બિચારી – બાપડી.

ફૂલછાબનો ૨૮-૧૦-૨૦૧૫નો ‘નવરાશની પળ’ કોલમનો લેખ.

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી.
~રાજેશ વ્યાસ’મિસ્કિન’.

 

ઘડિયાળનો કાંટો ટીક..ટીક કરતો ધીમી પણ મક્કમ ચાલે અવિરતપણે એની નિર્ધારીત ગતિ કાપી રહ્યો હતો. એને રોકવાનું કોઇ માઈના લાલની તાકાત નહીં. હા બહુ બહુ તો માનવી ઘડિયાળ બંધ કરી શકે, એની પહોંચ માત્ર એટલી જ સ્તો. બાકી સમય તો અદ્રશ્ય જ..જે જોઇ જ નથી શકાતું એને રોકવાનું કેવી રીતે શક્ય બને ? સમયની આ દાદાગીરી સામે ભલભલા ભડ માણસે પણ માથું નમાવવું પડે છે. નોરેલ પણ એને નતમસ્તક જ હતો. શક્ય એટલી બધી ધમાલ કરીને એ તૈયાર થયો તો પણ ઘડિયાળનો આપખુદી નાનો કાંટો દસ અને મોટો બાર પર પહોંચી જ ગયો હતો અને બે ય જણ ભેગાં થઈને કાચના આવરણ પાછળથી નોરેલની હાંસી ઉડાવી રહ્યાં હતાં.

‘નીરંતિકા, છાપું પછી વાંચજે પહેલાં મારું ટીફિન ભરી દે પ્લીઝ. બહુ જ મોડું થઈ ગયું. આજે દસ વાગે તો મારે મીટીંગ હતી પણ હું તો..’ અને ફટાફટ મોબાઈલ ગાડીની ચાવી લઈને એ સોફા પર બેસીને મોજાં પહેરવા લાગ્યો.

‘નવાઈના તમે ઓફિસે જાઓ છો તે રોજ આમ બૂમાબૂમ. અમે બૈરાંઓ ય આખો દીવસ ઘરમાં ઢસરડાં જ કરીએ છીએ પણ તમને પુરુષોને કદી કયાં એ દેખાય જ છે. આજે દુનિયા એકવીસમી સદીમાં પહોંચી ગઈ પણ આપણાં ઇન્ડીઅન પુરુષોની મેન્ટાલીટી ના સુધરી તે ના જ સુધરી. સવારના છ વાગ્યાંના ઉઠ્યાં હોઇએ ને માંડ અત્યારે ઘડી શ્વાસ ખાવા બેઠાં એમાં ય તમારા ઓર્ડરની તોપ ફૂટવા લાગે. સાલ્લું અમારા બૈરાંઓની તે આ જિંદગી છે કંઇ ?’

બે પળ નોરેલનો હાથ મોજાં પહેરતાં પહેરતાં અટકી ગયો અને મગજનો પારો હાઈ થઈ ગયો પણ વળતી જ પળે એણે ગુસ્સા પર કાબૂ મેળવી લીધો અને ‘આની સાથે મગજમારી કરીને સમય અને મગજ બે ય ખરાબ કરવા કરતાં બહારથી કંઈક મંગાવી લેવું વધુ સારું’ એવું વિચારીને શૂઝ પહેરીને ઓફિસ જવા નીકળી ગયો.

કોઇ જ રીએક્શન ના આવતાં નીરંતિકાની ખોપડી ઓર છટકી પણ એની આજુબાજુ કોઇ હતું નહીં કે જે એને પંપાળે અને એને સાચી પૂરવાર કરી શકે. ગુસ્સાનો લાવા બહાર કાઢવો જરુરી હતો નહીંતર એનો આખો દિવસ આમાં જ જાય પણ શું કરે..અચાનક એને પોતાની ઇન્ટીરીઅર ડિઝાઈનર ફ્રેન્ડ અવની યાદ આવી અને સંકટ સમયની સાંકળને ખેંચીને એનો મોબાઈલ નંબર ડાયલ કર્યો.

‘હાય નીરુ, અત્યારના સવાર – સવારમાં કેમ યાદ કરી મને બકા?’

‘કંઇ નહીં યાર, આ પુરુષો આપણને સાવ એમના પગની જૂતી જ સમજે છે. એ લોકો ઓફિસમાં કામ કરવા જાય છે તો આપણે ઘરમાં બેસીને જલસાં કરીએ છીએ એમ ?’ ધૂંધવાયેલી નીરંતિકાને પોતાને જ પોતાનો પ્રોબ્લેમ નહતો સમજાતો તો અવનીને કેમની સમજાવે ? અવની એને બરાબર ઓળખતી હતી. ધીમે ધીમે એણે નીરંતિકા પાસેથી આખી વાત જાણી લીધી અને એને વાતનું હાર્દ સમજાઈ ગયું. જોકે અવનીને પણ ઓફિસે જવાનું મોડું થતું હતું પણ આજે એવું કોઇ ખાસ ઇમ્પોર્ટન્ટ કામ નહતું કે થોડો ઘણો સમય એ નીરંતિકાને ના આપી શકે. એણે ધ્યાનથી વાત સાંભળી અને બોલી,

‘નીરુ, આ આખીય વાતમાં નોરેલે તને એના ટીફિન ભરવા સિવાય કોઇ જ વાત કરી એવું તો ખ્યાલ આવતો જ નથી. વળી એને દસ વાગ્યે આજે મીટીંગ હતી અને એ વાત તું પણ જાણતી હતી તો એમાં ખોટું શું બોલ્યો ?’

‘વાત એમ નથી, તું સમજતી નથી. આ બધા પુરુષો આપણને સ્ત્રીઓને એક કામ કરવાનું મશીન જ સમજે છે. એ લોકોને આપણાં કામની કોઇ કદર જ નથી કરતાં. માંડ છાપું લઈને બેઠીને એમના ઓર્ડર ચાલુ…’

‘નીરુ, એક વાત કહે તો..તારા ઘરે ઘરઘાટી , રસોઇઓ અને ડ્રાઈવર સુધ્ધાં છે તો નોરેલ ઓફિસે જાય પછી તું શું કરે છે ?’

‘અરે..ઘર છે તો કેટલાં કામ હોય..એના ગયા પછી મારે નાહવાનું, પૂજા પાઠ કેટલું બધું કામ હોય છે ! સવારના છ વાગ્યાંની ઉઠી હોવું તો બે છોકરાંઓને તૈયાર કરીને એમને સ્કુલે મોકલવાનાથી માંડીને અમારી ચા મૂકવા સુધી કેટકેટલું કામ પહોંચે છે મારે..માંડ બપોરે એક વાગ્યે જમીને પરવારીએ પછી થૉડી વાર ટીવી જોવું, સૂઇ જઉં થોડી વાર આજુબાજુ વાળાઓ સાથે પંચાત કરું ને ત્યાં તો છોકરાંઓ આવી ચડે એથી એમના દૂધ – ચા બનાવું. આખો દિવસ બીઝી..બીઝી યાર…’

અને સામે પક્ષે અવની ખડખડાટ હસી પડી.

‘નીરંતિકા, એક તો તું આ આડીઅવળી નારીવાદી વાર્તાઓ વાંચવાનું બંધ કર. તારા મગજમાં ઢગલો કચરો ભરાઈ ગયો છે. જો હું પણ એક સ્ત્રી છું ને ઘરનાં બધા કામ ઉપરાંત હું ઓફિસ પણ સંભાળુ છું પણ મને તો કદી તારા જેવી ફીલિંગ નથી આવતી. સાચું કહું તો તું એક મલ્ટીટેલેન્ટેડ સ્ત્રી છું. તું તારો સમય પંચાત કરવામાં. ખોટું ખોટું વિચારીને દિમાગ ખરાબ કરવામાં ને ટાઇમપાસના રસ્તાઓ શોધવામાં બગાડે છે. તારી પાસે ઢગલો ફાજલ સમય છે એનો સદૌપયોગ કરીને તારે થોડાં પૈસા કમાતા શીખવું જોઇએ. આપણે સ્ત્રીઓ સવારે ને સાંજે રસોઇ કરીએ તો પુરુષો ય આખો દિવસ ધંધા – નોકરીમાં મજૂરી કરે જ છે ને..એ લોકો તો ક્યારેય આટલી બૂમાબૂમ નથી કરતાં. એકચ્યુઅલી આપણા મનમાં જ લઘુતાગ્રંથી ઘુસી ગઈ છે યા તો યેન કેન પ્રકારેણ મગજમાં ઘુસાડી દેવામાં આવી છે. દરેક સ્ત્રી બાપડી બિચારી નથી હોતી ને તું તો સહેજ પણ નથી, ઇન ફેક્ટ હું તો તને વર્ષોથી જાણું છું, તારી લાઈફ સ્ટાઈલ પણ ખબર છે તો થોડા કડવાં શબ્દોમાં કહું તો તું સાવ નવરી જ છું જે પોતાને બાપડી બિચારી ગણીને રોદણાં રડવામાંથી જ ઉંચી નથી આવતી. બાપડી બિચારી તો તારા ઘરની કામવાળી છે કે જે સવારની પાંચ વાગ્યાની ઉઠીને પોતાના ઘરનું કામ પતાવીને પછી તારા જેવી દસ શેઠાણીઓના ઘરના કામ કરે અને ઘરે જઈને એના ઘરવાળાની ગાળો ખાય, ઓર્ડર – નાઝ નખરાં ઉઠાવે. બાકી તારા જેવી કે જેના ભાગે ઘરની અડધીથી ય ઓછી જવાબદારી છે એ બાપડી – બિચારીના રોદણાં કેવી રીતે રડી શકે એ જ નથી સમજાતું ડીઅર, સોરી પણ હવે આ વાત પર તું તારી જાતે જ વિચારજે મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે તો હું નીકળુ છું.’

અવનીએ કહેલી વાતો તો નીરંતિકાનું મન પણ જાણતું હતું એથી એ કોઇ વિરોધ કરી શકે એવી સ્થિતીમાં પણ નહતી. જોકે પ્રિય સહેલીની કડવી વાતોથી દિલના એક ખૂણામાં ઉજાસની એક કિરણ ચોકકસ ફૂટી નીકળેલી, બસ સૂરજ ઉગી નીકળે એટલી જ વાર હતી.

અનબીટેબલ ઃ સત્યનો સ્વીકાર અંતે સુખની મંઝિલ સુધી પહોંચાડે છે.

One comment on “બિચારી – બાપડી.

  1. ખુબ સરસ લેખ…નરસિંહ મહેતા એ કહ્યું છે ને કે “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટ નો ભાર જેમ શ્વાન તાણે” (ગાડા નીચે ચાલતું કુતરું એમ સમજે છે કે મારા થકી જ ગાડું ચાલે છે તે જ અહંકાર…) પતિ-પત્ની નો સંબંધ હોય કે પછી કોઈપણ સંબંધ હોય તેમા એકબીજા વચ્ચે સમજણ હોવી જરૂરી છે, તેમા અહ્‍મ ને કોઈ સ્થાન નથી અને બીજુ કે સમજણ વિનાનુ શાણપણ નકામું. એકબીજા એ કામમાં મદદરૂપ થવું જોઈએ,એ સમજવાની વાત છે. તેમાં ગેરવાજબી દલીલને કોઈ સ્થાન નથી. જયારે સંબંધમાં ગેરવાજબી દલીલ આવે ત્યારે સંબંધ બગડે છે. હા જીવનમાં કોઈની યોગ્ય સલાહનો સ્વીકાર કરી જીવનમાં ઉતારવાથી સંબંધને ફરીથી નવપલ્લવીત બનાવી શકાય છે. આ લેખમાં તમે સરસ વાત કરી કે “સમયની આ દાદાગીરી સામે ભલભલા ભડ માણસે પણ માથું નમાવવું પડે છે. કહેવાય છે ને કે “સમય સમય બલવાન નહી બલવાન મનુષ્ય”. Best line of the Article “અનબીટેબલ – સત્યનો સ્વીકાર અંતે સુખની મંઝિલ સુધી પહોંચાડે છે.” સરસ લેખ લખવા બદલ અભિનંદન…આભાર

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s