કોણ બોલે છે – કોને કહે છેઃ-


phulchhab newspaper > navrash ni pal column >
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને

-મનોજ ખંડેરિયા

 

સ્વપ્નીલની શમણાંભરી ભૂરી ભૂરી આંખોમાં અકળામણના રાતા ટશિયાં ફૂટવા લાગ્યાં હતાં. ક્યારનો એ કોડલૅસ ફોન હાથમાં લઈને કોઇ નંબર ‘રીડાયલ’ કરતો અને લાંબાં લાંબાં એકસ્ટેન્શનના નંબર લગાવી લગાવીને છેલ્લે ‘આપનો ફોન પ્રતિક્ષામાં છે,આપનો કતારક્રમાંક નંબર છે ‘૮…૭…’ જેવો જવાબ સાંભળવા મળતાં અકળાઈને ફોન સોફા પર ફંગોળી દેતો.

લગભગ અડધો કલાકથી એની આ અકળામણ જોઇ રહેલ એની મમ્મી નમ્રતા રસોડામાંથી બોલી,

‘સ્વપ્નુ, શું છે દીકરા ? કેમ આટલો અકળાયેલો છું ? આદુ-ફુદીનાવાળી ચા પીશ – બનાવું ?’

‘મમ્મા, આ નેટ જો ને..ક્યારનું હેરાન કરે છે. આ મહિનામાં આ લગભગ પાંચમી વખત બંધ થઈ ગયું છે અને હજુ તો મહિનની પંદરમી તારીખ છે. વળી એ લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે એટલે મારે એક કલાક તો કમ્પલેઇણ રજીસ્ટ્રેશન કરાવતાં થાય છે. ક્યારનો ‘આપકા કતાર ક્રમાંક હૈ યે…વો…’ કંટાળી ગયો છું આનાથી. મારે કેટલું બધું કામ છે, અમુક મેઇલ અર્જન્ટલી મોકલવા જ પડશે. નેટ ચાલુ નહી થાય તો સાયબરકાફેમાં જવું પડશે.’

બોલતાં બોલતાં સ્વપ્નીલે કમ્પલેઈન માટે ફરીથી ફોન જોડ્યો અને આસ્ચ્ર્યજનક રીતે આ વખતે એ લાગી ગયો.

‘હલો, મારું આઈડી સ્વપ્નીલ૨૦૦૦ છે ને હું રેવાપુરથી બોલું છું.’

‘જસ્ટ એ મીનીટ સર..ઓકે..શું કમ્પલેઇન છે આપની ?’

‘નેટ બંધ છે.’

‘ઓકે સર, આપની કમ્પ્લેઇન નોંધી લઉં છું. અમારા એન્જીનીયર આપને કોન્ટેક્ટ કરશે ને અડલાળીસ કલાક સુધીમાં આપની કમ્પલેઇણ સોલ્વ કરી દઈશું.’

‘મેડમ, ૪૮ કલાક બોલતાં પહેલાં જરા મારું અકાઉન્ટ ચેક કરો. આ કમ્પ્લેઇન છેલ્લાં ૧૫ દિવસથી ચાલી આવી છે. નેટ રોજ ચાલુ થાય છે, બંધ થાય છે. તમારો કોન્ટેક્ટ કરવામાં અડધો અડધો દિવસ જાય છે ને તમે ૪૮ કલાકનો રાગ આલાપો છો.’

‘આપને પડેલી તકલીફ બદલ હું માફી માંગુ છું સર..’

‘અરે રોજ રોજ તમને લોકોને માફી આપી આપીને હું થાકી ગયો છું. મને આજે ને આજે અબઘડી રીઝ્લ્ટ જોઇએ નહીંતર હજુ કસ્ટમર કમ્પ્લેઈન કરીશ.’ ને સ્વપ્નીલે ફોન પછાડ્યો.

‘બેટા, આમ અકળાવાથી કામ થોડી પતશે ? થોડી શાંતિ રાખ ને લે ચા પી.’

ચા પી ને સ્વપ્નીલ ટીવી જોવા બેઠો અને એન્જીનીયરનો કોલ આવ્યો,

‘સર, પ્લીઝ આપનું નેટ ચેક કરી લેશો ? અહીંથી થોડો કનેક્શનનો પ્રોબ્લેમ હતો અમે સેટ કર્યું છે. હવે નેટ આવી જશે.’

‘એક મીનીટ.’સ્વપ્નીલે નેટ ઓપન કરવાનો પ્રયત્ન કર્યો પણ શક્ય ના બન્યું ને એનો પીત્તો ગયો.

‘હજુ નેટ નથી આવતું. તમે લોકો સાવ હરામી છો. એડવાન્સમાં પૈસા લઈને બેસી જાઓ છો અને પછીથી આવા ધાંધીયા કરો છો.’

‘સર, એક વાર મોડમની લાઈટ બંધ કરીને બે મીનીટ રહીને ફરીથી ચાલુ કરો ને પ્લીઝ.નેટ આવી જશે.’

‘નથી આવતું. મેં તમારા કહેતાં પહેલાં જ કરી જોયું..’ ને ફરીથી સ્વપ્નીલની રેકોર્ડ ચાલુ થઈ ગઈ. સામે છેડેથી,

‘ઓકે, અમારો માણસ આપના ઘરે આવીને ચેક કરી જશે.’ નો ટૂંકો જવાબ વાળીને સામે છેડેથી ફોન મૂકાઈ ગયો. એ વાતને બીજા બે દિવસ વીતી ગયાં. હવે તો ફોન પણ લાગતો નહતો. ડાયલ કરતાં કરતાં વચ્ચેથી જ કટ થઈ જતો હતો. કંપનીનો કોઇ જ માણસ નેટ ચેક કરવા પણ નહતું આવતું ને સ્વપ્નીલ ધુંઆપુંઆ થઈ ગયો હતો. પેન્ડીંગ કામનો ઢગલો થતો જતો હતો. આખો દિવસ કંપનીમાં ફોન કર્યા કરતો પણ લાગતો જ નહતો. આટલા દિવસમાં તો સ્વપ્નીલને ત્યાંની મોટાભાગની ઓપરેટર્સના નામ સુધ્ધાં યાદ રહી ગયા હતાં. નમ્રતાથી ના રહેવાતા એ આખરે બોલી,

‘બેટા, તું કાયમ આ સ્ટાફના માણસો પર કેમ અકળાય છે પણ ? જે વાત જ્યાં કહેવાથી અસર થતી હોય ત્યાં વાત કરતાં શીખ. તું સ્ટાફના માણસોને આમ ગાળો દે એનો કોઇ મતલબ નથી સરવાનો. એમની તો વારંવાર શિફ્ટ બદલાયા કરે ને વળી એ લોકો તો પૂરેપૂરા ટ્રેઈન્ડ જ હોય કે સામે છેડે કસ્ટમર ગમે એમ બોલે તમારે તો,’અમે તમને પડેલી અસુવિધા બદલ માફી માંગીએ છીએ.’ બસ એટલું જ બોલવાનું. મારું માન તો તું જઈને નેટની ઓફિસમાં કોઇ સીનીયર સાથે જ સીધી વાત કર. આ બધા તો પગારદારો..એમને એલફેલ બોલીને શું મતલબ સરવાનો?’

સ્વપ્નીલને પણ મમ્મીની વાત ઠીક લાગી ને એ ઓફિસે જ પહોંચી ગયો. ત્યાં જઈને એમના મેનેજરને મળ્યો અને પોતાની તકલીફની વિગતે વાત કરી અને આજે જો નેટ ચાલુ ના થઈ શકે તો નેટના એડવાન્સમાં ભરેલા પૈસા અને જેટલાં દિવસ નેટ બંધ રહ્યું એટલા દિવસનું રીફન્ડ આપવાની વાત મૂકી નહીં તો આખો ય મામલો કોર્ટમાં લઈ જશે એવી ધમકી ય આપી .

‘સોરી સર, અમારું ટ્રાન્સમીશન બગડી ગયેલું છે એટલે આખા એરીઆમાં જ આ તકલીફ છે. અનેકો કસ્ટમરની કમ્પ્લેઇન આવ્યાં કરે છે અને અમારી પાસે એટલાં બધા એન્જીનીઅર નથી કે એક સાથે બધા સ્થળે પહોંચી વળે. હું તમારી સાથે જ મારા માણસને મોકલી આપું છું એ આવીને ચેક કરી લેશે. ડોન્ટ વરી આપના જેટલા દિવસ બગડ્યાં છે એની કિંમત ભરપાઈ કરી આપીશું. વન્સ અગેઈન સોરી.’

ને મેનેજરે એક એન્જીનીઅરને સ્વપ્નીલ સાથે મોકલી આપ્યો. માણસ ઘરે જઈને નેટ ચેક કરીને વાયર સેટ કરીને બોલ્યો કે,

‘નેટ ચાલુ થઈ ગયું છે, પણ કદાચ સ્પીડ ઓછી રહેશે. બે દિવસ થશે બધા પ્રોબ્લેમ સોલ્વ થતાં એ આપને પહેલેથી જ કહી દઉં છું કે આટલી તક્લીફ તો સહન કરવી જ પડશે સર, હા હવે ફરીથી બંધ નહીં થઈ જાય એની ગેરંટી… ‘

‘ઓકે. ચાલુ થયું એ પણ બહુ છે.’ ને સ્વપ્નીલે નમ્રતાની સામે જોઇને યોગ્ય માર્ગદર્શન આપવા બદલ નજરથી જ ‘થેન્ક્સ’ કહીને રાહતનો ઉંડો શ્વાસ લીધો.

અનબીટેબલઃ ક્યાં – કોને – કેટલું – કેવી રીતે કહેવું એ સમજાઈ જાય તો મોટા ભાગની સમસ્યાઓનો સરળતાથી અંત આવી જાય છે.

-સ્નેહા પટેલ