મજા !
૨૭-૦૪-૨૦૧૬ નો ફૂલછાબ પેપરનો ‘નવરાશની પળ’ કોલમનો લેખ.
હાથ પથ્થર પણ મૂક્યો તો એને પણ ફૂટી કૂંપળ,
સખ્ત જે કહેવાય છે તે પણ નરમ કહેવાય છે.
– લેખિકા – કવયિત્રીઃ સ્નેહા પટેલ
એક ચોરસ રુમ ને બે વિશાળ બારી ધરાવતી નાનકડી ખોલીમાં ચાર જુવાનિયાઓ બીયરના ઘૂંટ પર ઘૂંટ ભરીને પીતા હતા અને સામે પડેલી ડીશમાંથી બટાકાની વેફર્સ અને તીખા શીંગના ભજીયાની જ્યાફત માણતાં માણતાં ધમાલ મસ્તી કરી રહ્યાં હતાં.સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ડૂબતો જતો હતો. કદાચ એને પણ આ જુવાનિયાઓની ધમાલની મજા માણવાની લાલચ હશે એટલે આજે સૂર્યાસ્ત બહુ જ ધીમો થતો હતો. આકાશ એની આ બેજવાબદારી પર ગુસ્સે થઈ ગયું હોય એમ લાલચોળ થઈ રહ્યું હતું.
‘વેલેન્ટાઈન ડે ઉપર એક યુવાન એની ગર્લફ્રેન્ડને લઈને શ્મશાનમાં ગયો અને ઘૂંટણ પર બેસીને ખીસ્સામાંથી લાલ ગુલાબ કાઢી, કીસ કરીને એક નાટકીય અદા સાથે પોતાની ગર્લફ્રેન્ડને આપીને પ્રપોઝ કર્યું,’ વ્હાલી, શું તું તારી બાકીની જીંદગી મારી સાથે વિતાવવાનું પસંદ કરીશ ?’ ગર્લફ્રેન્ડે ગુલાબ લઈને એનો દૂર ઘા કરતાં કહ્યું,’ આજે વેલેન્ટાઈન ડે છે અને તું મને આવી જગ્યાએ ફરવા લઈને આવ્યો છું. કોઇ જાતની અક્કલ બકક્લ છે કે નહીં ?’ યુવાનના મોઢા પર અવઢવના ભાવ પથરાઈ ગયા અને બોલ્યો, ‘આ જગ્યામાં શું ખરાબી છે? તને ખબર છે, કાલે જ મારા કાકાએ વાતવાતમાં મને કહેલું કે અહીં આવવા માટે તો લોકો મરતાં હોય છે. ‘
મોબાઈલના સ્ક્રીનમાં વોટસએપનો આવો મેસેજ વાંચતાની સાથે જ પંક્તિના મોઢામાંથી અટ્ટહાસ્ય ફૂટી નીકળ્યું અને ફટાફટ ‘વાહ, ક્યા બાત હૈ બોસ !’ કરીને એણૅ સામે મેસેજ્નો રીપ્લાય મોકલી દીધો.
શુભાંગ આજે કોઇ કામમાં હતો એટલે એ આ બિયરની મહેફિલમાં નહતો જોડાયો. પંકિતની આવી હરકતથી એ ડિસ્ટર્બ થઈ ગયો અને પંકિતને એ એકીટસે જોઇ રહ્યો. આવા પાગલપન – નિરર્થક હરકત એને બહુ જ વાહિયાત લાગતી અને પોતાના અતિમહત્વના કામમાં ખલેલ પડવા બદલ પંકિત પર બહુ જ ગુસ્સો આવતો હતો પણ એ પરાણે એને કંટ્રોલ કરી રહ્યો હતો. આ પ્રયાસમાં એના મુખના ભાવ વિચિત્ર થઈ રહ્યાં હતાં.
પંકિત, શુભાંગ, શ્વેત અને સૌમિત્ર રુમપાર્ટનર હતાં. બધા મુંબઈમાં નોકરી શોધવા – પોતાની કિસ્મત અજમાવવા આવ્યા હતા. કેરિયરના શરુઆતના વર્ષો હતાં એટલે નાની મોટી નોકરી કરીને ચલાવતા હતાં પણ દિલમાં અરમાનો અને આંખોમાં સપનાની ભરમાર બહુ જ હતી. દરેકના શહેર, રીતભાત, બોલચાલ, રહેણી કરણી અલગ અલગ હતાં પણ દોસ્તી અને યુવાની બહુ જ ફ્લેક્સીબલ હોય છે. એને દોસ્તીમાં કોઇ જ ભેદભાવ નથી નડતાં. આ ચારે ય એવા જ દોસ્તાર હતાં. શુભાંગ જરા વધારે પડતો જ સેન્સીટીવ હતો. બે નાની કુંવારી બેનનો એકનો એક મોટો ભાઈ હતો. એના ખભા પર આખા કુટુંબની જવાબદારીનો, ઘરના સદસ્યોની આશાનો ભારે બોજો હતો. એ નવી જગ્યાએ નોકરી માટે એપ્લાય કરતો હતો અને પોતાનો સી.વી. તૈયાર કરી રહ્યો હતો ત્યાં પંકિતના આવા અટ્ટહાસ્યથી ડિસ્ટર્બ થઈ ગયો ને એનું મગજ છટકી ગયું. આ બધા છોકરાઓમાં શ્વેત બહુ જ સમજદાર છોકરો હતો.એ શુભાંગની હાલત બરાબર સમજતો હતો. એણે શુભાંગના ખભા પર હળ્વેથી હાથ મૂક્યો અને બોલ્યો,
‘ડીઅર, આજકાલ તું વધારે જ કામ નથી કરી રહ્યો ?’
‘શ્વેત તું તો સમજે છે મારી હાલત..તો પણ ..?’
‘હું સમજુ પણ છું અને જોઉં પણ છું જે તું જોઇ નથી શક્તો.’
‘મીન્સ…તું કહેવા શું માંગે છે ક્લીઅરલી કહે.’
‘શાંતિથી વિચાર અને કહે કે આજકાલ તારા ખુશ થવાના , મજા મેળવવાના કારણો ઓછા નથી થઈ ગયાં ? પંકિતની સાવ જ્ સામાન્ય હરકતમાં પણ તું કેવો ગુસ્સે થઈ ગયો એ શું સૂચવે છે ? પહેલાં તો દર શનિ-રવિ આપણે કેવા બિન્દાસ રખડતાં, ધમાલ મસ્તી, મૂવી ને મસ્તી અનલિમીટેડ..પણ આજકાલ તો તને કશામાં જ રસ નથી પડતો. તને ખબર છે કશામાં જ રસ ના પડવો એ એક જાતનું છૂપું ટેન્શન છે, સ્ટ્રેસ છે. પંકિત કેવો નાની શી વાત પર પણ દિલ ખોલીને હસી શકે છે એ એકદમ નેચરલ વાત છે, જ્યારે તું મોટી મોટી વાતોમાં પણ ખુશ નથી થઈ શકતો. આ ભરજુવાનીમાં તને કોઇ છોકરીઓની વાતોમાં પણ રસ નથી પડતો.આ બધું બહુ ડેન્જર છે બ્રો. વાતની ગંભીરતા સમજ પણ એ સમજવામાં તું આટલો ગંભીર ના થઈ જા, જસ્ટ રીલેક્સ થતાં શીખ. વળી તારી એકલાની સાથે જ લાઈફમાં આવું બધું થાય છે એવું નથી. બધાને કોઇને કોઇ ટેન્શન હોય છે પણ એ કાયમ માટેની સ્થિતી નથી હોતી એ સમજતા અને સ્વીકારતાં શીખ. ખુશ થવાના કારણો શોધવા પડે એ સ્થિતી પર ના જતો રહે. નાની વાતોમાં ખુશ થવાની મજા માણતાં શીખ. દિલને ગમતાં કામ- પ્રવૃતિઓ કરતો રહે. પછી ક્યાંક મોડું ના થઈ જાય અને સ્થિતી કંટ્રોલ બહાર ના જતી રહે.’
અને શુભાંગ વિચારમાં પડી ગયો. એ પણ કેટલાંક વખતથી આવું જ ફીલ કરી રહેલો કે એને હવે કોઇ જ્વાતમાંથી મજા જ નથી મળતી. મજા જેવું ભગવાનનું કુદરતી વરદાન કદાચ એણે ગુમાવી દીધું છે કે શું ?
શ્વેત પંક્તિની સામે ફર્યો અને બોલ્યો,
‘મિત્રો, આપણે પણ સમજવાનું છે. તમારી નજીકના વ્યક્તિ જ્યારે વાતે વાતે અકળાઈ જાય કે કોઇ જ બાબતમાં રસ ના લેતું હોય તો આપણે પણ એને – એના મૂડને સમજીને ચલાવી લેવાની જરુર હોય છે. અમુક વખતે આવી વ્યક્તિને આપણું એક સ્માઈલ પણ પૂરતી શાંતિ આપતું હોય છે. આપણે એની ઉદાસીને સમજીને એને જે ગમે એવી પ્રવૃતિ કરવી જોઇએ, એ વ્યક્તિ એ કામમાં ઇનવોલ્વ થાય એ માટે પૂરતા પ્રયાસો કરવા જોઇએ એ આપણી આપણે જેને ચાહતાં હોઇએ એના માટેની ફરજ છે. વળી એમ કરવામાં આપણને તો મજા અનલીમીટેડ આવવાની જ હોય એ ભૂલવું ઘટે. સમજવાનું બે ય પક્ષે જરુરી હોય છે.
‘હા તારી વાત સાચી છે.’ પંકિત, સૌમિત્ર અને શુભાંગ શ્વેતની વાતમાં હામી ભરી રહ્યાં હતાં અને એક બીજાને ખુશ કરવાનો પૂરતો પ્રયત્ન પણ કરી રહ્યાં હતાં.
અને એ ચોરસ બે વિશાળ બારી વાળી ખોલીમાં દોસ્તીનો રંગ ઓર ઘાટો બની રહ્યો હતો.
સ્નેહા પટેલ.