પલડું

પલડું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા,

સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું !

-ઉર્વીશ વસાવડા.

 

શરણમે જમણા હાથમાં બાંધેલું કાંડાઘડિયાળ જોયું અને મગજમાં પ્રેશરનો પારો ઉપર જતો રહ્યો. કલાકથી એ એક ડોક્યુમેન્ટની રાહ જોઇને બેઠો હતો અને કોમ્પ્યુટર ઓપરેટર એને જોઇતો ડેટા આપી નહતો શકતો. ક્યારનો, ‘ બસ એક મીનીટ સર, એક મીનીટ.’ કર્યા કરતો હતો. એક મીનીટ કલાકોમાં બદલાઈ ગઈ હતી. આખરે પ્રેશર ભરપૂર થઈ જતા સીટી વાગી,

‘અંજન..એક જ મીનીટમાં અંદર આવ’

વળતી જ મીનીટે અંજન – કોમ્પ્યુટર ઓપરેટર શરણમની કેબિનમાં હતો. મોઢા પરથી જ એ પૂરેપૂરો ડીપ્રેસ્ડ લાગતો હતો. આંખોની નીચે કાળા કાળા કુંડાળા – વાળ અસ્તવ્યસ્ત અને શર્ટમાં ઢગલો કરચલીઓ. શરણમને આવા લઘરાં લોકો સહેજ પણ પસંદ નહતાં એમાં પણ અંજને આજે એને બરાબરની રાહ જોવડાવી હતી.

‘યસ સર.’

‘આ બધું શું છે અંજન – એક મીનીટનો ડેટા શોધવામાં તેં અડધો દિવસ બગાડી કાઢ્યો. હમણાં કલાક રહીને મીટીંગ છે અને મારે પ્રેઝન્ટેશન પણ કમ્પલીટ કરવાનું છે. આવી રીતે કામ કરો એ કેવી રીતે ચાલે ? હું મીટીંગમાં શું વાત કરીશ ? પાર્ટીને શું જવાબ આપીશ ? આપણી ઇમ્પ્રેસન વિશે કશુંક તો વિચાર કરો.’

‘જી..સ..ર…હું ક્યારનો એ માટે પ્રયત્ન કરું જ છું પણ મેં ડેટા બનાવીને તૈયાર જ કરેલો અને લાઈટ્સ જતી રહેલી તો બધો ડેટા ઉડી ગયો એ પછી મારું પીસી બગડ્યું ..આજે મારી સાથે બધુ ઉંધુ ચત્તુ જ થાય છે. ઘરે પણ મારી પત્ની…’અને અચાનક જ અંજન બોલતાં બોલતાં અટકી ગયો. એના ઘરની મેટર – પ્રોબ્લેમને અહીં શું લેવા દેવા ?

શરણમ ધ્યાનથી અંજનના ચહેરાને જોઇ રહ્યો. અંજનના અવાજ – વર્તનમાં હતાશાની છાંટ સ્પષ્ટપણે વર્તાતી હતી. વળી નોકરીએ લાગ્યાના લગભગ ૪ વર્ષથી લઈને અત્યાર સુધીનો અંજનનો રેકોર્ડ બહુ જ સ્માર્ટ ને પ્રામાણિક રહ્યો હતો. આજે અચાનક એને શું થઈ ગયું તો આવું વર્તન કરતો હશે ? કામમાં પણ બેદરકારી – કોમ્પ્યુટર બગડ્યું તો બીજા પીસી પરથી કામ કરી લેવાય. ઓફિસમાં તો બધા કોમ્પ્યુટર લેનસિસ્ટમમાં  જ હતાં ને..પણ ના…આજે અંજનનું ધ્યાન બીજી જ કોઇક ‘લેન’માં ભટકી ગયેલું – ભૂલું પડી ગયેલું લાગતું હતું. વળી ઓફિસમાં આ કામ અંજન સિવાય બીજું કોઇ કરી શકે એમ હતું પણ નહીં. શરણમે એક વખત ઘડિયાળમાં જોયું અને મનોમન હિસાબ લગાવ્યો તો પાર્ટીના આવતા પહેલા જરુરી ડેટા ભેગો કરીને ચેક કરીને મીટીંગ માટે પ્રીપેર થવું લગભગ અશક્ય જ લાગ્યું. એણ ત્વરાથી એક નિર્ણય લીધો અને પાર્ટીને ફોન કર્યો,

‘સોરી મિ. હરીશ, આજે મારે થોડુંઇમ્પોર્ટન્ટ અંગત કામ આવી ગયું હોવાથી આપણી આજની મીટીંગ કાલ પર પોસ્ટપોન્ડ રાખીએ તો ચાલશે ?’

‘ઓફકોર્સ મિ. શરણમ, આપણે એકાદ બે દિવસ લેટ થાય તો કોઇ ટ્રેન નથી છૂટી જવાની. આપણે તો આ પ્રોજેક્ટમાં હજુ શરુઆતના તબક્કે જ છીએ . તમતમારે આરામથી કામ પતાવો.’

‘થેન્ક્સ. કાલે સવારે અગિયાર વાગ્યે મળીએ તો.’

‘ડન.’

અને શરણમે ફોન મૂક્યો અને ટેબલની પેલી તરફથી એને બાઘાની જેમ નિહાળી રહેલ અંજન સામે મંદ મંદ સ્મિત ફરકાવતા એને બેસવાનું કહ્યું. પ્યૂનને બેલ મારીને બે થમ્સઅપ લાવવાનો ઓર્ડર આપ્યો.

‘સર, આઇ એમ સોરી..મારા લીધે..’

‘ના…ના..રંજન.તમારી હાલત જોઇને મને ખ્યાલ આવ્યો કે મારી મીટીંગથી વધુ ઇમ્પોર્ટન્ટ તમારો પ્રોબ્લેમ છે. તમારું મગજ ઠેકાણે નહીં હોય તો મારા માટે સારું કામ કેમ કરી શકશો ? વળી તમારો રેકોર્ડ પણ સાફ સુથરો, સ્માર્ટ ને મહેનતુ છે. આટલા વર્ષો મેં તમારી પ્રામાણિક મહેનતનો સ્વાદ ચાખ્યો છે તો હવે તમારી કડવી તકલીફોમાં તમને સાથ આપવો એ મારી ફરજ છે. કહો, હું કોઇ મદદ કરી શકું એમ છું ?’

‘ઓહ્હ….સર, હું શું કહુ આપને…મારી પત્ની પ્રેગનન્ટ છે અને એને અબોર્શન કરાવવું છે પણ મારે ઇચ્છા નથી. મારે આ બાળક જોઇએ છે. આ બાબતે અમારી વચ્ચે છેલ્લાં અઠવાડીઆથી બોલાચાલી થાય છે અને આજે તો એ ઘર છોડીને ચાલી ગઈ છે. મને કંઈ જ સમજાતુ…’

અંજન આટલું બોલ્યો ત્યાં તો એના મોબાઈલની રીંગ વાગી અને એમાં એની પત્નીનો ફોન નંબર જોતાં જ  શરણમને આંખોથી જ ‘એક્સક્યુઝ મી’ કહીને ફોન લઈ લીધો. બે મીનીટના વાર્તાલાપ પછી એના મોઢા પર રાહતની લહેરખી દોડી ગઈ.

‘સર, મારી પત્ની ઘરે આવી ગઈ છે અને મારી વાત સાથે એગ્રી છે. હું હવે તરત જ આપનું કામ પતાવી દઉં છું. થેન્ક્સ, થેન્ક્સ અ લોટ.’ ને અંજન કેબીનમાંથી બહાર નીકળી ગયો.

આ બધો ય તમાશો નિહાળી રહેલ શરણમની બાજુમાં બેઠેલી પત્ની શોભા બોલી,

‘શરણમ, તું સાવ જ ઢીલો છું. આમ જ સ્ટાફના પ્રોબ્લેમમાં તું તારી મીટીંગ્સ કેન્સલ કરતો રહીશ તો પહોંચી રહ્યો આગળ.’

‘ડાર્લિંગ, આ બધા મારા મૂળિયાં છે. એ જેટલાં મજબૂત ને શાંત – સ્થિર હશે એટલાં જ મારી કંપની પર મીઠાં ફળ આવશે. વળી આમ જોવા જાવ તો મારી મીટીંગ એક દિવસ પછી થાય તો પણ મારે ફાઇનાન્સીયલી કોઇ માથું પરિણામ ભોગવવાનો વારો નથી આવવાનો. પણ સામે પક્ષે અંજનના લગ્નજીવનનો સવાલ હતો. ભરપૂર ડીપ્રેશન સાથે પલ્લું તો એનું જ ભારે હતું તો આપણે થોડું નમી જવામાં શું વાંધો ? બે પલડાં સરખાં થઈ જાય તો જ સંતોષ બરકરાર રહે.  એકલા પૈસાથી ક્યારેય કોઇ કર્મચારી પૂરતી નિષ્ઠા અને મહેનત ના આપી શકે. એ પણ જીવત જાગતાં હાડ્માંસના માનવીઓ છે એમને પણ કાળજી – ધીરજભર્યા વ્યવહારની  જરુર પડે છે. કર્મચારીઓ મશીન નથી કે એમને ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉન્સની અસર ના થાય. કર્મચારીને માન આપો- પ્રેમ આપો – થોડું એમના પક્ષે જઈને જોતાં શીખો પછી જુઓ એ લોકો તમને કેવું જબરદસ્ત પરિણામ આપે છે.’

‘હા મારા ભોળા મહાદેવ, તારી કોઇ જ વાતનો મારાથી ક્યારેય વિરોધ થાય…તું કહે એ બધું  ય સાચું.’ અને શોભા ખડખડાટ હસી પડી.

અનબીટેબલઃ ખીલતાં પહેલાં જમીનમાં દટાતા શીખવું પડે છે.

સ્નેહા પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s