phoolchhab newspaper > 23-09-2015 > navrash ni pal column
છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે,
એમ લાગ્યું કે બસ મૄગજળ સુધી ચાલ્યા અમે !
– સુરેશ વિરાણી
‘દિત્સુ, આ સમાચાર વાંચ્યા કે ?’
‘શું છે ચાણક્ય , સવાર સવારમાં કેમ આમ બૂમાબૂમી કરી મૂકી છે તેં?’
‘આ તો તું રહી આધ્યાત્મિક જીવડો અને એ બાબતે મને આ સમાચારમાં કંઇક નવું લાગ્યું એટલે ઉત્સાહ વધી ગયો યાર, તને નહીં ગમતું હોય તો નહીં વાત કરું જા.’
અને ચાણક્યનું મોઢું પડી ગયું.
‘ઓહ મારો ચારુ, સોરી ડાર્લિંગ. મારો કહેવાનો મતલબ આવો નહતો. હું થોડી રસોઇ પતાવવાની ઉતાવળમાં હતી એટલે ‘વૉઇસ ટોન’ તને એવો લાગ્યો હશે. બોલ બોલ શું નવી નવાઈના સમાચાર છે ?’
અને ચાણક્ય એકદમ ઉત્સાહમાં આવી ગયો. પેપર ખોલીને પેજ નંબર પાંચ પર રહેલી ચોથી કોલમના ન્યુઝ દિત્સાને બતાવવા લાગ્યો.
‘આ જો, આ બાબા કેવા મહાન છે ! એ વર્ષોથી એકાંતવાસ ગાળે છે અને ચૂપચાપ સાધના કરે છે. આ સાધનાના પરિણામે એ બાબાને ઝાડ,પાન, ઝરણાં, પક્ષી..અત્ર તત્ર સર્વત્ર..બધ્ધે બધ્ધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. કેવો ઉચ્ચકોટીનો આત્મા કહેવાય આ કેમ ? આપણે આવા લેવલે ક્યારે પહોંચીશું દિત્સુ ?’
દિત્સાએ ચાણક્ય પાસેથી પેપર લઈને ધ્યાનથી ન્યૂઝ વાંચ્યા. ચાણક્ય સાચું કહી રહ્યો હતો. બે પળ તો એ પણ વિચારમાં પડી ગઈ. દિત્સા બાળપણથી જ આધ્યાત્મમાં ખાસી રુચિ ધરાવતી હતી અને સદા એ આચાર વિચારોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેતી હતી. એના એ જ સાદાઈભર્યા સ્વભાવને લઈને ચાણક્યને એ બહુ જ પસંદ હતી. પણ આ જે વાત કરી એવી તો દિત્સાના જીવનમાં ક્યારેય નહતી બની. એ પણ ભગવાનના દર્શનની ઇચ્છા ધરાવતી હતી, એના માટે ચાતક નજરે રાહ પણ જોતી રહેતી હતી. અચાનક એનો પાંચ વર્ષનો મીઠડો -એનો દીકરો એની સામે આવ્યો. એના હાથમાં ‘યૉ યૉ બોલ’ હતો.
‘મમ્મા, આ જુઓ તો આ લાલરંગનો બોલ ગોળ ગોળ ફેરવું છું તો પીળો બની જાય છે કેવું મેજીક છે ને!’
અને મીઠડો યૉ યૉ બોલને સ્પીડમાં હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો ને દિત્સા હસી પડી.
‘અરે બેટા, આ તો આપણો ભ્રમ – ઇલ્યુશન છે. બોલ તો હકીકતે લાલ જ છે. એને ઝડપથી ફેરવે એટલે એ પીળો કલરનો લાગે’ આટલું બોલતાં બોલતાં તો દિત્સુના મગજમાં કંઈક નવાઈની ક્લીક થઈ અને એ એક્દમ જ ખુશ થઈ ગઈ.
‘ઓહ મમ્મા, એવું હોય કે ? ‘ ને મીઠડાંના ભોળા મુખ પર અચરજના રંગ લીંપાઈ ગયા.
‘હા દીકરા,એવું જ હોય.’ અને દિત્સાએ મીઠડાંને નજીક ખેંચીને એના ગાલ પર પપ્પી કરીને વ્હાલ કરી લીધું.
‘ચાણક્ય એક કામ કર તો આ બાબાને આપણાં ઘરે આવવા માટે આમંત્રણ આપ તો, છાપામાં એડ્રેસ છે જ. મારે એમની સાથે થૉડી વાત, સત્સંગ કરવો છે.’
‘ઓકે મેડમ, જેવો આપનો હુકમ’ અને ચાણક્ય એ ફોન કરીને બાબાની બે દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મેળવી લીધી.
બે દિવસ પછી,
‘અહાહા, શું સુંદર અને પોઝિટીવ વાતાવરણ છે દીકરા તારા ઘરનું , અહાહા… પગ મૂકતાં જ હું તો પ્રસન્ન થઈ ગયો ! ‘ બાબા દિત્સાના ઘરમાં પ્રવેશ કરતાં જ બોલી ઉઠયાં.
‘જી આભાર બાપજી.’દિત્સા સાવ ટૂંકાણમાં જ બોલી. જાતજાતના ફળાહાર કરાવીને શાંતિથી દિત્સા અને ચાણક્ય બાબાની સાથે બેઠાં.
‘બાપજી, એક વાત કહો તો. તમને આ જે વૃક્ષ, પહાડ, નદી બધી જ જગ્યાએ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી ?’
‘હા બેટા, મેં વર્ષોથી એનો અભ્યાસ કર્યો છે. તપસ્યા કરી છે એટલે આજે હું ઇશ્વરને જોઇ શકવા સક્ષમ થઈ શક્યો છું. બધી ઉપરવાળાની મહેરબાની.’
અને આટલું બોલતાં બોલતાં તો બાપજીનું મોઢું તેજથી, અનોખી આભાથી ભરાઈ ગયું.
‘અચ્છા બાપજી, તમે આજનો દિવસ અહીં મારા ઘરે રોકાશો ? પણ હા એક શરત – તમે ક્યાંય ઇશ્વરને શોધવાનો પ્રયત્ન ના કરતાં.’
દિત્સાએ ખૂબ જ ભાવપૂર્વક બાબાને આમંત્રણ આપ્યું અને બાબા એનો અસ્વીકાર ના કરી શક્યાં. સાંજે જમી કરીને થોડી વાતો કરીને નિત્યક્રમ મુજબ સાડા દસ વાગે બાબા ‘ગેસ્ટરુમ’માં સૂવા ગયાં.
સવારે દિત્સા ઉઠીને રસોડામાં ગઈ તો બાબા ઘરની ગેલેરીમાં ઉદાસ મોઢે બેઠેલાં દેખાયા અને દિત્સા ગભરાઈ ગઈ.
‘શું થયું બાપજી ? કેમ આમ ઉદાસ ?’
‘તમે મારા ઇશ્વર છીનવી લીધાં. કાલથી મેં બધે ભગવાનને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધો તો હવે એ મારાથી રિસાઈ ગયા. મારી વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું.’
અને દિત્સા ધીમું હસી પડી.
‘બાપજી એક વાત કહું. તમે જે ઇશ્વરને જોતાં હતાં એ તો તમારી કલ્પના માત્ર હતી. તમે તમારી નજર, દિમાગને એ રીતે જ ટ્રેઈન કરેલું પણ હકીકત ને કલ્પના બહુ અલગ હોય છે. તમારે નદી, ઝરણામાં ઇશ્વરને શું કામ શોધવાના ?’
‘મતલબ ?’
‘મતલબ એ જ કે તમારે એ લેવલે તમારી સાધનાને લઈ જવાની કે તમને ચોતરફ ફકત ને ફકત ઇશ્વર જ દેખાય. પ્રશ્ન એ થવો જોઇએ કે નદી – ઝરણાં ક્યાં ગયાં ? કારણ – જે છે એ તો બધું જ ભગવાન જ છે ! આ વાત, અનુભવ માણસ જ્યારે પોતાની જાતને ભૂલી જાય અને પોતાની અંદર જ ઇશ્વરને શોધવાનો યત્ન કરે ત્યારે જ શક્ય બને. આટલા વર્ષોના મારા ચિંતન, મનન પછી હું તો આટલું જ જાણી શકી છું. બાકી તો આપ વધુ અભ્યાસુ.’
‘હા દીકરી, અભ્યાસ તો વધારે છે પણ કોર્સ ખોટો હતો. હું તારી વાત સમજી શકું છું અને એની સાથે સર્વથા સહમત પણ થાઉં છું. મને રાહ ચીંધવા બદલ ખૂબ ખૂબ આભાર.’
અનબીટેબલઃ ઘણીવાર પ્રયત્નોથી ના મળે એ સહજતાથી જરુર મળી શકે.
-સ્નેહા પટેલ.
like it and nice telling.
LikeLike
thnx a lot himanshubhai.
LikeLike
Very nice expression!
LikeLike
ઇશ્વરની શોધ:- ” ‘મતલબ એ જ કે તમારે એ લેવલે તમારી સાધનાને લઈ જવાની કે તમને ચોતરફ ફકત ને ફકત ઇશ્વર જ દેખાય. કારણ – જે છે એ તો બધું જ ભગવાન જ છે ! આ વાત, અનુભવ માણસ જ્યારે પોતાની જાતને ભૂલી જાય અને પોતાની અંદર જ ઇશ્વરને શોધવાનો યત્ન કરે ત્યારે જ શક્ય બને. આટલા વર્ષોના મારા ચિંતન, મનન પછી હું તો આટલું જ જાણી શકી છું. બાકી તો આપ વધુ અભ્યાસુ.’[દિત્સા]
‘હા દીકરી, અભ્યાસ તો વધારે છે પણ કોર્સ ખોટો હતો.‘તમે મારા ઇશ્વર છીનવી લીધાં. કાલથી મેં બધે ભગવાનને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધો તો હવે એ મારાથી રિસાઈ ગયા. મારી વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું.’ હું તારી વાત સમજી શકું છું અને એની સાથે સર્વથા સહમત પણ થાઉં છું. મને રાહ ચીંધવા બદલ ખૂબ ખૂબ આભાર.’
અનબીટેબલઃ ઘણીવાર પ્રયત્નોથી ના મળે એ સહજતાથી જરુર મળી શકે.”[ ચાણક્ય બાબા]
ખૂબજ સરસ સંવાદ .યથાર્થ પણ … આ ગમ્યું કારણકે, ટ્યુનીંગ જામ્યું …. ઘંટડી વાગી ! [ કંઈક]
LikeLiked by 1 person