રે પંખીડાં..

phoolchaab newspaper > 11-02-2016 > Navrash ni pal column
Indian-students-coming-to-Britain

રે પંખીડાં ! સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો,

શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?

 

-સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’.

ત્રીજા માળે આવેલ રુપાલીના ફ્લેટની બેડરુમની બારીમાંથી બહારના રસ્તા પર દોડતાં વાહનોના હોર્ન, બ્રેક, એન્જીનનો ઘરઘરાટ સતત સંભળાતો હતો. બહારના રુમમાં એની દીકરી મોટા અવાજે મ્યુઝિક મૂકીને સાથે સ્ટડી કરી રહી હતી. આજના દોડતા રહેતા જમાનાએ સતત અવાજોની ભેટ આપી હતી. સવાર, બપોર, સાંજ કે રાતના એક બે સુધી સતત એકધારો અવાજ કાનના પડદા વીંધતો જ રહેતો.રુપાલીએ ઉઠીને રુમની બારી બંધ કરી અને કાનમાં રૂ ના પુમડાં નાંખી દીધા અને લેપટોપ ખોલીને બેઠી . એણે એક અગત્યનું પ્રેઝનટેશન તૈયાર કરવાનું હતું અને ઓફિસમાં એને લાયક શાંતિ મળતી નહતી એથી ઘરે જ કરવાનો નિર્ણય લઈને કામ ચાલુ કર્યું. પણ શાંતિ નામની પરી એના નસીબમાં ક્યાં ? હાથતાળી દઈને છટકી જતી હતી..જે છે એ આ જ વાતાવરણ છે મનને મક્કમ કરીને કોનસ્નટ્રેટ કર્યું. બે સ્લાઈડનું કામ માંડ પત્યું ત્યાં એની ગુજરાતીની બુક લઈને ભણવા બેઠેલી સોળ વર્ષની દીકરી અનુજાએ બૂમ પાડી,

‘મમ્મી, આનો અર્થ સમજાવોને..’દક્ષા આગળ દોડતી ગાડીને હળવું ફુલ હોય એમ ઉછાળી ઉછાળીને દોડી જતા પૈડાંની ઘોડાની નાળ આસ્ફાલ્ટ પર પછડાતાં વીજળીના જે ચમકારા કરતી એને જોઇ રહી હતી અને હસુ હસુ થઈ રહી હતી.રમણ અનુનાસિકા આસપાસ દક્ષાના એ મરમર અવાજે દોરેલી રંગોળી જોઇ રહયો.’

‘અનુ, આ શું લાંબુ લાંબુ બોલી ગઈ તું…કંઈ જ સમજાયું નહીં. તારી બુક લઇને અહીં આવ તો..’

અનુજા ડ્રોઇંગરુમમાં આવી અને એની બુક રુપાલીને આપી જેમાં એણે બતાવેલી લાઈન્સ વાંચતા રુપાલીને પણ કંઇ સમજ ના પડી. પોતાના કામમાંથી મગજ ડાયવર્ટ કર્યું અને ધ્યાનથી એણે લાઈન બે ત્રણ વાર વાંચી. માંડ માંડ સમજાઈ તો ખરી પણ અનુજાને સમજાવવી કેમની..? ગમે એમ કરીને રુપાલીએ અનુજાના મગજમાં એ લાઈનનો મર્મ ઉતાર્યો અને પોતાનું બાકીનું કામ કરવામાં પડી.

‘મમ્મી, આ ફકરો સમજાવો ને… આકાશની નિરવધિ શુભ્રતા નદીજળની વિશદતા સાથે ઓતપ્રોત થઈ દશે દિશાઓને પારદર્શક બનાવી દેતી હતી, જાણે પૃથ્વીના પાંચેય તત્વો પડેપડ ઉખેળી નાંખી પ્રગટ થતાં ના હોય ? જ્યાં નજર નાખો ત્યાં હૈયે હૈયાં ઉકલી જતાં હોય અને જાણે સ્રુષ્ટિમાં એક મહાન સુમેળ સંધાઈ જતો હોય એવું ચોમેર લાગતું..’

રુપાલીએ ફરીથી સમજાવ્યું પણ થોડી વાર રહીને ફરીથી નવી વાત..અને એ પ્રશ્નોની ઝડી લગભગ કલાક જેટલી લાંબી ચાલી.

રુપાલી હવે જરા અકળાઈ ગઈ – કંટાળી ગઈ.

રુપાલી ગુજરાતી માધ્યમમાં ભણી ગણીને એમ. એ થયેલી હતી પણ આજના જમાનામાં અનુને ગુજરાતી મીડીઅમમાં ભણાવવા જેવું પગલું લેવાનું હિતાવહ ના લાગતાં એ બુધ્ધિજીવીએ દિલની ભાવનાઓ પર કાબૂ રાખીને પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો નિર્ણય લીધો હતો. આજે દસમા ધોરણમાં આવેલી અનુજાએ ઓપ્શનલ સબજેક્ટ તરીકે ગુજરાતી વિષય લીધેલો જેની કાલે ટૅસ્ટ હતી. ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર દરેક સબજેક્ટમાં એ-પ્લસ લાવનાર અનુજા ગુજરાતીના વિષયમાં થોડી ડલ પડતી. બી-પ્લસ સુધી પહોંચી જતી. અનુજા નાનપણથી અનેકો ગુજરાતી નાટકો જોતી અને એના ડાયલોગ્સ સુધ્ધાં એને યાદ રહી જતાં. કહેવતો, રુઢિપ્રયોગો વગેરેનો રોજબરોજની અને ઘરની મુખ્ય બોલચાલની ભાષા એવી ગુજરાતીમાં પૂરી સફળતાથી ઉપયોગ કરતી હતી, પણ ભણવાની વાત આવતી અને આવું કેમ ? અને આજે એનું મુખ્ય કારણ રુપાલીના ધ્યાનમાં આવતું હતું. પાઠય પુસ્તકના અભ્યાસક્રમમાં સાહિત્યના આવા અઘરા અઘરા પાઠ રાખવાની શું જરુર એ જ વાત એને નહતી સમજાતી. પોતાનું સંતાન પોતાની માતૃભાષાની નજીક રહે એ હેતુથી રુપાલીએ પર્સનલ ધ્યાન આપીને અનુજાને ગુજરાતી પેપર – નવલકથાઓ વાંચતા શીખવ્યું હતું. પણ આટલા અઘરા સાહિત્યને કે અમુક ગામઠી શબ્દો તો એ પોતે પણ જીંદગીમાં ક્યારેય નહતી બોલી કે નહતા સાંભળ્યા..અનેકો શબ્દોના અર્થ તો એને ડિકશનરીમાં પણ નહતા મળતા..એવા એવા પાઠ આ છોકરાંઓને ભણાવવા પાછળનો હેતુ શું ? આ બધી ભાંજગડમાં અનુજા હવે ગુજરાતી ભાષાના નામથી જ કંટાળતી જતી હતી.

આનો રસ્તો શું વિચારતા વિચારતા રુપાલીએ કંટાળીને લેપટોપ બંધ કર્યું. અત્યારે તો એના મગજમાં ગુજરાતી ભાષાનું તોફાન ઉઠેલું હતું અને એનો પ્રોજેક્ટ આખો અંગ્રેજીમાં હતો. ગુજરાતી ભાષા પ્રત્યે એને લગાવ કદાચ અતિલગાવ હતો એમ કહીએ તો પણ ખોટું નહતું પણ અંગ્રેજી ભાષા એને રોજીરોટી આપતી હતી. જ્યાં સુધી ગુજરાતી ભાષા એની રોજીરોટી એની જરુરિયાતો સંતોષાવાને સક્ષમ ન હોય ત્યાં સુધી મને કે કમને…એણે અંગ્રેજી ભાષાને પ્રાથમિકતા તો આપવી જ પડશે અને એને પ્રાથમિકતા આપતા ગુજરાતી ઓપ્શનલમાં જ જશે..ઓપ્શનલમાં પણ આવી અઘરી ભાષા જ ભણાવાશે, ભારેપણાનો મારો થશે તો અનુજા પછીની પેઢી તો ભાષાના આવા જક્કીપણાને ઓપ્શનલમાં ય સ્વીકારીને પોતાના માર્કસનો ગ્રેડ ઓછો કરવાનું કેમની પસંદ કરશે..? આજે એની પેઢી પાસે તો થોડી પણ ધીરજ છે જે પોતાના સંતાનમાં એ મહેનત કરીને રેડે છે પણ અનુજાની પેઢી ધીરજ રાખવા બેસશે તો સતત દોડતાં જમાના સાથે તાલ કેમની મિલાવશે …અને એમની એ દોડમાં એ લોકો પોતાના સંતાનને ગુજરાતી ભાષા માટે ધીરજ રાખવાનું કેવી રીતે સમજાવશે ?

સવાલો અનેક હતા પણ જવાબ એક પણ નહીં. સમય બળવાન !

અનબીટેબલ ઃ ખોટી હાઈલાઈટસ અંતે પરિણામ બગાડે છે.

સ્નેહા પટેલ

3 comments on “રે પંખીડાં..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s