વરસાદ


Phoolchhab newspaper > 17-06-2015 > navrash ni pal column

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,

ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,

જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

 

પાંચ બાય આઠની ફ્રેંચ વીન્ડોના કાચ ઉપર ધૂળનું આછું આવરણ ફેલાઇ ગયું હતું. અવિનાશ પલંગમાં તકિયાના ટેકે અડધો આડો પડ્યો હતો અને મનપસંદ સિગરેટનો કશ લગાવી રહ્યો હતો. સિગારેટનો એક લાંબો કશ લઈને ધુમાડો કાઢ્યો અને હવામાં એના વલયો રચાવા લાગ્યા. આખો કમરો તીવ્ર વાસથી ભરાઈ ગયો હતો જાણે અવિનાશના ફેફસાંનો તીવ્ર અણગમો , આક્રોશ એ વલયોમાં સામેલ થઈ ગયો હતો ! ધુમાડાના ગોરા ગોરા વાતાવરણ પાછળથી અવિનાશની નજર બારીના કાચ પર પડી અને અચાનક ચમક્યો. આ શું ? એની આંખો હકીકત નિહાળી રહી હતી કે મૃગજળ જેવું જ કંઇક હતું ? બારીની ધૂળ ઉપર જાણે અચાનક મોતી ઉગી નીકળ્યાં હતા અને મોતી ધીમે ધીમે લાંબા થઈને કાચ પર રેલાતા હતાં. મોસમનો પહેલો વરસાદ..અહાહા.. થોડા સમય પહેલાં દાઝી ઉઠેલ દિલ અને દિમાગ તેમ જ ફેફસાંને ઠંડકની અનુભૂતિ થઈ ગઈ ને રાહતની લાગણી અનુભવી. પાણીની બૂંદની પાછળ સવારનો કડવો પ્રસંગ એની નજર સમક્ષ તરવરવા લાગ્યો. છેલ્લાં બે દિવસથી અવિનાશ પોતાના માસીયાઈ ભાઈ રીધમના બારમા ધોરણની પરીક્ષાના રીઝલ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. ધીરજ ના રહેતાં ઉઠીને બ્રશ કરીને તરત જ એણે માસીના ઘરે ફોન લગાવ્યો. ફોન માસાએ ઉપાડયો.

‘હલો માસા, રામ રામ !’

‘રામ રામ બેટા.’

‘માસા, આજે તો રીધમનું રીઝલ્ટ આવવાનું હતું ને – શું આવ્યું ? ચોકકસ સરસ ટકાવારી સાથે જ પાસ થયો હશે મને વિશ્વાસ છે, ભાઈ કોનો છે આખરે !’ આટલું બોલતાં બોલતાં તો અવિનાશના કરડા ચહેરા પર લાગણીથી તરબતર લાલાશ ઉભરાઈ આવી.

‘હા બેટા, રીઝલ્ટ તો આજે જ છે પણ ઓનલાઈન આવવાનું છે અને એની સાઈટ્નું સર્વર ડાઉન છે. બધા વિધાર્થીઓએ રીઝલ્ટ જોવા એક સાથે સાઈટ પર લોગઇન કર્યું હશે ને..આ લોકો પણ સરખું મેનેજમેન્ટ જ નથી કરતાં ને. ‘

સામે છેડેથી થોડો અકળામણ સાથેનો જવાબ આવતા અવિનાશે વાત ટુંકાણમાં જ પતાવીને ફોન મૂક્યો ને ઓફિસે જવા નીકળી ગયો. આખો દિવસ એના મગજ પર રીધમના પરિણામની જ ઇંતજારી છવાયેલી રહી. સાંજે અચાનક જ એના મામાની દીકરી પાયલનો ફોન આવ્યો.

‘અવિભૈયા, તમને રીધમના પરિણામની ખબર પડી કે ?’

‘ના રે, તને જાણ થઈ કે ?’

‘હા ભાઈ, મને તો બાર વાગ્યાનો ફોન આવી ગયો. એના પૂરાં અઠ્ઠ્યાસી ટકા અને અઠ્ઠાણું ટકા પર્સનટાઈલ આવ્યાં છે. બહુ જ સરસ પરિણામ આવ્યું કેમ, હવે બધાંનો જીવ હેઠો બેસશે કેમ ભાઈ, રીધમને એની મનપસંદ કોલેજમાં એડમીશન મળી જશે.અહાહા..’

‘હા પાયલ. થોડો કામમાં છું તને પછી ફોન કરું.’ ફીક્કા અવાજે અવિએ જવાબ વાળ્યો અને ફોન કટ કર્યો. પોતે દરેક સંબંધની કેટલી માવજતથી જાળવણી કરે છે પણ સામે પક્ષે કાયમ આવી બેદરકારી જ કેમ મળે છે ? આ જ રીધમને એની પરીક્ષા વખતે રોજ પોતાની એસી ગાડીમાં બેસાડીને પરીક્ષાના સેન્ટર સુધી મૂકી આવતો હતો અને એના પેપર પતવાના સમયે બધો સમય એડજસ્ટ કરીને એને લેવા પણ જતો હતો. એક પણ પરીક્ષા એવી નહીં હોય કે પોતે રીધમને ‘ઓલ ધ બેસ્ટ’ કહેવાનું ચૂક્યો હોય. દરેક સંબંધોમાં એણે જ જતું કરવાનું ? બધાંની જન્મ તારીખ, એનીવર્સરી બધું યાદ રાખી રાખીને પોતે નિયમિતપણે બધાંને ફોન કરે પણ એની કે એના કુટુંબની વ્યક્તિના જન્મદિને કોઇ એને યાદ ના કરે..કોઇને યાદ જ નથી રહેતું ને ! તો ય પોતે મોટું મન રાખીને બધાંને મહિને દા’ડે નિયમિતપણે ખબર અંતર પૂછવા ફોન કરે, મળવા જાય. પણ આવું ક્યાં સુધી ચલાવવાનું ? એ જે લેટ ગો કરે છે એની તો કદાચ સામે પક્ષે નોંધ પણ નથી લેવાતી તો પછી આ બધા સંબંધોનું મૂલ્ય શું ? ફકત એની જ ગરજ – ફરજ છે સંબંધો સાચવવાની ? આજે રીધમ અને માસાએ ફરીથી એવું કર્યું. પોતે સવારથી રીધમના પરિણામની રાહ જોઇને બેઠો હતો અને રીધમ..એના પરિણામના સમાચાર પણ પોતાને પાયલ પાસેથી મળ્યાં- ઉફ્ફ.. અવિનું દિલ ખાટું થઈ ગયું ! જવા દે, હું રીધમને કોન્ગ્રેચ્યુલેશન માટે ફોન જ નહી કરું. મારે શું કામ ફોન કરવાનો ? બે દિવસ રહીને માસીને ઘરે જવાનું જ છે ને એ વખતે જ એને કોન્ગ્રેટ્સ કહી દઈશ અને અવિનાશે પતી ગયેલી સિગારેટનું ઠૂંઠૂં બાજુમાં પડેલી એશટ્રેમાં નાંખ્યું ને ઘરની બહાર નીકળી ગયો. સાઉથઇન્ડીઅન હોટલમાં જઈને મસાલા ઢોંસો ખાધો અને ગળી કથ્થઈ વરિયાળીનો મુખવાસ ખાતા ખાતા મોબાઈલ હાથમાં લીધો. શું ય જાણે એના મનમાં શું ભરાયું કે એણે અચાનક જ રીધમને ફોન લગાવ્યો.

‘રીધમીયા…તું તો કમ્માલ છે ને. આટલા બધા ટકા લઈ આવ્યો કંઇ. અહાહા..હું બહુ ખુશ છું ભઈલા.’

‘ઓહ અવિનાશભાઈ, પાય લાગું. બસ આપ સૌના આશીર્વાદ ને દુઆઓનું ફળ છે.’

આડી અવળી વાતો કરીને અવિનાશે ફોન પૂરો કર્યો. મનોમન બબડયો, ‘ હું મારા સ્વભાવ વિરુધ્ધ જઈને કદી ખુશ ના રહી શકું. મારા લાગણીશીલ સ્વભાવને અનુરુપ સંબંધોમાં પ્રથમ પગલું ભરવું અનિવાર્ય જ છે અને એ તો મારે કાયમ ભરવું જ રહ્યું. બહુ વિચારવાનું નહીં’

વાતાવરણમાં પલટો આવી ગયો. ૪૫-૪૬ ડીગ્રીનો તાપ સહીને અકળાઈ જનારા માનવીઓ ઉપર ઇશ્વરની કૃપા ટપ ટપ..ટપાક કરીને વરસી રહી હતી. સર્વત્ર શીતળતા, હળવાશનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું.

અનબીટેબલ ઃ સુગંધ પર દુર્ગંધ ઢોળવાથી સુગંધ જ છોભીલી પડે છે.