અસામાન્ય:


phoolchhab newspaper > 24-06-2015 – 2015 > navrash ni pal column

વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

– શ્યામ સાધુ
 

શહેરથી બે કલાકના અંતરે આવેલા રિસોર્ટમાં આરામ કરવાની મંશાથી શ્રવણ એના ફેમિલી સાથે બે દિવસ રોકાવા આવ્યો હતો. એક દિવસ તો રિસોર્ટમાં ફરવામાં અને સ્વીમિંગ પુલમાં જ કાઢ્યો. મોંઘો રીસોર્ટ હતો એટ્લે વસ્તી પણ ક્રીમ – સોફીસ્ટીકેટેડ હતી. આખા દિવસ દરમ્યાન કરેલી મજા વાગોળતા વાગોળતાં બધા રાતે ક્યારે સૂઇ ગયા ખબર જ ના પડી.

બીજા દિવસ શ્રવણની આંખ ખૂલી અને એની નજર સામે એક નવું વિશ્વ તરવરી ઉઠ્યું. એણે મોબાઈલમાં નજર કરી, હજુ તો સવારના છ જ વાગ્યા હતાં. શ્રવણ તો રોજ આઠ વાગ્યે પણ માંડ માંડ ઉઠનારો જીવડો. કંપનીના કામથી ભૂલેચૂકે ય કોઇ દિવસ એને સવારે વહેલાં ઉઠવાનું હોય તો કામ તો મોબાઈલ, અલાર્મ કલોક અને ટીવીમાં પણ ટાઇમર સેટ કરીને સૂઇ જાય ત્યારે એ સાહેબજાદા માંડ માંડ સવારે ઉઠી શકે. જરુરી કામો તો પતાવી લે પણ આખો દિવસ શરીર થાકેલુ થાકેલુ – આળસથી ભરપૂર લાગે જ્યારે આજે તો નવાઈજનક રીતે છ વાગ્યામાં જ આંખ એની જાતે જ ખૂલી ગઈ હતી અને તન મન સદંતર ફ્રેશ લાગતું હતું. એણે બે હાથ ઉંચા કરીને આળસ મરડી અને ઉંડો શ્વાસ ભર્યો તો એનું મગજ સુગંધથી તરબતર થઈ ગયું. બંધ આંખે એ સુગંધ માણતા માણતા જ અચાનક આ સુગંધનું સરનામું શોધતા શોધતા એની નજર કોટેજની નાની શી બારી તરફ ગયું ને એ સંમોહિત થઈ ગયો. બારીમાંથી આંબાની ડાળીઓ લચી પડેલી દેખાતી હતી એના ઉપર સફેદ ઝીણી ઝીણી ને રુપાળી આમ્રમંજરીનો વૈભવ લહરાઈ રહ્યો હતો. આંબાની નાની નાની લીલીછ્મ કેરીઓ ઉપર સમરંગીયો પોપટ ચાંચ મારી- મારીને ધમાલ કરી રહ્યો હતો. એની બાજુમાં શ્વેત મોગરો વાતાવરણને એની સુગંધથી ભરી રહ્યો હતો. શ્રવણે આંખ બંધ કરીને કુદરતના આ વૈભવને વાગોળ્યો અને મનોમન એનો નશો અનુભવવા લાગ્યો.

પૈસા, પૈસા અને પૈસાની રણઝણ સાંભળવા જ ટેવાયેલા આ કાનમાં આજે પોપટ, ખિસકોલી, કોયલ, સૂકા પર્ણના અવાજ તો બાજુમાં મૂક્યા પણ માળી ફૂલછોડને પાણી પીવડાવી રહ્યો હતો એ પાણીની વાછટનો અવાજ સુધ્ધાં ઝીલતા હતાં. શ્વાસ તો એ રોજ લેતો હતો પણ આવી સ્વર્ગીય અનુભૂતિ તો એને ક્યારેય નહતી થઈ. થોડો સમય એમ જ પડ્યા પડ્યા એ બધું માણ્યા કર્યું પછી એણે સૂરીલી એની પ્રિયા અને વરુણ એના લાડલાને ઉઠાડ્યાં અને બેડ ટી મંગાવી. ફ્રેશ થઈને નાનકડું સુંદર મજાનું ફેમિલી બ્રેકફાસ્ટ લેવા હાલ્યું. બ્રેકફાસ્ટ પછી થોડો સમય ત્યાંના જીમમાં થોડું વર્ક આઉટ કરીને બાપ દીકરો લોનમાં બેડમિન્ટન રમવા લાગ્યા અને સૂરીલી યોગાના રુમમાં ગઈ. લગભગ દસ વાગ્યા સુધી આ બધી ક્રિયા ચાલી અને વરુણને યાદ આવ્યું,

‘પપ્પા, દસ વાગી ગયા હવે આપણે કોટેજમાં જઈને તૈયાર થઈ જઇશું. આપણે વોટર રાઈડસમાં જવાનું છે ને ?’

અને શ્રવણનું દિલ અચાનક ખટાશથી ભરાઈ ગયું. વોટર રાઈડ્સ..ઉફ્ફ…એને આ ભીડભાડવાળી જગ્યાઓની એલર્જી હતી અને સૂરીલી અને વરુણ એની જ જીદ પકડીને બેઠા હતાં. છેલ્લાં બે વર્ષથી તો એ આ વાતને ટાળી રહ્યો હતો પણ આ વખતે એની એક ના ચાલી અને એણે અહીં આવવું જ પડ્યું હતું. ઓખળમાં માથું નાખ્યું છે તો હવે…પડશે એવા દેવાશે વિચારીને શ્રવણ તૈયાર થયો.

વોટરરાઈડસના પ્રવેશદ્વારમાં જતાં વેંત જ શ્રવણનું માથું ભમી ગયું. સામે ગામડિયા અને શહેરી વસ્તીનો ખીચડાનો સમંદર લહેરાઈ રહ્યો હતો. ૮૦ ટકા દેશી અને લફર ફફર, લઘરવઘર ડ્રેસિંગવાળી વસ્તી આમથી તેમ અથડાતી અથડાતી ચાલતી હતી. શાવર લઈને લોકરરુમમાં બેગ મૂકવા જતાં પણ એક અજીબ સી અજંપાની સ્થિતી શ્રવણને ઘેરી વળી. મન અંદરથી ખતરનાક રીતે અકળામણ અનુભવતું હતું. જોકે વેકેશન પૂરું થઈ ગયેલું હતું એટલે વસ્તી ધાર્યા કરતાં ખાસી ઓછી હતી. વળી એજ્યુકેટેડ અને વ્યવસ્થિત મેદની પણ નજરે પડતી હતી.પણ આ સાવ જ દેશી અને અમુક અંશે જંગલી જેવા લોકોની સાથે રાઈડસમાં કેમનું જવાય ? શ્રવણને આખા શરીરે અરેરાટી વ્યાપી ગઈ. બે મિનીટ તો એને સૂરીલી પર ગુસ્સો પણ આવી ગયો. વરુણ તો બાળક છે પણ એને ય નથી સમજાતું કે આવી જગ્યાએ ના જવાય ! આવી વસ્તીની વચ્ચે શ્વાસ પણ ભારે ભરખમ થઈ ગયા અને એણે સૂરીલીની સામુ જોયું તો એ એની સામે હસી રહી હતી અને હળ્વેથી એનો હાથ દબાવીને ‘જસ્ટ રીલેક્સ’ નો મૂંગો સંકેત આપી રહી હતી. એનું મધમીઠું સ્મિત શ્રવણની નબળાઈ ને એક વજનદાર શ્વાસ ફેફસામાં ભરીને એણે સૂરીલીની સાથે કપલરાઈડમાં જવાનો નિર્ધાર કર્યો. વરુણ તો એકલો એકલો રાઈડસની મજા માણતો જ હતો. એની મસ્તી, ખુશી જોઇને શ્રવણ થોડો ખુશ થયો..રીલેકસ પણ. એટલામાં વરુણનો નંબર આવી ગયો અને એમના પગ આગળ એક ટુસીટર ટ્યુબ ગોઠવાઈ ગઈ. સૂરીલી આગળ અને શ્રવણ એની પાછળ બેઠો. આટલી ઉંચાઈ ઉપર સૂરીલીનો સાથ અને ઠંડક, રોમાંચક વાતાવરણ..શ્રવણ આજુબાજુના વાતાવરણમાંથી નીકળીને રાઈડસના રોમાંચમાં પૂરોવાઈ ગયો. રાઈડસ ચાલુ થઈ અને ઝૂ…મ..મ..ઝૂમ્મ….કરતી ટ્યુબ ઉબડ ખાબડ લપસણી પર લસરવા લાગી. ટ્યુબની સ્પીડ, પાણીની વાછટ , સૂરીલીની રોમાંચકારી ચીસો…શ્રવણ પોતાની જાતને હલ્કો ફૂલ અનુભવવા લાગ્યો. અડધી મીનીટમાં તો એમની ટ્યુબને બ્રેક વાગી ગઈ અને એ બે ય જણ પાણીમાં એક સાથે ઓમ ધબાય નમઃ ! સૂરીલીને સ્વીમીંગ નહતું ફાવતું એટલે શ્રવણ એને મદદ કરવા ઉભો રહ્યો. આજુબાજુની દેશી વસ્તી ને એમના અતિસામાન્ય એટીટ્યૂડની શ્રવણ પર કંઇજ અસર નહતી થતી. એની અંદરનું બાળક ફરી ફરીને એક પછી એક રાઈડસની મજા માણવા ઉત્સુક બની ગયું.

થોડો થાક્યો અને થમ્સ અપ લઈને એ લોકો વચ્ચે પોરો ખાવા બેઠાં.શ્રવણે સ્વીમીંગ પૂલમાં નજર નાંખી તો રાઈડસ પતાવીને પાણીમાંથી બહાર નીકળતા દરેક ચહેરા પર ખુશીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળતું હતું. આખું વાતાવરણ ખુશખુશાલ – પોઝીટીવ તરંગોથી ભરપૂર હતું. બધા જ ઇશ્વરના નિર્દોષ બાળ સમા ભાસતાં હતા. દરેક જણ પોતાની મસ્તીમાં મસ્ત. જીવન છે તો આજે અને અહીં આ જ પળમાં છે એવી અનુભૂતિ સાથે દરેક જણ લખલૂટ મસ્તી લૂંટી રહ્યું હતું. અચાનક શ્રવણને પોતાની જાત પર શરમ આવવા લાગી. જે રાઇડસથી દરેકને ખુશીનો અહેસાસ થતો હતો એ રાઇડસને એ કેવા સામાન્ય કારણોસર તિરસ્કારતો હતો. એવી મજા માણનારા સામાન્યથી અતિસામાન્ય માણસોથી એ કયાંય ઉપર છે જેવી ખોટી માન્યતા લઈને હેરાન થતો હતો. પોતે પણ એક માણસ જ છે અને એ પણ સામાન્ય જ…કદાચ સામાન્ય બની રહેવામાં જ ભલાઈ છે નહીં તો આવી અસામાન્ય મજા એ ક્યારે માણી શકત ? અને મનોમન એ મરકી ઉઠ્યો. સૂરીલી બાજુમાં બેઠી બેઠી એની દરેક હિલચાલ ધ્યાનથી નિહાળી રહી હતી. એની બેટરહાફ એક પણ શબ્દ વિના ચાલી રહેલ મનોમંથનને સ્પષ્ટપણે સમજી પણ રહી હતી અને એના દરેક હાવભાવનો સાચો તાગ પણ કાઢી રહી હતી. છેલ્લે શ્રવણના મરકાટથી એના મુખ પર પણ એક સંતોષી સ્મિત ફરી વળ્યું.

-sneha patel.