foreign- a degree


ફોરૅન એક ડીગ્રી…

 

પ્રથમ બારણાંએ ઊઘડવાનું હોય,

પછી બહાર એણે નીકળવાનું હોય !

-સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ પુસ્તકમાંથી.

 

સાંજનો સમય હતો. ગરમીમાં સુકાઇને ફાટી જઈને તરડાઈ ગયેલ હોઠમાંથી મંગાયેલી દુવાઓના ફળરુપે મોંઘેરો વરસાદ ઝરમર પડી રહ્યો હતો. બે દિવસથી ચાર પાંચ ઇંચ વરસી ગયેલો હોવાથી વાતાવરણમાં સરસ મજાની ઠંડક પ્રસરી ગયેલી હતી.

સાંજના પાંચ વાગ્યાનો સમય હતો અને અનુરુપ સોસાયટીના બાંકડે પાંચ છ વયોવૃધ્ધ અને બે ચાર જુવાનીયાઓ વર્ષારાણીના પાલવ તળે હાશકારો અનુભવી રહ્યાં હતાં. વાતોના ગરમાગરમ દાળવડાંની જ્યાફત ઉડાવી રહ્યાં હતાં.

એક માજી બોલ્યા,

‘અલ્યાં સાંભળ્યું કે ત્રીજા માળે રહેતી પેલી લઘરી રચનાની મોટી છોકરી આગળ ભણવા માટે યુ.એસ.એ ગઈ .’

‘હેં, શું વાત કરો છો? ત્રણ ત્રણ છોકરીઓવાળું ઘર અને વર તો કંઈ કમાતો નથી. જ્યારે જોઇએ ત્યારે સોસાયટીમાં મેઇનટન્ન્સના પૈસા પણ બાકી ને બાકી જ હોય..વળી એની છોકરી ભણવામાં તો ઢગી હતી. દસમામાં ફેઈલ થયેલી યાદ છે ને ?’ બીજા બેને હૈયાવરાળ ઠાલવી.

‘હા મને ય એવું જ યાદ છે. પણ આ સાલું ચમત્કાર કહેવાય હોં કે. આ તો જબરી હોંશિયાર નીકળી, માળી બેટી છેક ફોરેન પૂગી ગઈ ને !’

એક જુવાન યુવતી પોતાના પાંચ વર્ષના દીકરાંને રમવા માટે નીચે લઈને આવી હતી અને બાંકડે બેઠાં બેઠાં  એનું ધ્યાન રાખી રહી હતી એના કાને આ સંવાદ પડ્યો ને એનાથી બોલ્યાં વિના ના રહેવાયું,

‘માસી, એ યુ.એસ.એ ગઈ એટલે હોંશિયાર એવું કોણે કહ્યું ?’

‘લે ફોરેન જવું એ કંઇ જેવા તેવાના કામ થોડી છે ? ત્યાં એકલી રહીને ભણશે, કમાશે ને એના આખા ઘરને ત્યાં બોલાવશે જોજે ને. વળી ત્યાંની લાઈફ સ્ટાઈલની તોલે અહીંની થોડી આવે ?’

‘માસી તમને એમ છે કે ત્યાં પૈસાના ઝાડ છે ને જઈને હાથ લંબાવીને તોડી લેવાના ? એવું ના હોય માસી. ત્યાં જઈને લોહીનું પાણી કરીને રાત દિવસ એક થશે ત્યારે એ છોકરી માંડ બે ટંકનું ખાવાનું અને રહેવા માટે એક ઓટલો પામશે. ત્યાં જઈને આટલી મહેનત કરવા અને લેટ ગો કરવા તૈયાર થઈ છે એનાથી અડધું ડેડીકેશન જો એણે અહીં ભણવામાં બતાવ્યું હોત તો એ અહીં જ સારામાં સારી જોબ કરીને ફેમિલી સાથે રહી શકી હોત અને પાંચ વર્ષમાં તો પોતાનું ઘરનું ઘર કરી લીધું હોત. મા બાપ બેનોને ત્યાં બોલાવવી એ કંઇ રમત વાત છે. વળી એ જેટલાં પૈસા ખર્ચીને ત્યાં ગઈ છે એટલામાં તો અહીં સરસ મજાનો ધંધો ચાલુ કરી શકી હોત. આ તો ત્યાં જઈને એકડે એકથી વાત ચાલુ કરવાની સ્થિતી. ના આર્થિક સલામતી, ના માનસિક, ના ઇમોશનલ કે ના શારિરીક. છોકરાંઓને સાવ જ આમ અજાણ્યાં દેશમાં છોડી દઈને મા બાપનું મન પણ અહીં ઉચાટમાં રહે એ નફામાં. મજૂરી કરવા તૈયાર હોય એવા આપણા કામવાળા કે રસોઇઆઓને પણ ત્યાંના વીઝા મળી શકે છે અને ત્યાંના લોકો તો સામેથી પૈસા ખર્ચીને આવા લોકોને શોધી શોધીને અહીંથી લઈ જાય છે.’

‘હા, તારી વાત સાચી છે બેટાં.’

‘વળી માસી આપણે ત્યાં તો ‘ફોરેન’ જવું એ જ એક મોટી ડીગ્રી માની લેવાય છે એનો મને ત્રાસ થાય છે. અહીં રાત દિવસ એક કરીને ભણનારા બ્રીલીયન્ટ સ્ટુડન્ટસની સાથે એમની સરખામણી કરાય છે એ બહુ જ તકલીફદાયક વાત છે. ભાઈ, પૈસા ખર્ચીને સંતાનોને સારી  યુનિવર્સીટીમાં ભણાવી શકો એની ના નહીં પણ સંતાનોની અંદરુની સ્માર્ટનેસ, મહેનત એ બધાની તોલે પૈસો ક્યારેય ના આવે. રામજાણે આ વિદેશમાં સંતાનોને ભણાવાની ઘેલછાં પાછળ મા બાપ અને સંતાનોએ ભોગવવાની પીડાનો હિસાબ ક્યારે કરાશે ?અહીં ઘરમાં પાણીનો ગ્લાસ પણ ઉપાડતાં જોર આવતું હોય એવી પ્રજા ત્યાં જઈને મોટેલોના બાથરુમો સાફ કરે છે ને લોકોની એંઠી ડીશો ય ધોવે છે, રુમોની ચાદરો ય બદલે છે ને ટીપમાં મળતાં પૈસાની બરાબર ગણત્રી કરીને ખુશીથી પેન્ટના ખીસ્સામાં પધરાવે છે. વિદેશમાં જઈને કાળી મજૂરી કરવાની તૈયારી રાખવાવાળા છોકરાંઓને અહીં જ ફેમિલીની સાથે રહીને મહેનત કરતાં શું જોર આવે છે એ જ નથી સમજાતું. છોકરાંઓ તો ઠીક પણ મોટેરાંઓ સુધ્ધાં વિદેશના નામની ચકાચોંધમાં અંજાઈ જાય છે એની જ નવાઈ લાગે છે. હું તો એક જ વાત માનું કે વિદેશ હોય કે દેશ છોકરાંઓની આંતરિક સૂઝ, મહેનત, પ્રતિભાનો કોઇ જ  પર્યાય નથી. એને દેશ વિદેશના લેબલોથી ના તોલાય.’

ને બાંકડે બેઠેલ બધાં લોકોના મોઢા વિચારશીલ મુદ્રા સાથે સહમતિમાં હાલી ઉઠ્યાં.

-sneha patel