સજાગ ભક્ત

phoolchhab newspaper > 10-12-2014 > Navrash ni pal column

 

ના પહોચી શકું જો મન સુધી ,

તો કરું સ્થાન શું અચળ રાખી !

 

-પીયૂષ પરમાર

રાત ધીમે ધીમે એનો પ્રભાવ પાથરવા લાગી હતી. નરમ સાંજને હળવેકથી બાજુમાં ખસેડીને એ પગપેસારો કરી રહી હતી. આજે રીના પીયર ગઈ હોવાથી કેદારને જમવાનો કોઇ ખાસ મૂડ નહતો એટલે થોડા ભજીયા અને બિસ્કીટસ સાથે કોફી ખાઈ લેવાનું વિચાર કરેલો. ત્યાં એની નજર સામેના બંગલા પર પડી. સવારના ઉજાસમાં જે બંગલો એની ચોતરફ હરિયાળી ભરીને ઝૂમતો અને જીવંત લાગતો હતો એ અત્યારે આછા અંધારામાં એક કાળા ધબ્બા જેવો જ લાગ્યો. કાળા ધબ્બા સાથે નજરને ના ગોઠતાં કેદારે નજર ફેરવી તો એની જ ગેલેરીમાં રીનાએ નવી વાવેલી ચાંદનીની વેલ પર નજર સ્થાયી થઈ ગઈ.

‘ઓત્તારી, આ નાના નાના નાજુક સા સફેદ ફૂલ કેટલા સુંદર લાગે છે. દૂરની હરિયાળી જોવામાં પોતાને ખુદની જ ગેલેરીની આભાનું ધ્યાન જ નહતું આવ્યું. અજવાશ પછીના અંધકાર પાછળ જગતનિયંતાનું કદાચ આ જ ગણિત હશે કે દૂરનું જોવાનું છોડીને માણસ નજીકનું – પોતીકું વિશ્વ જોવા માટે સમય ફાળવે’ અને મનોમન ચાલતા મનોમંથનથી કેદાર મુકત મને હસી પડ્યો. એ પછી એણે બહુ જ સાવચેતીથી પોતાના મનગમતા ક્રીસ્પી બિસ્કિટસનું ક્રીમ કલરનું લીસું અને ચમકતું રૅપર ખોલ્યું અને દર વખતની જેમ આ વખતે પણ એક તીખી અણગમતી લાગણી એના ચહેરા પર લીંપાઈ ગઈ.

‘આ લોકો બિસ્કીટમાં અંદરનું પેકીંગ ઉંધુ કેમ રાખતા હશે ? ઉપરથી પેકેટ ખોલતા જ એની નીચે રહેલું સફેદ પ્લાસ્ટિકનું કવર આખું કાઢો તો જ બિસ્કીટ લઈ શકાય. આ રીતે તો પેકેટ ખોલો એટલે બધા બિસ્કીટ્સ બહાર જ આવી જાય પછી આપણી પાસે ઓપ્શનમાં કાં તો બધા બિસ્કીટ્સ ખાઈ જાઓ ક્યાં હવાચુસ્ત ડબ્બો શોધીને એમાં આ બિસ્કીટને ટ્ર્રાંસફર કરો. ઉત્પાદકો આટ આટલી કમાણી પછી પણ આવી અવળી નીતિ કેમ અપનાવતા હશે ?’ વિચારતા વિચારતા બિસ્કીટ પેટમાં પધરાવીને ઉપર કોફીનો ઘૂંટડો ભર્યો અને એની મિત્ર ટોળકી દરવાજામાં ડોકાઈ.

‘ઓહોહો…આવો દોસ્તો આવો.’ દોસ્તોના આગમનથી કેદારના મનની બિસ્કીટ ઉત્પાદકો સામેના રોસની લહેરખી ઠરી ગઈ.

‘અલ્યા, એકલો એકલો કોફી પીવે છે ને…અમારી પણ બનાવડાવ હેંડ્ય..અને હા, સાથે થોડો નાસ્તો બાસ્તો પણ ખરો હોંકે..’ ચાર દોસ્તોના વૃંદમાંથી બે ફરમાઈશી અવાજ રેલાયા અને મરકતા મરકતા કેદારે એના નોકરને બોલાવીને કોફી અને ગરમા ગરમ પકોડા બનાવવાનો ઓર્ડર આપ્યો.

વાતોના ગપાટા ચાલુ થયા અને એમાં કોફીને નાસ્તો તો ક્યાં પતી ગયા એનો ખ્યાલ પણ ના રહ્યો. અચાનક જ અવિનાશ નામના મિત્રની નજર કેદારના ડ્રોઈંગરુમની દિવાલ પર લટકતી શ્રીનાથજીબાબાની છબી પર પડી અને એ ચમક્યો,

‘અલ્યા, તું વળી આ ભગવાન બગવાનમાં ક્યાંથી માનતો થઈ ગયો ?’

‘લે, હું તો એ પરમશક્તિમાં પહેલેથી જ શ્રધ્ધા ધરાવું છું.’

‘ઓહ..એ દિવસે આપણે હાઈવે પર આવેલા મંદિરમાં ગયેલા અને ત્યાં પ્રસાદમાં ચરણામૃત લેવાની ના પાડેલી એ પરથી મને એમ કે તું તો સાવ નાસ્તિક છું.’ કવન નામનો મિત્ર અવિનાશના આસ્ચ્ર્યમાં સાથે જોડાયો.

‘કવલા, એ પાણીમાં નકરો કચરો હતો. ભગવાનના નામે આવા ધતિંગમાં હું ના માનું. જુઓ મિત્રો, ભગવાન પ્રત્યેની મારી સમજ એક્દમ કલીઅર ને કટ છે. મારી સમજ પ્રમાણે આપણા સમાજમાં લગભગ ચાર પ્રકારના વ્યક્તિ છો. એક ઃ જે આંખો બંધ કરીને ભગવાનમાં માનતા હોય અને એના નામે બધું જ કરી છૂટે છે. ધર્મના નામે ચાલતા તૂતની પણ એમને સમજ નથી પડતી – સમાજમાં તેઓ આસ્તિક નામનું વિશેષણ ધરાવે છે. બીજો – કંઈ જ સમજ્યા વિના અને વિચાર્યા વિના ધરાર ભગવાનને અવગણી બેસે છે એ નાસ્તિકનામી લોકો. ત્રીજો વર્ગ જે બહુ જ મજબૂતાઈથી ‘પોતે તો સાવ નાસ્તિક છે’ ના બણગાં ફૂંકતા હોય અને જ્યારે પણ એમની પર આપત્તિ આવી પડે ત્યારે જે ‘હાથમાં એ સાથ’માં કરીને એકે એક જાતના ભગવાનમાં – દોરા ધાગામાં સુધ્ધા વિશ્વાસ ધરાવતા થઈ જાય છે એ તકવાદી સાધુ જેવા લોકો અને ચોથા જે કોઇ પણ સ્થિતીને પહેલાં જાણવાનો આગ્રહ રાખે છે, એના ઉંડાણમાં ઉતરીને એને પૂરેપૂરું સમજવાની મથામણ કરે છે અને પોતાને જેટલું યોગ્ય લાગે એટલાનો મજબૂતાઈથી સ્વીકાર કરે છે અને છેક સુધી એને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે. આજે નાસ્તિક ને કાલે આસ્તિક જેવી વાતો એને નથી સ્પર્શતી. એ આંધળો અનુનાયી નથી હોતો. એની સમજણના બધા દરવાજા ખુલ્લા રાખીને આ સંસારને એક અદભુત શક્તિ ચલાવી રહી છે અને પોતે એ સંસારનો એક નાનો શો અંશ છે એ વાત સ્વીકારીને રોજ પોતાના જીવન માટે પરમાત્માનો આભાર વ્યકત કરે છે , પોતાના દિલ ને દિમાગમાં એ શક્તિને આધીન રહીને સદા સારું આચરણ કરવાનો આગ્રહ સેવે છે એ વર્ગ એટલે કે મારા જેવા લોકો..જેને શું નામ આપવું એ વિચાર હજુ સુધી મને નથી આવ્યો…કદાચ જાગ્રત ભકત કહી શકાય. હવે બોલો મિત્રો મારી માન્યતા ક્યાં અને કેટલી ખોટી છે ?’

‘સાલા કેદારીયા…તું તો જબરું જબરું વિચારે છે યાર. આમ પણ કાયમ તારી કોઇ પણ વાતને નકારી શકાય એમ ક્યાં હોય છે ! ચાલ આજે રાતે અમે પણ આ વાત પર વિચારીશું ને ફરી મળીએ ત્યારે ચર્ચા કરીશું. તેં જ કહ્યું ને અક્કલના દરવાજા ખુલ્લા રાખીને હરિ ભજવા..’ અને અવિનાશની વાત પર બધા મિત્રો ખડખડાટ હસી પડ્યાં.

અનબીટેબલ : પ્રાર્થના એટલે ફકત હોઠથી નહીં પણ સંપૂર્ણ અસ્તિત્વથી હસવું !

-સ્નેહા પટેલ

3 comments on “સજાગ ભક્ત

  1. ખુબ મજાના વિષયને નાનકડી વાર્તામાં સુપેરે સાંકળી લીધો, રજુઆત ગમી.. ” થોડા ભજીયા અને બિસ્કીટસ સાથે કોફી ખાઈ લેવાનું વિચાર કરેલો.” ની જગ્યાએ થોડા ભજીયા અને બિસ્કીટસ કોફી સાથે ખાઈ લેવાનું વિચાર કરેલો.” કરવું જોઇએ.. કોફી ખાલી બંગાળી લોકો જ ખાય આપણે ગુજરાતીઓ તો પીએ જ.. બરાબર ને ?!! એક જ શબ્દ આગળ કરી લેવાથી બરાબર લાગશે. (કદાચ તમારી ટાઇપીંગની ભૂલ પણ હોય) મારે ધ્યાને આવ્યું એ કહ્યું બીજું ‘રોષ’ આમ લખાય …

    Like

  2. ખુબ જ સરળ લાગતો પ્રસંગ કેવી સમજ આપતો બની જાય છે ત્યારે જે પ્રેરણા મળે તે પાલન કરવાનું મન થઈ જાય…મને તો યાદ આવી ગયું ચતુર્વિધા ભજન્તે મામ..આર્તો જીજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્શભઃ..કૃષ્ણ વચન..

    Like

  3. Mano aa xan chelli che to shu karsho? Jivo dost hasta hasaavta khabr nthi kaii cheli bani jay.ha ha hhhhhhhhhaàaaaaaa

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s