પીળું એટલું સોનું તો નહીં જ !


રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ !
– મનોજ ખંડેરિયા.

સાંજના છ વાગ્યાં હતાં. એસજી હાઈવેના આઠ રસ્તા ઉપર વાતાવરણમાં ચારે બાજુ હોર્નના  અવાજનું જીદ્દી અને અકડું સામ્રાજ્ય છવાયેલું હતું. આટલા વર્ષોની ટ્રાફિકની બધી ય વ્યાખ્યાઓને ઘોળીને પી જતા આ વાહનચાલકો જાણે દુનિયાના સૌથી વ્યસ્ત માર્ગનો રેકોર્ડબ્રેક કરી નાંખશે એમ જ લાગતું હતું. રસ્તા પર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વાહનોની લાંબી લચક કતારો જ નજરે પડતી હતી. અમદાવાદનો આ હાઈવે ટચ રોડ  ઓછામાં ઓછા કેટલા સમયમાં કોણ પાસ કરી શકે એની શરતો લગાવી હોય એમ દરેક વાહનચાલક ઘાઈ- ઘાઈમાં ધાંધળો થઈ ગયેલો દેખાતો હતો. બધાં ય એકબીજાની ટ્રાફિક સેન્સને ગાળો દેતાં હતાં ને અમુક તો  મનોમન બીજા નહીં તો ત્રીજા સિગ્નલમાં પોતાનો વારો ચોકકસ આવી જાય એના માટે મનોમન દેવી દેવતાની માનતા સુધ્ધાં માની લેતા હતાં તો અમુક તો રોજ સવારે ઘરમાંથી જ હનુમાન ચાલીસાનો મંત્ર ગણતાં નીકળતાં ..કેમ ? તો સરળ જવાબ…રખે ને આ ટ્રાફિક સેન્સ વગરના દોડતાં શહેરમાં કોઇ વાહનચાલક આપણા જીવતરની ચિઠ્ઠી ફાડી દે એ નક્કી નહીં…સવારે નીકળીને સાંજે ઘરે પહોંચીએ ત્યારે જ જીવમાં જીવ આવે. ચારે તરફ હડબડાટી, અકળામણ, ગુસ્સા અને ટેન્શનનું પ્રદૂષણ વાતાવરણમાં ફેલાયેલું હતું.રોડના છેડે આવેલી એક નાની શી શાકભાજીની દુકાનમાં રમલી બેઠી બેઠી શાંતિથી બીડીઓના કશ લેતી હતી અને લોકોના સ્ટ્રેસની મજા માણતી હતી. એને માટે તો રોજનું દ્રશ્ય. ત્યાં જ એક ગાડી રમલીની દુકાન આગળ ઉભી રહી અને એમાંથી એક સુંદર મજાનો લેયરકટીયા વાળ ધરાવતો પચીસી વર્ષનોએક સુંદર – સ્માર્ટ ચહેરો ડોકાયો.
‘આ વટાણા શું ભાવ ?’
‘સો રુપિયે.’
‘ઠીક…પાંચસો આપી દે…એક કામ કર…સાથે અઢીસો રીંગણ, કિલો બટેટાં, કિલો ડુંગળી, ખીરા કાકડી પાંચસો, મેથીની ભાજીની બે પણી, સો ગ્રામ આદુ, સો ગ્રામ ફુદીનો, પાંચસો ગ્રામ ચોળી અને કિલો તુવેર પણ મૂકી દેજે..’
રમલીને તો મજા પડી ગઈ. આ સ્માર્ટ ગ્રાહકને એણે બધું ય ફટાફટ તોલી આપ્યું અને છેલ્લે પચાસ ગ્રામ કોથમીર એને દેખાડીને મફત આપી અને ઉપકાર કરતીહોય એવો ભાવ ચહેરા પર લાવીને બોલી,
‘બસો ને ત્રીસ રુપિયા થયા બુન..પણ તમે તો રોજના ઘરાક…બસો ને પચીસ આપી દ્યો ને..’
અને પેલા રુપાળા  ચેહરાધારીએ પર્સમાંથી પાંચસોની નોટ કાઢી. પચીસ રુપિયા છુટ્ટા ના નીકળતાં એટલા રુપિયાના લીંબુ અને ટામેટાં લઈ લીધા ને સિગ્નલ ખૂલી જતાં પેલા બેને ગાડી ભગાવી.
રુપાળા સ્માર્ટ ચહેરાની જગ્યાએ તરત જ એક ખરબચડો અને ગામડિયો ચહેરો ગોઠવાઈ ગયો.
‘રમલી, વટાણાં શુંભાવ ?’
‘સો રુપિયે કિલો..’
‘કેમ લી…બહુ મોઢે ચઢી છું ને તું તો…આખા ગામમાં એંસી રુપિયે છે ને તું સો કેમ કહે ?’
‘સારું એંસી રાખ.’
‘પણ રમલી, મારે કિલો જોઇએ છે અને કિલો વટાણા લઈએ તો સાઈઠ રુપિયામાં ય લોકો આપે છે…’
થોડી રકઝક પછી રમલી એને પાંસઠ રુપિયે વટાણા આપવા રાજી થઈ ગઈ. એ પછી તો દરેક શાકના ભાવતાલ થયાં અને છેલ્લે આંકડો થયો એકસો ને એંસી રુપિયા.
‘રમલી, થોડી કોથમીર , ફુદીનો અને આદુ આપ તો મસાલામાં…’
‘હા લે ને બેન…મસાલો તો આપવાનો જ હોય ને…એ ના આપું તો મારા ઘરાકો તૂટી જાય..લે બુન..તું તારે પ્રેમથી મસાલો લઈ જા.’
‘સારું…આ લે એકસો ને પંચોતેર રુપિયા…પાંચ રુપિયામાં શું વળી તારો જીવ ભરાય..’
રમલીએ ચૂપચાપ પૈસા લઈ લીધા અને શાકની થેલી પેલા ગામડીયા ચહેરાના હાથમાં પકડાવી દીધી.ત્યાં તો આગળ પડેલી ટોપલીમાંથી  બે લીંબુ લઈને પેલીએ થેલીમાં સરકાવી લીધા…રમલી બોલે એ પહેલાં તો એણે હેંડતી પકડી લીધી.
રમલીએ બીજી બીડી કાઢીને એના ધુમાડા કાઢતાં વિચારવા લાગી,
‘સાલ્લું, પેલા ગાડીવાળા બેનના હિસાબમાં ધપલા કર્યાં ને બધું ય શાક મળીને બસોને દસ જ થતું હતું ને એણે એ બેનને બસો ત્રીસ કીધા..સીધો વીસ રુપિયાનો ફાયદો કરેલો..વળી એને શાક પણ બધું મોંઘા ભાવે આપેલું. એ સ્માર્ટબેનને ઉલ્લુ બનાવ્યાનો બધો ય આનંદ આ મૂરખ અને ગામડીઅણ દેખાતી બેન ઉડાવી ગઈ. ગાડીવાળી ફકત પૈસા કમાઈ જ જાણે ને વાપરવામાં સાવ મૂર્ખા…જ્યારે આ અભણ સાલી ઘરઘરના કામ કરીને રુપિયા રળનારી…કમાઈ પણ જાણે છે અને એકે એક પૈસો સમજદારી ને ગણત્રીપૂર્વક વાપરી પણ જાણે છે. આ બે ય માં સાચું ગામડીયું…સાચું અભણ કોણ ?
અનબીટેબલ ઃ કિલો અનાજ લેવા સામેના પલડામાં દૂધની થેલીઓ મૂકીને ના મપાય..કિલોનું લોખંડનું બાટ જ મૂકવું પડે.

 

કારણ વગરનો માણસ


Phoolchhab newspaper > 21-1-2015 > Navrash ni pal column

 

મોટા નગરના માણસો

ચહેરા વગરના માણસો

 

હેતુ વગરની ભીડમાં

કારણ વગરના માણસો

 

પાકી સડકની શોધ મા

કાચી કબરના માણસો

-આદિલ મન્સુરી

 

સ્કુલના વિશાળ પ્લે ગ્રાઉન્ડમાં આરોહી એક વૃક્ષના ટેકે ઉભી હતી. એની નજર જમણી બાજુ આવેલ લીમડાના ખરબચડાં થડ ઉપર ચોંટી ગઈ. ત્યાં રામજીના કૃપા-વરસાદ જેવા કાળા-પીળા પટ્ટા ધરાવતી બે ખિસકોલીઓ ઉપરથી નીચે ને નીચેથી ઉપર દોડી રહી હતી – જાણે પકડાપકડી ના રમતી હોય ! લીમડાના થડ નીચે સ્કુલના બાળકોએ ટીફીનનો વધેલો નાસ્તો નાંખેલો હતો એમાંથી થોડું થોડું ખાવાનું એના બે નાનકડાં હાથમાં લઈને પૂંછડી ઉંચું કરીને નાસ્તો ખાતી હતી. આરોહીએ ધ્યાનથી જોયું તો ખિસકોલીના આગલા પગમાં ચાર અને પાછલા પગમાં પાંચ આંગળીઓ હતી. ઓહ..આ વાતની જાણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે થઈ…અને અચાનક જ એનું મન ખિસકોલીની જેમ દોડાદોડ કરવા લાગ્યું. એના પતિ નીલેશની સાચી હકીકત પણ એને એની જિંદગીના ત્રીસમા વર્ષે જ થઈ ને ! અને મોઢામાંથી એક ઉનો નિશ્વાસ નીકળી ગયો ને આંખમાંથી બોર બોર આંસુરૂપે એ સરી પડયો.ત્યાં જ એના ખભા પર એની સહકર્મચારી સુધાનો હાથ મૂકાયો અને એનો મ્રુદુ સ્વર કાને અથડાયો,

‘આરોહી, શું વાત છે? ક્યાં ખોવાયેલી છે. રીસેસનો સમય પતી ગયો. બેલ ક્યારનો વાગી ગયો અને તું હજુ અહીં…આમ…તારે તો ફીફ્થ ફ્લોર પર આઠ – ઇ ના ક્લાસમાં જવાનું છે ને… ?’

‘અહ…હ….અ..હા….હા…’ આરોહીએ એના નયનની ભીનાશ સાડીના પાલવમાં સમેટી લીધી અને ફટાફટ સ્ટાફરુમ તરફ ભાગી.

સુધા અને આરોહીનું ઘર નજીક જ હતું એથી બે યનું બસસ્ટોપ એક જ હતું. સ્કુલ છૂટ્યાં પછી બે ય બસમાં એક જ સીટ પર બેઠા. છેલ્લાં છ મહિનાથી સ્કુલમાં નોકરી કરતી, કાયમ શાંત, ધીર, ગંભીર અને અંતર્મુખી સ્વભાવની આરોહી માટે સુધાના દિલમાં કૂણી લાગણી હતી. એણે આરોહીના સુંદર મુખને વિહવળ બનાવતી ઉદાસીનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો.

‘આરોહી, આજકાલ તું બહુ ઉદાસ રહે છે…કારણ શું છે ?’ શરુઆતમાં થોડી હિચકિચાહટ્નો અનુભવ કર્યા પછી સુધાની લાગણી આગળ આરોહી પીઘળી ગઈ અને ખુલી ગઈ.

‘સુધા, મારા પતિ નીલેશની જોબ છૂટી ગઈ છે. છેલ્લાં બે વર્ષથી એ ઘરે જ છે. બધી બચત ધીમે ધીમે વપરાઈ રહી છે. મારી એકલીના પગાર પર મારા બે સંતાનો અને અમે બે…આમ ચાર જણનો સંસાર નિભાવવો લગભગ અશક્ય જ બનતો જાય છે.જિંદગીનું બીજું નામ સ્ટ્રેસ બનતું જાય છે.’

‘ઓહ…તારે આર્થિક તકલીફ છે એનો આછો પાતળો અંદાજો તો મને હતો પણ આવી વિષમ પરિસ્થિતીનો અંદાજ નહતો. તું કહે તો મારા પતિ રીતેશને વાત કરું, એની ઓફિસમાં નીલેશભાઈને લાયક કોઇક ને કોઇક નોકરી તો ચોકકસ મળી રહેશે.’

‘ના..ના..સુધા. આવી ભૂલ તો સહેજ પણ ના કરતી. નીલેશને કોઇ જેવી તેવી જોબ નથી જોઇતી. એને તો ઓછામાં ઓછી સાઈઠ હજારથી ઉપરની જોબ હોય તો જ કરવી છે.નીલેશ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો એમાં એનો માસિક પગાર લગભગ ૭૫,૦૦૦ રુપિયા જેટલો હતો. બે વર્ષમાં તો એ કંપની પોતાનો કોન્ટ્રાકટ ખતમ થતાં બંધ થઈ ગઈ અને નીલેશ રસ્તા ઉપર. નીલેશ બી.કોમ જ ભણેલો છે એટલે એની ક્વોલિફીકેશન કંઈ ખાસ ના કહેવાય. અત્યારે એને એના પાછલા વર્ક એકસ્પીરીઅન્સ અને ભણતરના બેઇઝ પર વીસ – પચીસ હજારની નોકરી તો મળી જ જાય છે પણ એને એ નોકરી સ્વીકારતા માનભંગ થતું હોય એવો અનુભવ થાય છે. ક્યાં પંચોતેર હજાર અને ક્યાં વીસ પચીસ હજાર રુપરડી….! ‘

‘અરે, પણ સાવ જ હાથ પર હાથ ધરીને બેસી રહેવું એના કરતાં જે મળે એ નોકરી કરી લેવામાં શું વાંધો છે ? નોકરી કરતા કરતા બીજી જગ્યાઓએ એપ્લાય કરતાં રહેવાનું. ‘

‘સુધા, આ જ વાત અમે ઘરના બધા સમજાવીને થાક્યાં. પંચોતેર હજારના પગારની લાઇફસ્ટાઈલ અત્યારે મારા પંદર હજારના ટૂંકા પગારમાં કેમની મેનેજ કરું ? વળી એની નોકરી છૂટી અને એના આવા નખરાંને લીધે જ મારે આ જોબ સ્વીકારવી પડી છે. જો કે મને એનો કોઇ અફસોસ નથી પણ મોટ્ટામસ પગારની આશામાં સાવ જ આમ નિકમ્માપણું દાખવવાનું ને ઘરમાં પડી રહેવાનું એ કેટલું વ્યાજબી ? એને હવે કશું ય કહેવાતું નથી કારણ એને ડીપ્રેશન આવી જાય છે અને ધડાધડ એન્ટી ડીપ્રેશન દવાઓ ની ટીકડીઓ ખાવા બેસી જાય છે. ઘર, છોકરાં, નોકરી અને માનસિક તાણના શિકારનો જીદ્દી વર…આ બધું મેનેજ કરતાં કરતાં બે વર્ષમાં હવે હું લગભગ હાંફી ગઈ છું. ઘણી વખત તો મન થાય છે કે બધું છોડીને…’અને સુધાએ આરોહીના મોઢા પર હાથ મૂકી દીધો,

‘પાગલ છું કે…આવા વિચાર પણ મગજમાં નહીં લાવવાના. બધાની લાઈફમાં આવો એક પીરીઅડ આવતો હોય છે. જેમ આવ્યો એમ જતો પણ રહેશે..થોડી ધીરજ રાખ. નાણાંભીડ હોય તો મારી પાસેથી થોડી ઘણી રકમ લઈ લેજે..હું તો અમથી ય શોખ માટે જ જોબ કરું છું યુ નો..આપણે આનો કોઇક રસ્તો શોધી કાઢીશું…હિંમત ના હાર.’

અને આરોહી સુધાના ખભા પર માથું મૂકીને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.સુધા મનોમન વિચારમાં પડી ગઈ,

‘ વાસ્તવિકતાનો સ્વીકારી ના કરી શકનાર નીલેશની જીદ્દને સાચવવામાં એની પત્ની મરી મરીને જીવી રહી હતી પણ એ તો પોતાના પંચોતેર હજારના પગારના સ્વપ્નામાંથી જ બહાર નહતો આવી શક્તો..લાયકાત કરતાં પણ વધુ મોટા મોટા પગાર આપીને, વૈભવી લાઈફસ્ટાઈલની ટેવ પાડીને, જુવાનિયાઓ પાસે હદ બહારનું કામ કરાવી એમનું બધું હીર ચૂસીને પોતાનું કામ પતી જતાં એ જ કર્મચારીઓને સાવ જ રસ્તે રઝળતા છોડી દેનાર આવી કંપનીઓ હજુ કેટલી આશાભરી જુવાન જિંદગીઓ આમ બરબાદ કરશે ? ‘

અનબીટેબલ ઃ બેશરમ દુઃખો નોંતરાની રાહ નથી જોતા, સ્વમાની સુખ આજીજી કરીને થાકો તોય એ એના નિસ્ચિંત સમયે જ આવે છે.

અનાથ


 Phoolchhab newspaper  > 14-1-2015 > navrash ni pal

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,

આખું નભ આપણા બેનું.

તારું છે ફૂલ અને મારું પતંગિયું,

મધુરપ તે આપણા બેની.

– ચંદ્રકાન્ત શેઠ

રવિવાર પછીનો ધમાલિયો સોમવાર અને શિયાળાનો સમય…આકાશનું ધ્યાન વારંવાર એની કાંડા ઘડિયાળના ભાગી જતા કાંટાં પર લપસતું હતું. ડાબો હાથ વારંવાર આંખ સામે લાવવાની અને સમય જોઇને હાથ પૂર્વ સ્થિતીમાં પાછો ગોઠવવાની સતત ચાલતી પ્રવૃતિથી સામેની ચેરમાં બેઠેલી સૂચિ એની અકળામણ સ્પષ્ટપણે વાંચી શકતી હતી. એ અકળામણનો ભાર વાયરલ થઈને અજાણતાં જ પોતાની પર સવાર ના થઈ જાય એ પ્ર્યત્નોમાં પોતાનું ધ્યાન હાથમાં રહેલા મેગેઝિનમાં પૂરોવી દેતી હતી.

ત્યાં જ પ્યુન આવ્યો અને આકાશને કહ્યું કે,’તમને સર અંદર બોલાવે છે.’

‘હાશ…મારો નંબર આવી ગયો’ના રાહતના હાવભાવ સાથે આકાશ એના દીકરા નિસર્ગના ટ્યુશનના સરની કેબિનમાં પ્રવેશ્યો. ઉતાવળમાં આકાશ કેબિનનો દરવાજો પૂરો બંધ કરવાનું ચૂકી ગયો એથી એની અને સરની વાતચીતના અંશ અનિચ્છાએ પણ સૂચિના કાન પર ટકરાવા લાગ્યાં.

‘જુઓ આકાશભાઈ, તમારો દિકરો નિસર્ગ હવે હદ બહારનું વર્તન કરે છે. દિવસે – દિવસે વધુ ને વધુ બેજવાબદાર થતો જાય છે. જ્યાં સુધી ચાલી શકે એમ હતું ત્યાં સુધી તો મેં ચલાવ્યું પણ હવે તો સહનશક્તિની હદ આવી ગઈ છે.’

‘પણ સર વાત શું છે એ વિગતે સમજાવો ને ..’આકાશનો ચિંતાતુર અવાજ રેલાયો.

નિસર્ગની કંપની બહુ જ ખરાબ છે અને એની અસર હવે એના બોલચાલ ને વર્તનમાં ડોકિયા કરે છે. મેં આ બાબતે તમારા મિસીસને પહેલાં પણ ચેતવ્યા છે પણ ખબર નહીં કેમ…એમણે આ બાબતે કોઇ એકશન નથી લીધી કાં તો નિસર્ગ હવે એમના પણ કહ્યાંમાં નથી રહ્યો લાગતો. એમની વાતો પણ ઇગ્નોર કરતો હોય એમ બની શકે. એ ક્લાસમાં સાવ ચીપ લેન્ગ્વેજ વાપરે છે જે બાબતે મારે એને વારંવાર ટોકવો પડે છે. વળી હોમવર્ક, અટેન્ડન્સ દરેક બાબતમાં એ બેપરવાહ છે. એને ભણવાની કોઈ પડી જ નથી. મારા કલાસીસમાં ડિસીપ્લીન બાબતે હું બહુ જ પાક્કો છું. આવું વર્તન હું સહેજ પણ ચલાવી શકું એમ નથી.’

‘સર, એમાં વાત એમ છે કે નિસર્ગને એની મમ્મી કંઇ પણ કહે તો એની એને અસર નથી થતી. કારણ આખો દિવસ એ બે ય જણ સાથે ને સાથે હોય…સતત સંપર્કમાં. એથી મમ્મીની વાતો બહુ અસર ના કરે. મમ્મીની વાતો સાંભળે નહી અને એની અસર પાછી નેગેટીવ થાય ..મમ્મી તો આવી જ છે ને તેવી જ છે વગેરે વગેરે…’

‘તો મિસ્ટર…તમે ટ્રાય કરો. બાપાની વાત તો સંતાનો પર અસર કરે કરે ને કરે જ…’

‘હા, તમે સાચું કહો છો. પણ મારે પહેલેથી બોલવાનું બહુ ઓછું. મારો સ્વભાવ જ એવો છે ને કે સંતાનો સાથે કોઓર્ડીનેટ ના કરી શકું.વળી મારી જોબમાં પણ ટુરિંગ વધુ એથી મહિનામાં વીસ દહાડા તો બહારગામ જ હોઉં. ઘરે આવું ત્યારે રક્ષા મારી પત્ની મને નિસર્ગના મોબાઈલ – દોસ્તો પાછળ પૈસા પાણીની જેમ ઉડાડે છે જેવી ફરિયાદો કરતી હોય છે પણ એને રોકવો કેમનો ..? શું કરું સમજાતું નથી…’

‘આકાશભાઈ, મારી પાસે આવતા અનેકો પિતાઓની આ તકલીફ છે કે તેઓ એમના સંતાનો સાથે કોઓર્ડીનેટ નથી કરી શકતા. નવાઈ લાગે છે.’

‘સર એકચ્યુઅલી મારો સ્વભાવ જ એવો છે કે…’

‘હા આકાશભાઈ, આગળના વાક્યો હું જાણું છું….મારા મનની વાત કોઇને કહી ના શકું…મિક્સ ના થઈ શકું..પુરુષો તો આવા જ હોય ..વગેરે વગેરે ટાઈપ…પણ એક વાત કહો…તમે અત્યારે મારી સમક્ષ આટલા ખૂલીને વાત કરો છો તો તમારા ઘરના આગળ કેમ નથી ખૂલી શક્તાં ? ખૂલવાનું તો સૌ કોઇને ગમે ભલે એ સ્ત્રી હોય કે પુરુષ !’

‘હા સર, વાત તો તમારી સાચી છે.’

‘સાચી છે કહી દેવાથી વાત પતતી નથી મિસ્ટર, નિસર્ગની આ કૂણી ઉંમરમાં તમે એક પિતાનો રોલ બરાબર નહી ભજવો તો તમારા સંતાનની આખી જીંદગી બગડી જશે, એનું કેરિયર ધૂળધાણી થઈ જશે. તમારા સંતાનને સાચવવા, એની પરવરિશ સારી રીતે કરવા તમારામાં સૂઇ ગયેલ પેરેન્ટ્સને જગાડો નહીં તો બહુ મોડું થઈ જશે. તમે તમારા સંતાનને આ દુનિયામાં લાવો છો તો એના સુવ્યવસ્થિત ઉછેરની જવાબદારી પણ તમારી જ છે. દરેક સંતાનની સાયકોલોજી અલગ અલગ હોય છે એમની સાયકોલોજી સમજીને એના પ્રમાણે એને ટ્રીટ કરતાં શીખો. મોટા ભાગના પુરુષો પૈસા કમાઈ લાવ્યા એટલે પોતાની ફરજ પૂરી..બાકીનું બધું પત્નીના માથે ઢોળી દે છે. હકીકતે એવું નથી હોતું. સંતાનને મા અને બાપ બે ય ના સંતુલિત પેરેન્ટીંગની જરુર હોય છે. વારંવાર તમારા પત્ની ટોક્યા કરે એટલે એની મહત્તા સંતાનો આગળ સાવ ઓછી થઈ ગઈ છે એનું સાંભળીને પણ નિસર્ગ નાસાંભળ્યું જ કરી દે છે અને તમે છો કે હું ખૂલી શક્તો નથી કરીને નિસર્ગને કશું કહેતાં નથી. પ્રોબ્લેમ ક્યાં છે એ સમજો નહીં તો પછી પસ્તાવાનો વારો આવશે. મારી જવાબદારી તો નિસર્ગને ભણાવવા પૂરતી જ. પણ આ તો એના મમ્મી વારંવાર મને મળવા આવે એટલે હું એના પર વધુ ધ્યાન આપું છું પણ હવે મારી ય લિમિટ આવી ગઈ છે.’

‘તો શું કરૂં…એનો મોબાઈલ લઈ લઉં…એની પોકેટમની બંધ કરી દઉં ? મને કંઈ સમજાતું નથી સર્, પ્લીઝ થોડું ગાઈડન્સ આપો.’

‘આકાશભાઈ, આ ટીનેજરમાં આવા અંતિમ ને સ્ટ્રીકટ પગલાં ન ભરાય. થોડી છૂટ આપીને થોડી લગામ ખેંચી રાખવી પડે. સંતાનોના સમયે આપણે થોડો આપણો સમય કાઢતાં, એને સાંભળતા, સમજતાં શીખવું પડે. તમે તમારો સમય ને હૂંફ આપશો તો મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને નિસર્ગ અંદરથી થોડો શાંત થશે. નિસર્ગને બધી છૂટ આપી દીધી છે તો હવે એના માથે થોડી જવાબદારી નાંખતા પણ શીખો.એના પોતાના સિવાય તમારા , ઘરના અમુક કામની જવાબદારી આવશે એટલે એનું માઈન્ડ પણ ડાયવર્ટ થશે. ધીરજ , સમજણ અને સમય….આ ત્રણ વસ્તુ બહુ જ જરુરી છે. હવે ચેતી જાઓ તો સારું ..બીજું શું કહું ?’

અને બહાર બેઠેલી સૂચિને આ સંવાદ સાંભળીને પોતાના પતિ દેવની યાદ આવી ગઈ એ પણ ડીટ્ટો આવો જ ને.., ‘પુરુષ પુરુષ આગળ આટ્લો ખૂલી શકે તો એના સંતાનો આગળ કેમ નહીં ? વળી ‘હું તો પહેલેથી જ આવો છું’ કહીને જાતને બદલવાની કોઇ જ તૈયારી નહી રાખવાની ? હું તો સમજુ છુ એની મર્યાદા ચલાવી લઉં પણ મારા સંતાનો આ વાત ક્યાં સમજવાના ? પોતાની મર્યાદા દેવ પણ જાણે છે તો એને સુધારવાનો સમય કેમ નથી કાઢતો ? પૈસા કમાઈ લેવા એ બધી વાતનું સોલ્ય્યુશન તો નથી જ ને..સંતાનોના ઉછેરની અવેજીમાં મા બાપની કોઇ જ મર્યાદા કે પૈસો કામ નથી લાગતો. મા બાપે પોતાની ખામી અને ખૂબી બે ય બરાબર સમજી અને સાથે મળીને એક સ્વસ્થ સંતાનનો ઉછેર કરવાનો હોય છે પણ કમનસીબે આપણાં બાળકો સગા મા બાપે પણ જીવનભર એક પેરેન્ટસની ખોટ અનુભવતા જ રહે છે…અનાથ જ રહે છે..’ અને સૂચિથી એક નિઃશ્વાસ મૂકાઈ ગયો.

અનબીટેબલ : પૂર્ણરુપે ખીલવાની પૂર્વશરત થોડો ઉઘાડ હોય છે.

સ્નેહા પટેલ

દહેજ


 

News160_20120515131647609Phoolchhab newspaper > Navrash ni pal column > 31-12-2014

તો જ સાર્થક ઠરે પર્વની પર્વતા,

કે ઉજવણાં પછી, ક્લેશ જેવું ન હો !

 

હાથ એનો ઉપર હોય છે આખરે

હાથમાં જેમનાં મેલ જેવું ન હો !

 

-ડૉ.મહેશ રાવલ.

‘ધીરજભાઈ, રીતુ તો મારી આંખમાં આંજેલુ ઉર્મિમય સ્વપ્ન છે. હું એના માટે બહુ જ સારું ખાનદાન અને છોકરો શોધી રહ્યો છું.’ રાજુભાઈ ફોન ઉપર પોતાના સંબંધી ધીરજભાઈને કહી રહ્યાં હતાં.
લાગણીમય રાજુભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. કોઇ પણ બાપ માટે દીકરી એટલે શું એ કોઇ જ શબ્દોના વાડામાં ના પૂરાઈ શકે એવી લાગણી હોય છે. રાજુભાઈ માટે પણ એમની દીકરી રીતુ એટલે એમની આંખનો તારો હતી, પણ હવે એ લાડલીની માતા પિતાના ઘર તરફથી એના પતિના ઘર તરફની સફર ચાલુ કરવાનો સમય પાકી ગયેલો. વર્ષોથી એ દૂર દૂર દેખાતી મંઝિલની ધૂંધળી લીટી હવે નજીક આવતી જતી હતી અને વધુ ને વધુ સ્પ્ષ્ટ થતી જતી હતાં. પ્લે ગ્રુપ..સિનિયર..પ્રાથમિક..માધ્યમિક..કોલેજ અને છેલ્લે એની મનગમતી કેરિયરમાં નોકરીના અમુક વર્ષો…આ બધા મુકામો ક્રમશઃ એના લગ્નના મુકામની નજીક લાવતા, લાવતા માવતરથી દૂર દૂર કરતા જતા હતા અને રાજુભાઈનો જીવ કળીએ ને કળીએ કપાતો હતો પણ સામાજીક વ્યવસ્થા આગળ તેઓ લાચાર હતાં.

‘રાજુભાઈ, મારા એક મિત્ર છે રુપેશભાઈ. અહીં અમદાવાદમાં જ રહે છે. એમનો એકનો એક દીકરો હમણાં જ મિકેનિકલ એન્જીનીઅર થયો છે. રુપ – રંગ અને ગુણમાં મારી ગેરંટી છે. એને મેં રીતુની જેમ નાનેથી મોટો થતા જોયો છે વળી આપણી જ જાતિનો છે. તમે કહો તો વાત ચલાવું .’

‘અરે વાહ, નેકી ઓર પૂછ પૂછ ધીરજભાઈ ?  શ્યોર, વાત કરો પ્લીઝ. પણ એક મિનીટ…છોકરો શું કમાય છે અને ઘર ખાધે પીધે કેવું છે ?’

‘રાજુભાઈ,  છોકરો હજુ માંડ સત્તાવીસનો.  હમણાં જ માસ્ટર પતાવ્યું છે.  નોકરી ખૂબ જ સરસ છે અને છોકરો બહુ જ સ્માર્ટ, મહેનતુ ને પ્રામાણિક તો આગળ વધવાના ચાન્સીસ બહુ છે. અત્યારે અંદાજે એનો પગાર પચીસે’ક હજાર હશે જ…ઘર સામાન્ય સ્થિતીનું છે. મા બાપે લોન લઈ લઈને એને ભણાવ્યો છે પણ એ બધાંનો બદલો આ છોકરો પૂરો વાળી રહ્યો છે. ખરચા જોગ પૈસા આરામથી  નીક્ળી રહે પણ માણસો દિલના બહુ અમીર. સાચું કહું – એને જોઇને આંખ ઠરે છે !’

‘અ….અ…..એક કામ કરો ને ધીરજભાઈ, આપણે આ સંબંધ માટે વિચારવાનું છોડી દઈએ. મારે તો મારી રીતુ માટે પૈસાવાળું  ઘર અને વેલસેટલ્ડ છોકરો જ શોધવો  છે. મારી દીકરી તો રાણીની જેમ રાજ કરવા જ જન્મી છે.’

‘રાજુભાઈ, પૈસા જેવી વાતને લઈને આટલો સરસ સંબંધ વિચારવા પર ચોકડી મારો છો એની નવાઈ લાગે છે. પૈસો તો આજે છે ને કાલે નથી..વળી માણસો લાખ નહીં કરોડ રુપિયાના છે.  વળી તમારે પૈસાની ક્યાં ખોટ ? પૈસો તો તમારી પાસે ય મબલખ અને રીતુ તમારી એક ની એક દીકરી. એ લોકોને તમે થોડી મદદ કરી દેજો..એમાં શું મોટી વાત છે ?’

‘અર…ર…ર….ધીરજભાઈ, તમે આટલા ભણેલાં ગણેલાં થઈને મારી સાથે દહેજની વાત કરો છો એ જાણીને આંચકો લાગ્યો.’

‘રાજુભાઈ, તમે વાતને ઉંધી રીતે કાં જુવો ? રીતુ તમારું સંતાન – વળી પરણી જાય એટલે તમારી દીકરી થોડી મટી જવાની ? જેમ તમે એને ભણાવવા ગણાવવામાં જાત ઘસી એમ છોકરાવાળાએ પણ એમના છોકરાની કેરીઅર – સંસ્કારની મૂડી ભેગી કરવામાં જાત ખર્ચી જ છે ને. વળી રીતુ પણ નોકરી કરે છે એનો પગાર પણ આશરે ત્રીસ હજાર જેટલો છે. તો એ પણ એના સંસારમાં મદદરુપ થશે જ ને ?’

‘લો, આ જ બાકી રહી ગયેલુ ? દહેજ પછી મારી દીકરીને નોકરી કરાવવાની વાત…તમારું મગજ તો ઠેકાણે છે ને ?’

‘રાજુભાઈ, તમે રીતુને દહેજ આપવાની વિરોધમાં છો તો એના માટે સામેવાળું પાત્ર પૈસાદાર હોવું જોઇએ, તમારી દીકરીને નોકરી ના કરવા દે અને બેઠા બેઠા ખવડાવે , એના બધા મોજશોખ – લાડ પાડ પૂરા કરે એવું વિચારો છો તો આ વિચારસરણીથી તમે છોકરાવાળા પાસેથી દહેજની આશા રાખો છો એમ ના કહેવાય ? તમારા ઘરમાંથી એક સદસ્ય ઓછું થાય છે તો સામેવાળાને ત્યાં વધે છે વાતને એ રીતે તો વિચારો… વળી રીતુ તમારા ઘરે એની મરજીથી, શોખથી નોકરી કરે છે તો સાસરે જઈને કરશે એમાં શું મોટું આભ તૂટી પડવાનુ ? ઉલ્ટાનું પોતાની કમાણી હોય તો એનો હાથ છૂટો રહે, સ્વતંત્ર રહે . આપણા સમાજમાં દીકરીને જે આપીએ એ દહેજ એવી માન્યતા જે છે એનો અતિરેક થઈ રહ્યો છે. રીતુ તમારું ય સંતાન..ને તમે તમારી તાકાત હોય ને તમારા દીકરી જમાઈના સંસારને સુખરુપ ચલાવવામાં મદદરુપ થાઓ તો ખોટું શું છે ? એ લોકો સામેથી કશું જ ના માંગે પણ તો ય તમારી દીકરી – જમાઈનો સંસાર સુખરુપ ચાલે એ તમારી અને તમારા વેવાઈની સંયુક્ત જવાબદારી ખરી કે નહીં ? છોકરાવાળા તો પોતાની તાકાત નથી તો પણ એમના છોકરાંના લગ્નનો જે ખર્ચો થાય એ કન્યાપક્ષ સાથે અડધો અડધો વહેંચી લેવાની વાત કરે છે બોલો…એમને દહેજની કોઇ લાલસા નથી. પણ પોતાની દીકરીના સંસારને સુખરુપ ચલાવવા માટે કોઇ મદદ નહીં કરું જેવી જડ માન્યતા રાખનારા માતા પિતા ભાવિ જમાઈ પાસેથી  આવી અનેકો આશા રાખે એ દીકરાપક્ષ પાસેથી દહેજ માંગો છો એમ ના ગણાય !’

અને રાજુભાઈ ચૂપ થઈ ગયાં. બોલવા માટે આમ પણ એમની પાસે કશું હતું નહીં. ધીરજભાઈની વાતમાં ભારોભાર તથ્ય હતું. દહેજની વાત આ રીતે તો પોતે કદી વિચારી જ નહતી.

અનબીટેબલ : વસ્તુ ધૂંધળી દેખાય તો એ દૂર જ હોય એવું જરુરી નથી. બની શકે તમારી નજર કમજોર હોય.

-sneha patel