ઊગવું…

 

તું સદા અડચણ – પળોજણ, હાડમારી face કરે છે,
એટલે તો તું તને, always બધે success કરે છે!

– ઇલિયાસ શેખ

પૂનમની રાત્રિએ ચાંદનીનું રુપ પૂરબહારમાં ખીલેલું હતું. મંદ મંદ વહેતો સમીર જ્યારે વૃક્ષોના પર્ણને અથડાઈને આગળ વધતો ત્યારે જમીન પર પથરાયેલ  ચાંદરણામાં કોઇ કારીગરે વેલબુટ્ટાની કરેલી કારીગરી હળ્વા થડકાં સાથે જીવંત થઈ જતી. રખે ને કોઇ જ વાહન હવે પસાર ના થાય તો સારું નહીંતર ધૂળનું આછું પાતળું આવરણ એ ચાંદરણાને પલકવારમાં મેલું કરી દેશે… પોતાની રાઈટીંગ ડેસ્ક પરથી આકાશની આ રુપાળી લીલા નિહાળીને એનો આનંદ ઉઠાવતી ધ્વનિના મગજમાં આવા ગાંડાઘેલા વિચારો રમી રહ્યાં હતાં. એને સૂર્યોદય કરતાં રાતની ચાંદની વધુ ગમતી, અનહદ ગમતી. મૂળે સ્વભાવ રોમેન્ટીક ખરો ને ! રોમાન્સના આ નશામાં ટેબલ પર પડેલી  ડાયરીમાં એની કલમ વહેવા લાગી.

શબ્દ પાના પર જન્મ લેતાં ચાલ્યાં ને અર્થનું વિશ્વ સજતું ગયું ત્યાં જ મોબાઈલમાં વોટસએપ પર એક મેસેજ ફ્લેશ થયો,

‘મેમ, આ વખતનો તમારો લેખ વાંચ્યો, ખૂબ જ સરસ અને શીખવા જેવું લખો છો આપ.’

ધ્વનિના લખાણના ચાહકનો મેસેજ. ઘણી વખત એ આમ જ એને મેસેજ કરતો. ધ્વનિને પણ આવા ફીડબેક્થી લખવાનું એક નવું જોમ મળતું. એણે એક સ્માઈલી સાથે થેન્ક્સના શબ્દો ટાઇપ કરીને મેસેજ સેન્ડ કરી દીધો.

‘મેમ, મેં પણ એક સ્ટોરી લખી છે. આપનું ગાઈડન્સ આપશો પ્લીઝ.’

‘ચોક્કસ, ઇમેઇલ કરી દો. ઇમેઇલ અડ્રેસ તો છે જ આપની પાસે.’

‘ઓકે.’

ને ધ્વનિના ચાહક રોબીને ઇમેઇલમાં એની ફાઈલ મોકલી દીધી. ધ્વનિની લખવાની લિંક તૂટી ગયેલી એથી એણે ઇમેઇલ ચેક કરીને એ સ્ટોરી વાંચી. સ્ટોરી સાવ જ ચીલાચાલુ અને અસ્પષ્ટ હતી. તકલીફ એ કે હવે જો એ સીધા શબ્દોમાં આ વાત કહે તો સામેવાળાને ખોટું લાગે યા તો ઇગોસ્ટીક લાગે અને ખોટી ખોટી વાહવાહી કરવાની ધ્વનિને આદત નહતી.બહુ જ સાચવીને શબ્દો વાપરીને રોબીનને કહ્યું ,

‘સૌપ્રથમ તો આપને સર્જન કરવાનો વિચાર આવ્યો ત્યાંથી જ આપ અભિનંદનને પાત્ર છો. આપની વિચારશૈલી બહુ જ સરસ છે પણ આપના શબ્દો એને પૂરેપૂરો ન્યાય નથી આપી શક્યાં આપ ફરીથી સ્ટોરી લખવાનો પ્રયત્ન કરો. ઓલ ધ બેસ્ટ !’ અને ફોન બંધ કરીને પલંગની બાજુમાં મૂકીને સૂઈ ગઈ.

સવારે ઉઠીને જોયું તો રોબીનના લગભગ ૧૧ જેટલાં ઇમેઇલ નોટીફીકેશન્સ !  થૉડો કંટાળો આવી ગયો પણ એમ મગજ ગુમાવ્યે ના ચાલે. મોટું બગાસું અને નાની શી આળસ ખાઈને ધ્વનિ કામે વળગી. ઘરકામ – જમવાનું બધું પતાવીને લગભગ બપોરના બે વાગે એ પોતાનું લખાણ લઈને બેઠી અને આગળ લખવા લાગી. ત્યાં જ એના ફોનની રીંગ વાગી. જોયું તો રોબીન ! એક કંટાળાના ભાવ સાથે એણે ફોન ઉપાડ્યો અને બોલી,

‘હલો..’

‘હા મેમ, મેં કાલે ને કાલે જ બીજી ૧૧ વાર્તાઓ લખી કાઢી છે. તમે જોઈ ?’

‘ના, હજી મને સમય નથી મળ્યો પણ નિરાંતે જોઇશ, પ્રોમિસ.’ એનો ઉત્સાહ ના તૂટી જાય એનું ધ્યાન રાખતાં ધ્વનિએ એ જવાબ વાળ્યો.

‘મેમ, પ્લીઝ..જોઇને રીપ્લાય કરશો. મારે પણ તમારી જેમ બુક લખવી છે. બહુ મોટા લેખક બનવું છે. મને થૉડું માર્ગદર્શન જ જોઇએ છે બસ…આપશો ને ?’

‘શ્યોર રોબીનભાઈ. કોઇ નવા સર્જકને હેલ્પ કરવામાં તો મજા જ આવે ને મારી ફરજ પણ ખરી. હું જોઇને રીપ્લાય કરીશ.’ને ધ્વનિએ ફોન મૂકી દીધો.

ચાર દિવસ વીતી ગયા . દરમ્યાન ધ્વનિએ રોબીનની અમુક વાર્તાઓ વાંચી પણ ખરી. હજુ તો એ..બી..સી…ડી પણ  નહતી આવડતી અને આ ભાઈ આખી બુક લખી નાંખવા માટે થનગની રહેલાં. આને હવે કેવી રીતે ને કેવા શબ્દોમાં પ્રોત્સાહન કે ગાઈડન્સ આપવું ? સતત લખવાનો મ્હાવરો કરવો પડે, પ્રોપર વેવલેન્થ સાથે પ્રોપર દિશામાં  વિચારતા શીખવું પડે ત્યારે એક લેખક બની શકાય. સફળતા તો ત્યાર બાદની વાત છે. હજુ તો વિચારમગ્ન હતી ત્યાં જ રોબીનનો ફોન આવ્યો..અને ધ્વનિએ ફોન કટ કરી દીધો. ‘સુમધુર’ નામના પ્રખ્યાત મેગેઝીનમાં છ મહિનાથી ચાલે રહેલી એની નોવેલ અત્યારે એક ઇન્ટરસ્ટીંગ પોઈંટ પર હતી અને એના માટે એનું પૂરેપૂરું ઇનવોલ્વમેન્ટ જોઇતું હતું.

ત્યાં તો રોબીનનો મેસેજ ટપક્યો,

‘મેમ, ખરા ઘમંડી છો તમે તો !  એક ઉગતા લેખકને સહેજ પણ સપોર્ટ નહીં ?’

‘તમે પહેલાં ૭૦૦ શબ્દોની એક નાની શી વાર્તા લખો, નવલકથા પછીની વાત છે.’

મેસેજમાંથી સીધો ફોન ટપકી પડ્યો ને વાત પતાવવાના ઇરાદાથી ધ્વનિએ એ ઉપાડી લીધો.

‘મેમ, મને સમજાવો તો…મારે લખતા શીખવા માટે શું કરવું જોઇએ ?’

‘સિમ્પલ વાત છે..લખવાનું.’

‘એ તો મેં લખ્યું જ છે ને…તમે કોઇ સારા મેગેઝિનમાં મારા માટે વાત કરશો પ્લીઝ..મને પણ તમારી જેમ કોલમ જોઇએ છે.’

કોન્ફીડન્સ અને ઓવર કોન્ફીડન્સની પાતળી ભેદરેખાને સૂક્ષ્મ નજરે જોઇ – વિચારી શકતી ધ્વનિ મનોમન હસી પડી,

‘ચોકક્સ વાત કરાય પણ તમે પહેલાં પ્રોપર લખતાં તો શીખો.’

‘મેમ, મેં પૂરી ૧૧ વાર્તાઓ તો લખી નાંખી. વળી મારા મિત્રોએ એ વાંચી તો એમને બહુ જ પસંદ પણ પડી…ઢગલો વાહ વાહ પણ કરી. તમારા જેવા લેખકો નવા લેખકોને આગળ આવવા જ નથી દેતાં એની મને જાણ છે, એટલે જ તમે મને મદદ નથી કરતાં.’

હવે ધ્વનિ થોડી અકળાઈ,

‘રોબીનભાઈ, માઈન્ડ યોર લેન્ગવેજ. તમે અને તમારા મિત્રો તમારી જાતને લેખક સમજો છો તો તમે જાતે જ કોઇ છાપામાં જઈને આપની વાર્તાઓ આપી આવો ને..મને શું કામ કહો છો? તમને તમારા લખાણ પર ભરોસો હોવો જોઇએ એના બદલે તમે મારા ખભે ગોળીબાર શું કામ કરો છો ? વળી તમે ગાઈડન્સ ગાઈડન્સનું પૂંછ્ડું પકડીને બેઠા છો પણ તમે એ વાત નથી સમજતાં કે તમે જે કરી રહ્યાં છો એ મારા ગાઈડન્સની નહીં પણ મારી લાગવગની જરુર લઈને બેઠા છો. તમારે શું કરવું જોઇએ એ મેં સમજાવ્યું પણ તમે તો જે કરો છો એ ઓલરેડી શ્રેષ્ઠ જ છે તો ફાઈન…તમારી શ્રેષ્ઠતા પર વિશ્વાસ રાખો અને યા હોમ કરીને કૂદી પડો પેપરની દુનિયામાં. મને શું કામ વચ્ચે ઇનવોલ્વ કરો છો.’

‘મેમ…વાત એમ નથી…આ તો જરા ગુસ્સામાં…’ રોબીનનો અવાજ પીળો પડી ગયો.

‘જે વાત હોય એ ભાઈ પણ તમે ગાઈડન્સ અને માણસનો ફાયદો ઉઠાવવો એ બે વચ્ચેનો ભેદ્ સમજતાં શીખો. કોઇ દોડતું હોય ને તમે માંડ ચાલતા શીખ્યાં હોય અને એની આંગળી પકડવાના હવાતિયા મારો ને ના પકડાય તો એની સ્પીડને દોષ આપો એ યોગ્ય વાત નથી જ. મૂળે તમારામાં સમજણ, નમ્રતા જ નહીં હોય તો તમે ક્યારેય સર્જક બની જ નહીં શકો એ યાદ રાખજો. તમે માંગો એટલું ગાઈડન્સ તમને પૂરું પાડી શકાય શ્યોર, પણ પહેલાં થૉડી લાયકાત તો કેળવો. આવજો.’ ને ધ્વનિએ ફોન મૂકી દીધો.

સામે પક્ષે ફોન પર પડેલા ના દેખાતા તમાચાએ રોબીનને સ્તબ્ધ કરી મૂક્યો હતો. સૌમ્ય એવા એના પ્રિય લેખિકા સાથે ખોટા શબ્દો વપરાઈ ગયાનો અફસોસ એનો જીવ કોરી રહ્યો હતો. પોતાની ભુલ સમજાતી હતી. હિંમત રાખીને એણે ધ્વનિને ‘સોરી,મેમ.’ મેસેજ મોકલ્યો અને એની નવાઇ વચ્ચે ધ્વનિનો ‘ઇટ્સ ઓકે રોબીનભાઈ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર’ નો મેસેજ આવ્યો.

રોબીનના મનનો ભાર હળ્વો થઈ ગયો અને મનોમન કોઇક વિચારની ગાંઠ બાંધી દીધી.

અનબીટેબલઃ  તેજોમય બનવા ઊગવું પડે !

પલડું


પલડું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા,

સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું !

-ઉર્વીશ વસાવડા.

 

શરણમે જમણા હાથમાં બાંધેલું કાંડાઘડિયાળ જોયું અને મગજમાં પ્રેશરનો પારો ઉપર જતો રહ્યો. કલાકથી એ એક ડોક્યુમેન્ટની રાહ જોઇને બેઠો હતો અને કોમ્પ્યુટર ઓપરેટર એને જોઇતો ડેટા આપી નહતો શકતો. ક્યારનો, ‘ બસ એક મીનીટ સર, એક મીનીટ.’ કર્યા કરતો હતો. એક મીનીટ કલાકોમાં બદલાઈ ગઈ હતી. આખરે પ્રેશર ભરપૂર થઈ જતા સીટી વાગી,

‘અંજન..એક જ મીનીટમાં અંદર આવ’

વળતી જ મીનીટે અંજન – કોમ્પ્યુટર ઓપરેટર શરણમની કેબિનમાં હતો. મોઢા પરથી જ એ પૂરેપૂરો ડીપ્રેસ્ડ લાગતો હતો. આંખોની નીચે કાળા કાળા કુંડાળા – વાળ અસ્તવ્યસ્ત અને શર્ટમાં ઢગલો કરચલીઓ. શરણમને આવા લઘરાં લોકો સહેજ પણ પસંદ નહતાં એમાં પણ અંજને આજે એને બરાબરની રાહ જોવડાવી હતી.

‘યસ સર.’

‘આ બધું શું છે અંજન – એક મીનીટનો ડેટા શોધવામાં તેં અડધો દિવસ બગાડી કાઢ્યો. હમણાં કલાક રહીને મીટીંગ છે અને મારે પ્રેઝન્ટેશન પણ કમ્પલીટ કરવાનું છે. આવી રીતે કામ કરો એ કેવી રીતે ચાલે ? હું મીટીંગમાં શું વાત કરીશ ? પાર્ટીને શું જવાબ આપીશ ? આપણી ઇમ્પ્રેસન વિશે કશુંક તો વિચાર કરો.’

‘જી..સ..ર…હું ક્યારનો એ માટે પ્રયત્ન કરું જ છું પણ મેં ડેટા બનાવીને તૈયાર જ કરેલો અને લાઈટ્સ જતી રહેલી તો બધો ડેટા ઉડી ગયો એ પછી મારું પીસી બગડ્યું ..આજે મારી સાથે બધુ ઉંધુ ચત્તુ જ થાય છે. ઘરે પણ મારી પત્ની…’અને અચાનક જ અંજન બોલતાં બોલતાં અટકી ગયો. એના ઘરની મેટર – પ્રોબ્લેમને અહીં શું લેવા દેવા ?

શરણમ ધ્યાનથી અંજનના ચહેરાને જોઇ રહ્યો. અંજનના અવાજ – વર્તનમાં હતાશાની છાંટ સ્પષ્ટપણે વર્તાતી હતી. વળી નોકરીએ લાગ્યાના લગભગ ૪ વર્ષથી લઈને અત્યાર સુધીનો અંજનનો રેકોર્ડ બહુ જ સ્માર્ટ ને પ્રામાણિક રહ્યો હતો. આજે અચાનક એને શું થઈ ગયું તો આવું વર્તન કરતો હશે ? કામમાં પણ બેદરકારી – કોમ્પ્યુટર બગડ્યું તો બીજા પીસી પરથી કામ કરી લેવાય. ઓફિસમાં તો બધા કોમ્પ્યુટર લેનસિસ્ટમમાં  જ હતાં ને..પણ ના…આજે અંજનનું ધ્યાન બીજી જ કોઇક ‘લેન’માં ભટકી ગયેલું – ભૂલું પડી ગયેલું લાગતું હતું. વળી ઓફિસમાં આ કામ અંજન સિવાય બીજું કોઇ કરી શકે એમ હતું પણ નહીં. શરણમે એક વખત ઘડિયાળમાં જોયું અને મનોમન હિસાબ લગાવ્યો તો પાર્ટીના આવતા પહેલા જરુરી ડેટા ભેગો કરીને ચેક કરીને મીટીંગ માટે પ્રીપેર થવું લગભગ અશક્ય જ લાગ્યું. એણ ત્વરાથી એક નિર્ણય લીધો અને પાર્ટીને ફોન કર્યો,

‘સોરી મિ. હરીશ, આજે મારે થોડુંઇમ્પોર્ટન્ટ અંગત કામ આવી ગયું હોવાથી આપણી આજની મીટીંગ કાલ પર પોસ્ટપોન્ડ રાખીએ તો ચાલશે ?’

‘ઓફકોર્સ મિ. શરણમ, આપણે એકાદ બે દિવસ લેટ થાય તો કોઇ ટ્રેન નથી છૂટી જવાની. આપણે તો આ પ્રોજેક્ટમાં હજુ શરુઆતના તબક્કે જ છીએ . તમતમારે આરામથી કામ પતાવો.’

‘થેન્ક્સ. કાલે સવારે અગિયાર વાગ્યે મળીએ તો.’

‘ડન.’

અને શરણમે ફોન મૂક્યો અને ટેબલની પેલી તરફથી એને બાઘાની જેમ નિહાળી રહેલ અંજન સામે મંદ મંદ સ્મિત ફરકાવતા એને બેસવાનું કહ્યું. પ્યૂનને બેલ મારીને બે થમ્સઅપ લાવવાનો ઓર્ડર આપ્યો.

‘સર, આઇ એમ સોરી..મારા લીધે..’

‘ના…ના..રંજન.તમારી હાલત જોઇને મને ખ્યાલ આવ્યો કે મારી મીટીંગથી વધુ ઇમ્પોર્ટન્ટ તમારો પ્રોબ્લેમ છે. તમારું મગજ ઠેકાણે નહીં હોય તો મારા માટે સારું કામ કેમ કરી શકશો ? વળી તમારો રેકોર્ડ પણ સાફ સુથરો, સ્માર્ટ ને મહેનતુ છે. આટલા વર્ષો મેં તમારી પ્રામાણિક મહેનતનો સ્વાદ ચાખ્યો છે તો હવે તમારી કડવી તકલીફોમાં તમને સાથ આપવો એ મારી ફરજ છે. કહો, હું કોઇ મદદ કરી શકું એમ છું ?’

‘ઓહ્હ….સર, હું શું કહુ આપને…મારી પત્ની પ્રેગનન્ટ છે અને એને અબોર્શન કરાવવું છે પણ મારે ઇચ્છા નથી. મારે આ બાળક જોઇએ છે. આ બાબતે અમારી વચ્ચે છેલ્લાં અઠવાડીઆથી બોલાચાલી થાય છે અને આજે તો એ ઘર છોડીને ચાલી ગઈ છે. મને કંઈ જ સમજાતુ…’

અંજન આટલું બોલ્યો ત્યાં તો એના મોબાઈલની રીંગ વાગી અને એમાં એની પત્નીનો ફોન નંબર જોતાં જ  શરણમને આંખોથી જ ‘એક્સક્યુઝ મી’ કહીને ફોન લઈ લીધો. બે મીનીટના વાર્તાલાપ પછી એના મોઢા પર રાહતની લહેરખી દોડી ગઈ.

‘સર, મારી પત્ની ઘરે આવી ગઈ છે અને મારી વાત સાથે એગ્રી છે. હું હવે તરત જ આપનું કામ પતાવી દઉં છું. થેન્ક્સ, થેન્ક્સ અ લોટ.’ ને અંજન કેબીનમાંથી બહાર નીકળી ગયો.

આ બધો ય તમાશો નિહાળી રહેલ શરણમની બાજુમાં બેઠેલી પત્ની શોભા બોલી,

‘શરણમ, તું સાવ જ ઢીલો છું. આમ જ સ્ટાફના પ્રોબ્લેમમાં તું તારી મીટીંગ્સ કેન્સલ કરતો રહીશ તો પહોંચી રહ્યો આગળ.’

‘ડાર્લિંગ, આ બધા મારા મૂળિયાં છે. એ જેટલાં મજબૂત ને શાંત – સ્થિર હશે એટલાં જ મારી કંપની પર મીઠાં ફળ આવશે. વળી આમ જોવા જાવ તો મારી મીટીંગ એક દિવસ પછી થાય તો પણ મારે ફાઇનાન્સીયલી કોઇ માથું પરિણામ ભોગવવાનો વારો નથી આવવાનો. પણ સામે પક્ષે અંજનના લગ્નજીવનનો સવાલ હતો. ભરપૂર ડીપ્રેશન સાથે પલ્લું તો એનું જ ભારે હતું તો આપણે થોડું નમી જવામાં શું વાંધો ? બે પલડાં સરખાં થઈ જાય તો જ સંતોષ બરકરાર રહે.  એકલા પૈસાથી ક્યારેય કોઇ કર્મચારી પૂરતી નિષ્ઠા અને મહેનત ના આપી શકે. એ પણ જીવત જાગતાં હાડ્માંસના માનવીઓ છે એમને પણ કાળજી – ધીરજભર્યા વ્યવહારની  જરુર પડે છે. કર્મચારીઓ મશીન નથી કે એમને ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉન્સની અસર ના થાય. કર્મચારીને માન આપો- પ્રેમ આપો – થોડું એમના પક્ષે જઈને જોતાં શીખો પછી જુઓ એ લોકો તમને કેવું જબરદસ્ત પરિણામ આપે છે.’

‘હા મારા ભોળા મહાદેવ, તારી કોઇ જ વાતનો મારાથી ક્યારેય વિરોધ થાય…તું કહે એ બધું  ય સાચું.’ અને શોભા ખડખડાટ હસી પડી.

અનબીટેબલઃ ખીલતાં પહેલાં જમીનમાં દટાતા શીખવું પડે છે.

સ્નેહા પટેલ