વ્હાલની દુનિયાઃ

 

 

વાવાઝોડું હોય તો

કરીએ બંધ કમાડ ;

આ તો ઘરમાં પાડતું

જળનું ટીપું ધાડ !

-રમેશ પારેખ.

 

લેટેસ્ટ હેરસ્ટાઈલ અને બ્રાન્ડેડ શૂ – કપડાં ને વોચમાં સજ્જ થયેલો વીસ બાવીસ વર્ષનો યુવક ઉંધુ ઘાલીને આઠ રસ્તાના ધસમસતા ટ્રાફિકમાં આરામથી ચાલી રહેલો હતો. ‘હર ફિક્ર કો ધુંએમેં ઉડાતા ચલા ગયા’ જેવી હાલત હતી, ફર્ક એટલો કે એ સિગારેટ નહતો પીતો પણ મોબાઈલનો સ્ક્રીન પી રહ્યો હતો ! અચાનક જ એક પૂરઝડપે આવતી કાર એને જોઇને બ્રેક મારવા ગઈ અને બેલેન્સ ગુમાવતાં બાજુમાં રહેલાં ઝાડ સાથે અથડાઈ ગઈ. સદનસીબે કારચાલકને કોઇ જાનહાનિ ના થઈ પણ કારને સારું એવું નુકસાન થયેલું. અકળાઈને કારચાલક પેલા યુવક પાસે ગયો અને સીધો એનો શર્ટનો કોલર પકડીને બે અડબોથ ઠોકી દીધી. પેલો યુવાન તો હક્કો બક્કો થઈ ગયો. એને તો એની આજુબાજુની દુનિયામાં શું થઈ ગયુ એની કશી ખબર જ નહતી. અચાનક જ પરિસ્થિતીનું ભાન થતાં એ છોભીલો થઈ ગયો અને, ‘સોરી- સોરી, પણ આ જગ્યાએ એક બહુ જ રેર પોકેમોન છુપાયેલું છે એવી હીન્ટ હતી એટલે હું એને શોધવામાં એટલો ડૂબેલો કે….’

એ યુવકની આજુબાજુમાં ભેગી થયેલ ભીડમાં અમુક લોકો સાવ હક્કા બક્કા થઈ ગયા તો નવાઈજનક રીતે અમુક લોકો પોતાનો આઈફોન કાઢીને એ રૅર પોકેમોન શોધવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડી વારમાં તો આખો એરીઆનો ટ્રાફિક જામ થઈ ગયો. અમુક લોકો પોકેમોન કેચીંગમાં તો અમુક પોકેમોન્સની ફાઈટીંગમાં વ્યસ્ત. જાણે બધા કોઇ બીજી જ દુનિયામાં ના જીવતાં હોય !

કારચાલક – અમિત માથું પકડીને ઉભો રહી ગયો. અચાનક એ કઈ દુનિયામાં આવી ચડેલો એની એને સમજ જ ના પડી. આવો કોઇ ઇન્સીડન્ટ થાય તો લોકો મોટો ઝગડો કરી મૂકે અને કારની નુક્સાનીના પૈસા અપાવવામાં મદદ કરે એના બદલે આજે તો કંઇક નવું નવાઈનું દ્ર્શ્ય જ જોવા મળ્યું. ગાડીમાં બેસીને પ્રયત્ન કર્યો તો ગાડી ચાલુ થઈ ગઈ, ભગવાનનો પાડ માનીને એ આ પાગલોની દુનિયામાંથી પોતાના ‘વ્હાલની દુનિયા – ઘર’ તરફ વળ્યો.

‘સોનુ બેટા, આ જો તો હું આજે તારા માટે તારા ફેવરીટ પીત્ઝા લઈને આવ્યો છું. ચાલ જલ્દી જલ્દી આવી જા નહીં તો ઠંડા થઈ જશે.’

‘પપ્પા, એક મીનીટ. આ પિકાચુને પકડી લઉં બસ. અહીં આટલામાં જ ક્યાંક એની ડેસ્ટીનેશન બતાવે છે.’ અને સોનુ બેડરુમના દરવાજા સાથે ઠોકાતાં ઠોકાતાં બચી ગયો. અમિતને મોટો ઝાટકો લાગ્યો. આ પિકાચુ નામ તો હમણાં પેલી પાગલોની ભીડમાં ઘણાના મોઢે સાંભળીને આવ્યો હતો. તો શું આ પોકે…જેવું નામધારી  દૂષણ એના ઘરમાં ય ઘૂસી ગયું છે કે ?

‘મીરાં, બહાર આવ તો. ‘ અમિતના અવાજમાં રહેલો રોષ પારખીને એની પત્ની મીરાં તરત જ રસોડામાંથી હાથ લૂછતી લૂછતી બહાર આવી.

‘શું છે અમિત, કેમ આમ હાંફળા ફાંફળા..?’

‘આ સોનુ મોબાઈલ લઈને આમથી તેમ શું ગાંડા કાઢતો ફરે છે ?’

‘અરે, તમને નથી ખબર ? કઈ દુનિયામાં જીવો છો ? આ પોકેમોન ગો નામની ગેમે તો દુનિયાભરના લોકોને પાગલ કરી નાંખ્યા છે. તમારા મોબાઇલમાં એ ગેમ ઇન્સ્ટોલ કરીને કેમેરો અને જીપીએસ ચાલુ કરી દો એટલે હે ય ને આખી દુનિયાની સૌથી મજેદાર ગેમ તમારા હાથમાં. આપણો સોનુ ય કંઈક ૨૦ એક પોકેમોન ભેગાં કરી આવ્યો છે. વળી હમણાં તો છાપામાં એક ન્યૂઝ પણ હતાં કે યુ.કે માં કોઇ મ્યુઝીક ટીચરે લગભગ ૨,૦૦૦ પાઉન્ડની મહિનાની જોબ છોડીને ફુલ ટાઇમ આ પોકેમોનો ભેગા કરવાનું કામ ચાલુ કરી દીધું છે. ભેગા કરશે ને ઇ બે નામની વેબસાઈટ પર વેચશે ને ઢગલો કમાણી કરશે. ખરું ચાલ્યું છે નહીં આ બધું ?’

મીરાં તો એની જ ધૂનમાં બોલ્યાં જતી હતી ને અમિત્નો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ રહ્યો હતો.

‘મીરાં, આ ટેકનોલોજી આજકાલના માણસોના મગજને ઉધઈની જેમ કોરી ખાય છે. દરેકને રોજેરોજ નવું નવું જોઇએ છે. આજનું કાલે જૂનું – વળી બીજું કંઇક પાગલપણું અને એ પણ સ્પીડી . માણસના વિચાર ચાલે એનાથી પણ વધુ સ્પીડે. આ અતિ- સ્પીડ માનવીના મગજની સ્થિરતાને પાયામાંથી ખલાસ કરી રહી છે એનો ખ્યાલ કોઇને નથી આવતો. સાલું ટેકનોલોજીનો ઉપયોગ કરતો આજની સ્માર્ટ જનરેશન સાવ આવી મૂર્ખ જેવી વાત પર આમ પાગલપણું કરી શકે એ વાત જ માન્યામાં નથી આવતી. કોણ કહે છે કે આજની જનરેશન સ્માર્ટ છે ? આજની જનરેશન જેવી ડફોળમાં ડફોળ જનરેશન મેં ક્યારેય નથી જોઇ જેઉંધુ ઘાલીને જીવ, તબિયત, સંબંધો બધાયની પાર જઈને સ્પીડ – અતિ સ્પીડ માં દોડ દોડ કર્યા જ કરે છે, ક્યાંય કોઇને કોઇ જ વાતે સંતોષ જ નથી થતો. ટેકનોલોજીનું ભૂત પહેલાં વર્ચ્યુઅલ દુનિયા સુધી જ સીમિત હતું હવે અમુક સ્માર્ટ માણસો વાસ્તવિક અને વર્ચ્યુઅલને ભેગાં કરીને પૈસા કમાઈ રહ્યાં છે ભવિષ્યમાં એ મુટ્ઠીભર ઇન્ટેલીજન્ટ્સ લોકોના હાથમાં આખી દુનિયાની ડોર આવી જાય તો કોઇ જ નવાઈ નહીં લાગે. આ બધું બહુ ચિંતાજનક છે અને તું છે કે તને મજા આવે છે. તારા લાડલાના પરાક્રમ સમજે છે. આજે ને આજે જ સોનુનો મોબાઈલ લઈ લે અને સ્ટ્રીકટલી આ ગેમ રમવાની ના પાડ. ગર્વમેન્ટ  આવી પાગલ જેવી ગેમ્સ પર  બૅન લાવે તો સારું !’

‘હા અમિત, વાત તો તારી સાચી છે હું હમણાં જ સોનુ પાસેથી મોબાઈલ લઈ લઉં છું.’

અનબીટેબલઃ સ્માર્ટ – અપડેટ રહેવાના ધખારામાં આજનો માનવી વધુ ને વધુ મૂર્ખતા આચરતો જાય છે.

સ્નેહા પટેલ

2 comments on “વ્હાલની દુનિયાઃ

  1. લેટેસ્ટ ટોપીક અને સમાજ માટે ચેતવણી રુપ મેસેજ…સ્નેહાબેન ખુબ સરસ વાત કરી તમે લેખમાં કે આજનો માનવી ટેકનોલોજીનો વ્યસની બનતો જાય છે, જે શરીર (સ્વાસ્થય અને મગજ), સમાજ, પરીવાર, સંબંધો વગેરે માટે નુકસાનકારક છે…આજે એવું લાગે છે કે જાણે મનુષ્ય ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતો પણ ટેકનોલોજી મનુષ્યનો ઉપયોગ કરે છે…એક સમય એવો આવશે કે મશીનને માણસ નહીં, પણ માણસને મશીન ચલાવતું હશે, એટલે કે માણસ ઉપર મશીનનો કંટ્રોલ હશે…તમે જે અમુક દેશી શબ્દોનો ઉપયોગ કર્યો છે તે વાંચીને ખરેખર મજા આવી…જેમ કે, બે અડબોથ ઠોકી દીધી…ઉંધુ ઘાલીને…ઠોકાતા ઠોકાતા બચી ગયો…ગાંડા કાઢતો ફરે છે…ડફોળમાં ડફોળ (-જનરેશન)…(-અપડેટ) રહેવાના ધખારામાં…આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે તેની ના નહી, પણ તેનો ઉપયોગ જરૂર પુરતો, યોગ્ય રીતે અને લીમીટમાં કરો તે સમજણ હોવી જરૂરી છે, જેમ ટેકનોલોજીનાં ફાયદા છે તેમ ગેરફાયદા પણ રહેલા છે, જે સમજવાની જરૂર છે (વધુ પડતો ટેકનોલોજીનો ઉપયોગ માણસને એકલો બનાવી દે છે અને પછી એ જ એકાંત માણસને ગાંડો પણ બનાવી મુકે છે…) દરેક બાબતનો અતિરેક એ નુકસાન કર્તા છે તેનું ભાન હોવું જોઈએ…અત્યારના મોટાભાગના (દરેક નહીં) છોકરાઓ બહાર રમતનાં મેદાનમાં શારીરિક કસરત થાય તેવી રમત રમવાને બદલે મોબાઈલમાં ગેમ રમતા હોય છે (જો કે હવે રમતનાં મેદાન પણ કાળા માથાના માનવી એ પોતાના સ્વાર્થ ખાતર રહેવા નથી દીધા, જ્યાં જુઓ ત્યાં બિલ્ડીંગ…બિલ્ડીંગ…અને બિલ્ડીંગ…) મોટાભાગનો સમય છોકરાઓ મોબાઈલમાં મોઢા ઘાલીને બેઠા હોય કે ચાલતા હોય એવો સીન વધારે જોવા મળશે…તેઓ સ્માર્ટ ફોનમાં ગેમ રમતા હોય, સોશ્યલ સાઈટ્‍સ અને અમુક છોકરાઓ તો પોર્ન સાઈટ પણ જોતા હોય છે (અરે છોકરાઓ જ શું કામ, મોટાભાગનાં મોટા પણ આ જ ધંધો કરતા હોય છે…આ સ્માર્ટ ફોન આવતાં લોકો સ્માર્ટ નહીં પણ ઓવરસ્માર્ટ બનતાં જાય છે, આમ તો આને ઓવરસ્માર્ટ નહીં પણ ડફોળ જ કહેવાય…) આની ખરાબ અસર તેમના જીવન, કારકિર્દી, પરિવાર, સંબંધો અને સમાજ ઉપર પડતી હોય છે…આગળ જતાં જો આજ હાલ રહ્યા તો પરિસ્થિતિ વધુ કપરી બનશે…છોકરાઓને ઘરનું કામ ચીંધશુ તો તેમા તેમને કંટાળો આવશે, મોઢા બગાડશે, પણ આવી બિનજરૂરી મોબાઈલ ગેમ રમવામાં અને સોશ્યલ સાઈટ્‍સમાં કંટાળો નથી આવતો…આમ આગળ જતા તેઓ બેજવાબદાર અને લાગણીહીન બનશે…આમ વધુ પડતો ટેકનોલોજીનો ઉપયોગ માણસને પ્રગતિ નહીં પણ પતન ના માર્ગે લઈ જાશે…એક ઉમદા, સામાજીક સંદેશ આપતો અને સરસ લેખ…જે સમાજ માટે આંખ ઉઘાડનાર બની રહે તેવી શુભ આશા રાખીએ (નહીંતર આંખ નહીં ઉઘડે તો આંખના ટીપા નાખવા પડશે)…*** So everybody take care & be happy… – AB King ***

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s