોટલી વણતાં વણતાં એની નજર સતત ભીંત ઘડીયાળ ઉપર ફરતી રહેતી હતી. ઘડિયાળનો સેકંડ કાંટો એના દિલના ધબકારાની ગતિ વધારી દેતી હતી, લગભગ સમજો ને કે બમણી જ થઈ જતી હતી. આરુષિના મગજમાં બેબસી,બેચેનીનો લાવા ઉછળતો હોય એવું જ અનુભવ્યા કરતી હતી.
‘સાલ્લું, આજકાલના બૈરાંઓની તે કંઈ જીન્દગી છે ? ના ઘરના ના ઘાટના. સતત ઘડીયાળની સાથે હરિફાઈ જ કર્યા કરવાનું. ઘર, છોકરાં, ઓફિસ, સોશિયલ બધી જગ્યાએ ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ રહેવાનું ? માણસ છીએ કે જંગલી પ્રાણી ? માણસોની પણ એક લિમિટ હોય ને !’
અચાનક જ એણે વિચારોને બ્રેક મારી, કારણ વિચારો એના કામની ગતિ ધીમી પાડી દેતા હતાં જે એને પોસાય એમ નહતું. કામની ગતિ ધીમી પડી એટલે એના દિવસભરનું મેનેજમેન્ટ ડિસ્ટર્બ થઈ જાય અને મેનેજ્મેન્ટ સિવાયનું જીવન જીવવાની એને છૂટ નહતી. ફટાફટ સાતત્યનું ટીફિન ભર્યુ અને એનું લન્ચ બોકસ ભરતી હતી ત્યાં એની કામવાળીનો ફોન આવ્યો,
‘બેન, આજે હું કામે નહીં આવી શકું. મારા દીકરાને તાવ આવ્યો છે .’
‘પત્યું..’ ફટાફટ વાસણ ઘસીને કચરો વાળી દીધો અને પછી એણે સાતત્યને બૂમ પાડીને કહ્યુ,
‘સાતુ, આ થોડાં કપડાં સૂકવવાના બાકી છે તો સૂકવી દઈશ ? રસોડામાં સાંજના માટૅ બાફેલ ભાજીપાઉંનું શાક ને રોટલીનો લોટ છે એ બધું વાડકામાં કાઢીને ફ્રીજમાં મૂકી દેજે ને પ્લીઝ.’
બહારના રુમમાં છાપું વાંચી રહેલ પતિદેવનો ઓફિસનો સમય આરુષિના ઓફિસસમય કરતાં કલાક મોડો હતો એટલે એને આટલું કામ કરવાનો સમય તો મળી જ રહેશે વિચારીને આરુષિએ સાતત્યને કહ્યું.
‘ઓકે. કરી દઈશ.’ ને આરુષિ ફટાફટ બેડરુમમાં જઈને તૈયાર થઈ, લાસ્ટ નાઈટના રાતના ૨ વાગ્યાં સુધી બેસીને તૈયાર કરેલ પ્રેઝન્ટેશન પ્રોપર સેવ થયું છે કે નહીં એ લેપટોપ ખોલીને ફરીથી એક વાર ચેક કરી લીધું અને પર્સ, એક્ટીવાની ચાવી લઈને ઓફિસે જવા ઉપડી.
સતત આપાધાપીની આ વણઝાર બપોરના ત્રણ વાગ્યે ટી ટાઈમના સમયે થોડી શાંત થઈ અને આરુષિએ સાતત્યને રુટિન ટેવ મુજબ જ ફોન કર્યો.
‘બોલ…’
‘શું કરે ?’
‘કંઈ નહીં એક્સેલમાં એક શીટ બનાવું છું. તું બોલ, ફ્રી પડી કે હજુ ધમાલ ધમાલ જ ?’
‘ના સાતુ, હવે થોડી શાંતિ. આખા દિવસનો આ ૩ થી ૪ વાગ્યાનો સમય જ મારા માટે શાંતિનો હોય છે તું તો જાણે છે જ ને. અરે હા, તેં શાક ફ્રીજમાં મૂકી દીધેલું ને ? આજે સાંજે ભાજી પાઉં બનાવવાની છું. ચાલશે ને ?’
‘ઓહ શીટ….એ તો હું ભૂલી જ ગયો. કપડાં તો મેં સૂકવી દીધેલ પણ આ…સોરી ડિયર..સોરી..’
અને આરુષિનું દિલ ઓર તેજીથી ધડકી ઉઠ્યું. સાંજના સમયે ઘરે જઈને બહુ ધમાલ ના થાય અને શાંતિથી રાતનું ભાણું બધાની સાથે બેસીને જમી શકાય એ હેતુથી અડધી રસોઇ એ સવારે જ બનાવી કાઢ્તી હતી. એમાં આજે બાફેલું શાક રસોડામાં બહાર જ રહી ગયું. વળી એના રસોડામાં કાચની બારીમાંથી ગેસ પર સીધો તડકો આવે એટલે કોઇ પણ વસ્તુ ઉતરી જતા કે ટેસ્ટ બગડી જતાં સહેજ પણ વાર ના લાગે. એમાં પાછો આ ધોમધખતો ઉનાળો !
‘સાતુ, તું એક પણ કામ સરખું નથી કરી શક્તો યાર. તારી આ એક ભૂલની અવેજીમાં મારે કેટલો સમય બીજો આપવો પડશે હવે. ફરીથી બધું શાક ખરીદવું પડશે, સમારવું પડશે , બાફવું પડશે અને એ પછી વઘારશે. સાતુ, તમે પ્રુરુષો અમારી આજકાલની નારીની સમસ્યાઓ સમજતાં કેમ નથી ? અમારે એકલા હાથે કેટલી બાજુ દોડવાનું ? અમે સ્ત્રીઓ પણ મૂર્ખાની સરદાર જ છીએ. સદીઓથી અમારા સ્ત્રીઓના માથે આટલી જવાબદારીઓ ઓછી હતી તો ‘આધુનિક’ ગણાવાના ધખારામાં પૈસા કમાવાની જવાબદારી ય માથે લઈ લીધી.’
‘આરુ, આમ અકળાય નહીં ડીઅર. આપણે સાંજે બહાર જમવા જઈશું બસ. રીલેકશ થા થોડી.’
‘આખો દિવસ સમય સેટ ના થાય એટલે બહાર જઈને જમી લેવાનું…આ મને નથી પસંદ. એક તો પૈસા વેરવાના અને બીજું શરીર બગાડવાના ધંધા. અમે સ્ત્રીઓ આજના જમાનામાં આટલી ચેઇન્જ થઈ ગઈ છીએ તો તમે પુરુષો કેમ નથી થઈ શકતાં એ જ મને નથી સમજાતું. તમે પણ ઘરમાં જ રહો છો ને…સહેજ ઘરની રુટિન તરફ નજર કે ઘ્યાન રાખો તો તમને પણ ઘરના અનેક કામનો ખ્યાલ જાતે જ આવી જવો જોઇએ. ના અવે તો તમે પુરુષો કાં તો મૂર્ખા કહેવાઓ જેને સમજાતું જ નથી કાં તો આળસુ કે જેને કશું કામ કરવું જ નથી.’
‘આરુ. એવું નથી ડીઅર. તમે સ્ત્રીઓ પહેલેથી ફ્લેક્સીબલ હોવ અને તમારો ઉછેર પણ એ જ રીતે થતો હોય કે તમે તમારું માઈન્ડ ફટાફટ કોઇ પણ સ્થિતીને અનુકૂળ કરીને જીવી લો છો. અમે પુરુષો તો લઠ્ઠ બુધ્ધિ. રખડવા સિવાય કંઈ ખાસ કામ ના કર્યું હોય. આપણો સમાજ સદીઓથી આમ જ પુરુષપ્રધાન રહ્યો છે અને આમ જ ફકત પ્રુરુષ કમાઇ ઘમાઇને જીવતો રહયો છે. અમને પુરુષોને ઘરમાં તમારી જેમ બારીકાઈથી નજર નાંખવાની સમજ જ ના પડતી હોય. હું મારી સમજ મુજબ તને હેલ્પ કરવાનો પ્રયત્ન કરું છું પણ હું એ ભૂલી જાઉં છું કે ઘરકામ એ આપણાં બે ય ની સહિયારી જવાબદારી. એમાં હું તને હેલ્પ કરું એવી ભાવના ના અવવી જોઇએ. આરુ, આ આપણી જનરેશન પરિવર્તનના ભયંકર ચક્કરમાંથી પસાર થઈ રહી છે. હવે અમે લોકો પણ તમારી જવાબદારી ધીમે ધીમે સમજતા થયા છીએ પણ હજુ અમને અમારી સ્વભાવગત ટેવો છોડતાં ને તમારા કિનારા સુધી પહોંચતા સમય લાગશે ડીઅર. અમે લોકો તમારા જેટલા સુપર ફ્લેક્સીબલ નથી હોતાં. પણ કદાચ આપણો દીકરો રેહાન એના લગ્નજીવન સુધી પહોંચશે ત્યાં સુધીમાં પરિસ્થિતી ચોકકસ બદલાઈ જ ગઈ હશે. એવો મને વિશ્વાસ છે.’
અને સામે પક્ષે આરુષિ પણ ઠંડી પડી ગઈ. સાતત્યના શબ્દે શબ્દે સચ્ચાઈ નીતરી રહી હતી. સાતત્ય એ એને જોબ કરવા ક્યારેય ફ્રોર્સ નહતો કર્યો. આ લાઈફ એણે જાતે જ ચૂઝ કરી હતી. વળી એ જાણી જોઇને તો આવી ભૂલો નહતો જ કરતો વળી એ એને કૉ-ઓપરેટ પણ કરતો જ હતો અને એ પણ દિલથી. પણ સામાન્ય ઘરેલુ નારીમાંથી એક કેરિયર ઓરીએન્ટેડ નારી બનવાના પરિવર્તનના આ પરિણામો તો એણે અને એના જેવી અનેક આધુનિકાઓ એ ધીરજથી પસાર કરવા જ પડશે. કાં તો બધી મહ્ત્વાકાંક્ષાઓ છોડીને ઘરરખ્ખું સ્ત્રી બનીને ઘરમાં જ બેસી રહેવાનું વધુ મુનાસિબ રહે. હવે પોતાને શું જોઇએ છે, પોતાની ફેમિલીને કેટલું આપવાનું છે ને એ માટે એણે જાતે શું સમજ્વાનું એ બધું જ એની પર ડીપેન્ડ હતું.
અનબીટેબલ ઃ પડવું, ખરી જવું ની રોકકળ મચાવવી એના કરતાં ફરીથી ઊગવાનો ઓચ્છવ મનાવવો વધુ આનંદદાયક હોય છે.
સ્નેહા પટેલ