આગળ રસ્તો નથી ને પાછા વળાતું નથી !

phulchhab newspaper > navrash ni pal column >

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ,

નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો…

 

-અશરફ ડબાવાલા

 

આજે વાતાવરણમાં અચાનક પલટો અનુભવાતો હતો. ૭ – ૮ ડીગ્રીની ઠંડી પછી અચાનક જ ૩૫-૩૬ ડીગ્રીની ગરમી ચાલુ થઈ ગયેલી હતી. રીધ્ધીમા સોફામાં માથુ પકડીને બેઠી હતી. આ અચાનક થતો વાતાવરણનો પલટો એને માફક નહતો આવતો. પરિવર્તન ધીમે ધીમે જ કોઠે પડતાં પછી એ સંસ્કારોના હોય, પરિસ્થિતીના હોય કે કુદરતના ! ફ્લેક્સીબલ હતી પણ તીવ્રગતિ એના સ્વભાવમાં નહતી. એ મંથર ગતિની પ્રવાસી !

માથાનો દુઃખાવો વધતો જતો હતો અને રીધ્ધીમા કોઇ પણ કાર્યમાં એનું ધ્યાન નહ્તી પૂરોવી શકતી. બહુ જ રેસ્ટ્લેસ ફીલ કરતી હતી એથી એણે એની ફ્રેન્ડ રીપલને ફોન કરીને કોઇ પિકચર જોવાની વાત કરી. રીપલે ટીકીટ ખરીદીને રીધ્ધીમાને ફોન કર્યો અને થીયેટર પર આવી જવા જણાવ્યું. તૈયાર થઈને ઘરની બહાર નીકળી અને મગજ થોડું ફ્રેશ થતું હોય એમ અનુભવ્યું.

બહુ વખત પછી રીપલને – એની બેસ્ટ ફ્રેન્ડને મળી હતી એટલે સારું લાગ્યું. પોપકોર્નનું ટબ અને કોલાનો ગ્લાસ લઈને એ લોકો મૂવી જોવા બેઠાં. શરુઆતમાં તો સ્ટોરીમાં મજા આવી. યંગ જનરેશનની વાત હતી. પણ જેમ જેમ મૂવી આગળ વધી એમ એમ રીધ્ધીમાના અદ્રશ્ય થતા ગયેલ દુઃખાવાએ પાછું જોર કર્યું – ઉથલો માર્યો. પિકચરમાં યંગ જનરેશનના આધુનિક કલ્ચરના નામે સ્વરછંદી – વલ્ગર ડાયલોગ્સ – સિચ્યુએશન એનાથી સહન ના થઈ અને બાકીનું પિકચર જેમ તેમ એણે પૂરું કર્યું.

મૂવીમાંથી બહાર નીકળીને રીપલે એનું મોઢું જોઇને પૂછ્યું,

‘શું થયું રીદ્ધુ ? મોઢાનો રંગ કેમ હજી ફીક્કો ? મૂવી તો મસ્ત હતું. આજકાલ તો જ્યાં જુઓ ત્યાં આના જ વખાણ થાય છે તો તને કેમ ના ગમ્યું ?’

‘લોકોને ગમ્યું હશે – ભલે ! પણ મારા નેચરને આવી વલ્ગારીટી પસંદ નથી આવતી. મનોરંજન માટે તમે બીજું ઘણું બધું બતાવી શકો આમ વલ્ગારીટીનો સહારો કેમ લેવાનો ?’

‘તું પણ છે ને એકદમ મણીબેન જ રહી. યાર…આજ કાલ તો આવું બધું એકદમ કોમન છે. જરા આજુબાજુની યંગ જનરેશનને જો એ આવી રીતે જ જીવે છે. થોડી ફ્લેક્સીબલ બન.’

‘ના..આ બધું કોમન નથી. મારી આજુબાજુ પણ જુવાનિયાઓ વસે છે. હા માન્યું કે આવું ચલણ હશે પણ એ કેટલાં ટકા ? વીસ ટકા…ત્રીસ..પણ એમ તો બહુ બધા ચલણ છે, જેમ કે દર બીજી મીનીટે આપણા દેશમાં રેપકેસીસ થાય છે એટલે રેપીસ્ટની વર્તણૂક આવકાર્ય ગણી લેવાની ? સોરી, મને પરિવર્તન ગમે છે પણ પરિવર્તનના કેટલાંક નિયમ હોય. યોગ્ય પરિવર્તન હોય તો સમાજમાં એ ધીમે ધીમે ને જાતે સ્વીકારાઈ જ જાય છે. આજથી વીસ વર્ષ પહેલાં કોલેજમાં અમે છોકરાં છોકરીઓ એક બીજાથી યોગ્ય અંતરે બેસીને વાતો કરતાં હતાં. જ્યારે લવમેરેજ્નું નામ એક આઘાતની વાત લાગતી હતી એ સમયે અમે સમાજનો વિરોધ કરીને લવમેરેજ કર્યા છે, પણ આજે લવમેરેજ તો એકદમ કોમન થઈ ગયા છે. એ પરિવર્તન હું આસાનીથી સ્વીકારી શકું છું કારણ એ પરિવર્તન પાછળ વર્ષોથી એક સ્વસ્થ સમાજના વિચારો – વર્તણૂક કામ કરે છે. આ પરિવર્તન આવકાર્ય જ છે. એના માટે મારે કોઇ મહેનત નથી કરવી પડી. એ જમાનામાં સ્ત્રીઓ પુરુષ સાથે વાત કરે તો પણ એમની તરફ શંકાની દ્રષ્ટીથી જોવાતું જ્યારે આજે હું મારા અનેક મિત્રો સાથે એકલી મળી શકું છું, કાફેમાં કોફી પી ને સમય પસાર કરી શકું છું. કોઇને કોઇ જ શંકા નથી થતી અને મને પણ કંઈ અજૂગતું નથી લાગતું. પણ હા, આજના જમાનામાં પ્રેમના નામે એકબીજાને જાહેરમાં ચીપકમ્ચીપકી કરે, અભદ્ર વર્તન કરે કે ફ્રેંચકીસ કરવા માંડે તો એ મને ચોક્કસ અસભ્ય અને ચીતરી ચડે એવું લાગશે. પ્રેમના નામે લોકો સાવ આ હદ સુધીના છાકટાં થઈ જાય એ સહન ના જ થાય.’

‘અરે ડીઅર, પ્રેમ તો પ્રેમ છે. એને શું બાંધવાનો ? વળી આપણાં દેશમાં લોકો જ્યાં ને ત્યાં પાનની પીચકારીઓ મારી શકે, ગમે ત્યાં સૂ – સૂ કરી શકે એ ગંદકી ચલાવી લેવાય પણ કોઇ પ્રેમ કરે એ ના સહન કરાય એ કેવી વિચિત્ર વાત !’

‘રીપુ, પીચકારી – સૂ – સૂ વાળાની વાત સહન થાય એવું ક્યાં કહ્યું ? એ વર્તણૂક પણ ખોટી જ છે. પણ જાહેરમાં એવું વર્તન કરાય છે એટલે આ વર્તન પણ કરવું એ તો કેવી નાદાનીયતથી ભરેલી વાત થઈ.એ લાઈન નાની નથી થઈ શકતી એટલે એની નીચે બીજી નાની લાઈન ખેંચવાની ચાલુ કરવાની અને એને પેલી નાની લાઈનથી વધારે મોટી કરવાના પ્રયાસ કરવાના જેથી પેલી નાની લાઈન એની છાયામાં ઢંકાઈ જાય ..’

‘અરે મારી મા….આ નાની લાઈન – મોટી લાઈન..માફ કર પ્લીઝ. આ બધું આપણે ત્યાં નવું નવાઈનું લાગે બાકી વિદેશોમાં તો ફ્રી લવ કેવો ફાલ્યો ફૂલ્યો છે. લોકો કેવા મજ્જાથી જીવે જ છે ને !’

‘ઓહ, એમ ? તો એક વાત કહે – આપણાં દેશ કરતાં ત્યાં આટલી ફ્રીડમ છે તો ત્યાં આત્મહત્યાનો – છૂટાછેડાંનો – માનસિક અસ્થિરતાનો દર આપણા દેશ કરતાં કેમ વધુ ? તર્કની દ્ર્ષ્ટીએ તો આપણા દેશમાં આ દર સૌથી ઉંચો હોવો જોઇએ ને ? ‘

‘હા…એ વાત તો છે…કેમ એવું હ્શે ? ત્યાં સઘળી સ્વતંત્રતા છે તો આવું કેમ ?’

‘ડીઅર, એ લોકો બધી જ જાતની સ્વતંત્રતા અમારો હક છે સમજીને સ્વતંત્રતાના નામે એક પછી એક છૂટછાટ લેવા માંડ્યાં. હવે એમના જીવનમાં સ્વતંત્રતાનો મુદ્દો ગૌણ થઈ ગયો છે. આપણા દેશમાં લોકો ગરીબીમાં સબડતાં – ભૂખે મરતાં હોવા છતાં એ સમસ્યાનો ઉકેલ શોધવાની તાકાત ધરાવે છે અને એમાં વ્યસ્ત પણ રહે છે વળી એનો ઉકેલ મળતાં એ લોકો રોમાંચ અનુભવે છે, ઉત્તેજીત થાય છે, નાની નાની વાતોમાંથી ખુશી શોધી શકે છે. વિદેશીઓ પાસે તો આવા રોમાંચને કોઇ જગ્યા જ નથી. એમના માટે તો બધું ય કોમન – રુટીન. એમને તો દરેક વસ્તુ વિશાળ જ જોઇએ. એમણે દરેક વાતના મનગમતા ઉકેલો શોધી લીધા છે એથી એવી તો કોઇ સમસ્યા છે જ નહીં ને જીવવા માટે ડોલર સિવાય બીજી કોઇ ઘેલછા ય નહીં. ડોલરીયું ને પ્રેમના નામે સ્વચ્છંદ જીવન એમને કોઇ જ સલામતી – માનસિક – સામાજીક શાંતિ નથી આપી શકતું. આગળ વધવા કોઇ જગ્યા નથી રહી અને પાછા તો કેમનું વળાય ? પરિણામ આત્મહત્યા ! એ લોકો સઘળું મેળવીને ય આમ તો કંગાળ જ ! એટલે જ મોર્ડન કે જુવાન ગણાવાની લાહ્યમાં હું કદી ખોટી વાતોને સાથ નથી આપતી. મારી વિચારધારા પાછળ એક સ્વસ્થ વિચારશૈલી કામ કરે છે જે દરેક ઘટના – વર્તણૂંકને શક્ય એટલા એંગલથી ચકાસવાનો પ્રયત્ન કરે છે. હા કોઇ વાર ખોટી પણ પડી શકું – સાચા પડવાના ગર્વમાં હું સારા પરિવર્તનોને નકારતી નથી સ્વીકારી જ લઉં છું.’

‘મને કાયમથી તારી પર ગર્વ છે ડીઅર. ગોડ બ્લેસ યુ ! ચાલ હવે આ કોફી પી લે – ઠંડી થાય છે.’

‘હા, તારી સાથે બહુ બકબક કરી. હું પણ ફ્રેશ થઈ ગઈ.’ ને બે ય સખીઓ ખુલ્લાં દિલથી હસી પડી.

એમની ખુશીનો ચમકારો અનુભવીને આજુબાજુનું વાતાવરણ પણ ખુશખુશાલ થઈ ગયું.

અનબીટેબલ ઃ સમસ્યાની ઢગલી હટાવવા એની બાજુમાં સમસ્યાનો મોટો પર્વત ખડકી દેવો એ નરી મૂર્ખામી છે.

-sneha patel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s