સેલ્ફી વીથ ડોટર

phoolchab newspaper > 15-07-2015 > navrash ni pal column
#સેલ્ફી વીથ ડોટરઃ

મેજ, બારી, બારણાં ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં.

-ચંદ્રેશ મકવાણા.

‘ લોકો આટલી સરસ રીતે સેલ્ફી કેમના ખેંચતા હશે એ જ નવાઈ લાગે છે મને તો. હું તો ક્યારની મારા ક્યુટડા દીકરા વ્હાલ સાથે એક સેલ્ફી લેવાનો પ્રયત્ન કરું છું પણ અમુકમાં ફેસ લાંબો થઈ જાય છે, તો અમુકમાં જાડો,અમુકમાં બ્લર. વળી દસ વખત પ્રયત્ન કરું છું ત્યારે તો માંડ એક વખત મોબાઈલના સ્ક્રીન પર અંગૂઠો સેટ થાય અને બરાબર રીતે ક્લીક થાય છે. મોટાભાગે ભેગા થઈએ ત્યારે બીજા લોકો જ સેલ્ફી લેતા હોય છે આમ પોતાનો સેલ્ફી પોતે જ લેવાનો સમય તો પહેલી વખત જ આવ્યો છે. જે થાય એ પણ આ મહાન કાર્યમાં સફળ તો થવું જ પડશે અને એ પણ અવ્વલ નંબરના રીઝ્લ્ટ સાથે. આખરે દીકરા સાથે સેલ્ફી ખેંચવાનું છે , નહીં હોય તો સેલ્ફી સ્ટીક લઈ આવીશ પણ વ્હાલ સાથે એક સરસ મજાનું સેલ્ફી તો ખેંચીને જ રહીશ.’
ને ત્યાં જ પાડોશીના રેડિયો પર સલમાનનું ગીત વાગ્યું,’ ચલ બેટા સેલ્ફી લે લે રે..’ પોતાના સેલ્ફી અભિયાનના પ્રયત્નો આટલા અસરકારક કે ? વિચારીને ભૂમિકા મનોમન હસી પડી. ત્યાં જ વિરાટનું ઘરમાં આગમન થયું. બેગ સોફા પર મૂકીને, શર્ટનું ટક ઇન કાઢતાં કાઢતાં બોલ્યો,
‘ભૂમિ, પાગલ થઈ ગઈ છે કે ? આમ એકલી એકલી કાં હસે ?’
‘આવ વિરાટ, આવ. આ જોને આપણાં વડાપ્રધાનની જાહેરાતો..’સેલ્ફી વીથ ડોટર’. હરિયાણામાં કોઇ ભાઈએ આની હરિફાઈ કરી તો આમને ય ભૂત ચડયું ને એમણે ય હરખમાં આવીને દરેક દીકરીના માબાપને ‘હેશ ટેગ સાથે સેલ્ફી વીથ ડોટર’ કરીને ફોટો અપલોડ કરવાના પાના ચડાવી દીધા. પ્રજા તો જાણે સાવ નવરી ધૂપ જ છે ને..’
‘અરે ભૂમિ, તો એમાં ખોટું શું છે ? એની પાછળનો એમનો આશય કેટલો સરસ છે જ ને ! દીકરીઓના ગૌરવ અને સુરક્ષાનો કેટલો સરસ હેતુ છે એમનો. ખાલી ખાલી વાતને શું કામ ટ્વીસ્ટ કરે છે?’
‘અ..હ..હ…ના ના..એકચ્યુઅલી એવું કંઈ નથી. લોકો પોતાની દીકરી સાથે સેલ્ફી લે, પોસ્ટ કરે એની સામે મને શું વાંધો હોય પણ વિરાટ આપણા જેવા ફેમિલી જેને સંતાનના નામે એક માત્ર પાંચ વર્ષનો વ્હાલ જેવો દીકરો જ હોય એમણે શું કરવાનું ? આપણે તો કદી સંતાનમાં દીકરો કે દીકરી જેવા ભેદભાવ નથી વિચાર્યા.કદાચ વ્હાલના બદલે આપણે ત્યાં કોઇ સરસ મજાની ઢીંગલી હોત તો એને પણ આપણે આટલા જ પ્રેમથી મોટા કરવાના હતાં ને ? આપણાં માટે ‘આપણો દીકરો કે દીકરી’ જેવી માનસિકતા ક્યાં અસ્તિત્વમાં જે હોય એ ઇશ્વરની કૃપા જ છે. દીકરો હોય કે દીકરી એનાથી શું ફર્ક પડે છે – આખરે છે તો આપણું જ લોહી ને -આપણું સંતાન. હવે વડાપ્રધાનજી આમ દીકરી પ્રત્યેના વધુ વ્હાલમાં આવીને આવી આવી જાહેરાતો કરે તો એમને કદી એવો વિચાર આવે છે કે જેના સંતાનમાં ફકત એક દીકરો જ હોય એમના દિલ પર શું વીતે ? દીકરીઓ સાથેના અનેકો સેલ્ફી નેટ પર ફરતાં જોઇએ ત્યારે અમારે દીકરી નથી એનો વસવસો થઈ આવે છે એનું શું કરવાનું ? તું તો જાણે જ છે મને દીકરીનો કેટલો ક્રેઝ ! ‘
‘ઓહોહો…મારી વ્હાલીને આ વાતનું આટલું બધું ખોટું લાગી ગયું છે એમ કે ? જો કે લાગે અને લાગવું જ જોઇએ, કારણ આ વાત તમારા સંતાનના પ્રેમ સાથે સીધી જોડાયેલી છે અને મોટાભાગે જેને પણ સંતાનમાં એક માત્ર દીકરો હશે એના મગજમાં તારા વિચાર ચોકકસ આવ્યાં જ હશે. પણ એક વાત કહે તો, વડાપ્રધાને ક્યાંય દીકરાઓ રાવણ જેવા હોય કે દીકરાઓને લાડ પાડ જ ના કરો એવા મતલબનું કશું કહ્યું છે ? આપણા સમાજનું બંધારણ જ એવું છે કે જ્યાં દીકરાઓને દૂધપીતા કરવા જેવા રિવાજો ક્યારેય અસ્તિત્વમાં જ નહી આવે, વળી કોઇ જુવાન છોકરાની લાજ લૂંટાયા જેવા કિસ્સાઓ પણ બહુ ધ્યાનમાં નહીં આવે. છોકરાઓના ય શોષણ થતા હોય છે પણ છોકરીઓ , સ્ત્રીઓ જે હદમાં સહન કરે છે એ હદ સુધી એમના ભાગે સહન કરવાનું નથી જ આવતું એ તો તું પણ માનીશ ને ? તું પણ એક છોકરી એક સ્ત્રી છું આખરે. આ કોઇ દીકરીના ભોગે કોઇ દીકરાઓના સન્માનને ઠોકર મારવાની વાત જ નથી. તકલીફ આપણી સમજશક્તિની છે. આપણે વાતને જે રીતે જોઇએ એ રીતે જ વાત સમજવા ટેવાયેલા હોઇએ છીએ. કોઇના દીકરી સાથેના સેલ્ફીને વડાપ્રધાન રીટ્વીટ કરે તો એમાં આપણા દીકરાનું માનપાન ક્યાંથી ઓછું થઈ જવાનું છે ? આપણા સમાજમાં અને ફકત આપણા સમાજ જ નહીં આખી દુનિયામાં સ્ત્રીઓને અનેક માનસિક – શારિરીક તકલીફો અને પ્રશ્નોના સામનો કરવો પડે છે એથી આ જાહેરાત ફકત સ્ત્રીઓના ગૌરવની જાળવણી કરવાનો જ છે. કોઇનું ગૌરવ વધે એવું કાર્ય કરવાથી બીજાનું ગૌરવ ઘટે એવું કદી ના હોય. આપણે સંતાનમાં ભેદભાવ નથી પણ હજુ લાખો કરોડો લોકો દીકરી સાથેની જૂનવાણી માન્યતાઓમાંથી બહાર નથી આવતા. આજકાલની દીકરીઓ એ માન્યતાઓની વાડને તોડીને આધુનિક વિચારસરણી સાથે એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રીના રુપમાં બહાર આવવા પ્રયત્ન કરે જ છે પણ સમયને, સમાજની માનસિકતાઓને બદલાતા ખાસો સમય લાગશે. આવા બધા પ્રયત્નો એ આધુનિકાઓને ચોક્કસપણે સપોર્ટ કરશે જ. આખરે તું પણ એક દીકરી એક સ્ત્રી છું જ ને ! માટે મહેરબાની કરીને તું તારી વિચારધારાને પોઝિટીવ વળાંકમાં ઢાળ અને સંતાન પ્રત્યેના અતિપ્રેમમાં અંધ ના બન. વાતને સ્વસ્થતાથી સમજવાનું રાખ પ્લીઝ. નહીંતો બીજા કોઇને તો કંઇ ફર્ક નથી પડવાનો હેરાન તો તું જ થઈશ.’
‘હા વીરુ, વાતને આ દ્રષ્ટિકોણથી તો મેં જોઇ જ નહીં. આ વાત સાંભળીને જ મારું લોહી ઉકળી ગયેલું અને આવેશમાં જ મેં આવું બધું વિચારી લીધું હતું. વડાપ્રધાનજીએ જ્યારે જાહેરાત કરી હશે ત્યારે એમના મગજમાં તો આવી વાતોનો વિચાર પણ નહીં આવ્યો હોય એમણે તો એક શુભભાવના સાથે જ આવું વિચાર્યું હશે. ઉફ્ફ..આ મારો ભાવાવેશ ! સારું થયું તેં મારી વિચારધારાને યોગ્ય વળાંક આપ્યો. ચાલ હું પપ્પાને મળીને આવું.’
‘અરે અચાનક, આ સમયે ?’
‘હું એક દીકરી છું એ વાત યાદ કરાવીને તો હવે હું પપ્પાને મળતી આવું અને એક સેલ્ફી એમની સાથે ખેંચતી આવું ‘ અને ભૂમિકા ને વિરાટ બે ય ખડખડાટ હસી પડ્યાં.
અનબીટેબલ ઃ અંધારાના સામ્રાજ્ય પાછળ ઘણી વખત બંધ રાખેલી બારીઓ પણ જવાબદાર હોય છે.
#Sneha patel

Advertisements

3 comments on “સેલ્ફી વીથ ડોટર

  1. “સેલ્ફી વીથ ડોટર” નવો વિષય અને નવા વિચારો…ખુબ સરસ લેખ…કોઈપણ પાસાનો એક તરફી વિચાર અથવા તો નકારાત્મક વિચાર જીવન જીવવાનો આનંદ ઓછો કરી નાખે છે, માટે જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો રાખવા, જેથી કરીને જીવન જીવવા જેવું લાગે કે જીવનનો આનંદ માણી શકીએ, આ બાબતને તમે સરસ રીતે લેખમાં વણી લીધી છે. હંમેશ ની જેમ ખુબ ચિવટ ભર્યુ લખાણ…high light of the article : અનબીટેબલ – અંધારાના સામ્રાજ્ય પાછળ ઘણી વખત બંધ રાખેલી બારીઓ પણ જવાબદાર હોય છે…અભિનંદન…..(બસ એમ જ…જેને સંતાનમાં દિકરી નથી અને ખરેખર દિકરીની ઈચ્છા છે, અને જેમની આર્થિક સ્થિતી સારી છે, તેઓ અનાથ આશ્રમ માંથી દિકરીને ખોળે (દત્તક) લઈ શકે છે અને તેને પોતાનું જ સંતાન માનીને તેનો સારો ઉછેર, પ્રેમ, હુંફ, સાથ, સમય, કાળજી, ભરણ-પોષણ, અભ્યાસ, સંસ્કાર આપી શકાય છે…જેથી જેને દિકરી નથી તેમને એક દિકરીની ઈચ્છા પુરી થાય અને એક અનાથ દિકરી ને માતા-પિતાનો પ્રેમ અને સારુ જીવન મળી શકે…અને પછી કહેવાનું “ચલ બેટા સેલ્ફી લે લે રે”…)

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s