happy birthday lata hirani

લતાબેન, મારા પ્રિય દીદી,
આજે એમનો જન્મદિવસ. આ નાજુક બાંધાના પણ મજબૂત મનોબળ ધરાવતા સર્જકના લગભગ ૧૩ જેટલાં સર્જન પ્રકાશિત થઈ ચૂકયાં છે –

1. ઉજાસનું પ્રથમ કિરણ (ગુજરાત સાહિત્ય અકાદમી**, ગુજરાતી સાહિત્ય પરિષદ
પુરસ્કૃત)
2. સ્વયંસિદ્ધા (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)
3. ધનકીનો નિરધાર (રાષ્ટ્રીય** સાક્ષરતા મિશન પુરસ્કૃત)
4. ભણતરનું અજવાળું
5. ઘરથી દૂર એક ઘર
6 . પ્રદૂષણ : આપણી સમસ્યા આપણો ઉકેલ
7.સંવાદ
8.બુલબુલ
9. બિટ્ટુ વાર્તા કહે છે
10. લતા હિરાણીની મનપસંદ બાળવાર્તાઓ
11.ગુજરાતના યુવારત્નો
12. ઝળઝળિયાં (કાવ્યો)
13.ઝરમર (કાવ્યો)
-એમની નિયમિત કોલમ પ્રસિધ્ધ અખબાર – દિવ્ય ભાસ્કરમાં ‘કાવ્ય સેતુ’ (જેમાં તેઓ કાવ્યોનો રસાળ રસાસ્વાદ કરાવે છે અને ખૂબ જ પ્રસિધ્ધ પણ થઈ ચૂકી છે )
આ મારા પ્યારા દીદીનું એક નવું કવિતાનું પુસ્તક મારા હાથમાં છે – ‘ઝળઝળિયાં’. આમ તો મારા દીદીએ મને આ પુસ્તકમાં કોઇ જ ઓટોગ્રાફ નહતા આપ્યાં. મેં માંગ્યા તો કહ્યું કે,’ તું આ વાંચીને બીજાને વાંચવા આપજે.’ જો કે હું એમની એ વાત માની શકવા જેટલી ઉદાર નથી. કારણ મને એમની કલમનો અતિશય મોહ છે અને આવા પુસ્તકો હું મારી નિરાંતના સમયે વાંચવા માટે સાચવીને રાખું છું.
આ પુસ્તકના અમુક કાવ્યોમાંથી પસાર થતાં હું ઘણી વખત ગમગીન થઈ જાઉં છું. ‘ઝળઝળિયાં’ શબ્દો મટીને મારી આંખના મોતી બનીને ચમકી જાય છે. જયારે કોઇ સર્જકના સર્જનમાં આ તાકાત હોય ત્યારે એમને કોઇ જ શબ્દો – કે વાહવાહની કદાચ જરુર જ નહી રહેતી હોય. સર્જક લખવા માટે જે પ્રકિયામાંથી પસાર થતો હશે એ જ અનુભવ સંવેદનશીલ વાંચકોને પણ જરુરથી થાય જ. (ભાવકો માટે એક આડવાત કહું તો વાંચતી વેળા સર્જકે આ કોની પર લખ્યું છે ને કોના માટે લખ્યું છે ની માનસિકતામાંથી બહાર આવીને ફકત સર્જનની મજા માણતાં શીખવાનું હોય છે કારણ લખતી વેળા અનુભવાતી પ્રક્રિયા એ સાચા સંજોગો – અનુભવોથી અલગ હોઇ શકે મિત્રો….કારણ એમાં કલ્પના ભળે, સર્જનાત્મકતા – વિચારશક્તિનો ઢોળ ચડે..આવું તો ઘણું બધું.)
આ પુસ્તક હું એકસાથે આખુ નથી વાંચી શકતી કારણ હું એના એક એક કાવ્યને મમળાવું છું ને મજા માણું છું. એ મજામાં આજે આપને પણ સામેલ કરું ચાલો –

પાના નંબર – ૩ પરનું એક કાવ્ય
રોજ સવારે
ઊઘડતી બારીમાંથી રસ્તો કૂદે છે
લંબાય છે – અનંત તરફ
મન એની પાછળ
નદીની જેમ વહ્યાં કરે છે
ને નથી પહોંચી વળતું
ક્યારેક સમય એને સંકોરે છે
ક્યારેક વિખરવા દે છે.
રસ્તો રોજ થાકીને ક્ષિતિજમાં ઓગળી જાય છે
સાંજ પડે
વસાવા જતી બારીમાંથી
અંધારું
ભફાંગ કરતું ઝંપલાવે છે
સડકના વીંટલામાં સુકાયેલું મન લઈને..
આમ થયા કરે છે,
થયાં જ કરે છે
અને
ઘરના ખૂણે ટમટમતો નાનકડો દીવો
રોજ રોજ આ ખેલને ટગર ટગર તાક્યા કરે છે
તાક્યા જ કરે છે..
અહાહા…અછાંદસ કાવ્યો મારો સૌથી પહેલો પ્રેમ છે એટ્લે કદાચ મને એ સૌથી વધુ આકર્ષે છે. લતાદીદીના આ કાવ્યમાં મિત્રો કેટલાં સરસ કલ્પનો છે..
બારીમાંથી રસ્તો કૂદે છે….બારી ખોલો અને રસ્તો દેખાય એ સાહજિક પણ રસ્તો કૂદે છે એમ કહીને આ કવયિત્રી કેટલું મોટું અચરજ સર્જી દે છે. સડકના વીંટલામાં સુકાયેલું મન …કેવું અદભુત કલ્પન..ને ઘરનાં ખૂણે ટમટમતો દીવો આ અવિરત ભાંજગડ નિહાળ્યાં જ કરે છે. આ કાવ્યમાં માણસના મનની ચંચળતાનો રંગ અનુભવું છું તો ક્યાંક ઉદાસી ને ક્યાંક લાચારીનો…
તો પાનાનંબર ૧૩ પરનું આ કાવ્ય જુઓ,

આ આખાયે જંગલમાં
દ્રશ્યો ભર્યા
તને નહીં મળી શકયાનાં
આંખ મીંચ્યા પછી
તેં નહીં કહેલાં
બધાં જ શબ્દોની પ્રતીતિ થઈ
જેનું વહેવું જ પરમ સત્ય છે
એવી આ નદીના કાંઠે ગુજારેલી
તમામ સાંજના સોગંદ
તારી ઝંખના
મારા ગર્ભમાં જીવ્યા જ કરે
કદી ન અવતરે
..અહાહા..શું સર્જનાત્મકતા ભરી છે આ કાવ્યમાં..કાવ્યના રસાસ્વાદમાં હું જાણું કે લતાદીદીની માસ્ટરી…હું તો વાંચતા વાંચતા જ એમાં ખોવાઈ જાઉં છું .લખવા માટે મનને ધક્કો મારીને એ મજામાંથી બહાર કાઢું ત્યારે લખી શકું. આ કાવ્યમાં જે વિરહનો ભાવાર્થ છે એ ભાવ દરેક સર્જક લખી ચૂક્યો હશે પણ દરેક સર્જકની શૈલી – સર્જકતા અલગ અલગ. આંખ મીંચીને તેં કહેલાં શબ્દોની પ્રતીતિ થઈ એ કેટલી સરસ વાત કહી એમણે…વળી છેલ્લે તારી ઝંખના જીવ્યા જ કરે…મનની આ બેચેની – સળવળાટ કાયમ જીવંત રહો આવી વાત તો ફકત સર્જક જ કહી શકે.
‘ચેન સે હમકો કભી ..આપને જીને ના દીયા- ઝહર ભી ચાહા અગર પીના તો પીને ના દીયા..’ પ્રેમ એ એક આવી અવસ્થાનું નામ છે મિત્રો.
તો ૨૬નંબરના પેજ પરનું કાવ્ય
સામટા સૂરજ ઓલવાયા
નેસમી સાંજની ખીણમાં
ખૂંપ્યાં મારા ખ્વાબ !
મીણની આંગળીઓથી
કેમ ખસેડું
પથ્થરના આ પહાડ !
હથેળીઓની છુટીછવાઈ રેખાઓમાં
તૂટી ગયેલી હું
મથું છું
ક્યાંક પરોવવા તને
ભર્યાભર્યા તને !
મિત્રો…આ છેલ્લી બે લીટી વાંચો તો..’તને’ શબ્દ કેટલી સરસ રીતે પ્રયોજાયો છે ને કેટલું સરસ કાવ્ય બને છે..વળી હથેળીની છુટીછવાઈ રેખામાં તૂટવું…મીણની આંગળીઓથી પથ્થરના પહાડ ખસેડવા…કેટલી અદભુત સર્જકતા…અહાહા…
થોડોક તડકો
ઓઢીને
ઊભી હું
ને
છાંયો સાવ ખોવાઈ ગયો.
એક સ્ત્રી થૉડોક તડકો મેળવવા જતાં સમૂળગો છાંયડો – આધાર ખોઇ બેસે એ કેવી વ્યથાની વાત છે. તડકો બહુ બધા અર્થમાં લઈ શકાય…સ્વતંત્રતાનો – સ્વછંદતાનો..જેવી આપણી સમજશક્તિ ! ને એની કિંમત એને એના પ્રિયજનની નારાજગીથી ચૂકવવી પડે પ્રથમ નજરે તો જો કે એ સ્ત્રીને બહુ મોટી ખોટ જ લાગે.

મિત્રો..એકે એક કાવ્ય અદભુત – સંવેદનાથી ભરપૂર છે. આવા પુસ્તક લતાદીદીના અલગારી જેવા જીવને કારણે અહીં બહુ હાઈલાઈટમાં આવતાં નથી એનો મને ઘણી વખત અફસોસ થાય છે. આજે મારા પ્રિય દીદીને એમના જન્મદિન પર મારા તરફથી શબ્દોની આ એક નાનકડી ગિફ્ટ આપતાં હું બહુ જ આનંદ અનુભવું છું. દીદી, આપનું આ પુસ્તક મોટાભાગે કોઇક ને કોઇક પુરસ્કાર જીતશે જ..એ સમયની હું રાહ જોવું છું. મારી પાર્ટી ઉધાર અત્યારથી ..
ખૂબ ખૂબ ખુશ રહો, સ્વસ્થ રહો, સર્જકતાથી ભરપૂર રહો.

Sneha H Patel's photo.1003410_530090350381364_539472168_n

One comment on “happy birthday lata hirani

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s