મેનેજરઃ


phoolchhab newspapaer > navrash ni pal column > 28-9-2016

 

શું અન્ય કોઇ રીતે એ સંભવી શકે ના ?

સાબિત થવાનું જીવિત ધક ધક કરી કરીને ?

-સંજુવાળા.

 

રાજન અને નીકી નેટ પર સર્ફીંગ કરી રહ્યાં હતા. આ દિવાળીમાં એમને દુબઈ ફરવા જવાનો પ્લાન હતો અને એ પણ એમના ફેવરીટ છ મિત્રોના ગ્રુપ સાથે. એ બધા સ્કુલકાળના મિત્રો હતાં.કોલેજકાળમાં બધા થોડાં વિખરાઈ ગયેલાં. ફેસબુક અને વોટસએપના કારણે એ લોકોનો સંપર્ક શક્ય બન્યો હતો. ત્રણ મહિના પહેલાં એક સન્ડે એ લોકો મળ્યા હતાં અને ત્યાં આ પ્રોગ્રામ બન્યો હતો. બાળપણની દોસ્તી એમાં ય સ્કુલની મૈત્રીના સંભારણા તો કાયમ હર્યા ભર્યા અને સુખદ જ હોય ! રાજન અને નીકીને વારે ઘડીએ એ દિવસોની યાદ આવતી હતી અને ખુશીથી રુંવાડાં ઉભા થઈ જતા હતા, આંખો બંધ થઈ જતી અને બંને ફ્રોક ને ચડ્ડી પહેરતા એ બાળપણની ગલીઓમાં ભૂલા પડી જતાં. ઇન શોર્ટ બન્ને ખુબ જ એક્સાઈટેડ હતાં.

દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં હતા અને ઘરની સાફસફાઈ શોપિંગ સાથે દિવસો પવનવેગે ઉડતાં હતાં. નીકી રહી ઘરરખ્ખુ સ્ત્રી. એને ઘરની સાફસફાઈ અને નાસ્તા બનાવવામાં જ પહેલો રસ. એ કારણે એને ઘરની બહારના કામોમાં અનિયમિતતા આવી જતી. અમુક શોપિંગ તો રાજને એકલાં જ પતાવવા પડ્યાં હતાં. પણ બે ય જણ આ રીતથી ટેવાઈ ગયા હતાં. રાજનના શોપિંગથી નીકીને કોઇ પ્રોબ્લેમ કે કોઇ કચકચ નહતી એથી રાજન પણ બિન્દાસ થઈને પોતાની સમજ મુજબ શોપિંગ કરી લાવતો. આમ ને આમ દિવાળીના દિવસો આવી ગયા અને રાજન – નીકી બેસતા વર્ષના દિવસે બધા સગા સંબંધીઓને મળીને બીજા દિવસે ઉડ્યાં દુબઈ જવા – પોતાના ચડ્ડી બડી સાથે.

લગભગ બાર દિવસ પછી રાજન અને નીકી ટ્રીપ પતાવીને ઘરે પાછા વળ્યાં ત્યારે એ નીકીનો મૂડ થોડો અલગ જ હતો. મિત્રો સાથે આનંદ લૂંટવાનું જેટલું એકસ્પેક્ટેશન હતું એનાથી અડધા ભાગનો સંતોષ પણ એને નહતો મળ્યો. આવું કેમ ? સોહિનીનો એટીટ્યુડ તો એને ખૂબ જ ખટકતો હતો.  જાણે એ નવાઈની એક બિઝનેસ વુમન હતી ! આખો દિવસ બધા ઉપર ઓર્ડર છોડ્યાં કરતી અને જાણે આટલા બધામાં બધી જ જાતની સમજ એને એકલીને જ પડતી હોય એમ વર્તન કરતી. માન્યું કે એ નોલેજેબલ હતી, એને બિઝનેસ ટ્રીપના કારણે પોતાના કરતાં રખડવાનો વધુ એકસપીરીઅન્સ હતો. પણ એમાં શું નવાઈ ? એ બહાર ફરવામાં એકસપર્ટ હતી તો પોતે ઘર સાચવવામાં અને રસોઈકળામાં પાવરધી હતી. જે જેનું કામ એમાં આટલા વહેમ શું મારવાના ? રોજ ઉઠતાંની સાથે એની બકબક ચાલુ થઈ જાય. આજે આટલાં વાગ્યે આમ જવાનું , આમ ભેગાં થઈ જવાનું, ફલાણો રસ્તો પકડવાનો , ઢીંકણું વાહન ટ્રાન્સપોર્ટ માટે પકડવાનું…ઉફ્ફ. રોજ એના હુકમોની ધાણી ફૂટે. વળી ગ્રુપના બધા લોકો ય એનાથી અંજાઈ ગયેલા કે શું ? એ ચિબાવલી કહે એમ જ ચાલતાં હતાં. આમે નાનપણથી જ સોહિની થોડી ડોમિનેટીંગ હતી પણ એ સમય અલગ હતો. એ વખતની એની દાદાગીરીમાં એક ઇનોસન્સ અને દોસ્તીભાવ હતો આજના સમયે એ એક સમજુ ને અક્કલવાળી સ્ત્રી હતી. મનોમન ચાલતો રઘવાટ આખરે ઘરે પહોંચીને સોફા પર બેસીને પાણી પીતા જ રાજન સામે નીકળવા લાગ્યો.

‘રાજુ, તને આ સોહિનીની કચકચથી કંટાળો નહતો આવતો ?’

ને રાજન ચમક્યો. એને સોહિનીના વર્તનથી કોઇ જ પ્રોબ્લેમ નહતો થયો. એ એક સ્માર્ટ ને ઇન્ટેલીજન્ટ લેડી હતી જે દરેક પ્રકારની  સ્થિતી ખૂબ સારી રીતે મેનેજ કરી લેતી હતી. પણ નીકીના મોઢા પરથી એવું લાગતું હતું કે એ એનાથી ખૂબ કંટાળી ગયેલી હતી એટલે સોહિનીનો પક્ષ લેવામાં સાર નહતો જ. ખૂબ જ સાચવીને રાજને શબ્દો ગોઠવ્યાં ને બોલ્યો,

‘નીકુ, આમ જોવા જઈએ તો સોહિની થોડી વધુ જ લાઉડ હતી. હું તારી સાથે એગ્રી છું.’

‘અરે, લાઉડ શું – એ તો રીતસરની બધા પર હુકમો જ કરતી હતી, અને ગ્રુપના બધા જ લોકો પણ એની વાતો ચૂપચાપ કોઇ જ આર્ગ્યુ કર્યા વિના સાંભળી લેતાં હતાં. નવાઈ તો મને એની લાગતી હતી કે કોઇ એને ચૂપ કરાવવા કે વિરોધ કરવાની તસ્દી સુધ્ધા નહતું લેતું.’

‘જોકે એની વાતોમાં વિરોધ કરવા જેવું તને શું લાગ્યું?’

રાજને હળ્વેથી પ્રશ્ન તરતો મૂક્યો.

‘અરે, જાણે નવીનવાઈની એ જ આખી દુનિયા ફરતી હોય એમ દરેક પ્રોગ્રામના અને એની પણ આગળના પ્રોગ્રામના શિડ્યુલ એ જ ગોઠવ્યે રાખતી હતી. આપણે તો જાણે એના ચિઠ્ઠીના ચાકર, એ બોલે ને આપણે પગ ઉપાડવાના. આપણી કોઇ ઇચ્છા કે સગવડ અગવડનું કોઇ મહત્વ જ નહીં ?’

‘જો નીકી, શાંત થા બકા ને એક વાત કહે, જમવા, ઘરની સજાવટ રીલેટેડ, રેસીપી કોઇ પણ વાત હોય ત્યારે તું કેવી આગળ થઈ થઈને તારા મત રજૂ કરતી હતી ને ? એ સમયે તને ખબર છે સોહિનીને તો કંઈ ગતાગમ જ ના પડતી હોય એમ ચૂપચાપ તારું મોઢું તાક્યા કરતી હતી.’

‘હા, એ વાત તો મેં પણ નોટીસ કરી હતી.’ ને નીકીનું વદન ગર્વથી ભરાઈ ગયું.

‘નીકી, હવે શાંતિથી સાંભળ. સોહિની રહી એક બિઝનેસ લેડી એટલે એને રોજેરોજ મેનેજમેન્ટ લેવલના માણસો સાથે પનારો પડે. એ મેનેજમેન્ટમાં કાચી પડે તો ધંધો જ ના થઈ શકે. રાઈટ ? તો  મેનેજમેન્ટ એનું કામ છે. આપણે ફરવા જઈએ ત્યારે શક્ય એટલાં ઓછા ખરચા અને સમયમાં મેક્સીમમ જગ્યા જોઇ શકીએ અને એમાં કોઇ અડચણ ના પડે એ માટે પ્રોપર મેનેજમેન્ટ જરુરી થઈ પડે. વળી સોહિનીને કામના અર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે એથી એ ત્યાંથી ખાસી એવી પરિચીત પણ છે તો એ આ બધા પોઈન્ટ્સને લઈને આપણને હેલ્પ કરવાના આશયથી સૂચનો કરતી હતી અને બધા આ વાત જાણતાં હતાં એથી એની વાત પર વિશ્વાસ મૂકીને ચૂપચાપ ફોલો પણ કરતાં હતાં. આઈ થીન્ક એના સજેસન્સને લઈને આપણે કોઇ ખોટી પરેશાનીમાં તો નથી જ ફસાયા ને આખી ટ્રીપ શાંતિથી મેનેજ કરીને પતાવી શક્યાં એ વાત તો માને છે ને ? યાદ કર તું ઘર સાચવવામાં બહારના કામ મેનેજ નથી કરી શકતી એવું જ સોહિનીના કેસમાં હોય કે ઓફિસના કામમાં એક્સપર્ટ એવી એ ઘરના કામોમાં ‘ઢ’ હોય. દરેકે પોતપોતાની ચોઇસ મુજબની જીન્દગી જ સિલેક્ટ કરી હોય.’

‘હા, એ વાત તો છે રાજન.’

‘ તો પછી…સી..એ મેનેજમેન્ટ લેવલની વ્યક્તિ એટલે એને આજ સવારના પ્રોગ્રામથી માંડીને રાતના પ્રોગ્રામોના ટાઈમટેબલો બનાવીને જીવવાની આદત પડી ગઈ હોય અને એમાં એ સ્માર્ટ પણ થઈ ગઈ હોય. બહાર ફરવા જઈએ ત્યારે અનેક લોકો વચ્ચે આવા નાના નાના કારણૉને લઈને જ ઘર્ષણ થાય છે અને સંબંધો વણસી જાય છે એથી સૌથી પહેલાં તો વાતને સમજતા અને પછી થોડું ચલાવી લેતાં શીખવાનું ડીઅર. હું તો એટલું જ જાણું.’

‘હા રાજુ તારી વાત સાચી છે. એ મેનેજમેન્ટમાં ખાસી સ્માર્ટ છે એ વાત સ્વીકારતા મને અંદરખાને તકલીફ એક ઇર્ષ્યા જેવું થતું હતું પણ હવે એ નીકળી ગયું. થેન્ક્સ.’

‘ચાલ પગલી…હવે ફ્રેશ થઈને ચા પીએ.’

અને રાજને એના માથા પર હળવી ટપલી મારી દીધી.

અનબીટેબલ ઃ માનવી સરળ વાતોને અટપટી બનાવી દેવામાં માહેર છે.

સ્નેહા પટેલ

choice is yours’


phoolchhab newspaper >  navrash ni pal column > 22-09-2016

ચોઇઝ ઇઝ યોર્સ !

 

છોડ વાતો સ્વર્ગની કે નર્કની,

એ બધું છે આપણા સંસારમાં.

 

-ખલીલ ધનતેજવી.

 

આરુષિના કપાળ પર પરસેવાની બૂંદ હીરાની જેમ ચમકી રહેલી. એની નીચે એનો ગોરો ગુલાબી રતાશ ધરાવતો ચહેરો  ઓસમાં નહાતું કમળ સમ જ દીસતું હતું. રોટલી વણતાં વણતાં એની નજર સતત  ભીંત ઘડીયાળ ઉપર ફરતી રહેતી હતી.  ઘડિયાળનો સેકંડ કાંટો  એના દિલના ધબકારાની ગતિ વધારી દેતી હતી, લગભગ સમજો ને કે બમણી જ થઈ જતી હતી.  આરુષિના મગજમાં બેબસી,બેચેનીનો લાવા ઉછળતો હોય એવું જ અનુભવ્યા કરતી હતી.

‘સાલ્લું, આજકાલના બૈરાંઓની તે કંઈ જીન્દગી છે ? ના ઘરના ના ઘાટના. સતત ઘડીયાળની સાથે હરિફાઈ જ કર્યા કરવાનું. ઘર, છોકરાં, ઓફિસ, સોશિયલ બધી જગ્યાએ ‘ઓલ ટાઈમ અવેઇલેબલ’ રહેવાનું ? માણસ છીએ કે જંગલી પ્રાણી ? માણસોની પણ એક લિમિટ હોય ને !’

અચાનક જ એણે વિચારોને બ્રેક મારી, કારણ વિચારો એના કામની ગતિ ધીમી પાડી દેતા હતાં જે એને પોસાય એમ નહતું. કામની ગતિ ધીમી પડી એટલે એના દિવસભરનું મેનેજમેન્ટ ડિસ્ટર્બ થઈ જાય અને મેનેજ્મેન્ટ સિવાયનું જીવન જીવવાની એને છૂટ નહતી. ફટાફટ સાતત્યનું ટીફિન ભર્યુ અને એનું લન્ચ બોકસ ભરતી હતી ત્યાં એની કામવાળીનો ફોન આવ્યો,

‘બેન, આજે હું કામે નહીં આવી શકું. મારા દીકરાને તાવ આવ્યો છે .’

‘પત્યું..’  ફટાફટ વાસણ ઘસીને કચરો વાળી દીધો અને પછી એણે સાતત્યને બૂમ પાડીને કહ્યુ,

‘સાતુ, આ થોડાં કપડાં સૂકવવાના બાકી છે તો સૂકવી દઈશ ? રસોડામાં સાંજના માટૅ બાફેલ ભાજીપાઉંનું  શાક ને રોટલીનો લોટ છે એ બધું  વાડકામાં કાઢીને ફ્રીજમાં મૂકી દેજે ને પ્લીઝ.’

બહારના રુમમાં છાપું વાંચી રહેલ પતિદેવનો ઓફિસનો સમય આરુષિના ઓફિસસમય કરતાં કલાક મોડો હતો એટલે એને આટલું કામ કરવાનો સમય તો મળી જ રહેશે વિચારીને આરુષિએ સાતત્યને કહ્યું.

‘ઓકે. કરી દઈશ.’ ને આરુષિ ફટાફટ બેડરુમમાં જઈને તૈયાર થઈ, લાસ્ટ નાઈટના રાતના ૨ વાગ્યાં સુધી બેસીને તૈયાર કરેલ પ્રેઝન્ટેશન પ્રોપર સેવ થયું છે કે નહીં એ લેપટોપ ખોલીને ફરીથી એક વાર ચેક કરી લીધું અને પર્સ, એક્ટીવાની ચાવી લઈને ઓફિસે જવા ઉપડી.

સતત આપાધાપીની આ વણઝાર બપોરના ત્રણ વાગ્યે ટી ટાઈમના સમયે થોડી શાંત થઈ અને આરુષિએ સાતત્યને રુટિન ટેવ મુજબ જ ફોન કર્યો.

‘બોલ…’

‘શું કરે ?’

‘કંઈ નહીં એક્સેલમાં એક શીટ બનાવું છું. તું બોલ, ફ્રી પડી કે હજુ ધમાલ ધમાલ જ ?’

‘ના સાતુ, હવે થોડી શાંતિ. આખા દિવસનો આ ૩ થી ૪ વાગ્યાનો સમય જ મારા માટે શાંતિનો હોય છે તું તો જાણે છે જ ને. અરે હા, તેં શાક ફ્રીજમાં મૂકી દીધેલું ને ? આજે સાંજે ભાજી પાઉં બનાવવાની છું. ચાલશે ને ?’

‘ઓહ શીટ….એ તો હું ભૂલી જ ગયો. કપડાં તો મેં સૂકવી દીધેલ પણ આ…સોરી ડિયર..સોરી..’

અને આરુષિનું દિલ ઓર તેજીથી ધડકી ઉઠ્યું. સાંજના સમયે ઘરે જઈને બહુ ધમાલ ના થાય અને શાંતિથી રાતનું ભાણું બધાની સાથે બેસીને જમી શકાય એ હેતુથી અડધી રસોઇ એ સવારે જ બનાવી કાઢ્તી હતી. એમાં આજે બાફેલું શાક રસોડામાં બહાર જ રહી ગયું. વળી એના રસોડામાં કાચની બારીમાંથી ગેસ પર સીધો તડકો આવે એટલે કોઇ પણ વસ્તુ ઉતરી જતા કે ટેસ્ટ બગડી જતાં સહેજ પણ વાર ના લાગે. એમાં પાછો આ ધોમધખતો ઉનાળો !

‘સાતુ, તું એક પણ કામ સરખું નથી કરી શક્તો યાર. તારી આ એક ભૂલની અવેજીમાં મારે કેટલો સમય બીજો આપવો પડશે હવે. ફરીથી બધું શાક ખરીદવું પડશે, સમારવું પડશે , બાફવું પડશે અને એ પછી વઘારશે. સાતુ, તમે પ્રુરુષો અમારી આજકાલની નારીની સમસ્યાઓ સમજતાં કેમ નથી ? અમારે એકલા હાથે કેટલી બાજુ દોડવાનું ? અમે સ્ત્રીઓ પણ મૂર્ખાની સરદાર જ છીએ. સદીઓથી અમારા સ્ત્રીઓના માથે આટલી જવાબદારીઓ ઓછી હતી તો  ‘આધુનિક’ ગણાવાના ધખારામાં પૈસા કમાવાની જવાબદારી ય માથે લઈ લીધી.’

‘આરુ, આમ અકળાય નહીં ડીઅર. આપણે સાંજે બહાર જમવા જઈશું બસ. રીલેકશ થા થોડી.’

‘આખો દિવસ સમય સેટ ના થાય એટલે બહાર જઈને જમી લેવાનું…આ મને નથી પસંદ. એક તો પૈસા વેરવાના અને બીજું શરીર બગાડવાના ધંધા. અમે સ્ત્રીઓ આજના જમાનામાં આટલી ચેઇન્જ થઈ ગઈ છીએ તો તમે પુરુષો કેમ નથી થઈ શકતાં એ જ મને નથી સમજાતું. તમે પણ ઘરમાં જ રહો છો ને…સહેજ ઘરની રુટિન તરફ નજર કે ઘ્યાન રાખો તો તમને પણ ઘરના અનેક કામનો ખ્યાલ જાતે જ આવી જવો જોઇએ. ના અવે તો તમે પુરુષો કાં તો મૂર્ખા કહેવાઓ જેને સમજાતું જ નથી કાં તો આળસુ કે જેને કશું કામ કરવું જ નથી.’

‘આરુ. એવું નથી ડીઅર. તમે સ્ત્રીઓ પહેલેથી ફ્લેક્સીબલ હોવ અને તમારો ઉછેર પણ એ જ રીતે થતો હોય કે તમે તમારું માઈન્ડ ફટાફટ કોઇ પણ સ્થિતીને અનુકૂળ કરીને જીવી લો છો. અમે પુરુષો તો લઠ્ઠ બુધ્ધિ. રખડવા સિવાય કંઈ ખાસ કામ ના કર્યું હોય. આપણો સમાજ સદીઓથી આમ જ પુરુષપ્રધાન રહ્યો છે અને આમ જ ફકત પ્રુરુષ કમાઇ ઘમાઇને જીવતો રહયો છે. અમને પુરુષોને ઘરમાં તમારી જેમ બારીકાઈથી નજર નાંખવાની સમજ જ ના પડતી હોય. હું મારી સમજ મુજબ તને હેલ્પ કરવાનો પ્રયત્ન કરું છું પણ હું એ ભૂલી જાઉં છું કે ઘરકામ એ આપણાં બે ય ની સહિયારી જવાબદારી. એમાં હું તને હેલ્પ કરું એવી ભાવના ના અવવી જોઇએ.  આરુ, આ આપણી જનરેશન પરિવર્તનના ભયંકર ચક્કરમાંથી પસાર થઈ રહી છે. હવે અમે લોકો પણ તમારી જવાબદારી ધીમે ધીમે સમજતા થયા છીએ પણ હજુ અમને અમારી સ્વભાવગત ટેવો છોડતાં ને તમારા કિનારા સુધી પહોંચતા સમય લાગશે ડીઅર. અમે લોકો તમારા જેટલા સુપર ફ્લેક્સીબલ નથી હોતાં. પણ કદાચ આપણો દીકરો રેહાન એના લગ્નજીવન સુધી પહોંચશે ત્યાં સુધીમાં પરિસ્થિતી ચોકકસ બદલાઈ જ ગઈ હશે. એવો મને વિશ્વાસ છે.’

અને સામે પક્ષે આરુષિ પણ ઠંડી પડી ગઈ. સાતત્યના શબ્દે શબ્દે સચ્ચાઈ નીતરી રહી હતી. સાતત્ય એ એને જોબ કરવા ક્યારેય ફ્રોર્સ નહતો કર્યો. આ લાઈફ એણે જાતે જ ચૂઝ કરી હતી. વળી એ જાણી જોઇને તો આવી ભૂલો નહતો જ કરતો વળી એ એને કૉ-ઓપરેટ પણ કરતો જ હતો અને એ પણ દિલથી. પણ સામાન્ય ઘરેલુ નારીમાંથી એક કેરિયર ઓરીએન્ટેડ નારી બનવાના પરિવર્તનના આ પરિણામો તો એણે અને એના જેવી અનેક આધુનિકાઓ એ ધીરજથી પસાર કરવા જ પડશે. કાં તો બધી મહ્ત્વાકાંક્ષાઓ છોડીને ઘરરખ્ખું સ્ત્રી બનીને ઘરમાં જ બેસી રહેવાનું વધુ મુનાસિબ રહે. હવે પોતાને શું જોઇએ છે, પોતાની ફેમિલીને કેટલું આપવાનું છે ને એ માટે એણે જાતે શું સમજ્વાનું એ બધું જ એની પર ડીપેન્ડ હતું.

અનબીટેબલ ઃ પડવું, ખરી જવું ની રોકકળ મચાવવી એના કરતાં ફરીથી ઊગવાનો ઓચ્છવ મનાવવો વધુ આનંદદાયક હોય છે.

સ્નેહા પટેલ

love merrige- arrange merrige


લવ મેરેજ – અરેંજ મેરેજઃ

phulchhab newspaper > 30-8-2016 > navrash ni pl column

 

તાર કાં તો માર રસ્તા બે જ છે.

જીત કાં તો હાર રસ્તા બે જ છે.

– ઇશિતા દવે

‘તમારા તો લવમેરેજ થયેલાં છે ને ? અમને તમારી સ્ટોરી તો કહો ? કુમારભાઈએ કેવી રીતે તમને પ્રપોઝ કરેલું એ તો કહો ? તેઓ આ ઉંમરે આટલા સ્માર્ટ – હેન્ડસમ કનૈયાકુંવર જેવા લાગે છે તો કોલેજકાળમાં તો એમની પાછળ કેટલીય છોકરીઓ પાગલ હશે કેમ ? આટલા હેન્ડસમ માણસની પ્રેમિકા બનીને આપને પણ ગર્વ થતો હશે કેમ રાધિકાભાભી ? જોકે તમે પણ કંઇ કમ રુપાળા નથી હોંકે – તમારી બે ય ની જોડી તો ‘રામ મિલાય’ જેવી છે.’

ઉત્સુકતાથી અને ઉતાવળથી ભરપૂર સોનાલીબેને રાધિકાની ઉપર એકસાથે પાંચ છ વાક્યોનો રીતસરનો મારો જ ચલાવી મૂક્યો હતો. એકસાથે આટલું બોલીને હાંફી ગઈ હોય એમ હવે એ શ્વાસ લેવા બેઠી અને રાધિકાબેન એના પ્રશ્નોના શું ઉત્તર આપે છે એ જાણવા એના મોઢા પર એણે પોતાની આંખો ખોડી દીધી.

‘સોનાલીબેન શું તમે પણ ? એવું કંઇ ખાસ નહતું. લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ બધું આખરે તો સરખું જ હોય છે. તમારું લગ્નજીવન પણ કેટલું સુંદર છે જ ને !’લગ્નજીવનના બે દાયકાં વીતી ગયા છતાં રાધિકાને પોતાની પર્સનલ વાતો આમ કોઇની પણ સાથે શેર કરવામાં શરમ નડતી હતી. એને આવી સહેજ પણ આદત નહતી.

‘ના હો….લવ મેરેજ અને અરેંજ મેરેજમાં આભ જમીનનો ફર્ક હોય છે મારી બેના. તમે લગ્ન પહેલાં એકબીજાને જાણતાં હોવ, પૂરી રીતે સમજતાં હો અને એ પછી તમે બે વ્યક્તિએ આખી જીંદગી એકબીજા સાથે વીતાવવાનો નિર્ણય લીધો હોય. લવ મેરેજે એટલે ચોઇસવાળા લગ્ન જ ને આખરે તો. અમારે તો શું વડીલોએ બતાવ્યાં હોય એમાંથી પસંદ કરી લીધેલા. લગ્ન પહેલાં અમારી સગાઈનો ગાળો લગભગ ૬ મહિના રહેલો એટલા સમયમાં તો અમે એકબીજાને શું ઓળખી શકવાના ? અને ઓળખીએ તો પણ લવમેરેજના પ્રેમ – આકર્ષણ જેવી વાત એમાં ક્યાંથી ? ‘

‘સોનાલીબેન કેમ આમ બોલો છો ? પરમભાઈ તમને કેટલો બધો પ્રેમ કરે છે. તમારા બે દીકરા ય હવે તો ટીનએજર્સ થઈ ગયાં છે. તો ય એમનો પ્રેમ યથાવત જળવાયેલ જણાઇ આવે છે જ.લવમેરેજમાં વ્યકતિને પહેલાં પૂરેપૂરી જાણી લો કે અરેંજ મેરેજમાં વ્યક્તિને મેરેજ પછી જાણો એમાં લગ્નજીવન પર ખાસ કંઇ ફર્ક નથી પડતો. ઉલ્ટાનું અરેંજ મેરેજમાં તો તમારે વડીલોનો સ્વીકાર પહેલેથી જ મળી ગયેલ હોય એટલે કોઇ જ વાતમાં વાંધા વચકા પડવાની શકયતાઓ ઓછી રહે જ્યારે લવમેરેજમાં છોકરીનું એક વર્ષ તો ઘરનાની નજીક જવામાં જ વીતી જાય.’

‘મારું હાળું આ વાત તમે  સાચી કહી હોં રાધિબેન. મારી સાસરીમાં બધા ય મને પહેલેથી જ પ્રેમથી સ્વીકારીને રહે છે. પણ તો ય લવમેરેજ વાળા લગ્નજીવનમાં રોમાંચ, આકર્ષણનું તત્વ વધારે રહેલ છે એવું તમને નથી લાગતું ?’

‘ના, મારા માનવા પ્રમાણે ખરું લગ્નજીવન તો લગ્નના પાંચ વર્ષ પછી જ થયું ગણાય – એ પછી લવ મેરેજ હોય કે અરેંજ મેરેજ ! લવમેરેજમાં પણ તમે વ્યકતિની સાથે રહ્યાં વિના એની અમુક આદતો – બાબતો -સ્વભાવથી પૂરેપૂરા પરિચીત તો નથી જ હોતા. અમિક સ્થિતીમાં એ કેવી રીતે વર્તન કરશે – પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે એની તો એ સ્થિતીમાં હકીકતે મૂકાયા પછી જ સમજણ પડે. અરેંજ હોય કે લવ-  બે ચાર વર્ષ તો આકર્ષણથી – રોમાંચથી ભરપૂર જ રહે છે પછી જ જ્યારે જવાબદારીઓ ઉપાડવાનો સમય આવે ત્યારે એ બે જણ કેવી રીતે એ સ્થિતીનો સંયુકતપણે નિભાવે છે એ જોવાનું હોય છે. જીવન પળે પળે બદલાતું હોય છે. નોકરી-કામધંધો-સામાજીક જવાબદારીઓ-છોકરાંઓનો ઉછેર આ બધી જ સ્થિતીઓને લવ મેરેજ કે અરેજ મેરેજથી કોઇ જ ફર્ક નથી પડતો. સમય જતાં જતાં જ વ્યક્તિ એકબીજાને સમજે અને એકબીજાની વધુ નજીક આવે કે દૂર જાય છે. તમારે જેવા ઝગડાં થાય છે એવા નાના મોટાં ઝગડાં તો અમારે પણ થાય છે જ. જેમ અમુક સમયે  કુમાર હવે શું વિચારતો હશે કે શું ફીલ કરતો હવે એવું સ્મજાઈ જાય છે એવું તમને પણ પરમભાઈની આદતો, મૂડ સ્વભાવ વિશે પૂરેપૂરો ખ્યાલ હોય જ છે ને !  પરમભાઈમાં થોડી ખામી હશે તો ખૂબી પણ હશે જ ને..એમ કુમારમાં પણ અનેજ્ક ખૂબી છતાં અમુક ખામી છે જ..હોય જ ને..આખરે માણસ છે એ.  લગ્ન કરે એટલે માણસ સંપૂર્ણપણે સામેવાળાની મરજી પ્રમાણે થોડી જીવે ? એમને પણ સ્વતંત્રતા જેવું કંઇ હોય કે નહીં ? હા ઘરની બહાર એ આપણને સાચવી લે પણ પર્સનલ લાઈફમાં તો દરેકની સ્થિતી સરખી જ હોય. કોણ એ સિચ્યેશનસ કેવી રીતે હેન્ડલ કરે છે બધો દારો મદાર એની પર છે બેના.વળી  આજકાલ તો એક બીજાને પૂરી રીતે સમજવા વળી એક નવી ફેશન નીકળી છે – પસ્ચિમના લોકોથી રહેણી કરણીના આકર્ષણમાં ફસાઈને આજના યુવાનિયાઓ ‘લીવ ઇન રીલેશનશીપ’ કે જેમાં છોકરાં છોકરી પોતાનું ઘર લઈને મા બાપથી જ અલગ રહીને જીવે છે એમ છતાં ય અમુક વર્ષો પછી એ લોકો હસી ખુશીથી છૂટાં પડી જાય છે. લવમેરેજ કરતાં તો આ કમ સે કમ દસ સ્ટેપ આગળનો રસ્તો તો પણ એ સંબંધો ફેઇલ જાય છે બોલો.. માટે જ કહું છું કે લગ્નજીવનમાં ‘લવમેરેજ’ કે ‘એરેંજ મેરેજ’ની ટેગ કશું ખાસ કામ નથી કરતી. આખરે તો જીવન એકબીજા સાથે જીવતી વ્યક્તિની સમજણ, પ્રેમ, સ્વભાવ પર નભે છે.’

સોનાલી ચૂપચાપ એકીટશે રાધિકાની વાત સાંભળી રહી હતી. આજે રાધિકાએ એનો મોટો ભ્રમ બહુ જ સરળતાથી તોડી કાઢ્યો હતો.

અનબીટેબલ ઃ લગ્ન પછી ‘કોઇ હવે સંપૂર્ણપણે મારું’ એ લાગણી બહુ જ સુખદ હોય છે.

-sneha patel