phoolchhab newspaper > navrash ni pal column > 27-07-2016
ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.
-ભગીરથ બ્રહ્મભટ્ટ.
સાંજનો લગભગ છ – પોણા છ વાગ્યાનો સમય હતો. ચોમાસાની ઋતુમાં પાંચ – છ કે ૭ વાગ્યાના સમયનો અંતરાલ કળવો લગભગ મુશ્કેલ જ થઈ જતો હોય છે, એમાં પણ બે દિવસથી થોડાં થોડાં છાંટાં પડી જતાં હતા ને પછી વાતાવરણ સાવ કોરુંધાકોર. કદાચ આકાશના વાદળાં નીચે સતત દોડતાં રહેતા માનવીઓની સ્પીડ જોઇને હબકી જતા હશે ને વરસવાનું ભૂલી જતા હશે. એના આટલા ક્રોડોની જીન્દગીમાં બે પગવાળા આ પશુઓને આટલી આપાધાપીમાં દોડતા કદાચ પહેલી વખત જ નિહાળી રહ્યા હશે.
ડાર્ક મરુન કલરની સરસ મજાની કારીગરી કરેલ ઈંટો અને બે બાજુનો ભાગ સરસ મજાના ગાર્ડનથી શોભતો હતો એ બંગલામાંથી કૂકરની સીટી પર સીટીઓ વાગતી હતી. એ ઘરમાં એક વયોવૃધ્ધ કપલ રહેતું હતું અને એ વ્યાયામ, ખાનપાન બધી રીતે બહુ જ નિયમિત. સાંજના આ સમયે ખીચડીનું કૂકર ચડી જાય અને બીજી બાજુ રીંગણા – બટેટાં જેવાં શાકનું તાંસળું ચડી ગયું હોય, બે ચાર ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો હોય. એમની વઘારેલી ખીચડીના કુકરની વ્હીસલ વાગે એટલે આજુબાજુના ચાર બંગલા સુધી એની સુગંઘ પહોંચી જ જાય. આખી સોસાયટીમાં એ માજી જેવી ખીચડી બનાવવાની કળા કોઇને હસ્તગત નહતી. ખીચડી એટલે તો રમામાસીની જ !
રમાબેન અને રશ્મિભાઈ – સરસ મજાનું કપલ હતું. આમ તો એમને જીવનથી બહુ કમ્પ્લેઇનસ નહતી. જોકે જિંદગી એ બે સાથે બહુ જ બેરહમ રીતે વર્તી હતી. એક જુવાન છોકરો અને એની વહુનું કાર અકસ્માતમાં મ્રુત્યુ થઈ ચૂકયું હતું. એમની દીકરી વિદેશ જઈને પરણી હતી અને બે છોકરાં હતાં જેના લગભગ ત્રણ વખત લગ્ન થઈ ચૂક્યાં હતાં પણ હજુ એ લાઈફમાં સેટલ નહતી થઈ શકી. દીકરાની સાત વર્ષની રુપાળી શી ઢીંગલી જેવી દીકરી કૃતિ હતી એ અકસ્માતમાં પોતાના બે પગ ગુમાવી ચૂકેલી. અધૂરામાં પૂરું છેલ્લાં બે વર્ષથી રશ્મિભાઈના વ્યાજે મૂકાયેલ લગભગ વીસ કરોડ રુપિયા ડૂબી ગયાના અણસાર હતાં જે મોટાભાગે ગયા ખાતે જ વળાવી દેવાના હતાં. પાર્ટીએ પોતાની જાતને નાદાર જ જાહેર કરી દીધેલી. આ ઉંમરે એ બેયની અને કૃતિની દવાઓનો ખર્ચો જ કાઢવો અઘરો થઈ પડતો હતો. વળી વૈભવી સ્ટાઈલમાં જીવવા ટેવાયેલ લોકોને સાવ જ આવી ચડેલી ગરીબી સહન કરવી મુશ્કેલીરુપ તો થઈ જ પડે.
રસોડામાં કામ કરતાં કરતાં રમાબેનની આંખમાં અચાનક આંસુ આવી ગયા અને આંખમાંથી નીચે ટપકે એ પહેલાં તો એમની બાજુમાં ઉભેલા રશ્મિભાઈએ એમની હથેળીમાં ઝીલી લીધા.
‘અરે ગાંડી, આમ હતાશ કેમ થઈ ગઈ ? આખી જીન્દગી આવી અનેકો તકલીફોનો કેવો બહાદુરીથી સામનો કર્યો છે મારી રાની લક્ષ્મીબાઈએ..અને હવે જીવનના આખરી પડાવે આમ નબળી કાં બને ?’
‘એ સમય જુવાનીનો હતો ક્રુતિના દાદા, હવે આ હાડ્કાં બુઢ્ઢાં થઈ ગયા છે. થોડું કામ કરતાં શ્વાસ ચડી જાય છે, શરીર જોઇએ એટલું કામ ન કરતાં મગજ આડા અવળાં વિચારોએ ચડી જાય છે. આપણે નહીં હોઇએ તો મારી આ રુપકડી પરીનું શું થશે ? હશે…આપણાં ગયા ભવના પાપ બાકી હશે એ પૂરાં કરવાના છે. બાકી શું ?’
બોલતાં બોલતાં ખીચડીનો દાણો બરાબર ચડ્યો છે કે નહીં એ જોવાની ટેવવશ રમાબેને કૂકર ખોલ્યું.
‘રમા, આ આજે કેમ આટલી ખીચડી કરી છે ?’
‘આટલી એટલે…અરે અડધું અડધ કુકર તો ભરેલું છે જુઓ તો જરા.’
‘ઓહોહો…મને તો અડધું કુકર ખાલી દેખાયું એટલે એમ કે ઓછી રંધાઈ છે.’
‘એ તો તમને વાંકુ જોવાની ટેવ જ પડી ગઈ છે આજકાલ..નવરાં બેઠાં બેઠાં મગજ કટાઈ ગયું છે તમારું ય.’
‘ના રમા, મગજ મારું નહી તારું કટાઈ ગયું છે. જેમ તને અડધું કુકર ભરેલું દેખાયું એમ આપણી જીન્દગી અડધીથી ય ઉપર સુંદર રીતે વીતી ગઈ એ કેમ નથી દેખાતું? વળી ગયા ભવના પાપ ભોગવવાના છે એના કરતાં એમ વિચારને કે આ ઉંમરે આપણે બે દવાઓના સહારે તો દવાઓના સહારે પણ આપણા પોતાના હાથે પગે ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ, કામ કરી શકીએ છીએ, આપણું પોતાનું રહેવાનું ઘર છે, સરસ મજાની પૌત્રી છે અને એ પૌત્રીની સારવાર પણ કેટલી સરસ ચાલી રહી છે, લગભગ બે ત્રણ મહિનામાં તો એ પણ પોતાના પગ પર ચાલી શકશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એમ એના ડોકટર્સ કહે છે. મને ભરેલું કુકર જોવાનું કહે છે તો તું જીવનને એ જ દ્રષ્ટ્રીથી જોને ડીઅર. આ ઉંમરે પણ આપણી વચ્ચે પ્રેમનો અફાટ દરિયો વહે છે, બે ટાઈમનું શાંતિથી ખાવા મળે છે એનાથી વધુ શું જોઇએ જીવનમાં…બાકીનું બધું તો વધારાનો બેનીફીટ જ સમજ ગાંડી !’
‘હા ક્રુતિના દાદા, તમે વાત તો સાચી કહી.’અને ચશ્મા કાઢીને વહી નીકળતાં ગેરસમજણના આંસુઓને ભૂંસીને રોજની જેમ રમાબેનના મુખડાં પર સ્મિત ભરાઈ ગયું.
અનબીટેબલઃ જીવનમાં દુઃખી થવાના કારણો સામેથી દોટ મૂકીને આવે છે જ્યારે સુખી થવાના કારણો ખૂણે ખાંચરે છુપાઈ-લપાઈને બેઠાં હોય છે એમને શોધવા પડે છે.
સ્નેહા પટેલ