phoolchhab newspaper > navrash ni pal column > 12-11-2015
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
– ખલિલ ધનતેજવી
‘સુરમઈને શું સમજ પડવાની બા એમાં…સવાર સવારમાં તમે પણ શું નકામી કચકચ લઈને બેસી જાઓ છો ! ચૂપચાપ તમારા પૂજાપાઠમાં ધ્યાન પૂરોવો ને .’ આરુષનો ઝુંઝવાયેલો અવાજ ડ્રોઇંગરુમની ચાર દિવાલો વચ્ચે ગૂંજી ઉઠ્યો.
‘દીકરા, તું મારી વાત સમજતો કેમ નથી ? આજની સુરમઈ એ આજથી ચાર વર્ષ પહેલાં તું મૂકીને મુંબઈ જતો ગયેલો એ સુરમઈ નથી રહી. આ નાના ગામડાના અનેક મીઠા – કડવા અનુભવોએ સુરમઈને બહુ જ ઘડી છે. એની ઉઠવા બેસવાની- બોલવા ચાલવાની – વિચારવાની સ્ટાઈલ બહુ જ બદલાઇ ગઈ છે. એની સમજણનો પારો સમય સાથે ખસતો ખસતો ખાસો ઉપર જતો રહ્યો છે.તું મારી વાતમાં વિશ્વાસ રાખ બેટા.’ સમજુબા ધીર ગંભીર ને પ્રભાવશાળી અવાજમાં બોલી ઉઠ્યા.
‘બા, તું રહી ભોળી ભાળી. તને વળી માણસોની શું ઓળખ ! કોઇ બે ચાર મીઠા મીઠા લાગણીવાળા વાક્યો બોલે એટલે તું તો એના સો ખૂન પણ માફ કરી દે એવી છું. આજથી ચાર વર્ષ પહેલાંનો એ પ્રસંગ મને હજુ બરાબર યાદ છે જ્યારે સુરમઈ સોળ વર્ષની હતી અને બાજુના ગામનો લબરમૂછિયો એને પટાવી – ભોળવીને પ્રેમના સપના બતાવી બતાવીને એની સાથે બે વર્ષ સુધી મજા કરી ગયો હતો. બે ચાર ફાલતૂની ગિફ્ટ આપીને આને ફોસલાવતો અને આ પાગલ છોકરી એના માટે આપણી પણ સામે થઈએ ઉભી રહી ગયેલી. ના એની પોતાની અક્કલ કે ના આપણી અકકલ પર એને વિશ્વાસ, ઉફ્ફ..યાદ ના કરાવીશ એ સમય બા મને ! ના..ના…આવી બેવકૂફ છોકરી સમજણના ફૂલ ઉગી જાય એ માન્યામાં આવે એવી વાત જ નથી બા. સાવ બુધ્ધુ- સાવ ડોબી – સાવ ગમાર જ….જવા દે ને બા, નાહકનો તું મારું મગજ ના ખા. તું તારે સુખેથી તારા ગોપાલને ભજ. હું આ ચાલ્યો બજારમાં. થોડો આંટો મારતો આવું ને તારા માટે શાકભાજી જેવું લેતો આવું ચાલ.’ ને આરુષ સ્કુટરને કીક મારીને માર્કેટમાં જવા નીકળી ગયો.
મગજમાં રોષનો લાવા ખદબદતો હતો. કાનની બૂટ લાલ થઈ ગઈ હતી. ભ્રમરો કપાળની વચ્ચે ઉંચી થઈને બેમાંથી એક લાઈનમાં ખેંચાઈ ગયેલી, નાકનું ટોચકું પણ થૉડું ચડી ગયેલું. આરુષ -વીસ વર્ષની રુપાળી યુવતી સુરમઈનો કાકો. મુંબઈમાં સારા હોદ્દાની – પૈસાવાળી નોકરી મળતાં એ ગામ ને કુટુંબ છોડીને મુંબઈ જઈને વસી ગયેલો. ત્યાં જઈને વસ્યો તો વસ્યો પછી મુંબઈ એનાથી ના છૂટયું કે મુંબઈની મોહમાયા એ તો રામજાણે પણ સમય નથી કહીને ઘરનાંને ચાર ચાર વર્ષ સુધી સતત ટટળાવ્યાં હતાં. નાછૂટકે સુરમઈના બાપા એટલે કે એના સગાભાઈનું આકસ્મિક મોત થઈ જતાં એણે ગામડે આવવું જ પડેલું. સુરમઈની માતાને જબરદસ્ત આઘાત લાગતાં એ એના મગજનું બેલેન્સ ખોઇ બેઠી અને સાવ પાગલ જ થઈ ગઈ હતી. સમજુબાને ઘરડે ઘડપણ આવા દિવસો જોવાનો વારો આવ્યો હતો. નસીબ – જે સમય વહુ દીકરો એમની ચાકરી કરે એવો આવ્યો હતો ત્યારે એમણે વહુની અને પોતાના બાર વર્ષના પૌત્ર અને વીસ વર્ષની પૌત્રીની જવાબદારી વહન કરવી પડતી હતી. બીજું બધું તો ઠીક પણ હવે ધીમે ધીમે ઘરના ખર્ચા માઝા મૂકી રહ્યાં હતાં. જુવાનજોધ કમાઉ દીકરો તો ભગવાને છીનવી લીધો હતો પણ એની પાછળ એની પાગલ વહુની સારવારમાં ખાસો એવો પૈસો ખર્ચાઈ જતો હતો. એથી સમજુબાએ એના મુંબઈવાસી દીકરાને બોલાવી અને પોતાની પૌત્રી સુરમઈને સાથે લઈ જવા અને ત્યાં કોઇ નોકરી શોધીને એને ત્યાં સેટ કરવા કહ્યું જેના જવાબમાં આરુષને સુરમઈનો ભવ્ય ભૂતકાળ યાદ આવી જતાં ધૂંઆપૂંઆ થઈ ગયો.
‘બા ને ય સમજ નથી પડતી, જે વિચાર આવે એમ બોલ્યાં કરે છે. એમને શું ખબર કે મુંબઈ એટલે શું ચીજ છે ? આપાધાપીના એ શહેરમાં તમે સહેજ પણ મૂર્ખામી કરી તો મુંબઈગરાઓ તમને આખે આખા વેચી આવે ને ડકાર પણ ના લે. પણ બા ને કેમ સમજાવવું આ બધું ? સુરમઈ જેવી ભોટ છોકરીને એના પનારે ક્યાં પાડે છે ? નોકરી તો ઠીક પણ એ તો ત્યાં સામાન્ય ગૃહિણીની જેમ પણ રહી ના શકે. ને રખે ને કોઇ ગુંડો ભટકાઈ ગયો તો બીજા દિવસે તો સીધી કોઇ કોઠા પર જ …ના..ના…આવી આફતની પુડિયાને સાથે લઈ જઉં તો હું પણ નોકરીમાં પૂરતું ધ્યાન ના આપી શકું. કામ ઓફિસમાં કરતો હોઉં ને જીવ તો સાવ ઘરમાં જ રહ્યાં કરે ને પછી તો માંડ માંડ મળેલી ને ટકેલી નોકરીથી હાથ ધોવાનો વારો આવી જાય.વળી હજી તો હું માંડ માંડ સેટ થયો છું. થોડાં વર્ષ આમ જ પૈસા ભેગા કરી શકીશ તો ત્યાંની કોઇ સારી છોકરી મારી સાથે પરણવા પણ તૈયાર થશે એમાં આ બલાને સાથે લઈ જઈને નાહકની ઉપાધી શીદ વહોરવી ! ‘
અચાનક જ સામેથી એક યુવાન દોડતો દોડતો આવીને આરુષના સ્કુટર સાથે આવીને અથડાઈ ગયો ને આરુષના વિચારોને બ્રેક વાગી.
‘ઓ ભાઈ, શું તકલીફ છે ? મરવું જ હોય તો ગામના કુવે જા ને…આમ મારા સ્કુટર સાથે કાં અથડાઈ મરે છે ભૂંડાં..’
‘સોરી, સોરી..’ ને એ હાંફ્ળૉ ફાંફળો યુવાન પાછળ નજર નાંખતો આરુષની બાજુમાંથી નીકળીને આગળની બાજુ દોડી ગયો. એના વિચિત્ર વર્તનથી સ્તબ્ધ થઈ ગયેલો આરુષ સામેની દિશામાં જોઇ રહ્યો અને એની નજરે જે પડયું એના પર વિશ્વાસ ના કરી શક્યો. સામેથી સુરમઈ – એની ભોટ ને પારેવા જેવી ભત્રીજી સાક્ષાત રણચંડીનો અવતાર ધારણ કરીને એક હાથમાં ચંપલ લઈને એ યુવાનની પાછળ દોડી રહી હતી. ચાર વર્ષમાં સુરમઈના દેખાવમાં ખાસો ફરક પડી ગયેલો. એક તો જુવાનીનો સમય અને એમાં ય સુરમઈને થયેલા કડવા અનુભવો પછી સુરમઈના પહેરવેશ – બોલચાલ બધામાંથી પરિવર્તન ટપકી રહેલું દેખાતું હતું. આરુષ તો આસ્ચ્ર્યચક્તિ થઈને એને બાઘાની માફક નિહાળી જ રહ્યો.
‘અરે કાકા, તમે…તમે પેલા મવાલીને કેમ જવા દીધો ? હું મારી સાઈકલ પર જતી હતી અને એ નપાવટ મારું પર્સ ખેંચીને ભાગતો હતો પણ પર્સનો પટ્ટો મારા હાથમાં ફસાઈ ગયો અને પછી તો મેં એ પકડી જ રાખ્યો – એક હાથે સાઇકલનું ગવંડર અને બીજા હાથે પર્સ…બેલેન્સ જતાં સાઇક્લ આડી પડી – થૉડું ઘણું વાગ્યું પણ પર્સનો પટ્ટો ના છોડ્યો તે ના જ છોડ્યો. એટલું જ નહીં પણ છેલ્લાં બે વર્ષથી હું કરાટે શીખું છું એટલે એક ઉંધા હાથની ચોપ મારી તો એ તો સાવ જ મિયાંની મીંદડી થઈ ગયો ને પર્સ છોડીને માડંયો ભાગવા. હાથથી નીકળી ગયો એના નસીબ નહીં તો આજે એનું કચુંબર જ બનાવી કાઢત સાચ્ચે.’
અને આરુષ ફાટી નજરે ગુલાબી સલવાર ને વ્હાઈટ કુર્તામાં વીંટળાયેલી એક છોકરી નામે – સુરમઈ- અર્થાત એની સગી ભત્રીજીના ગોરા રતાશ પકડી રહેલા ગાલને જોઇ રહ્યો. ઢીંચણ પાસેથી એની સલવાર થોડી ફાટી ગયેલી અને એમાંથી લોહી બહાર ડોકાચિર્યાં કરી રહેલું પણ સુરમઈને તો એ ઘાવની કોઇ પડી જ નહતી. એના માટે પર્સ એ જીવન મરણનો સવાલ હતો જાણે. સગી આંખે જોયેલું પણ હજુ માન્યામાં નહતું આવતું કે આ એજ મૂર્ખ, ગભરુ સુરમઈ છે જેને એ ચાર વર્ષ પહેલાં ગામમાં છોડીને ગયેલો. એણે પોતાના જમણાં હાથ વડે ડાબા હાથના કાંડા પર ચૂંટલી ખણી અને ખાત્રી કરી કે એ જે જોઇ રહ્યો હતો એ સત્ય જ હતું. એ આજથી ચાર વર્ષ પહેલાંના અનુભવને આધારે સુરમઈ માટે જે પૂર્વગ્રહો બાંધીને બેઠો હતો એના સમીકરણો તો ઠેઠથી જ ખોટા પડતાં હતાં. આ સામે ઉભેલી સુરમઈ રુપ રંગ અને હિંમતમાં ભલભલી મુંબઈની યુવતીને પણ શરમાવે એવી થઈ ગઈ હતી. બા સાચું જ કહેતાં હતાં પણ પોતે મગજમાં બાંધી દીધેલી અનુભવોની ગ્રંથીથી પીડાતો રહ્યો અને બા ને પણ પીડતો રહ્યો. બાની સમજુ અને પરિપકવ નજરે સુરમઈના જે સુધારા નોંધ્યા હતાં આરુષને તો સુરમઈ એનાથી પણ ક્યાંય આગળ લાગી. આજના પ્રસંગના નજરે સાક્ષી બન્યાં પછી એને સુરમઈ પોતાની ભત્રીજી છે એમ વિચારીને ગર્વ થવા લાગ્યો હતો. મનોમન એ બે ઘડી પોતાના ઘરસંસારના વિચારમાં સ્વાર્થી બની ગયેલો એ વાત પર શરમ પણ આવી ગઈ ને બાની માફી માંગી લીધી અને સુરમઈને મુંબઈ લઈ જઈને નોકરી અપાવવાનો, સેટ કરી દેવાનો નિર્ણય કરી દીધો.
અનબીટેબલ ઃ ધસમસતા નીરના વહેણ જોઇને હાથમાં ટમટમતાં દીવાની જાત પરથી વિશ્વાસ ખોઇ ના બેસાય.
-સ્નેહા પટેલ.