વૈવિધ્ય એટલું તું દે જીવનમાં ઓ ખુદા
પ્રસ્તાવના બની શકું તારી કિતાબની.
-મરીઝ
સોહમનું મગજ ફાટફાટ થતું હતું. બહાર વાતાવરણમાં બફારો – ઉકળાટ વધારે હતો કે એના મગજમાં એ નક્કી નહતું કરી શકાતું.
‘સાલ્લું, એ બે પૈસાનું મગતરું મને આવું કહી જ કેમ શકે ? એની હેસિયત શું છે ? હજી જીવનના કેટલા વર્ષ જોયાં છે એણે ? અરે એ બોઘાને તો પાનખર અને વસંતનો ભેદ પણ નહી સમજાતો ને એ મને ફૂલોની માહિતી આપવા બેસી ગયો..મને…સોહમ પટેલ ધ ગ્રેટને, જે એના જીવનની ત્રીસી આ જ ધંધામાં વીતાવી ચૂક્યો છે.અને જીવનના બાવનમાં વર્ષે આ ફીલ્ડમાં ખાસી એવી પ્રતિષ્ઠા – નામના – સફળતા મેળવી ચૂક્યો છે. એ સાલું વીસ વર્ષનુ મગતરું…હ્…મ…મ..’
રિષભ હજુ ઘરમાં પ્રવેશતો જ હતો અને એણે એના કાકા સોહમના આ શબ્દો સાંભળ્યા અને એનો પિત્તો ગયો. આ બધું ય એને ઉદ્દેશીને બોલાયેલું હતું એ વાતથી એ બરાબર વાકેફ હતો. કાલે એણે કાકાને ધંધાના સંદર્ભે બે ત્રણ વાત કરી હતી. એ નવું નવું એન્જીરીયરીંગનું ભણી રહેલો હતો અને કાકાની ફેકટરીના મશીનો વિશે અભિપ્રાય આપ્યો હતો કે,
‘જુઓ કાકા, હું તમારા માલની કવોલિટી વિશે વાત કરું તો એ સાવ હલ્કી કક્ષાની છે. તમારે આ વહેલી તકે તમારા મશીનો બદ્લી કાઢવા જોઇએ. આનાથી તમારે આવક ઓછી ને જાવક તેમ જ મહેનત પણ વધુ થાય છે અને વસ્તુની ક્વોલિટી પણ જોઇએ એવી નથી મળતી તો ભવિષ્યમાં માર્કેટમાં તમારી શાખ બગડી શકે એવી શક્યતાઓ ખરી.’
‘દીકરા, એવું કશું નથી. બધો તારો ભ્રમ છે. અમારા મશીનો રેગ્યુલર સર્વીસીંગ થતા હોય છે, એન્જીનીયર દર ત્રણ મહિને એક વિઝિટ લઈને જરુરી સ્પેરપાર્ટસ બદલી જ કાઢે છે. અમારું પૂરેપૂરું ધ્યાન હોય જ અમારા કામમાં.’
‘સોરી કાકા, હું નથી માનતો કે એવું હોય. તમે તો જાણો છો કે હું સત્ય વચન જ બોલું છું. ખાલી ખાલી તમારી વાહ વાહ કરું એવો નથી. મને ભગવાને બુધ્ધિ આપી છે અને એના અનુસાર જ હું નિર્ણયો લઈને બોલું છું. તમારે માનવું ના માનવું એ તમારી મરજી. રામરામ !’
ને રિષભ ફેકટરીમાંથી બહાર નીકળી ગયેલો. એનો આ એટીટ્યુડ સોહમને બહુ જ ખટકયો અને વાત હવે ‘સાધારણ’ના સ્ટેટસમાંથી ‘ઇગો’ના લેવલ પર આવી ચૂકી હતી.
‘મેલ ઇગો’
સ્ત્રીઓને સમજવી જેમ અઘરી હોય એમ મેલ ઇગો પણ ખતરનાક – ડેન્જરસ હોય છે. સાવ પાણા જેવો – કાં તો તૂટી જાય કાં તો સામેવાળાને તોડી કાઢે. એટલે સંબંધોમાં જ્યારે બે સ્ત્રીઓના ઇગો અથડાય તો રેશમની ગાંઠની જેમ આસાનીથી ગૂંચ સૂલઝાવી લેવાય પણ મેલ ઇગોનો પરસ્પર ટકરાવ તણખાં જ ઝરે અને અનેક વખત એમાં કોઇકના ઘર પણ બળીને ખાખ થઈ જાય તો નવાઈ નહીં.
‘કાકા, હું તમારા ભલા માટે કહેતો હતો. તમારો માલ એકસ્પોર્ટ થાય છે અને પ્રોપર ક્વોલીટી ના જળવાય તો રીજેક્ટ પણ થાય છે એની મને ખબર છે એથી જ ખાલી ખાલી તમારી પ્રોડકટ્સની વાહ વાહ કરું અને કાલે ઉઠીને તમને માર્કેટમાંથી એ જ પ્રોડકટના વેચાણમાં માર ના પડે એ હેતુથી જ મને સાચું લાગ્યું એ કહ્યું. ખોટી હોટી વાહ વાહ ના કરી પણ કોઇનું સારું વિચારવાનો તો જમાનો જ નથી રહ્યો ને. હું જ મૂર્ખો .’
રીના – રિષભની કાકી બેડરુમમાંથી બહાર આવ્યાં અને રિષભનો પારો ઠંડો પડી ગયો. કાકીની સમજણ પર રિષભને ખૂબ માન હતું અને એથી જ પ્રેમ પણ વધુ હતો.
‘બેસ બેટાં, જરા શાંતિનો શ્વાસ તો લે. લે ચાલ તારા માટે ગરમાગરમ પકોડા અને ચા બનાવી લાઉ છું.’
‘ના..ના કાકી, આ તો હું પપ્પાના કાગળિયા આપવાના હતાં એ માટે ખાસ આવેલો પણ કાકાના સ્વસ્તિ વચનો સાંભળીને સહન ના થયું. તમને તો ખબર છે કે હું ખૂબ જ સાચાબોલો છું અને એથી જ કોઇક ખોટું બોલે તો સહેજ પણ સહન નથી થાતું.’
‘હા બેટાં, મને ખબર છે કે તું કોઇની શેહશરમમાં ક્યારેય નથી આવતો અને તને જે ઠીક લાગે એ જ બોલે છે. મને તારી પર માન છે દીકરાં. પણ તને એ વાત ખબર છે કે તું જે વાત તારી રીતે સાચી સમજયો હોય એ વાત બીજાના દ્ર્ષ્ટિકોણથી ખોટી પણ હોઇ શકે. આ જે પણ ઘટના બની એમાં તારી સમજણે જેટલો ભાગભજવ્યો છે એનાથી વધુ તારા કાકાના અનુભવોએ વધુ ભાગ ભજવ્યો છે. વીસ વીસ વર્ષોના એમના અનુભવને તું ફકત તારા એક વર્ષના ચોપડીઓના વાંચનના એકસીપીરીઅન્સથી ખોટા ના ઠેરવી શકે બેટાં એ વાત તારા જુવાન – ખળભળતાં લોહીના ધ્યાનમાં ના આવી એની તકલીફ છે.’
‘મતલબ શું કાકી ? મને સમજાયું નહીં. તમે પણ મને ખોટો માનો છો ?’
‘ના દીકરા – આમાં વાત સાચા ખોટાની નથી. જાણકારીના અભાવની છે. તેં જે મશીન જોયું એ અહીંની લોકલ પ્રોડક્ટ્સ માટેનું હતું. જેમાં એકાદ – સાંધા સૂંધી હોય તો પણ ચાલે. કારણકે એ અહીંના સ્લમ એરીઆમાં વેચાય છે. એટલે એની ડાઈ થોડી જૂની કે ચાલી શકે એવી ડીફેક્ટીવ હોય તો ચલાવી શકાય. એના પ્રોડકશનમાં એટલી બધી કાળજીની જરુર નથી હોતી. પણ એકસ્પોર્ટનું મશીન છે એ તો ફેકટરીના પાછળના ભાગમાં છે અને એ પણ એરટાઈટ રુમમાં એસીની ફુલપ્રૂફ સગવડો સાથે જેથી ત્યા ધૂળનું એક રજકણ પણ ના પ્રવેશી શકે. તેં લોક્લ પ્રોડકટના મશીનને જોઇને ઉતાવળમાં જ અભિપ્રાય આપી દીધો. ખોટો તો તું પણ નથી પણ સામે એ વાત પન એટલી સાચી કે આ બધી વાત તારા કાકાના ધ્યાનમાં હોય જ, આટલા વર્ષોનો અનુભવ છે એટલી વાત કે સમજણ તારા દિમાગમાં ના આવી ને આ બધી જફા થઈ ને ઉભી રહી.’
‘ઓહોહો…તો વાત એમ છે. આઈ એમ સો સોરી કાકા કે મેં આપના અનુભવને સાવ જ આમ નગણ્ય કરી નાંખ્યો ને મારો અભિપ્રાય સોનાનો ને સાચો એમ સમજીને તમારું અપમાન કરી નાંખ્યું. ખરેખર હજુ તો હું બચ્ચું જ છું આપનું. બાળક સમજીને મને માફ કરી દો. હવેથી પૂરી વાત અને સામેના માણસની કેપેસીટી જાણ્યા વિના કદી પણ આમ અભિપ્રાયના પહાડ ઉભા નહી કરી દઉં કાકા, વચન આપું છુ.’
‘ચાલ્યા કરે દીકરા..ચાલ ચા પીએ.’ ને સોહમે રિષભને ગળે લગાડી દીધો.
અનબીટેબલઃ ‘તમે સાચાબોલા હોવ એ બરાબર પણ તમારી વાત સત્ય જ હોય એવો દુરાગ્રહ ના સેવવો જોઇએ.’
-sneha patel.