ઇનસ્ટન્ટ રીપ્લાય


phoolchhab newspaper > navrash ni pal column > 22-04-2015

થોડી નિસ્બત, થોડી ધરપત, થોડી ચાહત ને રકઝક પણ,

મન ફાવે તે લૂંટાવી જા, આ લાગણીઓના સરનામે.

-દિવ્યા રાજેશ મોદી.

વીસે’ક વર્ષનો તરવરીયો ફૂટ્ડો યુવાન હિતાંશ હાંફળો ફાંફળો થઈને બંગલાના કંમ્પાઉન્ડમાં ફરતો હતો. એના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં સ્માર્ટ ફોન હતો. સિગારેટનો છેલ્લો લાંબો કશ લઈને એણે અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી સિગારેટનું ઠૂંઠું દૂર ફંગોળ્યું. હવામાં બે ત્રણ ગોળ ગુલાંટી ખાઈને ઠૂંઠું પામના કૂંડા પાસે જઈને પડ્યું. કૂંડાની ફરતે મહેંદી વાવેલી હતી જેમાં આ બેદરકારીથી ફેંકાયેલ સિગારેટના તણખાંથી આગ લાગી. જોકે હિતાંશનું ધ્યાન જતાં એણે તરત જ આગને એના ફ્લોટર્સથી દબાવીને ઠારી દીધી.

વીરેન, હિતાંશના પપ્પા એમના રુમની ગેલેરીમાંથી આ સમગ્ર ઘટના જોઇ રહ્યાં હતાં અને જેનાથી હિતાંશ સાવ અજાણ હતો. પોતાના દીકરાની આવી બેચેનીનું કારણ જાણવાના ઇરાદાથી વીરેન એના બેડરુમમાંથી બંગલાના બગીચામાં આવ્યો અને હિંચકા પર બેઠેલ હિતાંશની પાસે જઈને બેઠો.

‘બેટા, કેમ આટલો બધો અકળાયેલો છું ? ‘

‘હ..અ..અ…પપ્પા એવું કશું નથી. આ તો અમથું..માથું દુખતું હતું.’

‘બેટા, મારી પર વિશ્વાસ નથી કે ?’ અને વીરેને પોતાની સ્વચ્છ વિશાળ આંખો હિતાંશની આંખોમાં પૂરોવી દીધી. પપ્પાની નજરનો સામનો ના કરી શકતો હોય એમ હિતાંશ નજર ફેરવી ગયો. વીરેને એના ખભા પર હાથ મૂકયો અને હળ્વેથી બોલ્યો,

‘પપ્પા પર વિશ્વાસ ખૂટી ગયો કે ?’

‘ના..ના પપ્પા એવું કંઇ નથી. આ તો એવું છે ને કે મારી એક ફ્રેન્ડ છે, યશ્વી. અમે બંને એક બીજાને પસંદ છીએ. કોલેજમાંથી છૂટા પડીએ પછી પણ અમારી વચ્ચે રોજ સતત મેસેજીસ અને ફોનથી કોન્ટેક્ટ રહે છે. પણ છેલ્લાં અઠવાડિયાથી યશ્વી મારા કોઇ જ મેસેજીસના રેગ્યુલર જવાબ નથી આપતી. પાંચ વાર ફોન કરીએ તો માંડ એકાદ વાર વાત કરે અને બાકી કામનું કે ઘરનું કોઇ બાજુમાં છે તો વાત નહીં થાય જેવા બહાના બતાવે છે. પપ્પા, હું તમને મારા મિત્ર માનું છું અને એથી જ આપને આ વાત કહી રહયો છું. મારી રોજની સવાર એના ‘ગુડ મોર્નિંગ’ ના મેસેજથી અને રાત એના ‘ગુડનાઈટ’ના મેસેજથી જ પડે છે. મને એક જાતની આદત પડી ગઈ છે હવે. પણ આ યશુ આજકાલ આવું ઓકવર્ડ બીહેવ કરે છે ને મને સતત અસલામતીનો ભય રહ્યાં કરે છે. યશુ બહુ જ સુંદર અને પૈસાદાર મા બાપની સ્માર્ટ સંતાન છે એને ક્યાંક બીજો કોઇ છોકરો તો…’ અને હિતાંશનો અવાજ રુંધાઈ ગયો ને આગળનું વાક્ય બોલાયા વિના જ રહી ગયું. જોકે વણબોલાયેલ વાક્યના પડઘા લાગણીશીલ બાપાના કાન સુધી પહોંચી જ ચૂક્યા હતાં અને પોતાના સંતાનની આવી દશા પર એ બે પળ સ્તબ્ધ થઈ ગયાં. બે મૌન પળ વહી ગયા પછી વીરેને પોતાની જાતને સંયત કરી અને દીકરાના ખભે હાથ મૂકીને બોલ્યો,

‘હિત, તને ખબર છે ને તારી મમ્મી ને મારા પ્રેમલગ્ન છે ?’

‘ઓફકોર્સ પપ્પા, આ તો કેવો સવાલ ? આ જ કારણથીમને તમારી ને મમ્મી પર વિશ્વાસ છે કે તમે મારી હાલત સમજશો અને મને પણ લગ્ન માટેની સંમતિ આપશો જ. અહાહા…કેવી અદભુત પ્રેમ કહાની છે તમારી બે ય ની ! મને તો એ સાંભળીને ય રોમાંચ થઈ જાય છે પપ્પા.’ અને હિતાંશના મુખ પર આછેરી સ્મિતની લકીર ખેંચાઈ ગઈ.વીરેન પણ દીકરાની હળવાશની એ પળોને માણી રહ્યો ને ધીરેથી બોલ્યો,

‘અમારા જમાનામાં આજની જેમ મોબાઈલ – ફોબાઈલ નહતા. ઘરનાથી છુપાઈ છુપાઈને અમારે ફોનમાં વાત કરવાનો સમય પણ ચોરવો પડતો હતો. એવા ચોરેલ સમયમાં એના ઘરની બહાર આવેલ પીસીઓમાંથી તારી મમ્મી મને ફોન કરે અને ઘણી વખત તો એ ફોન તારી દાદી કે દાદા ય ઉપાડે અને એ સમયે સામેથી ફોન કટ કરી દેવો પડે. વાત કરવાના ય આવા ફાંફાં તો મળવાની વાત તો શું કરું બેટા ? અમે બે ય જણ મળવા માટેની કે ફોન પર વાત કરવાની ચાતકની જેમ રાહ જોતાં. પણ સાચું કહું બેટા, એ રાહ જોવાની પણ એક મજા હતી. બહુ જ રાહ જોવાયા પછી માંડ માંડ પાંચ દસ મિનીટ વાત કરવા મળે, દસ પંદર દિવસે અડધો પોણો કલાક એક બીજાને મળવાનો મળે અને એ સમય અદભુત અદભુત હોય બેટા, એટલો અદભુત કે હું એને શબ્દોમાં વર્ણવી જ ના શકું.’

‘હા પપ્પા, તમારા ના વર્ણવાયેલ સમયને હું સમજી શકું છું.’

‘પણ બેટા, આજે તમને લોકોને સતત ફેસબુક, વોટસએપ, ટ્વીટરના અપડેટના જંગલોમાં અટવાયેલી જોવું છું ને ત્યારે મને બહુ દુઃખ થાય છે.’

‘કેમ દુઃખ પપ્પા ? અમે સતત એક બીજાના સંપર્કમાં રહીએ છીએ એનાથી અમારો પ્રેમ વધુ ગાઢ બને છે. તમને તો આનંદ થવો જોઇએ ને ?’

‘ના બેટા, તમે આ સતત અપડેટમાં ધીરજ જ ખોઇ બેઠા છો. વિરહ પછીના મિલનની શું મજા હોય એ અનુભૂતિથી જ તમારી પેઢી વંચિત થઈ ગઈ છે. તમને બધું ઇનસ્ટન્ટ જોઇએ. સવાલો પણ ઇન્સટન્ટ, એના જવાબો ય ઇનસ્ટન્ટ અને વળી એ જવાબ ના મળે તો એના ફ્રસ્ટ્રેશન ય ઇનસ્ટન્ટ. પણ આ બધા ઇન્સ્ટન્ટમાં જે અગત્યનું હોય છે – આ ડીપ્રેશનોમાંથી  ઇનસ્ટન્ટ બહાર આવી જવાની.’ એ જ તમને નથી આવડતું. ઉલ્ટાનું નાની નાની બાબતો ય તમને હેરાન પરેશાન કરી મૂકે છે. તમારી પાસે ખુશી, મનોરંજન મેળવવાના ઢગલો સોર્સીસ હાજર છે પણ ઝાઝા રસોઇઆ રસોઈ બગાડે એમ આ ઝાઝા સોર્સીસે તમને એમનું મહત્વ જ નથી સમજવા દીધું. મેસેજીસ, ફોન એ એકબીજાની ખબર અંતર પૂછવા માટે હોય છે પણ તમે લોકોએ એને સતત રીપ્લાય આપવાના, ટચમાં રહેવાની અપેક્ષાઓ થકી એક ન્યુસન્સ બનાવી દીધું છે. બે કલાક પણ નેટ ના ચાલતું હોય કે કોઇની સાથે મેસેજીસની આપ લે ના થાય તો આખી દુનિયાના દુઃખના ડુંગરા તમારા માથે તૂટી પડે છે. આટલી વિશાળ દુનિયામાં તમે સાવ જ એકલવાયા થઈ જાઓ છો – વળી જેટલી ઝડપથી મિત્રો બની જાઓ છો એટલી જ ત્વરાથી તમે લોકો એકબીજાથી અળગાં ય થઈ જાઓ છો ને સતત નવા નવા સંબંધોની શોધમાં ભટક્યા જ કરો છો ને પરિણામ શું ? સ્ટ્રેસના સમુદ્રમાં ગોતા લગાવો છો…છ્ટ છે તમારી આ ઇન્સ્ટન્ટીયણ અપેક્ષાઓને.તમે લોકો એક પળ પોતે ય એકલા નથી જીવતા કે નથી સામેવાળાને પક્ષને ય એવી સ્પેસ આપતાં. કોઇ પણ પ્રસંગ કે જગ્યા – તમે લોકો સતત મોબાઈલમાં મેસેજીસ કરવામાં જ વ્યસ્ત. નથી આમના રહેતા કે નથી પેલી પા ના. શું સમજાવવું હવે તમને લોકોને ?’

હિતાંશના મગજમાં એકાએક ટ્યુબલાઈટ થઈ હોય એ થોડો ચમક્યો અને બે પળ રહીને બોલ્યો,

‘પપ્પા, તમારી વાત સાચી છે. યશ્વીએ મને કહેલું જ હતું કે એના માસી તાજા તાજા વિધવા થયા છે અને બધા એમને લઈને થોડા ટેન્સ છે તો રેગ્યુલર મેસેજીસ કે ટચમાં રહેવું શક્ય નથી જ. પણ હું એની એ તકલીફ સમજી શકવા જેટલો સમર્થ જ કયાં ? આ ઇન્સ્ટન્ટ રીપ્લાય, સતત સંપર્કની આદતોએ મારું માનસ, સમજણ સાવ ખોખલું જ કરી નાંખ્યું છે. રાહ જોવાની ધીરજ જ નથી રહી. તમે મને સમયસર ચેતવી દીધો પપ્પા, આઇ લવ યુ !’

અને હિતાંશની આંખમાંથી પસ્તાવાના બે મોતી વીરેનની હથેળીમાં સરી પડ્યાં.

અનબીટેબલ : એક ને એક બે થાય એવું જાણતાં હોવા છતાં આધુનિક માનવી એને અગિયાર કરવાની કસરતમાં રચ્યો પચ્યો રહે છે.