ઊગવું…
તું સદા અડચણ – પળોજણ, હાડમારી face કરે છે,
એટલે તો તું તને, always બધે success કરે છે!
– ઇલિયાસ શેખ
પૂનમની રાત્રિએ ચાંદનીનું રુપ પૂરબહારમાં ખીલેલું હતું. મંદ મંદ વહેતો સમીર જ્યારે વૃક્ષોના પર્ણને અથડાઈને આગળ વધતો ત્યારે જમીન પર પથરાયેલ ચાંદરણામાં કોઇ કારીગરે વેલબુટ્ટાની કરેલી કારીગરી હળ્વા થડકાં સાથે જીવંત થઈ જતી. રખે ને કોઇ જ વાહન હવે પસાર ના થાય તો સારું નહીંતર ધૂળનું આછું પાતળું આવરણ એ ચાંદરણાને પલકવારમાં મેલું કરી દેશે… પોતાની રાઈટીંગ ડેસ્ક પરથી આકાશની આ રુપાળી લીલા નિહાળીને એનો આનંદ ઉઠાવતી ધ્વનિના મગજમાં આવા ગાંડાઘેલા વિચારો રમી રહ્યાં હતાં. એને સૂર્યોદય કરતાં રાતની ચાંદની વધુ ગમતી, અનહદ ગમતી. મૂળે સ્વભાવ રોમેન્ટીક ખરો ને ! રોમાન્સના આ નશામાં ટેબલ પર પડેલી ડાયરીમાં એની કલમ વહેવા લાગી.
શબ્દ પાના પર જન્મ લેતાં ચાલ્યાં ને અર્થનું વિશ્વ સજતું ગયું ત્યાં જ મોબાઈલમાં વોટસએપ પર એક મેસેજ ફ્લેશ થયો,
‘મેમ, આ વખતનો તમારો લેખ વાંચ્યો, ખૂબ જ સરસ અને શીખવા જેવું લખો છો આપ.’
ધ્વનિના લખાણના ચાહકનો મેસેજ. ઘણી વખત એ આમ જ એને મેસેજ કરતો. ધ્વનિને પણ આવા ફીડબેક્થી લખવાનું એક નવું જોમ મળતું. એણે એક સ્માઈલી સાથે થેન્ક્સના શબ્દો ટાઇપ કરીને મેસેજ સેન્ડ કરી દીધો.
‘મેમ, મેં પણ એક સ્ટોરી લખી છે. આપનું ગાઈડન્સ આપશો પ્લીઝ.’
‘ચોક્કસ, ઇમેઇલ કરી દો. ઇમેઇલ અડ્રેસ તો છે જ આપની પાસે.’
‘ઓકે.’
ને ધ્વનિના ચાહક રોબીને ઇમેઇલમાં એની ફાઈલ મોકલી દીધી. ધ્વનિની લખવાની લિંક તૂટી ગયેલી એથી એણે ઇમેઇલ ચેક કરીને એ સ્ટોરી વાંચી. સ્ટોરી સાવ જ ચીલાચાલુ અને અસ્પષ્ટ હતી. તકલીફ એ કે હવે જો એ સીધા શબ્દોમાં આ વાત કહે તો સામેવાળાને ખોટું લાગે યા તો ઇગોસ્ટીક લાગે અને ખોટી ખોટી વાહવાહી કરવાની ધ્વનિને આદત નહતી.બહુ જ સાચવીને શબ્દો વાપરીને રોબીનને કહ્યું ,
‘સૌપ્રથમ તો આપને સર્જન કરવાનો વિચાર આવ્યો ત્યાંથી જ આપ અભિનંદનને પાત્ર છો. આપની વિચારશૈલી બહુ જ સરસ છે પણ આપના શબ્દો એને પૂરેપૂરો ન્યાય નથી આપી શક્યાં આપ ફરીથી સ્ટોરી લખવાનો પ્રયત્ન કરો. ઓલ ધ બેસ્ટ !’ અને ફોન બંધ કરીને પલંગની બાજુમાં મૂકીને સૂઈ ગઈ.
સવારે ઉઠીને જોયું તો રોબીનના લગભગ ૧૧ જેટલાં ઇમેઇલ નોટીફીકેશન્સ ! થૉડો કંટાળો આવી ગયો પણ એમ મગજ ગુમાવ્યે ના ચાલે. મોટું બગાસું અને નાની શી આળસ ખાઈને ધ્વનિ કામે વળગી. ઘરકામ – જમવાનું બધું પતાવીને લગભગ બપોરના બે વાગે એ પોતાનું લખાણ લઈને બેઠી અને આગળ લખવા લાગી. ત્યાં જ એના ફોનની રીંગ વાગી. જોયું તો રોબીન ! એક કંટાળાના ભાવ સાથે એણે ફોન ઉપાડ્યો અને બોલી,
‘હલો..’
‘હા મેમ, મેં કાલે ને કાલે જ બીજી ૧૧ વાર્તાઓ લખી કાઢી છે. તમે જોઈ ?’
‘ના, હજી મને સમય નથી મળ્યો પણ નિરાંતે જોઇશ, પ્રોમિસ.’ એનો ઉત્સાહ ના તૂટી જાય એનું ધ્યાન રાખતાં ધ્વનિએ એ જવાબ વાળ્યો.
‘મેમ, પ્લીઝ..જોઇને રીપ્લાય કરશો. મારે પણ તમારી જેમ બુક લખવી છે. બહુ મોટા લેખક બનવું છે. મને થૉડું માર્ગદર્શન જ જોઇએ છે બસ…આપશો ને ?’
‘શ્યોર રોબીનભાઈ. કોઇ નવા સર્જકને હેલ્પ કરવામાં તો મજા જ આવે ને મારી ફરજ પણ ખરી. હું જોઇને રીપ્લાય કરીશ.’ને ધ્વનિએ ફોન મૂકી દીધો.
ચાર દિવસ વીતી ગયા . દરમ્યાન ધ્વનિએ રોબીનની અમુક વાર્તાઓ વાંચી પણ ખરી. હજુ તો એ..બી..સી…ડી પણ નહતી આવડતી અને આ ભાઈ આખી બુક લખી નાંખવા માટે થનગની રહેલાં. આને હવે કેવી રીતે ને કેવા શબ્દોમાં પ્રોત્સાહન કે ગાઈડન્સ આપવું ? સતત લખવાનો મ્હાવરો કરવો પડે, પ્રોપર વેવલેન્થ સાથે પ્રોપર દિશામાં વિચારતા શીખવું પડે ત્યારે એક લેખક બની શકાય. સફળતા તો ત્યાર બાદની વાત છે. હજુ તો વિચારમગ્ન હતી ત્યાં જ રોબીનનો ફોન આવ્યો..અને ધ્વનિએ ફોન કટ કરી દીધો. ‘સુમધુર’ નામના પ્રખ્યાત મેગેઝીનમાં છ મહિનાથી ચાલે રહેલી એની નોવેલ અત્યારે એક ઇન્ટરસ્ટીંગ પોઈંટ પર હતી અને એના માટે એનું પૂરેપૂરું ઇનવોલ્વમેન્ટ જોઇતું હતું.
ત્યાં તો રોબીનનો મેસેજ ટપક્યો,
‘મેમ, ખરા ઘમંડી છો તમે તો ! એક ઉગતા લેખકને સહેજ પણ સપોર્ટ નહીં ?’
‘તમે પહેલાં ૭૦૦ શબ્દોની એક નાની શી વાર્તા લખો, નવલકથા પછીની વાત છે.’
મેસેજમાંથી સીધો ફોન ટપકી પડ્યો ને વાત પતાવવાના ઇરાદાથી ધ્વનિએ એ ઉપાડી લીધો.
‘મેમ, મને સમજાવો તો…મારે લખતા શીખવા માટે શું કરવું જોઇએ ?’
‘સિમ્પલ વાત છે..લખવાનું.’
‘એ તો મેં લખ્યું જ છે ને…તમે કોઇ સારા મેગેઝિનમાં મારા માટે વાત કરશો પ્લીઝ..મને પણ તમારી જેમ કોલમ જોઇએ છે.’
કોન્ફીડન્સ અને ઓવર કોન્ફીડન્સની પાતળી ભેદરેખાને સૂક્ષ્મ નજરે જોઇ – વિચારી શકતી ધ્વનિ મનોમન હસી પડી,
‘ચોકક્સ વાત કરાય પણ તમે પહેલાં પ્રોપર લખતાં તો શીખો.’
‘મેમ, મેં પૂરી ૧૧ વાર્તાઓ તો લખી નાંખી. વળી મારા મિત્રોએ એ વાંચી તો એમને બહુ જ પસંદ પણ પડી…ઢગલો વાહ વાહ પણ કરી. તમારા જેવા લેખકો નવા લેખકોને આગળ આવવા જ નથી દેતાં એની મને જાણ છે, એટલે જ તમે મને મદદ નથી કરતાં.’
હવે ધ્વનિ થોડી અકળાઈ,
‘રોબીનભાઈ, માઈન્ડ યોર લેન્ગવેજ. તમે અને તમારા મિત્રો તમારી જાતને લેખક સમજો છો તો તમે જાતે જ કોઇ છાપામાં જઈને આપની વાર્તાઓ આપી આવો ને..મને શું કામ કહો છો? તમને તમારા લખાણ પર ભરોસો હોવો જોઇએ એના બદલે તમે મારા ખભે ગોળીબાર શું કામ કરો છો ? વળી તમે ગાઈડન્સ ગાઈડન્સનું પૂંછ્ડું પકડીને બેઠા છો પણ તમે એ વાત નથી સમજતાં કે તમે જે કરી રહ્યાં છો એ મારા ગાઈડન્સની નહીં પણ મારી લાગવગની જરુર લઈને બેઠા છો. તમારે શું કરવું જોઇએ એ મેં સમજાવ્યું પણ તમે તો જે કરો છો એ ઓલરેડી શ્રેષ્ઠ જ છે તો ફાઈન…તમારી શ્રેષ્ઠતા પર વિશ્વાસ રાખો અને યા હોમ કરીને કૂદી પડો પેપરની દુનિયામાં. મને શું કામ વચ્ચે ઇનવોલ્વ કરો છો.’
‘મેમ…વાત એમ નથી…આ તો જરા ગુસ્સામાં…’ રોબીનનો અવાજ પીળો પડી ગયો.
‘જે વાત હોય એ ભાઈ પણ તમે ગાઈડન્સ અને માણસનો ફાયદો ઉઠાવવો એ બે વચ્ચેનો ભેદ્ સમજતાં શીખો. કોઇ દોડતું હોય ને તમે માંડ ચાલતા શીખ્યાં હોય અને એની આંગળી પકડવાના હવાતિયા મારો ને ના પકડાય તો એની સ્પીડને દોષ આપો એ યોગ્ય વાત નથી જ. મૂળે તમારામાં સમજણ, નમ્રતા જ નહીં હોય તો તમે ક્યારેય સર્જક બની જ નહીં શકો એ યાદ રાખજો. તમે માંગો એટલું ગાઈડન્સ તમને પૂરું પાડી શકાય શ્યોર, પણ પહેલાં થૉડી લાયકાત તો કેળવો. આવજો.’ ને ધ્વનિએ ફોન મૂકી દીધો.
સામે પક્ષે ફોન પર પડેલા ના દેખાતા તમાચાએ રોબીનને સ્તબ્ધ કરી મૂક્યો હતો. સૌમ્ય એવા એના પ્રિય લેખિકા સાથે ખોટા શબ્દો વપરાઈ ગયાનો અફસોસ એનો જીવ કોરી રહ્યો હતો. પોતાની ભુલ સમજાતી હતી. હિંમત રાખીને એણે ધ્વનિને ‘સોરી,મેમ.’ મેસેજ મોકલ્યો અને એની નવાઇ વચ્ચે ધ્વનિનો ‘ઇટ્સ ઓકે રોબીનભાઈ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર’ નો મેસેજ આવ્યો.
રોબીનના મનનો ભાર હળ્વો થઈ ગયો અને મનોમન કોઇક વિચારની ગાંઠ બાંધી દીધી.
અનબીટેબલઃ તેજોમય બનવા ઊગવું પડે !