મોટી ખુશીઓ v/s નાની ખુશીઓઃ
કોઈ ભૂલથી આડે હાથે મૂકી દીધેલા ચશ્માં શોધે,
એવી રીતે મારી આંખો બે-ત્રણ જુના સપનાં શોધે.
-કુલદીપ કારિયા.
‘રિવાજ, ચાલ આજે મૂવી જોવા જઈએ. બહુ દિવસથી ક્યાંય ઘરની બહાર નથી નીકળી, ભયંકર કંટાળો આવે છે.’
‘બિંદી, મારે માર્ચ એન્ડીંગ છે એટલે સમયની ભયંકર મારામારી છે. વળી ઓફિસમાં ય બે જણ છેલ્લાં અઠવાડીઆથી રજા પર છે એટલે એમના પેન્ડીંગ કામ્ની ય તકલીફો. બીજા કર્મચારીને કહીએ તો એમના મોઢા ચડી જાય છે, અમુક શરમમાં રેડી થઈ જાય તો જાણે ઉપકાર કરતાં હોય એમ કીડીવેગે કામ કરે ને એમાં પોતાના કામને ખોરંભે ચડાવી દે છે. આ કર્મચારીઓને સંભાળવા એટલે મોટો ત્રાસ છે, ગમે એટલું સંભાળો, સાચવો પણ એ લોકો પોતાની જાત પર ગયા વિના ના જ રહે. અમુક કામ તો હું જાતે કરી લઉં છું. હવે બોલ, આમાં પિકચર માટેના ત્રણ કલાક ક્યાંથી કાઢું?’
રિવાજની એ ની એ જ જૂની કેસેટ સાંભળીને બિંદીનો કંટાળો રોષમાં પરિવર્તિત થઈ ગયો. વધતી જતી ઉંમરની ભેટ જેવી કપાળ પર પડતી ત્રણ સળ જેવી લીટીઓ વધુ ઉંડી થઈને ઘેરી થઈ ગઈ.
‘જ્યારે હોય ત્યારે કામ – કામ ને કામ. મારી ને છોકરાંઓની તો કોઇ ચિંતા જ નથી ને…માર્ચ એન્ડીંગ – ફલાણું – ઢીંકણું..જ્યારે જોઇએ ત્યારે કામ કામ ને કામ.’
‘બિંદી, તું ને છોકરાંઓ જોઇ આવો ને મૂવી, કંપની તો છે જ ને..હું ના આવું તો ના ચાલે ? આવતા મહિને ચોકકસ આવીશ બસ..’
‘ઓહોહો..તું તો જાણે મારા પર ઉપકાર કરતો હોય એવી વાતો કરે છે. કોઇ પણ પત્નીને પતિની સાથે હરવા-ફરવાનો શોખ હોય એમાં શું ખોટું ? વળી છોકરાંઓ તો રેડી જ હોય પણ મને તારી સાથે મૂવી જોવાની મજા આવે એ એમની સાથે ક્યાં ? તને મારી લાગણીની કોઇ કદર જ નથી, હું જ્યારે નહીં હોઉં ત્યારે તને મારી યાદ આવશે અને અફસોસ થશે કે મારી કદર ના કરી. મારા પછી જ્યારે એકલા જીવવાનો વારો આવશે ત્યારે ભાન પડશે કે પૈસા પાછળ લાઈફમાં તેં શું શું ગુમાવ્યું છે.’ ને બિંદી રડી પડી.
મામલો ગંભીર થઈ જતો લાગ્યો એટલે રિવાજ કામ બંધ કરીને ઉભો થયો અને બિંદીના ડ્રેસની ગળા પરની પટ્ટી પર હળવેથી આંગળી ફેરવતા બોલ્યો,
‘પગલી, આવી નાની શી વાતમાં આટલો ગુસ્સો ? ‘
‘રિવાજ, તમે પુરુષો અમારી નાની નાની વાતોની મોટી મોટી મજા નથી સમજી શકતા. તમને બધું જ ‘લાર્જ- કિંગ સાઈઝ’ જોઇએ છે. જોકે એમાં ખોટું નથી ‘બાય ડિફોલ્ટ સેટીંગ્સ’ છે મર્દજાતિના, પણ સામે અમારી સ્ત્રીઓની નાજુક ‘ઇનબિલ્ટ સિસ્ટમ’ને સમજવાનો પ્રયત્ન તો કરો. તને ખબર છે ? અમે સ્ત્રીઓ નાની નાની વાતમાંથી જેટલી મોટી મોટી ખુશી મેળવી શકીએ છીએ એટલી તમે તમારી મોટી મોટી સિધ્ધીઓમાંથી પણ નહીં મેળવી શકતા હોવ. કોઇ નાનું બાળક હસે તો પણ હું આનંદથી ભરાઈ જઉં છું, આપણા બગીચામાં કોઇ નવી કૂંપળ આવે હોય – ફૂલ ખિલ્યાં હોય તો મારું દિલ સુગંધના દરિયાથી ભરાઇ જાય છે..આવા તો કેટકેટલા ઉદાહરણો. હવે આવી સેન્સીટીવીટી હોય ત્યારે નાની નાની વાતોમાંથી જેમ ખુશ થઈ શકીએ એમ નાની નાની વાતોમાં દુઃખ પણ થાય જ. આ અમને સ્ત્રીઓને એક વરદાન સમજો તો વરદાન ને શ્રાપ સમજો તો શ્રાપ છે. પણ એક વાત છે અમને ખુશ થતાં અને નજીકનાને ખુશ રાખતાં તમારા લોકોથી વધુ સારી રીતે આવડે છે. હવે જો તું મને મારો કિનારો છોડીને તારી જેમ પ્રેકટીકલ બનાવતા શીખીશ તો શક્ય છે કે હું પણ તારી જેમ મોટી મોટી ખુશીઓની આદી થઈ જઈશ પછી નાની નાની વાતો મને અસર નહીં કરે. મને વાંધો નથી હું અપડેટ થવા તૈયાર છું પણ એક વાત વિચારી લે – આ બધા પ્રયાસો મારા નેચરની વિરુધ્ધના છે અને એ કુદરતી સ્વભાવથી વિરુધ્ધ જઈને જીવવાનું કોઇને ક્યારેય પૂરો સંતોષ નહીં આપી શકે. હું પ્રેમની ભૂખી છું ને પૈસા પાછળ દોટ મૂકીશ તો મોટી મોટી ખુશીઓ મેળવવા જતાં નાની નાની ખુશીઓ ગુમાવી બેસીશું. મોટી ખુશીઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડશે અને વિના મૂલ્યે મળતા ભગવાનના વરદાન જેવી નાની નાની ખુશીઓની આપણા જીવનમાંથી કાયમી વિદાય થશે. આપણે મોટી – એથી મોટી- એથી પણ મોટી ખુશી પાછળ દોડતં જ રહીશું ને સંતોષ – એ તો તો ય નહીં મળે.એક વાતનો જવાબ આપ તો આપણા જીવનનું અંતિમ ધ્યેય શું છે ? પૈસા કે ખુશી ?’
‘હું તારી વાત સમજુ છું પણ પૈસા સિવાય જીવન ક્યાં ડીઅર?’
‘પૈસા ખર્ચીને ખુશી ખરીદી શકીશું ? હા, ખુશ રહીશું તો પૈસા કમાવા જેટલા સમતોલ જરુર રહીશું. હા એક વાત છે – પૈસાથી મળતી વસ્તુઓ જ તમારું ધ્યેય હોય તો ઠીક પણ આપણે એવા નથી. તારે અમારા માટે , અમારી ખુશીઓ માટે પૈસા કમાવા છે. પણ તું એ ભૂલી જાય છે કે અમારી ખુશી પૈસાની નહીં તારા પ્રેમને આધારીત છે. બહુ મોટી ખુશી- સહૂલતો કમાવામાં નાની નાની ખુશીઓનો છેદ ઉડાડવામાં સંવેદનશીલતા જીવનના પુસ્તકમાં હાંસિયામાં ધકેલાઈ જાય છે, ખુશ થવા માટે દિલને કોઇ જ ઘટના અસર નથી કરતી , પરિણામે લોકોના જીવન સ્ટ્રેસથી ભરપૂર થઈ જાય છે.વિચારી લે..’
બિંદીની વાતો સાંભળીને રિવાજના મનમાં સૂરજ ઉગી ગયો ચારે તરફ ઝળહળ – ઝળહળ. લેપટોપમાં ‘ટેલી’નો પ્રોગ્રામ બંધ કરીને બોલ્યો,
‘ચાલો બધા તૈયાર થાઓ હું ક્વીકબાથ લઈને આવું છું.’
અનબીટેબલઃ કઈ વાત, ઘટના તમને સાચી ખુશી આપી શકે એ સમજાઈ જાય પછી જીવનના બધા સમીકરણો સહેલાઇથી સોલ્વ થઈ જાય છે.
-સ્નેહા પટેલ.