ભાષા


‘હું ગુજરાતી’ નામના ઇ મેગેઝિનમાં ચાલતી મારી કોલમ ‘સખૈયોનો ભાગ – ૨’

નાનપણથી મને ભગવાનની સાથે રીસામણાં – મનામણાંનો બેહદ શોખ ! એના તરફ મનમાં અહોભાવ કરતાં પ્રેમ વધુ. એટલે મારે રોજબરોજ એની સાથે મનોમન ઢગલો વાતચીત થતી રહે. આ વર્ષોથી થતી રહેતી વાતોનો ખજાનો આપ સૌ સમક્ષ ‘સખૈયો’ કોલમમાં લઈને આવું છું. હું ગુજરાતી એક ઇ મેગેઝિન છે એટલે હું કાયમની માફક મારો આખો લેખ અહીં બ્લોગ પર નહીં મૂકી શકું મિત્રો માફ કરશો. કારણ એમ કરતાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રાઈડની એપ્લીકેશનને અન્યાય કર્યો કહેવાય. તો મારી આ કોલમ માટે આપ મિત્રોએ અહીં આપેલી લિંક પર જઈને જ વાંચવું પડશે. જોકે એ એપ ડાઉનલોડ કરીને લેખ વાંચવાની તસ્દી લેતાં એ શ્રમ વ્યર્થ તો નહીં  જ જાય એની તો હું તમને સો ટકા ગેરંટી આપું છુ હોં કે !

લો આ લેખના થોડાંક અંશ આપની સમક્ષ રાખુ છું જેથી આપને આ વખતનો વિષય ખ્યાલ આવે :

આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઇ જ આવડતની જરુર નથી પડતી, વળી એ આવડત મેળવવા કોઇ મોટી મોટી હાઈ ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઇ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરીને બે હાથ જોડીને આંખ બંધ કરો અને તને યાદ કરો તો એ આવડત તો આપોઆપ આવી જાય છે.કોઇ જ નક્કામા ભ્રમ કે અણસમજ- ખોટી સમજને ત્યાં સ્થાન નથી. એ તો જે છે એ જ છે ને કોઇ પણ ડિક્શનરીના શબ્દો , વાક્યોથી ઝુઠલાવી જ ના શકાય એવું છે.આ અનુભવ એકલતાના વનમાં ફરતાં એકાંતના પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઇ સ્થાન નથી સ્થાન છે તો ફક્ત મધુરપને જ !

આખો લેખ તો આપ અહીંથી જ વાંચી શકશો મિત્રો –

અંક અહીંથી ડાઉનલોડ કરો:

Matrubharti Android Link: https://goo.gl/Sg8xvd
Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ
Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

 

thnx friends.

અસામાન્ય:


phoolchhab newspaper > 24-06-2015 – 2015 > navrash ni pal column

વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

– શ્યામ સાધુ
 

શહેરથી બે કલાકના અંતરે આવેલા રિસોર્ટમાં આરામ કરવાની મંશાથી શ્રવણ એના ફેમિલી સાથે બે દિવસ રોકાવા આવ્યો હતો. એક દિવસ તો રિસોર્ટમાં ફરવામાં અને સ્વીમિંગ પુલમાં જ કાઢ્યો. મોંઘો રીસોર્ટ હતો એટ્લે વસ્તી પણ ક્રીમ – સોફીસ્ટીકેટેડ હતી. આખા દિવસ દરમ્યાન કરેલી મજા વાગોળતા વાગોળતાં બધા રાતે ક્યારે સૂઇ ગયા ખબર જ ના પડી.

બીજા દિવસ શ્રવણની આંખ ખૂલી અને એની નજર સામે એક નવું વિશ્વ તરવરી ઉઠ્યું. એણે મોબાઈલમાં નજર કરી, હજુ તો સવારના છ જ વાગ્યા હતાં. શ્રવણ તો રોજ આઠ વાગ્યે પણ માંડ માંડ ઉઠનારો જીવડો. કંપનીના કામથી ભૂલેચૂકે ય કોઇ દિવસ એને સવારે વહેલાં ઉઠવાનું હોય તો કામ તો મોબાઈલ, અલાર્મ કલોક અને ટીવીમાં પણ ટાઇમર સેટ કરીને સૂઇ જાય ત્યારે એ સાહેબજાદા માંડ માંડ સવારે ઉઠી શકે. જરુરી કામો તો પતાવી લે પણ આખો દિવસ શરીર થાકેલુ થાકેલુ – આળસથી ભરપૂર લાગે જ્યારે આજે તો નવાઈજનક રીતે છ વાગ્યામાં જ આંખ એની જાતે જ ખૂલી ગઈ હતી અને તન મન સદંતર ફ્રેશ લાગતું હતું. એણે બે હાથ ઉંચા કરીને આળસ મરડી અને ઉંડો શ્વાસ ભર્યો તો એનું મગજ સુગંધથી તરબતર થઈ ગયું. બંધ આંખે એ સુગંધ માણતા માણતા જ અચાનક આ સુગંધનું સરનામું શોધતા શોધતા એની નજર કોટેજની નાની શી બારી તરફ ગયું ને એ સંમોહિત થઈ ગયો. બારીમાંથી આંબાની ડાળીઓ લચી પડેલી દેખાતી હતી એના ઉપર સફેદ ઝીણી ઝીણી ને રુપાળી આમ્રમંજરીનો વૈભવ લહરાઈ રહ્યો હતો. આંબાની નાની નાની લીલીછ્મ કેરીઓ ઉપર સમરંગીયો પોપટ ચાંચ મારી- મારીને ધમાલ કરી રહ્યો હતો. એની બાજુમાં શ્વેત મોગરો વાતાવરણને એની સુગંધથી ભરી રહ્યો હતો. શ્રવણે આંખ બંધ કરીને કુદરતના આ વૈભવને વાગોળ્યો અને મનોમન એનો નશો અનુભવવા લાગ્યો.

પૈસા, પૈસા અને પૈસાની રણઝણ સાંભળવા જ ટેવાયેલા આ કાનમાં આજે પોપટ, ખિસકોલી, કોયલ, સૂકા પર્ણના અવાજ તો બાજુમાં મૂક્યા પણ માળી ફૂલછોડને પાણી પીવડાવી રહ્યો હતો એ પાણીની વાછટનો અવાજ સુધ્ધાં ઝીલતા હતાં. શ્વાસ તો એ રોજ લેતો હતો પણ આવી સ્વર્ગીય અનુભૂતિ તો એને ક્યારેય નહતી થઈ. થોડો સમય એમ જ પડ્યા પડ્યા એ બધું માણ્યા કર્યું પછી એણે સૂરીલી એની પ્રિયા અને વરુણ એના લાડલાને ઉઠાડ્યાં અને બેડ ટી મંગાવી. ફ્રેશ થઈને નાનકડું સુંદર મજાનું ફેમિલી બ્રેકફાસ્ટ લેવા હાલ્યું. બ્રેકફાસ્ટ પછી થોડો સમય ત્યાંના જીમમાં થોડું વર્ક આઉટ કરીને બાપ દીકરો લોનમાં બેડમિન્ટન રમવા લાગ્યા અને સૂરીલી યોગાના રુમમાં ગઈ. લગભગ દસ વાગ્યા સુધી આ બધી ક્રિયા ચાલી અને વરુણને યાદ આવ્યું,

‘પપ્પા, દસ વાગી ગયા હવે આપણે કોટેજમાં જઈને તૈયાર થઈ જઇશું. આપણે વોટર રાઈડસમાં જવાનું છે ને ?’

અને શ્રવણનું દિલ અચાનક ખટાશથી ભરાઈ ગયું. વોટર રાઈડ્સ..ઉફ્ફ…એને આ ભીડભાડવાળી જગ્યાઓની એલર્જી હતી અને સૂરીલી અને વરુણ એની જ જીદ પકડીને બેઠા હતાં. છેલ્લાં બે વર્ષથી તો એ આ વાતને ટાળી રહ્યો હતો પણ આ વખતે એની એક ના ચાલી અને એણે અહીં આવવું જ પડ્યું હતું. ઓખળમાં માથું નાખ્યું છે તો હવે…પડશે એવા દેવાશે વિચારીને શ્રવણ તૈયાર થયો.

વોટરરાઈડસના પ્રવેશદ્વારમાં જતાં વેંત જ શ્રવણનું માથું ભમી ગયું. સામે ગામડિયા અને શહેરી વસ્તીનો ખીચડાનો સમંદર લહેરાઈ રહ્યો હતો. ૮૦ ટકા દેશી અને લફર ફફર, લઘરવઘર ડ્રેસિંગવાળી વસ્તી આમથી તેમ અથડાતી અથડાતી ચાલતી હતી. શાવર લઈને લોકરરુમમાં બેગ મૂકવા જતાં પણ એક અજીબ સી અજંપાની સ્થિતી શ્રવણને ઘેરી વળી. મન અંદરથી ખતરનાક રીતે અકળામણ અનુભવતું હતું. જોકે વેકેશન પૂરું થઈ ગયેલું હતું એટલે વસ્તી ધાર્યા કરતાં ખાસી ઓછી હતી. વળી એજ્યુકેટેડ અને વ્યવસ્થિત મેદની પણ નજરે પડતી હતી.પણ આ સાવ જ દેશી અને અમુક અંશે જંગલી જેવા લોકોની સાથે રાઈડસમાં કેમનું જવાય ? શ્રવણને આખા શરીરે અરેરાટી વ્યાપી ગઈ. બે મિનીટ તો એને સૂરીલી પર ગુસ્સો પણ આવી ગયો. વરુણ તો બાળક છે પણ એને ય નથી સમજાતું કે આવી જગ્યાએ ના જવાય ! આવી વસ્તીની વચ્ચે શ્વાસ પણ ભારે ભરખમ થઈ ગયા અને એણે સૂરીલીની સામુ જોયું તો એ એની સામે હસી રહી હતી અને હળ્વેથી એનો હાથ દબાવીને ‘જસ્ટ રીલેક્સ’ નો મૂંગો સંકેત આપી રહી હતી. એનું મધમીઠું સ્મિત શ્રવણની નબળાઈ ને એક વજનદાર શ્વાસ ફેફસામાં ભરીને એણે સૂરીલીની સાથે કપલરાઈડમાં જવાનો નિર્ધાર કર્યો. વરુણ તો એકલો એકલો રાઈડસની મજા માણતો જ હતો. એની મસ્તી, ખુશી જોઇને શ્રવણ થોડો ખુશ થયો..રીલેકસ પણ. એટલામાં વરુણનો નંબર આવી ગયો અને એમના પગ આગળ એક ટુસીટર ટ્યુબ ગોઠવાઈ ગઈ. સૂરીલી આગળ અને શ્રવણ એની પાછળ બેઠો. આટલી ઉંચાઈ ઉપર સૂરીલીનો સાથ અને ઠંડક, રોમાંચક વાતાવરણ..શ્રવણ આજુબાજુના વાતાવરણમાંથી નીકળીને રાઈડસના રોમાંચમાં પૂરોવાઈ ગયો. રાઈડસ ચાલુ થઈ અને ઝૂ…મ..મ..ઝૂમ્મ….કરતી ટ્યુબ ઉબડ ખાબડ લપસણી પર લસરવા લાગી. ટ્યુબની સ્પીડ, પાણીની વાછટ , સૂરીલીની રોમાંચકારી ચીસો…શ્રવણ પોતાની જાતને હલ્કો ફૂલ અનુભવવા લાગ્યો. અડધી મીનીટમાં તો એમની ટ્યુબને બ્રેક વાગી ગઈ અને એ બે ય જણ પાણીમાં એક સાથે ઓમ ધબાય નમઃ ! સૂરીલીને સ્વીમીંગ નહતું ફાવતું એટલે શ્રવણ એને મદદ કરવા ઉભો રહ્યો. આજુબાજુની દેશી વસ્તી ને એમના અતિસામાન્ય એટીટ્યૂડની શ્રવણ પર કંઇજ અસર નહતી થતી. એની અંદરનું બાળક ફરી ફરીને એક પછી એક રાઈડસની મજા માણવા ઉત્સુક બની ગયું.

થોડો થાક્યો અને થમ્સ અપ લઈને એ લોકો વચ્ચે પોરો ખાવા બેઠાં.શ્રવણે સ્વીમીંગ પૂલમાં નજર નાંખી તો રાઈડસ પતાવીને પાણીમાંથી બહાર નીકળતા દરેક ચહેરા પર ખુશીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળતું હતું. આખું વાતાવરણ ખુશખુશાલ – પોઝીટીવ તરંગોથી ભરપૂર હતું. બધા જ ઇશ્વરના નિર્દોષ બાળ સમા ભાસતાં હતા. દરેક જણ પોતાની મસ્તીમાં મસ્ત. જીવન છે તો આજે અને અહીં આ જ પળમાં છે એવી અનુભૂતિ સાથે દરેક જણ લખલૂટ મસ્તી લૂંટી રહ્યું હતું. અચાનક શ્રવણને પોતાની જાત પર શરમ આવવા લાગી. જે રાઇડસથી દરેકને ખુશીનો અહેસાસ થતો હતો એ રાઇડસને એ કેવા સામાન્ય કારણોસર તિરસ્કારતો હતો. એવી મજા માણનારા સામાન્યથી અતિસામાન્ય માણસોથી એ કયાંય ઉપર છે જેવી ખોટી માન્યતા લઈને હેરાન થતો હતો. પોતે પણ એક માણસ જ છે અને એ પણ સામાન્ય જ…કદાચ સામાન્ય બની રહેવામાં જ ભલાઈ છે નહીં તો આવી અસામાન્ય મજા એ ક્યારે માણી શકત ? અને મનોમન એ મરકી ઉઠ્યો. સૂરીલી બાજુમાં બેઠી બેઠી એની દરેક હિલચાલ ધ્યાનથી નિહાળી રહી હતી. એની બેટરહાફ એક પણ શબ્દ વિના ચાલી રહેલ મનોમંથનને સ્પષ્ટપણે સમજી પણ રહી હતી અને એના દરેક હાવભાવનો સાચો તાગ પણ કાઢી રહી હતી. છેલ્લે શ્રવણના મરકાટથી એના મુખ પર પણ એક સંતોષી સ્મિત ફરી વળ્યું.

-sneha patel.

compition on pratilipi.com


પ્રતિલીપી.કોમ ઉપર ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ વિષય ઉપર સ્પર્ધા યોજાઈ છે એમાં મેં મજબૂતાઈ, પપ્પા વિશેની લાગણી સાવ જ નોખી રીતે વ્યકત કરી છે. આપનો અમૂલ્ય સમય ફાળવી શકો તો આ સાથે આપેલી લિંક પર ક્લીક કરીને એ લેખ વાંચજો અને એના વિશે જે પણ યોગ્ય લાગે એ કોમેન્ટ પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ એ સાઈટ, એ પેજ પર જ આપશો. કારણકે ત્યાં થયેલી કોમેન્ટ જ રીઝલ્ટ વખતે ધ્યાનમાં લેવાશે.
આભાર.
મજબૂતાઈ અને કોમળતાનું અદભુત કોમ્બીનેશન – મારા પપ્પા.
હમણાં જ હું અંધારિયા-મમતાળુ કુવામાંથી બહાર નીકળી હતી..કુવામાં મને સતત તરતું રાખનાર દોરડું ખચા..ક..દઈને કપાઈ ગયું.આહ..આ શું..પણ મને કોઇ તકલીફ ના પડી..બહુ નવાઈ લાગી..થોડી ક્ષણોમાં તો મારી આખી દુનિયા બદલાઇ ગઈ ..મારી જાત સુરક્ષિત દુનિયામાંથી એક્દમ જ અજાયબ દુનિયામાં પટકાઈ ગઈ..ત્યાં તો મને મા શબ્દ યાદ આવ્યો..ઉપર સ્વર્ગમાં એના વિશે બહુ વાતો થાય..એટલે હૈયે થોડી ટાઢક વળી. એ બધું સંભાળી લેશે..મારે કોઇ જ ચિંતાનું કારણ નથી..પણ એ બધી ય વાતો જાણે કે ધરમૂળમાંથી ખોટી ઠરતી લાગી.
મારા નાજુક ગાલ પર કંઇક ખરબચડું રુખું રુખું ઘસાયું…ઇશ્વરના ઘરે તો એવી જાણકારી અપાયેલી કે માતાનો હાથ તો એક્દમ નાજુક હોય છે.. એ તને હળ્વેથી પકડશે..એનો સ્પર્શ તો મોરપિંછ જેવો મુલાયમ હોય પણ આ તો જાણે કોઇ મશીનની સ્વીચ પાડતાં હોય એવો રુખો – બરછટ સ્પર્શ..
to read full article clik the below link

http://www.pratilipi.com/sneha-patel/mara-jivanni-pratham-xano

આટલા વાક્યોમાં તો પપ્પા જેવું વિશાળ વ્યક્તિત્વ કઈ રીતે સમાય..વધારે વાત ફરી કયારેક..આમ જ મળી જઈશું ક્યાંક જીંદગીના રસ્તા પર ત્યારે ..!
-sneha patel.

By sneha patel - akshitarak Posted in daddy

વરસાદ


Phoolchhab newspaper > 17-06-2015 > navrash ni pal column

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,

ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,

જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

 

પાંચ બાય આઠની ફ્રેંચ વીન્ડોના કાચ ઉપર ધૂળનું આછું આવરણ ફેલાઇ ગયું હતું. અવિનાશ પલંગમાં તકિયાના ટેકે અડધો આડો પડ્યો હતો અને મનપસંદ સિગરેટનો કશ લગાવી રહ્યો હતો. સિગારેટનો એક લાંબો કશ લઈને ધુમાડો કાઢ્યો અને હવામાં એના વલયો રચાવા લાગ્યા. આખો કમરો તીવ્ર વાસથી ભરાઈ ગયો હતો જાણે અવિનાશના ફેફસાંનો તીવ્ર અણગમો , આક્રોશ એ વલયોમાં સામેલ થઈ ગયો હતો ! ધુમાડાના ગોરા ગોરા વાતાવરણ પાછળથી અવિનાશની નજર બારીના કાચ પર પડી અને અચાનક ચમક્યો. આ શું ? એની આંખો હકીકત નિહાળી રહી હતી કે મૃગજળ જેવું જ કંઇક હતું ? બારીની ધૂળ ઉપર જાણે અચાનક મોતી ઉગી નીકળ્યાં હતા અને મોતી ધીમે ધીમે લાંબા થઈને કાચ પર રેલાતા હતાં. મોસમનો પહેલો વરસાદ..અહાહા.. થોડા સમય પહેલાં દાઝી ઉઠેલ દિલ અને દિમાગ તેમ જ ફેફસાંને ઠંડકની અનુભૂતિ થઈ ગઈ ને રાહતની લાગણી અનુભવી. પાણીની બૂંદની પાછળ સવારનો કડવો પ્રસંગ એની નજર સમક્ષ તરવરવા લાગ્યો. છેલ્લાં બે દિવસથી અવિનાશ પોતાના માસીયાઈ ભાઈ રીધમના બારમા ધોરણની પરીક્ષાના રીઝલ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. ધીરજ ના રહેતાં ઉઠીને બ્રશ કરીને તરત જ એણે માસીના ઘરે ફોન લગાવ્યો. ફોન માસાએ ઉપાડયો.

‘હલો માસા, રામ રામ !’

‘રામ રામ બેટા.’

‘માસા, આજે તો રીધમનું રીઝલ્ટ આવવાનું હતું ને – શું આવ્યું ? ચોકકસ સરસ ટકાવારી સાથે જ પાસ થયો હશે મને વિશ્વાસ છે, ભાઈ કોનો છે આખરે !’ આટલું બોલતાં બોલતાં તો અવિનાશના કરડા ચહેરા પર લાગણીથી તરબતર લાલાશ ઉભરાઈ આવી.

‘હા બેટા, રીઝલ્ટ તો આજે જ છે પણ ઓનલાઈન આવવાનું છે અને એની સાઈટ્નું સર્વર ડાઉન છે. બધા વિધાર્થીઓએ રીઝલ્ટ જોવા એક સાથે સાઈટ પર લોગઇન કર્યું હશે ને..આ લોકો પણ સરખું મેનેજમેન્ટ જ નથી કરતાં ને. ‘

સામે છેડેથી થોડો અકળામણ સાથેનો જવાબ આવતા અવિનાશે વાત ટુંકાણમાં જ પતાવીને ફોન મૂક્યો ને ઓફિસે જવા નીકળી ગયો. આખો દિવસ એના મગજ પર રીધમના પરિણામની જ ઇંતજારી છવાયેલી રહી. સાંજે અચાનક જ એના મામાની દીકરી પાયલનો ફોન આવ્યો.

‘અવિભૈયા, તમને રીધમના પરિણામની ખબર પડી કે ?’

‘ના રે, તને જાણ થઈ કે ?’

‘હા ભાઈ, મને તો બાર વાગ્યાનો ફોન આવી ગયો. એના પૂરાં અઠ્ઠ્યાસી ટકા અને અઠ્ઠાણું ટકા પર્સનટાઈલ આવ્યાં છે. બહુ જ સરસ પરિણામ આવ્યું કેમ, હવે બધાંનો જીવ હેઠો બેસશે કેમ ભાઈ, રીધમને એની મનપસંદ કોલેજમાં એડમીશન મળી જશે.અહાહા..’

‘હા પાયલ. થોડો કામમાં છું તને પછી ફોન કરું.’ ફીક્કા અવાજે અવિએ જવાબ વાળ્યો અને ફોન કટ કર્યો. પોતે દરેક સંબંધની કેટલી માવજતથી જાળવણી કરે છે પણ સામે પક્ષે કાયમ આવી બેદરકારી જ કેમ મળે છે ? આ જ રીધમને એની પરીક્ષા વખતે રોજ પોતાની એસી ગાડીમાં બેસાડીને પરીક્ષાના સેન્ટર સુધી મૂકી આવતો હતો અને એના પેપર પતવાના સમયે બધો સમય એડજસ્ટ કરીને એને લેવા પણ જતો હતો. એક પણ પરીક્ષા એવી નહીં હોય કે પોતે રીધમને ‘ઓલ ધ બેસ્ટ’ કહેવાનું ચૂક્યો હોય. દરેક સંબંધોમાં એણે જ જતું કરવાનું ? બધાંની જન્મ તારીખ, એનીવર્સરી બધું યાદ રાખી રાખીને પોતે નિયમિતપણે બધાંને ફોન કરે પણ એની કે એના કુટુંબની વ્યક્તિના જન્મદિને કોઇ એને યાદ ના કરે..કોઇને યાદ જ નથી રહેતું ને ! તો ય પોતે મોટું મન રાખીને બધાંને મહિને દા’ડે નિયમિતપણે ખબર અંતર પૂછવા ફોન કરે, મળવા જાય. પણ આવું ક્યાં સુધી ચલાવવાનું ? એ જે લેટ ગો કરે છે એની તો કદાચ સામે પક્ષે નોંધ પણ નથી લેવાતી તો પછી આ બધા સંબંધોનું મૂલ્ય શું ? ફકત એની જ ગરજ – ફરજ છે સંબંધો સાચવવાની ? આજે રીધમ અને માસાએ ફરીથી એવું કર્યું. પોતે સવારથી રીધમના પરિણામની રાહ જોઇને બેઠો હતો અને રીધમ..એના પરિણામના સમાચાર પણ પોતાને પાયલ પાસેથી મળ્યાં- ઉફ્ફ.. અવિનું દિલ ખાટું થઈ ગયું ! જવા દે, હું રીધમને કોન્ગ્રેચ્યુલેશન માટે ફોન જ નહી કરું. મારે શું કામ ફોન કરવાનો ? બે દિવસ રહીને માસીને ઘરે જવાનું જ છે ને એ વખતે જ એને કોન્ગ્રેટ્સ કહી દઈશ અને અવિનાશે પતી ગયેલી સિગારેટનું ઠૂંઠૂં બાજુમાં પડેલી એશટ્રેમાં નાંખ્યું ને ઘરની બહાર નીકળી ગયો. સાઉથઇન્ડીઅન હોટલમાં જઈને મસાલા ઢોંસો ખાધો અને ગળી કથ્થઈ વરિયાળીનો મુખવાસ ખાતા ખાતા મોબાઈલ હાથમાં લીધો. શું ય જાણે એના મનમાં શું ભરાયું કે એણે અચાનક જ રીધમને ફોન લગાવ્યો.

‘રીધમીયા…તું તો કમ્માલ છે ને. આટલા બધા ટકા લઈ આવ્યો કંઇ. અહાહા..હું બહુ ખુશ છું ભઈલા.’

‘ઓહ અવિનાશભાઈ, પાય લાગું. બસ આપ સૌના આશીર્વાદ ને દુઆઓનું ફળ છે.’

આડી અવળી વાતો કરીને અવિનાશે ફોન પૂરો કર્યો. મનોમન બબડયો, ‘ હું મારા સ્વભાવ વિરુધ્ધ જઈને કદી ખુશ ના રહી શકું. મારા લાગણીશીલ સ્વભાવને અનુરુપ સંબંધોમાં પ્રથમ પગલું ભરવું અનિવાર્ય જ છે અને એ તો મારે કાયમ ભરવું જ રહ્યું. બહુ વિચારવાનું નહીં’

વાતાવરણમાં પલટો આવી ગયો. ૪૫-૪૬ ડીગ્રીનો તાપ સહીને અકળાઈ જનારા માનવીઓ ઉપર ઇશ્વરની કૃપા ટપ ટપ..ટપાક કરીને વરસી રહી હતી. સર્વત્ર શીતળતા, હળવાશનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું.

અનબીટેબલ ઃ સુગંધ પર દુર્ગંધ ઢોળવાથી સુગંધ જ છોભીલી પડે છે.

અનુવાદ


Phoolchhab newspaper > Navrash ni pal column > 4-06-2015

આ પ્રેમલ વિખવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો,

તેં મારો અનુવાદ કઈ ભાષામાં કરી નાંખ્યો ?

-અનિલવાળા.

 

આજે આમ તો બીજો વિચાર મગજમાં લઈને બેઠી હતી પણ ત્યાં જ ‘વોટસ એપ’માં ‘ક્લાસીક’ ગ્રુપમાં મિત્રો સાથે એક નવા જ ટોપિક પર વાત થતાં મારા વિચારની દિશા જ બદલાઈ ગઈ અને એક નવી જ વાર્તા લખાઈ ગઈ. આજની એ વાર્તા મારા એ તમામ મિત્રોને અર્પણ !

 

‘ઝરણાંબેન, જરા તમારા હર્ષને મારે ત્યાં મોક્લજો ને જરા.’

‘શું થયું અમીબેન ? આમ અચાનક સવાર સવારમાં..?’

‘કંઈ ખાસ નહી, આ મારા પૌત્ર ઋષિનું કંઇક પાર્સલ જેવું આવ્યું છે, એમાં કંઈક મોબાઈલમાં આંગળીથી સહી કરવાની છે એવું કહે..હવે મને આ બધી માથાપચ્ચીમાં કંઈ સમજ નથી પડતી. મૂઆ એ આખો દિવસ લેપટોપ ને મોબાઈલમાં શું નું શું ય ગોરખધંધા કર્યા કરતો હોય છે, કંઇક લાઈન શોપ…જેવું બધું..’

‘અમીબેન, એને ‘ઓનલાઈન શોપિંગ’ કહેવાય. તમે ચિંતા ના કરો હું ઋષિને મોકલું છું.’ ઝરણાંબેનથી થોડું હસી પડાયું.

ચીલ્ડ મેંગો શૅકની ઘૂંટ ઘૂંટ ભરીને મજા લેતા ઋષિને અડધો ગ્લાસ મૂકીને જવું પડશે એ વિચારથી થોડો ગુસ્સો તો આવ્યો પણ શું થાય ? ગ્લાસ ફ્રીજરમાં મૂકીને એ અમીબેનના ઘરે ગયો. ત્યાં ઓનલાઈન શોપિંગનો માણસ ખભે મસમોટો કાપડનો થેલો લઈને અને માથા પર કેપ ચડાવીને એની કાગડોળૅ રાહ જોતો ઉભેલો દેખાયો.એની પાસેથી એનો મોબાઈલ લઈને એમાં એણે તર્જનીથી પોતાના નામની સહી કરી અને એને પાછો આપ્યો. બે સેકંડના આ કામ માટે દસ મિનીટથી આ ઉનાળાની ગરમીમાં રેબઝેબ થતો ઉભેલો પેલા માણસે જાણે જેલમાંથી છૂટયો હોય એવા હાવભાવ સાથે આભારવશ ઋષિ સામે સ્મિત ફેંક્યું અને અમીબેન પાસે એક ગ્લાસ ઠંડાપાણીની માંગણી કરી.અમીબેન પાણી લેવા રસોડામાં ગયા ને ઋષિએ એ સેલ્સમેનને પૂછ્યું,

‘આ મોબાઈલમાં સહી કરવાની – એનું કોઇ સોફ્ટવેર છે કે ?’

‘અમારી કંપનીએ એક એપ્લીકેશન ડેવલોપ કરી છે આના માટે..’

‘હમ્મ..’ ત્યાં જ અમીબેન પાણીના ગ્લાસ સાથે ડોકાયા. પાણી પીને પેલો માણસ ચાલ્યો ગયો ને અમીબેન ઋષિ તરફ જોઇને બોલ્યાં,

‘આ તમારી પેઢીના જબરા તૂત હાં કે, તમારા મા-બાપે જ તમને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકી મૂકીને બગાડી મેલ્યાં છે. નવી નવાઈનું અંગ્રેજી ભણવાનું અને બળ્યાં તમારા આ અંગ્રેજી તોરતરીકાઓ..!’

ઋષિ પંદર વર્ષનો તરવરીયો જુવાન. સવાર સવારમાં દૂધ પીતા ઉઠાડીને કામ કરાવવા બદલ આ આંટી એને ‘થેન્ક્સ’ કહેવાના બદલે એમની પેઢીને અને અંગ્રેજી માધ્યમને ગાળો દેવા બેસી ગયા એ જોઇને અકળાઈ ઉઠ્યો.

‘એમાં અમારી પૅઢીનો શું વાંક આંટી ? આજ કાલ જે રીતે જમાનો ચાલે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ.અંગ્રેજી માધ્યમને ગાળો આપવાનો શું અર્થ ? અમારા મમ્મી પપ્પાએ જમાનાના બદલાતા પવનો જોઈને અમારા સારા ભવિષ્ય માટે જે પ્રયત્નો કર્યા એને આમ વખોડો છો શું કામ ? એ પહેલાં અમારી કમાણીની ચિંતા કરે કે ભાષાના રખોપાની ? પ્રાયોરીટી ભી કોઇ ચીજ હૈ ના ! આ તમારી ગુજરાતી ભાષાને જ કહો ને કે અમને ઉજ્જવળ ભવિષ્ય આપવાની ક્ષમતા ધરાવે, આજીવિકાની તકો વધારે…પછી જુઓ…કોઇ મા બાપ પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકે છે કે ? ‘

‘બળ્યું તમારું અંગ્રેજી, કોઇ જાતના સંસ્કારો જ નહીં ને. આ તું જોને મારી સાથે કેવી જીભાજોડી કરતો થઈ ગયો છે ! આપણી માતૃભાષાની ઘોર ખોદવા બેઠા છો બધા ભેગા થઈને.’ ઋષિ બે મીનીટ તો સમસમી ગયો પણ પછી સંયત અવાજે બોલ્યો,

‘માસી, અંગ્રેજી સર્વસ્વીકાર્ય માધ્યમ છે તો એને શીખવામાં શું વાંધો હોય ? વળી અંગ્રેજી જ શું કામ.. મારા પપ્પાને તો ધંધામાં જર્મન, ફ્રેંચ, ચાઈનીસ ..જેવી કેટકેટલી ભાષાઓનો ખપ પડે છે અને એ આ ઉંમરે પણ એ ભાષાઓ શીખવાનો પ્રયત્ન કરતા હોય છે. તમને ખબર છે મારા પપ્પા ભાષાશાસ્ત્રમાં પીએચડી કરે છે. એમાં એક વખત એમણે એમની કવિ ઉમાશંકરની કવિતા રજૂ કરી તો એમના માર્ગદર્શકો એ આખી ચર્ચા અંગ્રેજીમાં જ થી હોવાથી પપ્પાને એ કવિતા અંગ્રેજીમાં ટ્રાન્સલેટ એટલે કે અનુવાદ કરીને રજૂ કરવાનું કહેવાયું હતું. પપ્પાએ એ કૃતિ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી ડીપાર્ટમેન્ટને મોકલી અને ત્યાંની ઓથોરીટીએ એ ક્રુતિનો અનુવાદ કરીને મોકલ્યો. હવે અંગ્રેજી ભાષાના જ્ઞાન વગર આ અનુવાદ કયાંથી શક્ય હતો બોલો ?’

અમીબેન તો આવડા ટેણિયાના મૉઢે આવડી મૉટી મોટી વાતો સાંભળીને થોડાં ઝંખવાઈ જ ગયાં, કશું ના બોલી શક્યાં. પણ એમની પાછળ જ એમના પતિદેવ રીતેશભાઈ ઉભા હતાં એમને આ ચર્ચામાં બહુ રસ પડ્યો. એમણે અમીબેનને એમના અને ઋષિ માટે નારંગીનો જ્યુસ લાવવાનું કહ્યું અને ઋષિને અંદર બોલાવીને સોફા પર બેસાડ્યો.

‘બેટા, તું આ અનુવાદની વાત કરતો હતો તો એમાં તને કેટલી સમજણ પડી છે એ કહે .’

‘અંકલ, સાચું કહું તો આજકાલ જ્યાં ત્યાં બધે જ અંગ્રેજીનો વ્યાપ વધતો જાય છે, એ શીખ્યા વિના અમારે લોકોને છૂટકો જ નથી અને એમાં ભણવાનું રાખીએ તો આ આંટી જેવા અનેકો લોકો ખાલીખાલી અમારા માથે અપરાધભાવનો ટોપલો ઢોળતાં જાય છે. અમને તો ઠીક અમારા મા બાપને ય એમાં ધસેડી કાઢે છે એ સહન નથી થતું. અલ્યા, અંગ્રેજીમાં ભણીએ છીએ..કોઇ ગુનો તો નથી કરતાં ને ? એટલે આવું કોઇ કંઇ બોલેને તો મારાથી સામે જવાબ અપાઈ જાય છે. માફ કરજો, આંટીનું અપમાન કરવાનો મારો કોઇ ઇરાદો નહતો.’

‘દીકરા, સૌપ્રથમ તો તું મારી વાત જ ના સમજ્યો. જે શિક્ષણ તમને સુંદર ભાવિ આપી શક્તું હોય એવી દુનિયાની કોઇ જ ભાષામાં શિક્ષણ સામે મારો તો કોઇ જ વાંધો નથી, એનો મતલબ એવો નહીં કે મને મારી માતૃભાષા માટે પ્રેમ નથી. હું તો ગુજરાતી ભાષામાં પુસ્તકો લખું છું. એ બધી વાતો છોડ. મને તો તારા આ અનુવાદના પ્રસંગમાં રસ પડ્યો છે. તું શું માને આ અનુવાદ કોઇ પણ ભાષાના સાહિત્ય માટે કેટલો જરુરી છે ?’

‘ઓહો અંકલ, હવે તમારો પોઈંટ સમજ્યો. આ સાહિત્ય – બાહિત્ય જેવા અઘરા શબ્દોમાં મારી ચાંચ તો ના ડૂબે પણ એટલું ખરું કે એ દિવસે મારા પપ્પાની થીસીસ રજૂ કરવા માટે ગુજરાતી કવિતાનો અનુવાદ અનિવાર્ય થઈ ગયો હતો. એ પછી અંગ્રેજી હોય કે ઉર્દૂ કે ફ્રેંચ કે કોઇ પણ ભાષા, મનુષ્યો એમના જીવન દરમ્યાન અનેકો ભાષા શીખે તો ખોટું શું છે. ઉલ્ટાનું આ તો સમાજને ઉપકારક કાર્ય છે.હવે વધુ તો આપ વડીલ સમજાવો.’

‘દીકરા, તું વ્યાપ, ઉપકારક, રોજગારી જેવા અનેકો શબ્દો તારી વાતચીતમાં સમાવેશ કરી જાણે છે. તારું ગુજરાતીના શબ્દોનું જ્ઞાન પણ ઘણું સારું છે એ હું જોઇ શકું છું. હું તો વિશાળ આચાર-વિચારોનો માલિક છું. તેં જે કહ્યું એ પરથી મને આ ક્ષણે એટલું સમજાય છે કે આપણા ગુજરાતી સાહિત્યને દુનિયાના છેડાં સુધી પહોંચાડવા માટે આપણે દુનિયાભરની ભાષાઓનો અભ્યાસ કરવો જ પડે. આપણી વાત આપણે એમને એમની ભાષામાં જ કહેવી પડે. બાકી તો કાલે આ હર્ષ મને કહેતો હતો કે,’દાદાજી, આ ફોરેનમાં સહેજ પણ ના ચાલી હોય એવી ફિલ્મો ય આપણે અહીં અહોભાવથી જોઇએ છીએ. એ લોકોને ત્યાં એ વાત ચવાઈ ગયેલી લાગે છે પણ આપણા માટે તો એ દુનિયા સાવ નવી હોય છે. પિકચરો દ્વારા આપણે એમની દુનિયામાં ડોકાચિયાં કરી શકીએ છીએ. એમની સામાજિક પ્રણાલી, જીવન પધ્ધતિને નજીકથી જાણી સમજી શકીએ છીએ’, આ પરથી તું વિચાર કે આપણે આપણી વાર્તા, કવિતાઓ, નાટકોનો અનુવાદ કરી શકવાને સક્ષમ બનીએ તો આપણા સાહિત્યની કેવડી મોટી સેવા થઇ શકે એમ છે. કયા માધ્યમમાં ભણવું જેવી વાતોની પસંદગી અંગત હોય છે પણ થોડા વિશાલ હ્રદયના થઈ શકીએ તો જ અનુવાદ જેવા કામ હાથમાં લઈ શકાય દીકરા. કોઇ પણ ક્રુતિના અનુવાદમાં બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. તમે જે ભાષામાં અનુવાદ કરી રહ્યાં છો એ અને જે ભાષાનો અનુવાદ કરો છો એ – આ બે ય ભાષાનો પૂરતો અભ્યાસ અને જ્ઞાન હોવું અતિઆવશ્યક. મૂળ રચનાનું સૌંદર્ય મરી ના જવું જોઇએ અને અતિક્રમી પણ ના જવું જોઇએ. અનુવાદક મુખ્ય સર્જક કરતાં વિશાળ હ્રદયનો ગણી શકાય, કારણ કે એણે સૌપ્રથમ તો આજે જયારે બધા જ બોલવા બેઠા છે એવા જમાનમાં મૂળ સર્જક જે કહેવા માંગે છે એ સાંભળવાની તૈયારી રાખવી પડે છે વળી અતિઉત્તમ અનુવાદનું કામ કરીને પણ એની ક્રેડિટ તો મૂળસર્જક સાથે વહેંચવાની હોય છે. વળી સર્જકને તો જે તે ભાષામાં કામ કરે એની જ પૂરતી જાણકારી હોય તો ચાલી જાય પણ અનુવાદકના માથે બે ય ભાષાની પૂરતી સમજણની અપેક્ષાનો ભાર લટકતી તલવાર જેવો હોય છે. પોતાની ભાષાનો ઉત્તમ સર્જક ઉત્તમ અનુવાદક હોય એવું તો સહેજ પણ જરુરી નથી જ. અનુવાદક ઉત્તમ સર્જનને દુનિયાના ખૂણા ખૂણા સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સાહિત્યના બહોળા પ્રચાર, સમ્રુધ્ધિ માટે હું તો માનું છું કે વિશાળ પાયે આવા અનુવાદો થવા જ જોઇએ.પણ આપણે ત્યાં તો હજુ દુનિયામાં સર્વસ્વીકાર્ય અંગ્રેજી જ નથી સ્વીકારાતી તો …અફસોસ થાય છે ! તમે ય આટલી ઉંમરમાં આ અંગ્રેજીના કારણે કેટલું નવું નવું વાંચી, જાણી શકો છો, તમારો વિકાસ કેટલો સરસ રીતે થાય છે. અંતે તો તમારો વિકાસ દેશનો જ વિકાસ છે ને..’

અને બારણાંની આડસ લઈને ઉભેલાં અમીબેન અને સોફાના હાથા પર કોણી ટેકવીને એના પર હડપચી ગોઠવીને બેઠેલ ઋષિ બે ય ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગયા.

અનબીટેબલ ઃ સ્વીકારનો અનુવાદ વિશાળતા કરી શકાય ને ?