માતૃભાષા.

publishd today in phulchhab papaer – panchamrut > navrash ni pal column

હું ય જીવી શકું ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !
-લેખિકાના સંગ્રહ ‘અક્ષિતારક’માંથી.

‘આદિ, જો તો ‘ઇસ્ટ’માં પેલો ‘સન’ કેવો ઉગ્યો છે ! યુ નો, સવારે મોડે સુધી બેડમાં પડ્યાં રહીએ ને તો સનદાદાને બહુ ગુસ્સો આવે, એમને એમ લાગે કે તમે એમનું અપમાન કરો છો.એ સવારના વહેલાં ઉઠીને કેવા કામે લાગી જાય છે અને તમે હજુ બેડમાં ઘોર્યા કરો છો. ચાલ તો બેટા બહુ થયું ઉઠ હવે, સાડા આઠ થઈ ગયાં.’
સુપ્રિયાબેન એમના બાર વર્ષના પૌત્ર આદિના વાળમાં હાથ પરોવીને એને વ્હાલથી ઉઠાડી રહ્યાં હતાં. આજે રવિવાર હતો અને રવિવાર એટલે મજ્જાનો વાર. આખું અઠવાડિયું તનતોડ મહેનત કરી કરીને ટયુશન – ક્રિકેટ કોચીંગ ક્લાસીસ અને સ્કુલના ટાઈમટેબલીયા દિવસમાંથી માંડ થોડી રાહત મળે નહીં તો રોજ તો સવારના પાંચ વાગ્યાના ઉઠીને તૈયાર થવાનું હોય. આદિ દાદીના અંગ્રેજીમિશ્રિત ગુજરાતીમાં બોલાયેલા ગાંડાઘેલાં શબ્દોની મજા માણી રહ્યો હતો ને મનોમન હસી રહ્યો હતો. એની દાદી એટલે એની બેસ્ટ ફ્રેન્ડ. એની મમ્મી તો પહેલેથી જ જોબ કરતી હતી અને પપ્પા ધંધામાં બિઝી…એટલે આદિનું બાળપણ એના દાદી સાથે વીત્યું હતું. વળી મા બાપનો એકનો એક દીકરો એટલે બધાંયનો લાડકો દીકરો. પણ લાડકોડનો મેક્સીમમ ફાયદો ઉઠાવનારો આદિ એ જ લાડપાડનો કદી ગેરફાયદો નહતો ઉઠાવતો. લાડપાડની પૂરી મજા પણ માણતો અને પોતાની જવાબદારી અને મર્યાદ પણ પૂરી રીતે સમજતો હતો. સનદાદાના ગુસ્સાથી ડરીને તો નહીં પણ દાદીની મીઠી વાતોથી એની ઉંઘ ઉડી ગઈ અને પલંગમાં બેસીને હાથ ઉંચા કરીને આળસ મરડતાં બોલ્યો,
‘દાદી, ખુશ ? મને એક વાત કહો તો, તમે ગુજરાતી માધ્યમમાં ભણેલાં કે અંગ્રેજી માધ્યમમાં ?’
‘ગુજરાતી જ સ્તો. કેમ આવું પૂછે છે પણ ?’
‘દાદી, તમે કાયમ ગુજરાતીને અંગ્રેજીનું કોકટેલ કરો ને એટલે મારાથી પૂછાઈ ગયું. તમારું ગુજરાતી કેટલું સરસ છે એ મને ખબર છે તો મને એ નથી સમજાતું કે પ્યોર ગુજરાતી છોડીને તમે આવું તૂટ્યું ફૂટ્યું કેમ બોલો ? અંગ્રેજીનો આટલો મોહ કેમ દાદી ?’

‘દીકરા, મને મારી માતૃભાષા બહુ જ ગમે છે પણ એનો અતિઆગ્રહ મને સહન નથી થતો. જમાનાની સાથે ચાલતાં ચાલતાં અંગ્રેજી મિક્સ કરવાની આદત પડી ગઈ છે. તને જ્યારે સ્કુલમાં મૂકવાનો હતો ને ત્યારે તારા દાદા સાથે મારે મોટો ઝગડો થયેલો. એ તને ગુજરાતી માધ્યમમાં મૂકવાનું કહેતાં હતાં અને હું અંગ્રેજી માધ્યમની તરફેણમાં. ફકત અંગ્રેજી જ નહીં મારે તો તને ઓકસફર્ડનો કોર્સ જ કરાવવો હતો. અંગ્રેજી ભણતરમાં ય કેટકેટલું ને આપણે ગુજરાતી પક્ડીને બેસી રહીએ તો ક્યાં મેળ પડે ?’
‘હા દાદીમા, મમ્મીએ આ વાત મને કરેલી. દાદી આ જીદ્દની પાછળનું કારણ શું?’
‘જો બેટા, હું મારી માતૃભાષાને ખૂબ જ પ્રેમ કરું છું પણ એની મર્યાદાઓ એ મને જીવનમાં બહુ પાછળ રાખી દીધી છે. મારા ફેમિલીમાં અંગ્રેજીનો જડબેસલાક વિરોધ થાય એટલે મારે અંગ્રેજી સાથે કોઇ જ ઘરોબો ના કેળવાયો. વળી સ્કુલમાં અંગ્રેજી એક વિષયની જેમ ભણી ખરી પણ એમાં માસ્ટરી ના જ આવી તે ના જ આવી. મારી કેરિયર બનાવવામાં મને અનેક જગ્યાએ આ ‘અંગ્રેજી’ તકલીફો નડી. અજાણતાં જ મનમાં ને મનમાં ગુજરાતી ભાષાની લિમિટેશન માટે માટે એક ગુસ્સો પનપતો ગયેલો જે ક્યારે હું વાતવાતમાં ગુજરાતીમાં અંગ્રેજી મિક્સ કરીને બોલી બોલીને શાંત કરતી થઈ ગઈ એ મને ય ખબર ન પડી. જમાનો વીતતા આ મોબઈલ, કોમ્પ્યુટરના જમાનામાં અંગ્રેજીનું ચલણ ખૂબ જ વધવા લાગ્યું અને જરુરિયાતમાંથી એ ‘મસ્ટ નેસેસરી’ થઈ ગયું. અંગ્રેજી ના આવડે તો તમે ક્યાં જાઓ ? આપણાં લોકો માતૃભાષાને પ્રેમ ખૂબ જ કરે છે અને એને જીવતી રાખવાના તનતોડ પ્રચારો પણ કરે છે પણ એક વાત કહે દીકરા કે ગુજરાતીને બચાવવી જ હોય તો તમે એ જ ભાષામાં રોજગારીની નવી નવી તક કેમ ઉભી નથી કરતાં ? ભૂખ્યાં પેટે તો રામ પણ નથી ભજાતાં દીકરા જ્યારે આ તો આખી જિંદગી જીવી જવાની વાતો છે. ખરેખર જો ગુજરાતી માટે પ્રેમ હોય તો લોકોએ દરેક જગ્યાએ ગુજરાતી ભાષાનું ચલણ રાખીને એના થકી સંતોષકારક રોજગારી મળી રહે એનો પ્રયાસ કરવો જોઇએ પણ આપણે ત્યાં તો એજ જૂના પુરાણા સાહિત્યની વાતો કરી કરીને ભાષાની સ્થિતી પર રોદણાં જ રડ્યાં કરાય છે. ‘ગુજરાતી મા અને અંગ્રેજી માસી’ એવી બધી વાતોમાં સામાન્ય નાગરિકોને કોઇ રસ નથી હોતો. સૌથી પહેલાં કોઇ પણ માનવી એનું, એના પરિવારનું પેટ ભરવાનું જ પસંદ કરે અને એના માટે આજકાલ અંગ્રેજી ભણતર મસ્ટ થઈ ગયું છે. અંગ્રેજીની લાંબી લીટી જોઇને જીવ બાળ્યાં કરતાં આપણે આપણી લીટી લાંબી કરવાનું કેમ નહીં વિચારતા હોઇએ મને એ જ વાતની નવાઈ લાગે છે. વળી એ લીટી લાંબી ના થઈ શકતી હોય એટલે બીજાની લીટી ખોટી એમ તો ના જ કહેવાય ને ? બીજી લીટીની લંબાઈની અનિવાર્યતા સ્વીકારી લેતાં શીખવું જ પડે. પોતાનું જીવન સુવિધાજનક બની રહે એવા પ્રયત્નો કરવા એ કોઇ જ રીતે ખોટું નથી, દરેક માનવીને એ હક છે. જો દરેક ગુજરાતીને કામ ધંધાની, એ જેને લાયક હોય એવી લાઈફસ્ટાઈલ મળી રહે એવા પ્રયત્નો કરાય તો હું હનડ્રેડ પરસેન્ટ શ્યોર છું કે કોઇ માઈનો લાલ અંગ્રેજીનો આટલો મોહ ના રાખે, કદાચ ખપ પૂરતું અંગ્રેજી શીખે એની ના નહીં પણ એનું ચલણ આટલું તો ના રહે. આજે જ્યારે ઠેર ઠેર અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલી રહી છે અને એમાં મોંઘી દાટ ફી ભરી ભરીને લોકો પોતાના છોકરાંઓને ભણાવી પણ્ર રહ્યાં છે એ શું સૂચવે છે ? શું એ બધા મૂર્ખા છે ? પોતાના સંતાનો ભૂખ્યાં રહીને પણ ય માતૃભાષાની ચિંતા કરવામાં જીવન ગાળે એવું તો કોઇ જ ના વિચારે ને ? હા પોતાનું સંતાન પોતાની માતૃભાષાનું ગૌરવ જાળવે, એને બરાબર રીતે લખતાં વાંચતાં શીખવે એટલું જોવું એ દરેક ગુજરાતી મા બાપની ફરજ છે, પણ ગુજરાતી – ગુજરાતી કરીને બેસી રહે અને અંગ્રેજી કે ઇવન હવે તો જર્મની, ફ્રાંસ જેવી ભાષાઓ પણ ચલણમાં આવવા લાગી છે એનો વિરોધ કર્યા કરે એ તો સહેજ પણ યોગ્ય નથી. સમયની માંગ અનુસાર તમે બદ્લાઈ ના શકો તો સમય તમને તોડી નાંખે અને તૂટેલો માણસ પોતાનું ગૌરવ જાળવી ના શકે તો પોતાની ભાષાનું ગૌરવ તો ક્યાંથી જાળવવાનો ? થોડા ઉદાર થઈને આપણે બીજી ભાષાઓનો સ્વીકાર કરીએ તો એમાં આપણી માતૃભાષાને અન્યાય કરી દીધો એવું તો ના જ હોય ને , આપણી માતૃભાષા એટલી માંદલી થોડી છે ? સલાહ – સૂચનો કરતાં પણ માનવીની જીવનજરુરિયાત મહાન હોય છે જો ખરેખર આપણી માતૃભાષામાં યોગ્ય રોજગારીની તકો વિક્સાવાય તો જ આપણે એની તરફેણ કરીને એને ‘મસ્ટ’ બનાવવાની વાત કરવાને લાયક છીએ બાકી ભૂખ્યાં પેટે તો પહેલાં ય કહ્યું એમ..ભજન ના થાય ભૈલા..! આજના સુપરસ્પીડી જમાનામાં કોઇને ભાષાઓ વિશે વિચારવા માટે તો શું પણ શ્વાસ લેવાનો ય સમય નથી. એમને તો ‘જે કામમાં એ જબાનમાં’ જેવી હાલત છે. ‘
આદિની ઉંઘ દાદીના પુણ્યપ્રકોપથી પૂરેપૂરી ઉડી ચૂકી હતી. પોતે અંગ્રેજી માધ્યમમાં ભણે એની પાછળ આટઆટલી વાતો કામ કરતી હતી એનો તો એને અંદાજ સુધ્ધાં નહતો. વળી અંગ્રેજી માધ્યમમાં ભણતો હોવા છતાં દાદીએ શીખવેલા ગુજરાતી ભાષા થકી એ બહુસારી રીતે ગુજરાતી ભાષા સાથે સંકળાયેલ હતો. બે મહિના પહેલાં જ એના દાદીએ એને એમની નાતમાં ‘ હું છેલછ્બીલો ગુજરાતી’ વિષય પર ડીબેટમાં ભાગ લેવા માટે સરસ રીતે તૈયાર કરેલો અને એ એમાં પ્રથમ પારિતોષક પણ લઈ આવેલો. કોઇ વધુ ઉપયોગી હોય તો બીજુ નિરુપયોગી કેમ બની જાય એ વાત એના નાનકડાં ભેજાને નહતી સમજાતી.આ ભાષાના ઝગડાંમાં પડવું એને સમય બરબાદ કરવા જેવું લાગ્યું અને આજે તો એણે એના ફ્રેન્ડ માટે એક સોફ્ટવેર શોધવાનું કામ કરવાનું હતું. આવું બધું વિચારવા એની પાસે સમય જ ક્યાં હતો !
અનબીટેબલ ઃ ફિલોસોફીથી વાસ્તવિકતા ઘડવાના પ્રયત્ન કરવો એના કરતાં વાસ્તવિકતા પરથી ફિલોસોફી ઘડાય તો એ વધુ અર્થપૂર્ણ બની રહે છે !
-sneha patel.

One comment on “માતૃભાષા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s