sahjeevan

સહજીવન:

પહોંચવું, પામી જવું, તરછોડવું
એજ ઘટનાક્રમ મળ્યો તમને-મને !

-સંજુવાળા

‘સાંભળ કે, મારે આજે ઓફિસની મીટીંગ છે તો થોડું મોડું થશે. તું ઘરે સમયસર પહોંચી જજે અને મમ્મીની સાથે મળીને રસોઇનું કંઇક સેટીંગ કરી કાઢજે પ્લીઝ.’

રાધા એની  ધૂનમાં જ ફોનમાં વાત કરતી જતી હતી અને બીજા હાથે કોમ્પ્યુટરમાં ડેટા ફીડ કરતી જતી હતી. સામે છેડે સુરમ્ય શું બોલ્યો ને શું નહીં એ તરફ એનું ઝાઝું ધ્યાન નહતું.પોતાની વાત કરીને ફોન કટ કર્યો અને વળી પાછી કામમાં વ્યસ્ત.

‘અરે યાર…આજે તો મારે કોલેજના જૂના મિત્રોને મળવા જવાનું હતું. કેટલાંય વખતથી સેટ નથી થતું. માંડ માંડ આજે બધાએ પ્રોગ્રામ ગોઠવ્યો તો રાધાનો આ પ્રોગ્રામ. ઉફ્ફ..વળી એ તો ફોનમાં પોતાની તકલીફ કહીને છૂટી થઈ ગઈ. મારો શું પ્રોગ્રામ છે એ જાણવાની કે પૂછવાની કોઇ તસ્દી જ ના લીધી. મિત્રો સાચું જ કહેતા હતાં કે પરણવું જ ના જોઇએ. સાલું, પરણ્યાં એટલે ગળામાં બેલ બાંધી દીધો હોય એવી લાગણી સતત ફીલ થયા કરે છે. જુવાનીના દિવસો પણ કેવા મજાના હતાં..એકલા..હરાયા ઢોરની જેમ આખો દિવસ રખડી ખાવાનું અને મમ્મીને થોડું ખોટું સાચું બોલીને પટાવી લેવાની. પપ્પાને તો મમ્મી જ સમજાવી લે. સાચે મા જેવી જણસ દુનિયામાં બીજી કોઇ નહીં.’ ને મનોમન સુરમ્ય હસી પડ્યો. બે પળ રહીને પોતાના સ્વપ્નોની દુનિયામાંથી બહાર આવ્યો અને વાસ્તવિકતાનું ભાન થયું. શક્ય એટલું કામ ફટાફટ સમેટીને ઘર તરફ રવાના થયો. ગાડી ચલાવતો હતો ત્યાં જ એના મિત્ર અનિલનો ફોન આવ્યો,

‘અલ્યાં, ક્યાં પહોંચ્યો તું? કેટલાં વાગે આવે છે ઢાબા પર ?’

‘સોરી દોસ્ત, આજે મારે શક્ય નહીં બને. તમે લોકો ‘કન્ટીન્યુ’ રાખો.’

‘કેમ…કેમ…શું થયું ? બધું ઓલરાઈટ ને ?’ અધીરાઇમાં અનિલ એકનું એક વાક્ય બે વખત બોલી ગયો.

‘અરે, એવું કેવું નથી દોસ્ત. પણ રાધાને ઓફિસમાં મીટીંગ છે તો એ ઘરે મોડી પહોંચશે. તો આજે રસોડું મારા હવાલે.’

‘ઓહ્હો….તો સુરુકુમાર હવે રસોઇ પણ કરવા લાગ્યાં એમ કે..’ ને સામે છેડેથી એક કટાક્ષમિશ્રિત અટ્ટહાસ્ય રેલાઈ ગયું જે સાંભળીને સુરમ્યના રુંવે રુંવે આગ લાગી ગઈ.

‘જે થવું હોય એ થાય પણ આજે તો હું મારા મિત્રોને મળીને જ રહીશ. એવું હશે તો બહારથી પાર્સલ પેક કરાવી લઈશ. પણ આમ દોસ્તારોના કટાક્ષ સહન કરવાની તાકાત મારામાં નથી. વળી એવું ઘર – ઘર કરવાનું એ પુરુષોને થોડી શોભા આપે..’એની અંદરનો મેલ – ઇગો સળગી ઉઠ્યો. ને એણે અનિલને જવાબ વાળ્યો,

‘હું આપણે નક્કી કરેલા સમયે નકકી કરેલ જગ્યાએ મળીશ. બાય.’ ને ફોન કટ કરી કાઢ્યો.

રસ્તામાંથી પિત્ઝા અને સેન્ડવીચીઝ પેક કરાવીને ઘરે ગયો અને નહાઈને ફ્રેશ થઈને મમ્મીને,’ બહાર જઉં છું, મોડું થશે તમે ને છોકરાંઓ અને રાધા જમી લેજો. જમવામાં મારી રાહ ના જોતાં.’ સુનીતાબેન કશું પણ બોલે એ પહેલાં તો સુરમ્ય ઘરની બહાર નીકળી ગયો.

સુનીતાબેને  થોડા દુઃખ સાથે દિકરાએ લાવીને મૂકેલ પાર્સલ જોયાં અને પ્લેટમાં પીરસીને છોકરાંઓને જમવા બૂમ પાડી. સાડા દસે તો છોકરાંઓ જમી કરીને હોમવર્ક કરીને સૂઇ ગયા અને રાધાએ ઘરમાં એન્ટ્રી કરી. ઘરમાં પ્રવેશતા વેંત જ ઘરની હાલતનો અંદાજ આવી ગયો અને પોતાન કહ્યાં મુજબ સુરમ્યએ કશું જ કર્યું નહી ને બેજવાબદાર બનીને દોસ્તારો સાથે ફરવા ઉપડી ગયો હતો. આ વખતે આ અઠવાડીઆમાં ત્રીજી વખત બહારથી ખાવાનું આવ્યું હતું અને રાધાને એ સહેજ પણ પસંદ નહતું. સુનીતાબેનને રાધાના વર્તન પરથી મોટા વાવાઝોડાંના આગમનની આશંકા જાગેલી – પણ શું થાય ? રાતના બાર વાગ્યે સુરમ્ય આવ્યો અને બેડરુમમાં ધારણા અનુસાર જ બોલાચાલી શરુ થઈ. લગભગ પંદર વીસ મીનીટ પછી પણ એમના ઝગડાંના અવાજમાં કોઇ ઘટાડો થવાના બદલે ક્રમશઃ અવાજ વધતો ગયો . સમાધાનના બદલે છૂટાછેડાંના કાગળિયાંની વાતો સંભળાવા લાગી અને સુનીતાબેનથી રહેવાયું નહીં અને એ દીકરાના બેડરુમમાં પ્રવેશ્યાં.

‘આ તમે લોકોએ શું ધમાલ માંડી છે ? ‘

‘મમ્મી, તમે આ વખતે તો બોલતાં જ નહીં. મારી ભયંકર હ્ટેલી છે. ભલે ખાધાખોરાકીના નામે રાધાને મારે ગમે એટલાં પૈસા આપવા પડે પણ હવે તો વાત તલાક સુધી જઈને જ ઉભી રહેશે.’

‘એટલે પૈસા બચાવવાના આશયથી જ લગ્નજીવન ટકી રહ્યું છે કે ? તમારી બે ની વચ્ચે કોઇ મનમેળ – લાગણી છે જ નહીં કે ?’

‘મમ્મીજી, સાવ એવું નથી. આ તો સુરુ વાત વધારી રહ્યાં છે.’

‘મમ્મી, ઘણી વખત એવું થાય છે કે છોકરાંઓના કારણે જ આ લગ્નજીવન ચાલે છે કે શું ? બાકી રાધા એની મરજી મુજબ જીવે ને હું મારી.’

‘જુઓ દીકરા, આજ કાલ મોંઘવારીનો જમાનો છે. તમે બે ય જણ કમાવા જાઓ એટલે જૂની વાતો અને રિવાજોમાંથી બહાર નીકળીને જીવવું જ પડે. તમારી પેઢીથી તો એક નવી દિશા, આયામ ખૂલી રહ્યો છે. ફરજ, હકની વ્યાખ્યાઓ બદલાઇ રહી છે. વળી આ છૂટાછેડાં તો રમત વાત છે, એ તો કોઇ પણ લઈ લે. ખરી બહાદુરી અને સમજ તો લગ્નજીવન સુખે દુઃખે સમજણથી સાથે જીવવાનું અને માણવાનું હોય. દરેક લગ્નજીવનમાં બે ય પક્ષે ફરજોનું પાલન, સમાધાનો હોય જ. સરકાર છૂટાછેડાં પછી ખાધાખોરાકીના પૈસાની વાત કરે છે  તો લો..હું તમને બે ય ને આ લગ્નજીવન એકબીજા સાથે જીવવા માટેનાં પૈસા આપીશ. મારી બધી મિલ્કત તો આખરે તમારી જ છે ને. ખરી હિંમત તો સંબંધ ટકાવી રાખવામાં હોય છે નહીં કે એને તોડીને આપણો રસ્તો કરી લેવા જેવી સ્વાર્થીવ્રુતિમાં. વળી તમે ‘સહજીવન’ જેવી મૈત્રીમાં જ ફેઇલ જશો તો જીવનના બીજા સંબંધો તો કેમના નિભાવશો ? મહાપરાણે તમારે સાથે જ જીવવું એવું નથી કહેતી પણ તમારી વચ્ચે અણસમજ વધુ છે ને એથી જ ઝગડાં થાય છે એથી આ સલાહ આપું છું છોકરાંઓ. શાંતિથી સૂઇ જાઓ ને ઠંડા દિમાગથી કાલે સવારે વિચારજો. મગજ શાંત હોય ત્યારે જ સાચી હકીકતનું ભાન પડશે.’

‘હા મમ્મી, તમે સાચું કહો છો. અમે એમ જ કરીશું. ને સુરમ્ય ને રાધાએ એકબીજા સામે જોઇને એક હાસ્ય ફરકાવ્યું. સમાધાનની સફેદ પતાકા ફરકવાના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં.

 

-સ્નેહા પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s