phulchhab newspaper > 29-06-2016 > navrsh ni pal column
સાંત્વના
આંસુ, એકાંત, થોર – છે ઘરમાં;
રોજ વધતા નહોર છે ઘરમાં.
- અશોક ચાવડા
સવારના સાત વાગ્યા અને રાધિકાના કાનમાં પપ્પાના પહાડી અવાજમાં શુધ્ધ ઉચ્ચારણવાળા મંત્રોચ્ચાર અને પૂજાની ઘંટડીનો અવાજ અથડાયો. બે મીનીટ એ મનગમતા રણકાર અને શબ્દોની લજ્જત માણીને રાધિકાએ હળ્વેથી આંખો ખોલી, બે હાથ ઉંચા કરીને આળસ મરડી અને ધીમે ધીમે મંત્રો બોલીને પપ્પાના તાલ સાથે તાલ મિલાવતી ગી. નાનપણથી એનો આ નિત્યક્રમ ! એની સવાર રોજ પપ્પાની પ્રાર્થનાના અવાજથી જ પડે. લગભગ બાવીસ વર્ષની જીન્દગીમાં રાધિકાના સ્મરણમાં એક પણ દિવસ એવો નહતો કે એના પપ્પાનો આ ક્રમ તૂટ્યો હોય.
ઉઠીને રાધિકા પૂજારૂમ તરફ ગઈ. પપ્પા નવનીતરાયની સામે મીઠુ હસીને ‘જય શ્રી ક્રિષ્ના’ કહ્યું અને સામે રહેલા એમના ‘લાલા’ને બે હાથ જોડીને માથું નમાવી પ્રણામ કરીને ત્યાંથી ખસવા જ જતી હતી ને અચાનક નવનીતરાયનો અવાજ બંધ થઈ ગયો. ચોંકીને રાધિકાએ પપ્પા સામે જોયું તો એના ગળામાંથી ચીસ નીકળી ગઈ.
‘મ…મ….મી….’
રેખાબેન રાધિકાના મમ્મી હાંફળા ફાંફળા દોડતાં દોડતાં ત્યાં આવ્યા અને હોયુ તો રાધિકાએ એંસી કિલોના વજનદાર નવનીતરાયને માંડ માંડ ટેકો આપીને પકડી રાખ્યાં હતાં.
‘શું થયું ?’
‘ખબર નહીં મમ્મા..અચાનક જ એમના ડોળાં અધ્ધર ચડી ગયા ને બે હાથે માથું પકડીને ઉભા હતાં. મેં ના પકડ્યાં હોત તો કદાચ મંદિર પર જ પડ્યાં હોત..તમે ફટાફટ ડૉકટરને ફોન કરો હું એમને બેડરુમમાં લઈ જાઉં છું.’
‘હા..સાચવજે બેટા.’ ને રેખાબેન ડોકટરને ફોન કરવા લાગ્યાં. અડધો કલાકમાં તો ડોક્ટર ઘરે.
‘ભાભી, પ્રેશર હાઇ થઈ ગયું છે. ૧૯૦-૧૧૦…એમને થોડા દિવસ આરામ કરાવો. બાકી કંઈ ખાસ ચિંતા જેવું નથી.’
‘ઓહો..તો ઠીક, મારો તો જીવ નીકળી ગયેલો. છેલ્લા બે મહિનાથી એમની આંખની ટ્રીટમેન્ટ ચાલે છે. એની દવાઓથી એમને એસીડીટી થાય છે. કદાચ એ અને આ ગરમીનું વાતાવરણ..’
‘ભાભી, ચિંતા ના કરો. ટેન્શન જેવું કંઇ નથી.’
‘ઓકે, અરે હા, એક કામ કરશો અમીતભાઈ, ગહના સોનોગ્રાફી કેન્દમાં આમનો એમઆરઆઈ કરાવેલો એનો રીપોર્ટ લેવાનો છે. આપ કલેક્ટ કરી લેશો.’
‘શ્યોર.’
લગભગ બે મહિના પછી….
નવનીતરાય બે હાથે માથું પકડીને બેઠાં હતાં.
‘આ માથાનો દુઃખાવો જબરો પેંધો પડી ગયો છે..લાગે છે જીવ લઈને જ છોડશે.’
‘અરે, શુભ શુભ બોલો. ચાલો આમ પણ તમારે ડોકટરને મળવ જવાનું જ છે. તૈયાર થઈ જાઓ.’
ડૉકટરે આર્યન, કેલ્શિયમ ને બી૧૨ ઓછું છે કહીને એનો કોર્સ ચાલુ કરાવ્યો. કોર્સ લગભગ પતવા આવ્યો પણ નવનીતરાયની તબિયતમાં હજુ ખાસ કોઇ ફર્ક નહતો પડ્યો. શહેરના બેસ્ટ ન્યુરોનો સંપર્ક કર્યો અને એમણે બધા રીપોર્ટ મંગાવ્યાં. ત્રણ મહિના પહેલાંનો એમનો એમઆરઆઈ જોતાં જોતાં એમની આંખો ફાટી ગઈ.
‘તમને ડોકટરે કશું જણાવ્યું નહતું ?’
‘શું ?’
‘આ એમઆરઆઈના રીપોર્ટમાં સ્પષ્ટપણે ‘વ્હાઈટ પેચીસ’ દેખાય છે.
‘તો..?’
‘તો…એક કામ કરો. હું થોડા રીપોર્ટ્સ લખી આપું છું એ કરાવી લો પછી જ હું આપને કશું કહી શકીશ.’
ને રીપોર્ટનું પરિણામ ડોકટરની ધારણા મુજબ જ હતું. નવનીતરાયને મગજમાં ગાંઠ હતી અને એ પણ નોનઓપરેટેબલ. વધીને તેઓ માંડ બે મહિના જ જીવી શકે એવી શક્યતા હતી. એમણે કીમોથેરાપી ચાલુ કરાવી. પણ નિદાનથી મોત સુધીનો રસ્તો નવનીતરાયે બહુ જ જલ્દી કાપી નાંખ્યો. રાધિકાએ સમાજનો ધરાર વિરોધ કરીને એના વ્હાલા પપ્પાને અગ્નિદાહ આપ્યો. ઘરમાં સગાવ્હાલાં (!!)ની વણઝાર ચાલુ થઈ.
‘તેં હે રેખાબેન, તમને સાવ જ ખબર ના પડી રોગ આટલો વકરી ગયો એની ?’
‘તમે શહેરના બેસ્ટ ફીઝીશયનને કેમ ના મળ્યાં ?મેં તમને કહેલું પણ તમે લોકો તો કોઇનું કંઇ માનો તો ને ? રાધિકા તું તો ભણેલી ગણેલી – ગુગલના જમાનાની છોકરી. તો પણ આવી થાપ કેમની ખાઇ ગઈ ?’
‘તમે લોકોએ સમયસર ઇલાજ જ ના કયો નહીંતર નવનીતભાઈ કદાચ…’
સગા અને સંબંધીઓ આવેલા તો રાધિકા અને રેખાબેનના ઘાવ પર મલમ લગાવવા પણ એમની વાતો અને વર્તન દાઝ્યા પર મીઠું ભભરાવતા હતાં.બે ત્રણ દિવસ તો રાધિકાએ બધું સહન કર્યું પણ પછી એની સહનશક્તિએ દગો દીધો અને એ બધાની સામે જઈને ઉભી રહી,
‘મામી, કાકી, માસી…તમે લોકો આટલી શિખામણો આપો છો તો પપ્પાની છ મહિનાની માંદગી દરમિયાન એક્વાર એમની ખબર જોવા પણ કેમ ના આવ્યાં ?વચ્ચે એક વખત તો તમને રીપોર્ટ કલેક્ટ કરવાનું કહેલું તો તમે,’આજે કામવાળો નથી આવ્યો.’ કહીને ના પાડી દીધેલી. વળી મારા બાપા અમને લોકોને વ્હાલા નહીં હોય કે અમે જાણીજોઈને આંખ આડા કાન કરીએ ! આ એમની પંદર ફાઈલ અને ત્રેવીસ રીપોર્ટ્સ. ડોકર્ટરોની સંખ્યા લગભગ સત્તર. અમારા જીવનની બધી મૂડી મિલકત દાવ પર લગાવીને અમે એમનો ઇલાજ કરાવતા રહ્યા અને તમે લોકો….એ બધુ તો બાજુમાં રહ્યુ અને સાંત્વનાના નામે મેણાં ટોણાં મારો છો..તમે લોકો તો માણસ છો કે શું ? મહેરબાની કરીને આમ જ વાતો કરવી હોય તો પ્લીઝ કાલથી અમને મળવા ના આવશો. હું એકલી જ મારા મમ્મીને સપોર્ટ કરવા માટે કાફી છું.તમે લોકો જઈ શકો છો. ઘરનો દરવાજો આ તરફ છે. જય શ્રી કૃષ્ણ.’
ને રેખાબેનની વેદનાભરેલ આંખોમાં થોડી રાહતનો સૂરમો અંજાઈ ગયો . પોતે જે તકલીફ અનુભવતા હતા અને બોલી નહતા શકતા એ વાતને દીકરીએ બાખૂબી અને હિંમતપૂર્વક વાચા આપી હતી, મનોમન પોતાની દીકરી પર ગર્વ થઈ ગયો.
sneha patel