ઘોંઘાટ.

fulchhaab newspaper > navrash ni pal column > 9-04-2015

શૂન્યના શૂન્યને શૂન્યથી તાગતાં,
શૂન્યનાં શિખર પર શૂન્ય જાગે.

શૂન્યથી ભાગતાં શૂન્ય બાકી રહે,
શૂન્યથી જ્યાં ગુણો શૂન્ય આવે.

-ઉષા ઉપાધ્યાય.

બપોર ઢળતી જતી હતી ને સંધ્યા ઉગતી જતી હતી. પાંચ વાગ્યાનો સમય હતો. સોસાયટીની મધ્યમાં આવેલ બગીચાના ઝાંપા પર ૮ થી ૧૬ વર્ષના આઠ દસ છોકરાંઓનું ટોળું વળ્યું હતું. એમને સ્કુલમાં હમણાં જ પરીક્ષા પતી હોવાથી બધા ખુશખુશાલ દેખાતા હતા. એક છોકરાંના હાથમાં કેસરી કલરમાં કાળી લીટીવાળો વોલીબોલ હતો જેને એ વારંવાર એક આંગળી પર ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં બીજા છોકરાને મસ્તી સૂઝી અને એણે બોલને હલકો ધક્કો માર્યો ને બોલ આંગળી પરથી નીચે પડી ગયો. પછી તો છોકરાંઓની ધબ્બા ધબ્બીની મસ્તી ચાલુ થઈ ગઈ અને એમના અવાજથી આખું વાતાવરણ ભરાઈ ગયું. એક છોકરાએ બોલ લઈને બધાને બગીચામાં બાંધેલી નેટ પાસે આવવાનો ઇશારો કર્યો ને એ ત્યાં પહોંચી ગયો પછી બધાંએ વોલીબોલ રમવાનું ચાલુ કર્યું.
પાંચ મીનીટ વીતી હશે અને બગીચામાં ધીમે ધીમે મમ્મીઓ એમના નાના ભૂલકાંઓ સાથે પ્રવેશવા લાગી. હવે છોકરાંઓને બોલ રમવામાં સાવચેતી રાખવી પડતી હતી પણ એ લોકો સમજ્તા હતાં અને બોલ એ છોકરાંઓ સુધી ના પહોંચે એની પૂરતી તકેદારી રાખીને રમતા હતાં. ત્યાં તો એક મમ્મીજીનો ઓર્ડર છૂટ્યો,
‘અલા છોકરાંવ, આટલાં મોટાં ઢાંઢાં થયા છો તો સમજાતું નથી કે હવે આ નાના છોકરાંઓ બગીચામાં આવ્યાં તો એમને શાંતિથી રમવા દઈએ. આ છોકરાંઓને સાઈકલ ફેરવવી છે. ચાલો તમારું રમવાનું બંધ કરો હવે.’
‘અરે પણ આંટી, એને બગીચાની બહાર સાઈકલ ફેરવાવો ને. બીજા બધા છોકરાંઓ તો ફેરવે જ છે ને.’
‘આ સંસ્કાર આપ્યાં છે તારા મા બાપે અલ્યાં ? મોટાઓની સામે બોલવાનું એમ..બહાર મોટા છોકરાઓ સાઈકલ ફેરવે તો આ નાનકડાંઓ એમની હડફેટે ના આવી જાય ? ચાલો ચાલો બહાર નીકળૉ અહીંથી.’ બીજી મમ્મીઓ એ પણ એમના સૂરમાં સૂર પૂરાવ્યો અને એ છોકરાંઓ નિરાશ વદને ત્યાંથી બહાર નીકળ્યાં. સોસાયટીના મેઈન રોડ પર જગ્યા સરસ હતી પણ ત્યાં વાહનોની અવર જવર જબરદસ્ત હતી એથી રમવામાં કોઇ જ ભલીવાર નહતો આવવાનો. બીજી બાજુ આઠ દસ છોકરાઓ બગીચાની ફરતે સાઈકલ લઈને ચક્કર લગાવતા હતાં એટલે એ જગ્યા પણ નક્કામી. ત્યાં એક છોકરાંને બે બ્લોકની વચ્ચે પડતી ગલી જોઇને ક્રિકેટનો આઈડીઆ આવ્યો અને બધા ફરી પાછા ફુલગુલાબી મૂડમાં આવી ગયાં. બધા છોકરાંઓએ બોલ બેટ અને સ્ટમ્પ લઈ આવીને ક્રિકેટ ચાલુ કરી. હરખનું વાતાવરણ થોડી વાર તો ટક્યું ને પછી બીજા માળેથી પાણીનો ધધૂડો પડ્યો ને પાછળ એક અવાજ આવ્યો,
‘આખો દિવસ અહીં ને અહીં જ ગુડાણા હોવ છો મૂઆઓ..બીજે ક્યાંક ટળોને..આખો દિવસ કલબલ..કલબલ..’
નીચે બેટીંગ કરનારો છોકરો હક્કો બક્કો થઈને હજુ સ્તબ્ધ જ ઉભો હતો. એના વાળમાંથી પાણીના ટીપાં એની ટીશર્ટમાં ઉતરતા જતા હતાં ને એના મિત્રો એને જોઇને આવતા હાસ્યને મહાપરાણે દબાવી રાખતાં હતાં. ત્યાં જ  બારીમાંથી એક ડોકું નીકળ્યું,
‘ચાલો અહીંથી આઘા જાવ. આ તમારો કલબલ..કલબલ..નર્યો ઘોંઘાટ . મારી દીકરીને પરીક્ષા છે. વાંચવા દો એને શાંતિથી.’
‘પણ આંટી અમે તો માત્ર એકાદ કલાક જ રમીએ છીએ અને તમારી દીકરીને તો અમે હમણાં જ એકટીવા લઈને બહાર જતા જોઇ. શું કામ ખોટું બોલો છો ? મારું ઘર પણ આ બ્લોગમાં જ છે તો અમે અહીં જ રમીએ ને…બીજે ક્યાં જઇએ ?’
‘આ..લે…લે…લે.. આવડું અમથું ટેણીયું સામો જવાબ આપતો થઈ ગયો છે ને..શું જનરેશન છે આજકાલની ? શું મા બાપના સંસ્કારો ?’
‘આંટી, મમ્મી પપ્પા સુધી ના જાઓ ‘ છોકરાંઓનું લોહી ઉકળી ગયું.
‘અલ્યાં, હવે અહીંથી આઘા મરો છો કે કચરો નાંખું ?’ ને છોકરાંઓ વીલે મોઢે ત્યાંથી છૂટાં પડ્યાં.
અને આંટી એમના ડ્રોઈંગરુમમાં ગયા. ત્યાં બિરાજમાન એમના પતિદેવ ઉવાચ,
‘શુંઆમથી તેમ આંટા મારે છે, ચા મૂકવાનો સમય થઈ ગયો છે ભાન બાન છે કે નહીં. ચાલ ફટાફટ ચા બનાવ.’
માંડ અંતરનો ઉકળાટ બહાર કાઢીને આંટી થોડા હળ્વા થયેલા ને ફરીથી એ જગ્યામાં પુરાણ થઈ ગયું.
બીજા જ દિવસે બપોરના સમયે બ્લોક માં બપોરના બે વાગ્યાંના સમયે પાણીની ડોલ રેડાઈ હતી એ જ ફ્લેટમાં ભજનની રમઝટ મંડાણી હતી. રામનવમી હતી ને ! બૈરાંઓના ભજનો સાથે ખંજરી અને થાળી પર વેલણના રણકારથી સાથ પૂરાવાતો હતો. બૈરાંઓની તાળીઓ પણ ખરી જસ્તો.
આ અવાજથી એ ફ્લેટની ઉપર રહેલા એક ઘરડાં દાદા વારંવાર એમની પથારીમાં બેચેનીથી પડખાં ફરતા હતાં ને વિચારતા હતાં,
‘આ રોજ રોજ ભજનોનો ઘોંઘાટ, બળ્યાં બપોરના ય જપવા  નથી દેતાં. કાલે આખી રાતની દવા લીધા પછી પણ ઉંઘ થઈ નથી અને એમાં આ અવાજ જીવ લઈ લે છે. માથામાં ધમધમ વાગે છે. પણ ભગવાનના કામમાં આપણાંથી શું કહેવાય ? એ તો ચલાવી જ લેવું પડે ને ! વળી બહેનોને બોલીને ચૂપ કરાવવાની તાકાત પણ નથી. અવાજ તો બંધ થશે નહી પણ એમની કચકચથી બે દિવસ માથાનો દુખાવો થઈ જશે એ નક્કી.  આ બહેનોને ભગવાનને ભજવા આટલો અવાજ જરુરી કેમ થઈ પડે ? પોતે તો રોજ સવારે એક કલાક કેટલી શાંતિથી કલાક પૂજાપાઠ કરતાં હતાં. વળી ભગવાનના દૂત એવા બાળકોના રમવાનો અવાજ એ ગૃહિણીઓને પજવતો હોય ને એમને ક્રૂરતાથી ધમકાવતા હોય એવા લોકો પોતે જ બિનજરુરી અવાજનું પ્રદૂષણ કેમ ફેલાવતા હશે ?’
એકલવાયો જીવ ચૂપચાપ છત સામે તાકતાં પડ્યાં રહયાં. નહતા સૂઈ શકતાં કે નહતાં પૂરતા જાગી શકતાં. પણ શું થાય ?
અનબીટેબલ ઃ અંતર કોલાહલથી ભરપૂર હોય તો દુનિયાની કોઇ પ્રસન્નતા ખુશી નથી આપી શક્તી.

 

3 comments on “ઘોંઘાટ.

  1. આ થઈ સમસ્યા, આનું કોઈ નિરાકરણ પણ મળવું જોઈએ.. !! btw ભૂલમાં બેક જગ્યાએ ‘બ્લોગ’ લખાયું છે જે ‘બ્લોક’ હોવું જોઈએ.

    Like

  2. અનબીટેબલ ઃ અંતર કોલાહલથી ભરપૂર હોય તો દુનિયાની કોઇ પ્રસન્નતા ખુશી નથી આપી શક્તી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s