દુશ્મનીના હકદાર


 

અમે ભોગવી છે એ દશકાઓ પહેલાં,

તને જે અવસ્થાએ ચુંબન કર્યું છે.

 

-સ્નેહી પરમાર.

 

અનુષ્કા ધુંઆપુંઆ થઈ રહી હતી.નાકનું ટૉચકું લાલ લાલ થઈ ગયું હતું અને આંખમાંથી વરાળ નીકળી રહી હતી. ધડા..મ દઈને એ સોફા પર બેઠી અને પીઠ પર લટકતી બેગ કાઢીને એક બાજુ ફંગોળી.

‘એ મગતરી એના મનમાં સમજે છે શું ? સરની આગળ ચાંપલી ચાંપલી વાતો કરીને મારા વિરુધ્ધ કાન ભંભેરે છે અને પોતે એમની લાડકી બનતી જાય છે. વળી સર પણ એવા જ..કાચા કાનના.’

અનુષ્કા એકલી એકલી બબડે જતી હતી. એક પગ બીજા પગના શૂઝમાં ભરાવીને એ કાઢ્યું અને પગથી જ એને ઉછાળ્યું એવું જ બીજા શૂઝનું પણ. એ જ સમયે એની મમ્મી રીતુએ ઘરમાં પ્રવેશ કર્યો અને એ બીજું શૂઝ સીધું એની સાથે અથડાયું. બે પળ તો રીતુ સમસમી ગઈ ને,’ અનુ આ શું પાગલ જેવું વર્તન કરે છે ?’ એવું બોલતા બોલતા પોતાની જીભ પર માંડ કાબૂ રાખ્યો.

હાથમાં રહેલ શોપિંગ બેગ્સ જઈને બેડરુમમાં મૂકી ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને ગ્લાસ ભર્યો અને લઈને અનુની બાજુમાં બેઠી.

‘લે પાણી પી.’

અનુએ રીતુની સામે જોયા વગર જ ગ્લાસ હાથમાં લીધો અને એકશ્વાસે ગટગટાવી ગઈ અને ટી શર્ટની બાંયથી કપાળે વળી ગયેલ પરસેવાની બૂંદો લૂછી અને થોડી સ્વસ્થતા ધારણ કરી.બાજુમાં પડેલ રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું અને ચેનલો બદલવા લાગી. ચેનલ બદલવાની ગતિ પરથી રીતુ એના મગજની દશાનો તાગ આસાનીથી મેળવી શક્તી હ્તી. આખરે મા હતી ને ! ધીમે ધીમે એ ગતિ ધીમી પડી અને છેલ્લે એક ચેનલ પર આવીને અટકી એટલે રીતુએ પોતાની વાત ચાલુ કરી.

‘હવે બોલ, શું વાત છે ?’

‘મમ્મી, મારી સખી ઋત્વીએ આજે મારા ટ્યુશન ક્લાસમાં સરને મારી વિરુધ્ધ ચાડી ખાધી કે હું ચાલુ ક્લાસે મોબાઈલમાં મેસેજીસ વાંચું છું. હવે મમ્મી, આખા કલાસમાં ઓલમોસ્ટ દરેક જણ આમ કરે જ છે. એમાં મેં વળી શું મોટો ગુનો કરી દીધો બોલો. વળી ફિઝિક્સનું જે ચેપ્ટર ચાલતું હતું એમાં પણ મારું બરાબર ધ્યાન હતું. અમે આજકાલની જનરેશન તો યુ નો ના..મલ્ટીટાસ્કર (એક સાથે અનેકો કામને પહોંચી વળનારા ). મને ખબર છે કે એને શું પેટમાં દુઃખે છે.’

‘શું ?’

‘મમ્મી, છેલ્લા અઠવાડીએ અમે બધા મિત્રો મેઘાની બર્થડે પાર્ટીમાં ગયેલા ખબર છે ને ? ત્યાં વત્સલ મારી સાથે બહુ જ વાત કરતો હતો અને મને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપતો હતો. હવે ઋત્વીને વત્સલ બહુ જ ગમે છે એ વાત અમારા ગ્રુપમાં મોટા ભાગે બધા જાણે. જોકે એણે પોતાના દિલની વાત વત્સલને નથી કહી અને મમ્મા, મને પણ એવો છોકરા બોકરા સાથે રખડવામાં ને પેમલા પેમલી કરવામાં કોઇ રસ નથી એ તો તું ય બરાબર જાણે ને મારા મિત્રો ય. પન વત્સલ મારી સાથે વધુ કમફ્ર્ટ ફીલ કરે તો હું શું કરું ? એ મારો સારો મિત્ર છે એની સાથે હસીને બે ચાર વાત કરવામાં ખોટું શું?’

‘હ્મ્મ…દીકરા,હું તારી આ અકળામણ સમજી શકું છું. સ્ત્રી જાતિને મળેલો ઇર્ષ્યાનો અભિશ્રાપ ચાંદ પર લાગેલ દાગ સમાન જ છે ને એનો કોઇ જ ઉપાય નથી. કેટલાંય ખુવાર થઈ ગયા ને કેટલાં હજુ થશે રામ જાણે ! પણ એક વાત વિચારીને કહે કે આ તારી જે અકળામણ છે એ કોઇ પણ રીતે ઋત્વીને હેરાન કરે છે ?’

‘શું મમ્મી તમે પણ…મારી અકળામણ મને હેરાન કરે એમાં ઋત્વીને શું લાગે વળગે? એ તો મસ્ત મજાની જલસા કરતી હશે એના ઘરમાં. મારી એક વખતની બેસ્ટ ફ્રેન્ડ આજે મને સૌથી મોટી દુશ્મન લાગે છે.’

‘ઓહ, અચ્છા અચ્છા મતલબ આ ગુસ્સાની ભટ્ઠીમાં તું એકલી જ બળે છે એમ ને ? તો ઋત્વી તારા માટે એટલી બધી મહત્વની કે તું એની પાછળ તારું આટલું દિમાગ બગાડે છે ? એને પ્રેમથી તારી વાત સમજાવ અને તારા દિલમાં એના અને વત્સલ માટે શું ભાવ છે એ ક્લીઅર કહી દે. એમ છતાં પણ એ ના સમજે તો છોડી દે એને . તારે વળી મિત્રોની ક્યાં કમી ? આમ વારંવાર જેને ખુલાસા આપવા પડે એવા લોકોની મૈત્રી ના રખાય, દુઃખી જ થવાય. વળી મુખ્ય વાત તો એ કે તું એની દોસ્તીમાંથી દૂર થાય ત્યારે એના પ્રત્યે ગુસ્સાની, દુશ્મનીના ભાવમાંથી પણ બહાર નીકળી જજે. આ એક વાત જીવનમાં સતત યાદ રાખજે કે દોસ્તી કરતાં દુશ્મની બહુ જ જાળવીને કરવાની. બને તો જીવનમાં કોઇને પણ આપણા દુશ્મનોની યાદીમાં સામેલ ના જ કરવા ને કરવા હોય તો એની સાથે પૂરી તાકાતથી લડવાનું બળ ધરાવવાનું અને એના શક્ય પરિણામો ભોગવી લેવાની તૈયારી રાખી લેવાની. તમે જયારે કોઇ વ્યક્તિને દુશ્મન માની લો છો ત્યારે એ તમારા મનોપ્રદેશ પર વધારે વર્ચસ્વ ધરાવે છે. તમારી ઇચ્છા વિરુધ્ધ જ તમે એની પળે પળની નોંધ લેતા થઈ જાઓ છો, એને કેમ – કેવી રીતે નીચી પાડવી એ જ વિચારોમાં ડૂબેલા રહો છો. પણ જે વ્યક્તિ તમારી તમારી દોસ્તીને ય લાયક નથી એ તમારી દુશ્મનીને તો કેમનો લાયક હોય ? તમારી દુશ્મની તો બહુ જ અમૂલ્ય હોય છે જે બહુ જ ‘રેર’ વ્યક્તિને જ નસીબ થાય. સમજે છે ને મારે શું કહેવું છે એ દીકરા ?’

‘મમ્મી, શું કહું..યુ આર સિમ્પલી સુપર્બ, આઈ લવ યુ.’ અને અનુષ્કાએ રીતુના ગળામાં પોતાની બાહો પૂરોવીને એના ગાલ પર એક મીઠું મધુરું ચુંબન કરી દીધું.

અનબીટેબલ ઃ સ્ત્રીઓની ઇર્ષ્યા અને પુરુષોનો અહમ આ બે ગુણ અસ્તિત્વમાં જ ના હોય તો દુનિયા કેવી ફીકકી હોત !

-સ્નેહા પટેલ