phulchhab newspaper > navrash ni pal column
સન્માનથી, તમામ ખિતાબોથી છે વિશેષ
નાનકડી એક ખુશી જે મથામણ વગર મળી.
– રઈશ મનીઆર
એક મોટું લંબચોરસ સ્ટેજ હતું. સ્ટેજ પર જરુર પૂરતા ત્રણ બેનર અને પાછળની બાજુએ સ્ક્રીન માટે એક સફેદ પડદો લગાવાયો હતો જેથી વક્તાનો ફેઇસ પ્રોગ્રામમાં છેક પાછળ બેઠેલા સુધી દેખાઈ શકે. પ્રસંગ હતો બુક લોન્ચીંગનો – શ્રાવણીની બુક – ‘અમારા સપના- તમારી આંખો’ના લોન્ચીંગનો.
શ્રાવણી એક પાંત્રીસ ચાલીસ વર્ષની જાજરમાન અને સંવેદનશીલ લેખિકા હતી. એની સંવેદનશીલ ને વાર્તા લખવાની સ્ટાઈલથી એની ફેનકોલોની બેશુમાર હતી. પણ શ્રાવણી એ શ્રાવણી ! એને જીવનમાં કોઇ જ વાતનું ક્યારેય અભિમાન નહીં. પ્રસંશા હોય કે નિંદા બે ય ને પચાવીને પોતાની વાત – જાતને પોતાની આવડતથી લોકો સામે એવી અનોખી રીતે સાબિત કરતી કે સામેવાળા પાસે બોલવાનું કંઇ રહેતું જ નહીં. એ શબ્દો બોલીને બતાવનારી નહી પણ કામ કરીને સમજાવવાની માણસ હતી. આજે એ શ્રાવણીની ચિરાયુ નામના પ્રસિધ્ધ મેગેઝિનમાં વંચાઈ વંચાઈને વાંચકોમાં ખૂબ જ ફેમસ થઈ ગયેલ વાર્તાની બુકનું વિમોચન હતું.
શ્રાવણીએ પોતાની બુકનું વિમોચન પોતાના મેગેઝિનના એડીટરના હાથે જ કરાવવાનું નક્કી કરેલું ને બીજા બે પત્રકાર , એક લેખક મિત્ર પણ સ્ટેજ પર હતાં જેઓ શ્રાવણીની આ નવલકથાની આખીય સફરના સાક્ષી હતાં. મિત્રોએ અને એડીટરની લાડકી શ્રાવણીના એ લોકોએ ભરપેટ વખાણ કર્યાં. એના જેવી તેજતર્રાર પણ સંવેદનશીલતાના બેલેન્સવાળી લેખિકા બીજી ક્યારે જન્મ લેશે એવો વિચાર પણ વ્યકત કર્યો જેને પ્રેક્ષકોમાંથી અનેક લોકોએ ‘અત્યારે તો કોઇ દેખાતી નથી / હજુ ઘણો સમય જશે’ જેવા વાક્યો બોલીને પ્રત્યુત્તર પણ વાળ્યો. પછી બધા મિત્રોએ ભેગા થઈને શ્રાવણીની બુકને બે હાથમાં પકડીને એનું કવરપેજ લોકોને દેખાય એમ પકડીને પુસ્તક વિમોચન કર્યું. તાળીઓના ગડગડાટ અને મોબાઈલના કેમેરાની ક્લીકથી આખું ય સ્ટેજ ભરાઈ ગયું. વાતાવરણ એક્દમ રંગીન બની ગયું. વાંચકોના અને મિત્રોના પ્રેમથી શ્રાવણી ગદગદ થઈ ગઈ. એના જેવી સંવેદનશીલ સ્ત્રી માટે દુનિયામાં સૌથી મોટી મૂડી એ આ નિસ્વાર્થ – પ્યોર પ્રેમ હતી. હળ્વેથી આંખનો ખૂણો લૂછતાં’કને એણે માઈક હાથમાં લીધું ને બધાંનો આભાર માન્યો. આભાર શબ્દ બોલતાં જ એ એટલી ગળગળી થઈ ગઈ હતી કે એનાથી વધારે શબ્દો બોલી જ ના શકાયા. જોકે સામે પક્ષે એના ફેન્સને એને બરાબર જાણતાં હતાં એથી વધારે શબ્દોની જરુર જ નહતી. એમની લાડકી લેખિકા શ્રાવણીની ભાવભરી બોડીલેન્ગવેજના નજરોનજર સાક્ષી બની શક્યા એને પણ તેઓ પોતાનું અહોભાગ્ય માનતા હતાં.
ત્યાં જ અચાનક એક કોલેજિયન જેવી લાગતી છોકરી ઉભી થઈ અને બોલી,
‘મેમ, મે આઈ આસ્ક યુ સમથીંગ ?’
‘શ્યોર, વાય નોટ..’
‘મેમ, આમ તો હું બહુ નાની ગણાઉં પણ મને કાયમ એક પ્રશ્ન મૂંઝવે છે. તમે ૧૦ જેટલી નવલકથાઓ લખી છે જે ખૂબ જ સફળ થઈ છે નામના પામી છે અને મારી પાસે એ બધા પુસ્તકો છે. તમે સંબંધો પર જે લખો છો એને હું ‘બ્રહ્ર્મ વાક્ય’ માનીને જીવનમાં ઉતારી લઉં છું. પણ મેમ તમે સંબંધોને આટલી સારી રીતે સમજો છો, નિભાવો છો તો તમારા કોઇ પણ પુસ્તકના વિમોચનમાં તમારા પતિદેવશ્રી કેમ હાજર નથી હોતાં ? વળી ક્યારેય એમણે જાહેરમાં તમારા લખાણ વિશે કે તમારી નામના – સિધ્ધી વિશે કશું કહ્યું હોય એવું જાણમાં ય નથી આવ્યું. તો શું દરેક જગ્યાએ ‘ઘરની મુર્ગી દાલ બરાબર જ હોય કે ?’
અને શ્રાવણી ખડખડાટ હસી પડી. એની ધવલદંતપંક્તિ પર રોશની પડતાં ત્યાં અનેકો સ્ટાર્સની ઝગમગાહટ ફેલાઈ ગઈ.
‘જો બેટા, શરુઆતના ગાળામાં – બે ત્રણ પુસ્તકો સુધી તો મને પણ તારા જેવા જ પ્રશ્નો મગજમાં આવતા કે મારા પતિદેવ શ્રી નિખિલ મહેતા મારી કેરીઅરમાં કોઇ જ રસ કેમ નથી લેતાં? પણ સમય જતાં જતાં હું સમજતી ગઈ કે નિખિલ સાહિત્યનો માણસ જ નથી. એના માટે તો સાહિત્ય એટલે ફુરસતના સમયે કોઇ અઘોરી બાવાઓ કે ટેકનોલોજી પર લખાયેલ પુસ્તકો જ છે. એ આખો દિવસ મશીનની ઘરઘરાટીમાં જીવનારો વ્યક્તિ થોડો સમય ફ્રેશ થવા ટીવી જોવે કે ન્યુઝ વાંચે એવા સમયે હું એને મારા સેન્ટી સેન્ટી સબજેક્ટવાળા પુસ્તક વાંચવા માટે ક્યામ ફોર્સ કરું ? જો કે એ એના ફ્રેન્ડસના ગ્રુપમાં બહુ જ પ્રાઉડલી પોતાની વાઈફની સિધ્ધીઓ વિશે વાત કરતો હોય છે. ક્યારેય અન્ડર એસ્ટીમેટ નથી કરતો. વળી એ એની ઓફિસની મગજમારીઓ કે મશીનોની વાતો કરે ત્યારે મને પણ બગાસાં આવી જાય છે. હું પણ એની વાતમાં જીવ પૂરોવવાનો બહુ પ્રયત્ન કરું છું પણ એ શક્ય નથી થતું. હવે આ તકલીફ તો બે ય પક્ષે છે. હું એની વાતો સાંભળવાનો ડોળ કરી લઉં છું, અમુક વાત સમજાય અમુક બમ્પર જાય…એમ એ પણ અમુક સમયે મારી સાથે અમુક સંવેદનશીલ ટોપિક પર વાત કરે…પણ એ બધું ઘરની ચાર દિવાલોની વચ્ચેનો બહુ જ પર્સનલ મામલો છે અને મને એનાથી સંતોષ છે. બાકી તમે કોઇને પણ ફોર્સ કરીને તમારી વાત કે કામ ક્યારેય ના સમજાવી શકો. આજથી ચાર વર્ષ પહેલાં એ જે હતાં એનાથી આજે ઘણાં અલગ છે. આજે મારા કામને વધુ સારી રીતે સમજે છે. એક સમય આપવો પડે દરેક વાતને સ્વીકારવાનો અને એમાં પણ તમે સફળ જશો જ એવી ગેરંટીપત્ર લઈને ના ફરાય. આ તો સમય સમય ની અને સમજ સમજની વાત છે. આ વાતને આમ ઇગો કે લાગણીભંગનો ઇશ્યુ બનાવવા જેવી જરુર મને ક્યારેય નથી લાગી. એ એની ઓફિસ લાઈફ ને પર્સનલ લાઈફ અલગ રીતે હેન્ડલ કરે છે એમ જ હું પણ કરું છું તો એમાં શું મોટી ધાડ મારી ?’
‘વાહ મેડમ, તમે તો બહુ જ સરસ વાત કહી. મારા મનમાં આ પ્રશ્ન ક્યારનો ગોળ ગોળ ફરતો હતો જેને તમે આટલી સરસ રીતે જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે તમારો એક નવો શેડ જોવા મળ્યો એની પણ ખુશી.’
ગેટ આગળથી નિખિલની ગાડી એને પીકઅપ કરવા આવતી નજરે પડી ને શ્રાવણીની હસી પડી.
relationship, always between 2 people. Difference is ONLY in understanding. very good.
LikeLike
ખુબ જ સરસ લેખ…જાણે તમે તમારી જ વાત કહેતા હોય એવું લાગે…અક્ષિતારક બુકનો લોકાર્પણ પ્રસંગ યાદ આવી ગયો ( હું જાણું છુ કે આ લેખ તમે અક્ષિતારક બુક લોકાર્પણ પહેલાનો લખેલો છે.)…કેટલું સચોટ અને ચિવટભર્યુ લખાણ…તમે દિલથી અને નિખાલસ પણે લેખ લખો છો જે વાંચનમાં અનુભવાય છે…તમે લેખમાં ખુબ સરસ વાત કરી કે પતિ-પત્ની ના શોખ, ટેવ, આદત, ગમા-અણગમા, રસ-રૂચી ભલે અલગ-અલગ હોય પરંતુ જો એકબીજાને સાચો પ્રેમ કરતા હોય, એકબીજાને ખરેખર સમજી શકતા હોય તો ક્યારેય કોઈપણ જાતનો ઈગો કે મુશ્કેલી આડે આવતા નથી અને જીવન સહજ અને સરળ રીતે જીવી શકાય છે…આવો સરસ લેખ લખવા બદલ અભિનંદન અને અમારી સાથે આવો અદ્ભુત લેખ શેર કરવા બદલ આભાર…
LikeLike