balck dog

બ્લેક ડોગ.

એક પીછું મોરનું શોધતા શોધતા
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં

-અરવિંદ ભટ્ટ

 

રાતનો લગભગ ૧૦ વાગ્યાંની આસપાસનો સમય હતો અને ચિંતન ટીવી પર એનો મનપસંદ પ્રોગ્રામ જોઇ રહ્યો હતો.

બહુ જ ગમતો કાર્યક્રમ આજે જોઇએ એવી મજા નહતો આપતો. એક લાઈન સંભળાયા પછી બીજી લાઈનનું અનુસંધાન તૂટી જતું હતું. જોઇએ એવી એકાગ્રતાનો અભાવ સાલતો હતો. ટીવીમાં દરિયાની ભરતી ઓટ જોઇને ચિંતનને પોતાની અંદર એવી જ સ્થિતીનું નિર્માણ થતું હોય એવી લાગણી થઈ આવતી હતી. અત્યારે એના મૂડમાં ઓટ જ ઓટ વર્તાતી હતી. બારીની બહાર નજર જતાં સોડિયમની લાઈટ્વાળા થાંભલા નીચે એક કૂતરું પોતાની જીભ બહાર કાઢીને બેઠું હતું. એની લવકારા મારતી જીભ જોઇને ચિંતનને અત્યંત અણગમો અનુભવાયો. એનું ડિપ્રેશન પણ એને આ કૂતરા જેવી સતત બેચેનીની સ્થિતીમાં જ રાખતું હતું. એની અંદર એક ‘બ્લેક ડોગ’ છુપાયેલો હતો.

ચિંતન – એક પચાસ વર્ષનો વ્યક્તિ. છેલ્લા એક વર્ષથી એ લાગલગાટ આ ‘બ્લેક ડોગ’નામના ડિપ્રેશનના સકંજામાં ફસાઈ ચૂક્યો હતો. નોકરીમાં બોસની દાદાગીરી, દીકરીના લગ્ન, દીકરો વિદેશ ભણવા જતો રહ્યો અને પત્ની પૂજાપાઠમાં વ્યસ્ત. આ બધા ઉપરાંત હવે એનાથી જોઇએ એવું દોડાદોડી પણ નહતી થઈ શક્તી. પોતાની આ લાચારી અને એકલતા એને કોરી ખાતી હતી અને ડિપ્રેશનની દવાઓ ખાધા કર્યા પછી પણ કોઇ પરિણામ મળતું નહતું.

કંટાળીને ટીવી બંધ કરીને ચિંતન ઉભો થયો, પાણી પીધું અને ઘરની બહાર નીકળી ગયો. આખો દિવસ ગરમીથી તપેલું શહેર રાતના દસ વાગ્યે ઠંડા પવનની ઝાપટોથી રાહત અનુભવી રહ્યું હતું. દાઝેલ વ્યક્તિના તન પર જાણે કોઇ ઠંડકનો લેપ થાય અને એને જેવી રાહત અનુભવાય એવી શાતા ચિંતને પણ અનુભવી અને એમ જ બેમતલબ ટહેલવા લાગ્યો. ત્યાં જ એની નજર એની આગળ જતી એક સ્ત્રી ઉપર પડી. એ સ્ત્રીના એક હાથમાં સામાનથી ભરેલ બે થેલાં હતાં અનેબીજા હાથમાં એક નાની ચાર વર્ષની છોકરી આંગળી પકડીને ચાલી રહી હતી. બાળકી તોફાની હતી તો વારંવાર એની મમ્મીની આંગળી છોડીને આગળ ભાગી જતી હતી અને એની ચિંતાતુર મા એની પાછળ દોડવા જતી પણ સામાનના કારણે અસફળ રહેતી એથી અકળાઈને એ બાળકીને રોકાઈ જવા માટે બૂમો પાડતી. ચિંતન આ ખેલ જોઇ રહેલો. અચાનક જ એને આ ઘટનામાં રસ પડયો.

ચિંતન એક વ્યાપારી જીવડો. એને પોતાના જીવન સિવાય બીજા કોઇના જીવનમાં બહુ ખાસ રસ ના પડે . પૈસાની કાયમ તંગીની હાલતે એને ફકત અને ફકત પૈસા કમાવાના રસ્તા સિવાય કશું વિચારવાનો સમય જ નહતો આપ્યો.

પૈસા કમાવામાં ને કમાવામાં એ ઘણાં ખરાં અંશે સ્વાર્થી થઈ ગયો હતો. જો કે એને પોતાને આ બાબતની જાણ જ નહતી.

અચાનક એને શું સૂઝ્યું તો એ પેલી સ્ત્રી પાસે ગયો અને પૂછ્યું,

‘આપને કઈ બાજુ જવું છે?’

‘આગળના ચાર રસ્તા પર મારું ઘર છે. ઘરે કોઇ ના હોવાથી આ તોફાનીને ફરજીયાતપણે લઈને મારે સામાન લેવા નીકળવું પડ્યું. ટાઈમસર બસ ના મળતાં મોડું થઈ ગયું ને એમાં આ ઢબૂડી હેરાન કરે છે.તૌબા..’

‘લાવો હું તમારો સામાન લઈ લઉં છું. તમે તમારી દીકરીને સંભાળી લો, આગળ ચાર રસ્તા છે ક્યાંક કોઇ વાહનની અડફેટે ના આવી જાય.’ કહીને ચિંતને એ સ્ત્રીના હાથમાંથી એનો સામાન લઈ લીધો અને એની સાથે ચાલવા લાગ્યો. પેલી સ્ત્રી દોડીને પોતાની દીકરી પાસે ગઈ અને એનો હાથ પકડી લીધો અને ચિંતનની સાથે ચાલવા લાગી.દસ મીનીટના અંતરાલે પેલી સ્ત્રીનું ઘર આવી ગયું અને એણે ચિંતનના હાથમાંથી સામાન લઈને એનો આભાર માન્યો. ચા પીવા આવવાનું નિમંત્રણ પણ આપ્યું પણ રાત બહુ થઈ ગઈ હોવાથી ચિંતને એના નિમંત્રણનો સાદર અસ્વીકાર કર્યો.

ઘર તરફ વળી રહેલ ચિંતનને અચાનક જ પોતાના મૂડની ઓટમાં સ્ફૂર્તિની ભરતીનો અહેસાસ થયો. ચાલવામાં સ્પીડ આવી ગઈ અને હોઠ ગોળાકાર થઈને એની જાણ બહાર જ સીટી વગાડવા લાગ્યાં. વર્ષો પછી ચિંતને હળવાશની આવી પળોની મજા માણી. આની પાછળનું કારણ વિચારતાં જ અચાનક એના મગજમાં ટ્યુબલાઈટ થઈ કે એ અત્યાર સુધી સતત પોતાનામાં જ મગ્ન થઈને જીવતો હતો. પોતાને ભોગવવી પડતી તકલીફોને યાદ કરી કરીને દુખી રહેવાની ટેવ પડી ગઈ હતી. આજે કોઇ જ સ્વાર્થ વિના એણે પેલી સ્ત્રીને મદદ કરી તો એની અંદર એક નવા જીવનરસનું ઝરણું ફૂટી નીકળ્યાંનો અહેસાસ અનુભવાયો. સંકોચાઈ સંકોચાઈને જીવ્યાં કરતાં એના જીવનમાંથી મજા,ખુશી જેવી લાગણીઓ મરી પરવારી હતી. આજે એક સાચી ખુશીનો અહેસાસ થતાં જ એનું ડિપ્રેશન આપોઆપ ગાયબ થઈ ગયું. ભલભલી દવાઓ જે અસર ના કરી શકી એ એક સાચી ખુશીએ કરી બતાવ્યું. બ્લેક ડોગ નામનો રાક્ષસ ગભરાઈ ગયો અને એક ખૂણામાં ટાંટિયા પેટની અંદર સંકોચીને બેસી ગયો.

સમજણના દ્વાર ખુલી ચૂક્યાં હતાં હવે ચિંતનને રસ્તો શોધવામાં તકલીફ પડે એવી શક્યતાઓ તો નહીંવત જ હતી.

 

અનબીટેબલઃ ટૂંકો રસ્તો ખરેખર  લાંબો હોય છે.

Interview  in jpeg  must can be UPLOAD from Admin and DOWNLOAD and sharing from front side  with unlimited pages

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s