આવન -જાવન !

phoolchhab newspaper > Navrash ni pal column > 15-04-2015

 

એ મને પરી કહે,

ન એ ફરી ફરી કહે !

 

હું શરુ કરુ છું ત્યાં,

વાત આખરી કહે !

 

– લેખિકા

આછી રાખોડી રંગની સાઈકલના આગળના સળિયા પર એકબાજુએ ઝુકીને બેઠેલી અઢાર વર્ષની નવયૌવનાની આંખોમાં સતરંગી સપના સળવળતા હતાં. પવનની થપાટથી એના કોરા ખુલ્લાં લાંબા કેશ સાઇકલ ચલાવી રહેલા વીસ વર્ષીય વિકાસના મોઢા પર અથડાતા હતા. વિકાસની આંખ, નાક, ગાલ બધે આ વાળના સુંવાળા સ્પર્શથી અદભુત રોમાંચની લાગણી થતી હતી. એ જાણે બીજી જ કોઇ દુનિયામાં હોય એમ સાઈકલના પેંડલ મારી રહ્યો હતો અને એના બે બાહુની વચ્ચે એની દુનિયા સમાઈ ગયેલી હતી. સળિયા પર બેઠેલી અવની પોતાની જાતને પરી સમજતી હતી. આખી દુનિયામાં સૌથી ધનવાન તો જાણે આ રુપકડું કપલ જ !

સાઈકલના વ્હીલની સાથે સાથે સમયનું ચક્કર પણ ફરતું ગયું. દિવસો વર્ષોમાં બદલાઇ ગયાં અને વિકાસ અને અવની લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. વિકાસ ઠીક ઠાક કમાઈ લેતો હતો એણે પોતાની બચત અને મા બાપ પાસેથી થોડા પૈસાં ભેગા કરીને એક સ્કુટર લઈ લીધું. હવે અવની સાઈકલના આગળના સળિયા પરથી બાઇકની પાછલી સીટ પર આવી ગઈ. અહાહા…સાઈકલ પર તો પવનની આછી થપાટી જ વાગતી જ્યારે બાઈક પર તો પવનને સામો ચીરીને, વીંધીને ધસમસ જવાનું. અવની પાછલી સીટ પર બેસીને પોતાના બે ય હાથ જ્યારે વિકાસની છાતી પર વીંટાળી દેતી ત્યારે વિકાસનું બાઇક જમીનથી સાત આંગળ ઉંચું દોડવા લાગતું.

સમય સમયનું કામ કરે છે. ઘરના ખર્ચાને પહોંચી વળવા અવનીએ પણ એક પાર્ટટાઈમ જોબ શોધી લીધી. શરુઆતમાં તો અવની બસમાં ઓફિસે જતી અને પાછા વળતા વિકાસ સાથે આવી જતી પણ એમ કરતા અવનીને બહુ મોડું થઈ જતું અને રસોઇ ને બીજા ઘરના કામમાં મોડું મોડું થઈ જતું. વળી વિકાસ પણ ઓફિસેથી આવીને ભૂખ્યો થયો હોય ત્યારે રસોઇ બને એની રાહ જોઇને બેસી રહેવામાં ધૂંઆપૂંઆ થઈ જતો. છેવટે બે ય જણ એક નવું વ્હીકલ લઈ લેવું એવા નિર્ણય પર આવ્યાં અને અવનીની ઓફિસમાંથી લોન લઈને અવની માટે એક સેકન્ડહેન્ડ એક્ટીવા લઈ લીધું. હવે નિરાંત. બે ય હુતો હુતી પોતપોતાના વ્હીકલ પર પોતાના સમયે ઓફિસ આવ – જા કરી શકતા અને બધા સમય પણ સચવાઈ જતા હતાં. જો કે બે જણ વચ્ચેથી કશું ક છીનવાતું જતું હતું…એમની જાણ બહાર જ ! શું ?

સમય વીતતો ગયો અને અવની અને વિકાસના સંસારમાં એક દીકરો અને એક દીકરી – રોહન અને અવંતિ નામના બે સરસ મજાના સંતાનોએ પ્રવેશ કર્યો. અમે બે અમારા બે. સરસ મજાનું સુખી સુખી કુંટુંબ. સંતાનોની સ્કુલ, એક્ટીવીટી ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, એમના મિત્રોની નવી દુનિયા…આ બધામાં અવનીનો ખાસો એવો સમય જવા લાગ્યો અને એણે મજબૂરીમાં નોકરી છોડી દેવી પડી. ખરચા વધતા જતા હતા, આમદની ઓછી થતી જતી હતી, ઉંમર વધતી જતી હતી. જોકે એક વાતનો સધિયારો હતો કે આ બધાની સાથે સાથે વિકાસ અને અવની બે ય જણમાં અનુભવનું વિશ્વ સમ્રુધ્ધ થતુ ગયુ હતું અને સમજણ, વિશ્વાસ, માન સન્માનની લાગણી વધી હતી. જો કે કશુંક સદંતર પાછળ છૂટતું જતું હતું. સારસ બેલડીની જાણ બહાર જ્સ્તો !

છોકરાંઓ મોટાં થતાં ચાલ્યાં. હવે એમને પણ વ્હીકલી જરુર પડવા લાગી. અવનીનું એક્ટીવા હવે સાર્વજનિક બની ગયું હતું. એને જ્યારે જરુર હોય ત્યારે ઘરમાં વાહન હોય જ નહીં. અવની તો પોતાના બહારના કામ જેમ તેમ કરીને પાર પાડી લેતી પણ એનો ટીનેજરી સંતાનો આ બાબતે સહેજ પણ લેટ ગો કરવા તૈયાર નહતા થતાં. એક સાંજે અવનીએ હીંચકા પર બેસીને ચા પીતા પીતા વિકાસને કહ્યું,

‘વિકાસ, તું તારું બાઈક રોહનને આપી દે ને. આમ પણ આપણે બધા જ્યારે સાથે બહાર જવું હોય ત્યારે બે બે વ્હીકલ લઈને જવું પડે છે. તો તું એક ગાડી લઈ લે જેથી આપણે બધા સાથે જઈ શકીએ અને આ સ્કુટરનો કકળાટ ઓછો થાય.’

‘હા અવની, હું પણ એમ જ વિચારતો હતો. થોડા પૈસા છે અને થોડાની લોન લઈ લઈશું. ચાલ ત્યારે આ રવિવારે જ બી.જી હાઈવે પર આવેલ પેલા ગાડીના શોરુમ પર આંટૉ મારી આવીએ.’

અને બીજા રવિવારે અવની, છોકરાંઓ અને વિકાસ ગાડીના શોરુમ પર હતાં. ગાડીનું મોડલ, પ્રાઈઝ એ બધાનું પૂરેપૂરું સ્ટડી કરેલ હોવાથી એમને ગાડી ખરીદવામાં ખાસ કોઇ વાર ના લાગી અને અડધો કલાક પછી તો એ અમે બે ને અમારા બે નું સુખી સુખી કુટુંબ ગાડીમાં સવાર હતું. વિકાસે ગાડી ચાલુ કરી અને એસી સ્ટાર્ટ કર્યું અને આગલી સીટ પર બેઠેલી અવનીની આંખો બંધ થઈ ગઈ. આ ઠંડો ઠંડો પવન…અહાહા! ઘેનમાં સરી ગઈ અને એ ઘેનમાં જ અવનીનો હાથ વિકાસની તરફ વધ્યો પણ આ શું ? અવનીનો હાથ તો ગીઅર સાથે અથડાઈને જ શરમાઈ ગયો. વિકાસનું પૂરું ધ્યાન તો ગાડીના ડીવીડી પ્લેયરમાં જ અટવાયેલું. અવનીનો હાથ ઓઝપાઈ ગયો અને પાછો પડયો.

સાઈકલના સળિયા પર બે બાજુની વચ્ચે શ્વસતી સુંદર મજાની પ્રેમાળ દુનિયા આજે કઈ રીતે નસીબ થવાની ? આ ગાડીના ગિયરની પેલે પાર બેઠેલો એનો પ્રેમાળ પતિ તો.. અને સંવેદનશીલ અવનીના આંખના ખૂણેથી બે ગરમ ગરમ આંસુડા સરી પડ્યાં.

અનબીટેબલ ઃ હે જીવ, બહુ ગડમથલમાં ના રહે; સઘળાંને કાયમ ખુશ રાખવા શક્ય નથી !

6 comments on “આવન -જાવન !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s